દેશપ્રેમ અને દેશદ્રોહ

0
176

દેશપ્રેમ આજના લોકશાહી દેશોનો બહુ જ ચર્ચાસ્પદ શબ્દ છે, દેશપ્રેમ કોઈ ઉપવાસ નથી કે કહેવાથી ખબર પડે. વ્યક્તિનું ઉત્તમ પ્રમાણિક ચરિત્ર જ દેશપ્રેમની મુખ્ય નિશાની છે. દેશપ્રેમ એ દેશ પ્રતિનો માનસિક આવેગ છે જે જોઈ ન શકાય, પણ અનુભવી શકાય. હા, કોઈ નાગરિક દેશ સાથે ગદ્દારી કરે કે દેશદ્રોહ કરે તો તે દેશપ્રેમી નથી એમ જરૃર કહી શકાય. આ દેશમાં વર્ષોથી ગદ્દારો તો વસેલા જ છે. ઇતિહાસ ગવાહ છે કે અંગ્રેજોની ગુલામી કહેવાતા ગદ્દારોના લીધે જ હતી. નવાઈની વાત છે કે મુઠ્ઠીભર પરદેશીઓ કરોડોની પ્રજા પર સો વર્ષ રાજ કરી ગયા. પણ ઉપરવાળાની કૃપા જ થઈ કે, કરોડો પ્રેમીઓ જાગૃત થયા અને આપણને આઝાદી મળી ગઈ.
ખરેખર તો રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ લોકશાહીની ઉપજ છે. દેશમાં ભૂતકાળમાં રાજાશાહી વખતે અલગ-અલગ રજવાડા હતા એક દેશ એક રાષ્ટ્ર ન હતું. અખંડ ભારત ન હતું. ઈ.સ.૧૮પ૭ના વિપ્લવ પછી અંગ્રેજોની ખાલસા પદ્ધતિથી એક રાષ્ટ્ર બન્યું અને ભારત એક દેશ છે તેની સમજ પ્રજાને ઈ.સ.૧૮પ૭ પછી આવી. એ વખતે કેળવણીનો પણ અભાવ હતો.
ખરેખર તો રાષ્ટ્રવાદનો વિચાર કોંગ્રેસની સ્થાપના પછી આવ્યો. અગાઉના સમયમાં રાષ્ટ્રીય ભાવનામાં કટ્ટરતા ન હતી. કોઈ ભેદભાવ ન હતો. પણ પૂરા વિશ્વ માટે શાંતિની ભાવના હતી.
જેમ ઘર અને કુટુંબને બચાવવું જરૃરી છે તેમ દેશ અને દેશવાસીઓને બચાવવાનું જરૃરી સમજતા હતા. આ ભાવનાને લીધે જ દેશને આઝાદી મળી અને આપણે પ્રગતિ પણ કરી શકયા.
પણ હવે રાષ્ટ્રવાદની ભાવનામાં ધાર્મિક લાગણીઓ ઉમેરાઈ ગઈ છે. નવી વ્યાખ્યામાં બહુમતી પ્રજા નાગરિકતાની પ્રથમ હરોળમાં આવે છે અને લઘુમતી પ્રજા બીજી કક્ષાના નાગરિક કહેવાય છે.
સમગ્ર વિશ્વની શાંતિ અને સુખ-સમૃદ્ધિ ઇચ્છતો હોય. વર્ણના નામે, ધર્મના નામે, જાતિના નામે અને પ્રાંતના નામે ભાગલા પાડતો ન હોય તે જ સાચો દેશપ્રેમી છે.
માત્ર દેશપ્રેમથી દેશ ન સચવાય, પણ સાથોસાથ દેશશક્તિ પણ હોવી જરૃરી છે. ઈ.સ.૧૮પ૭ના સંગ્રામમાં તન, મન અને ધનથી દેશ માટે લડનારા અનેક દાખલા છે. ટીપુ સુલતાન, ઝાંસીની રાણી, બહાદુરશાહ ઝફર, તાતા, ટોપ્યે અને બીજા અગણિત સ્વતંત્ર સેનાનીઓએ સર્વસ્વ કુર્બાન કરીને પણ પ્રાણની કુર્બાની આપી હતી. દેશ તેમના બલિદાન યાદ કરે છે. આજની પ્રજા હોય કે નેતા હોય પૂરેપૂરા દેશપ્રેમી તો નથી જ.
