પાટણ,
કેન્દ્રમાં બિરાજમાન ભાજપની સરકાર બાબતે ભાજપની સરકારા ભારત દેશના મુસ્લિમો માટે અભિષાપ બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી શાસનમાં બીરાજમાન થયા પછી અંગ્રેજોની જે રાજનીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની અમલમાં મૂકી રહી છે. ભારત દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. તેનાથી પણ બદતર હાલત આ દેશની હાલની પરિસ્થિતિમાં ભાજપ સરકારે કરી છે. દેશમાં બેકારી, ગરીબી, મોંઘવારી, બેરોજગારી તેમજ સરહદો સળગી રહી છે. ત્યારે દેશના લોકોનું આ બાબતો પરથી ધ્યાન હટાવવા માટે મુસ્લિમોને લક્ષ્ય બનાવી રહ્યા છે અને ખોટા-ખોટા ષડયંત્રો રચીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે ત્રિપલ તલાકનું બિલ જે લાવેલા છે તે મુસ્લિમ મહિલાઓને જરા પણ લાભદાયી નથી. તેમ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાએ જણાવ્યું છે. મુસ્લિમ મહિલાઓએ ત્રણ તલાકના આ બિલ વિરુદ્ધમાં ત્રણ કરોડથી પણ વધારે સહીઓ કરીને પોતાનો વિરોધ નોંધાવી મહામહીમ રાષ્ટ્રપતિને મોકલેલ છે. આ બાબતે સમગ્ર દેશમાં આંદોલનો પણ થયેલા છે. છતાં પણ દેશમાં અંધાધૂંધી ફેલાવવાના આશયથી આ બિલ લાવી રહ્યા છે. તેમ જણાવી રાઉમાએ વધુમાં જણાવ્યું કે આ બિલ દેશમાં કાયદો બનશે તો લોકોમાં આક્રોશ વ્યાપી જશે અને તેના પરીણામે આ દેશના સામાન્ય ગરીબ, મજૂરવર્ગ જેવા લોકોને ભોગવવાનો સમય આવશે. ભાજપનીસરકાર લોકોના વિકાસની ચિંતા કરે. આવા તૂતો ન કરે તો સારૃં છે.
તેમણે અંતમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજ માત્ર ને માત્ર આકાશીય પુસ્તક કુઆર્ને કરીમ અને મુહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના ઉપદેશ હદીસ શરીફના બતાવેલ રસ્તા પર જ ચાલશે. પોતાના જીવનનું બલિદાન આપીને પણ સો ટકા ઇસ્લામના કાયદા કાનૂનને અનુસરીને વફાદાર રહેશે. જેમાં લેશમાત્ર પણ વધઘટ નહીં ચલાવી લે જે સનાતન સત્યછે જેમાં હું પણ આવી ગયો, ભાજપની સરકાર લવ-જેહાદ, ઘર-વાપસી, ગૌ-હત્યા, ત્રિપલ તલાક જેવા અનેક બેબુનિયાદ મુદ્દાઓ ઊભા કરીને મુસ્લિમોને ઉલઝાવી ગેરમાર્ગે દોરવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી છે.