અગાઉ નાત-જાત અને અમીર-ગરીબના ભેદભાવ વગરનો નિઃસ્વાર્થ દેશપ્રેમ હતો. આજના બાળકો અને વિદ્યાર્થીઓને આ સાચા દેશપ્રેમનો ઇતિહાસ ભણાવવો જરૃરી છે.
હા, આ લેખકે ઈ.સ.૧૯૬૦-૬૧ની સાલમાં પોતાની કિશોરાવસ્થામાં દિલધડક દેશપ્રેમ જોયો છે. દેશને નવી નવી આઝાદી મળી હતી. પ્રજા ખૂબજ ઉત્સાહમાં હતી. રાજકારણ અને દેશના વ્યવહારમાં કોઈ ભેદભાવ ન હતા. ગરીબી વધારે હતી તેથી લોકો વચ્ચે પ્રેમ પણ વધારે હતો. આઝાદ દેશ ખૂબજ પ્યારો લાગતો હતો. તે દરમ્યાન ચીને આપણી લદ્દાખ સરહદ તરફથી આક્રમણ કરી દીધું. આઝાદીના આનંદમાં ભંગ પડી ગયો. લોકો ચિંતાતૂર થઈ ગયા. નાના-મોટા સૌ કોઈ ભેદભાવ અને લોભ વગર દેશ માટે કાંઈપણ કરી છૂટવા તૈયાર હતો. વડાપ્રધાને મદદની અપીલ કરી તો લોકોએ ઝોલીઓ છલકાવી દીધી. પહેરેલા ઘરેણા ઉતારીને ફાળામાં આપી દીધા. લશ્કરમાં ભરતી થવા યુવાનોએ લાઈન લગાવી દીધી. લોકો એક ટંક ભૂખ્યા રહીને પણ દેશને મદદ કરવા તૈયાર હતા. કર્મચારીઓએ રાહતફંડમાં પોતાના પગાર આપી દીધા. પ્રજા ભયભીત હતી કે ફરી પાછો દેશ ચીનાઓનો ગુલામ ન થઈ જાય. હવે ગુલામી પોષાય નહીં. સૈનિકો સરહદ પર જાનની બાજી લડાવી રહ્યા હતા. ચોરે ને ચોટે દેશપ્રેમના ગીત જ સાંભળવા મળતા. આજે આવો જુસ્સો નથી. કેમ ? લોકોના દિલ દેશ પ્રત્યે પથ્થર થઈ ગયા છે. રાજતંત્રે તેમના જુસ્સાને દબાવી દીધો કે દેશ પ્રતિ બેદરકાર થઈ ગયા છે. સાચી દેશદાઝવાળા લોકો ઘટી ગયા છે. પણ દેશ માટે દેખાડો કરનારા વધારે છે. આમ જ રહેશે તો દેશનું શું થશે ? શું દેશ ફરી ગુલામ થઈ જશે ?
આજના સમયમાં દેખાડો કરનારા લોકો દેશ માટે લડવાને બદલે કોમવાદ અને જાતિવાદ માટે લડે છે. આ લડાઈથી દેશને નુકસાન થાય છે. વિકાસમાં દેશ પાછળ રહી જાય છે. અંદર-અંદર લડવાથી ભાઈચારો અને સંપ ઘટી જાય છે. વિદેશોમાં આપણી આબરૃના ધજાગર થાય છે. દેશપ્રેમમાં પણ ઉણપ આવી જાય છે. ખરેખર તો દેશવાસીઓ નિર્જીવો અને જાનવરોને પ્રેમ કરે તેના કરતાં પોતાના વતનભાઈઓને પ્રેમ કરે. એ જ દેશપ્રેમ છે. આવો પ્રેમ તમને પરદેશની ધરતી પર જરૃર જોવા મળે છે. પરદેશમાં આપણે પ્રાંત, જાતિ કે ધર્મથી નથી ઓળખાતા, પણ ફકત ઇન્ડિયન તરીકે જ લોકો ઓળખે છે. ભારતીયોનો ભાઈચારો પણ ત્યાં જ જોવા મળે છે. પણ ઇન્ડિયામાં એરપોર્ટ પર ઉતરતાં જ, ‘હું મહેસાણાનો’ અને ‘તમે દિલ્હીના’ થઈ જાય છે.
આપણા દેશમાં હાલમાં કેવો દેશપ્રેમ છે તે જોઈએ. ૧પ ઓગસ્ટ અને ર૬ જાન્યુઆરીએ ધ્વજ વંદન ગાય. ચારેકોર દેશપ્રેમના ગીતો સંભળાય, રેડિયો અને ટીવી માધ્યમવાળા સ્વતંત્રસેનાનીઓના ગુણગાન થાય. શાળાઓમાં દેશપ્રેમના ભાષણો થાય. બધાને માટે રાષ્ટ્રીય ગીતો ગૂંજતા હોય. બાળકોના હાથમાં રાષ્ટ્રધ્વજની નાની ધજાઓ જોવા મળે. પણ પછી શું ? ફિર વોહી બેઢંગી પુરાની રફતાર !! બે-ચાર સરકારી ઈમારતો બાદ કરતા કોઈપણ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા ન મળે. પર ફિલ્મી ગીતો વાગતા હોય, જાણે લોકો આઝાદીને ભૂલી ગયા હોય. જાણે લોકો પોતાના વતનને પણ ભૂલતા જાય છે. જાણે પોતાના દેશાં જ પરદેશી થઈ ગયા ? દેશને વિદેશોમાં ગૌરવ અપાવીએ એ પણ આપણી ફરજ છે.
હવે દેશપ્રેમ સાથે દેશદ્રોહની પણ ચર્ચા કરીએ. દેશદ્રોહ એ કાનૂની રીતે ખૂબજ મોટો ગુનો છે જેની સજા ફાંસી પણ હોઈ શકે. દેશદ્રોહ એટલે નાગરિક દેશને કે દેશહિતને મોટું નુકસાન પહોંચાડે તે છે. જેમ કે દેશવિરુદ્ધ બીજા દેશ માટે જાસૂસી કરવી. દેશની મહત્ત્વની માહિતી દુશ્મન દેશોને પહોંચાડી દેવી. વ્યક્તિ પૈસાના લોભમાં કે દબાણવશ આવીને આવા કામ કરે છે. જૂના જમાનામાં રાજ્ય તરફથી કોઈ અન્યાય થતો તો લુટારૃ બની જતા. ખૂનામરકી અને લૂટફાટ કરીને સરકારને અને જનતાને નુકસાન પહોંચાડતા અને સત્તાધીશોને ખૂબજ તણાવમાં રાખતા હતા. આ પણ દેશદ્રોહ જ હતો. આમ તો નાગરીકો દેશ વિરુદ્ધ નાના-મોટા ગુના તો કરતા જ રહે છે. મારા મતે આંદોલનને હિંસક બનાવીને દેશની મિલકતોને નુકસાન પહોંચાડવું એ પણ એક પ્રકારનો દેશદ્રોહ છે. દેશનું હિત આપણું હિત અને દેશનું અહિત આપણું અહિત એમ જ કહી શકાય.
દેશનો વિકાસ, સમૃદ્ધિ અને શાંતિ એ જ આપણી સફળતા છે. આ બધા માટે દેશપ્રેમ જોઈએ. દેશપ્રેમનો જુસ્સો કેળવવા બધી જ કોમ, જાતિ, પ્રાંત ધર્મ અને સંપ્રદાયના લોકોએ અવારનવાર કાર્યક્રમો ગોઠવવા જોઈએ.
બાળકોના શિક્ષણમાં પણ દેશપ્રેમના પાઠ ઉમેરવા દેશહિતની ભાવના નહીં હોય તો દેશ પાછળ ધકેલાઈ જશે. તેનો વિકાસ અટકી જશે.
ગુનાખોરીથી અપમાનજનક સ્થિતિમાં આવી જવાય અને દેશને પણ નુકસાન થાય. આજે નેતાઓ અને પ્રજા દેશહિતને બાજુએ મૂકીને પોતાનો જ સ્વાર્થ સાધી રહ્યા છે. આનાથી શકાય છે કે દેશ ફરી ગુલામ થઈ જાય. ***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here