(૧) અનુવાદઃ
અબૂ હાઝિમ રદિ.થી રિવાયત છે કે, તેઓ ફરમાવે છે કે હું અબૂ હુરૈરહ રદિ.ની સાથે પાંચ વર્ષ રહ્યો છું. મેં તેમને નબી સ.અ..થી આ હદીસ વર્ણવતા સાંભળ્યા છે કે આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ બની ઈસરાઈલનું નેતૃતવ અંબિયા (અ.સ.) કરતા હતા. જ્યારે કોઈ નબી મૃત્યુ પામતા તો બીજા નબી તેમના ઉત્તરાધિકારી બનતા. પરંતુ મારા પછી કોઈ નબી નથી, બલ્કે ખલીફાઓ (નાયબ, ઉત્તરાધિકારી) હશે, અને તે ઘણાં હશે. લોકોએ કહ્યુંઃ (તેમના વિશે) આપ સ.અ.વ. અમને શું હુકમ આપો છો ? ફરમાવ્યુંઃ જે પ્રથમ (ખલીફા) હોય, તેની બૈઅ્ત પૂરી કરજો. તમે તેમના હક્ક અદા કરતા રહેજો, એ દેખરેખ તથા જવાબદારી વિશે અલ્લાહ પોતે તેમનાથી પૂછપરછ કરશે, જે તેણે તેમને સુપરદ કરી છે.’૧ (બુખારી, મુસ્લિમ, ઇબ્ને માજહ, અહમદ)
સમજૂતીઃ
૧ આ હદીસ બતાવે છે કે હઝરત મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના અંતિમ નબી છે. નબુવ્વતનો સિલસિલો આપ સ.અ.વ. ઉપર સમાપ્ત થઈ ગયો છે. રસૂલુલ્લાહ સ.અ.વ.નો આ ઇર્શાદ વાસ્તવમાં કુઆર્નમજીદની આ આયતની સમજૂતી છેઃ
(લોકો) મુહમ્મદ (સ.અ.વ.) તમારા પુરૃષો પૈકી કોઈના બાપ નથી, પરંતુ તે અલ્લાહના રસૂલ અને નબીઓમાં અંતિમ છે અને અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાાન છે.’ (સૂરઃ અહ્ઝાબ, આયત-૪૦)
નબુવ્વત વાસ્તવમાં એક હોદ્દો છે જેના પર અલ્લાહ એક ખાસ જરૃરતથી કોઈ વ્યક્તિને નિયુકત કરે છે એ જરૃરત જ્યારે ‘દાઈ’ (નિમંત્રક) તરીકેની હોય છે તો અલ્લાહતઆલા તરફથી એક નબી નિયુકત કરી દેવામાં આવે છે. જ્યારે જરૃરત નથી હોતી તો અંબિયા અ.સ. મોકલવામાં નથી આવતા, કુઆર્નમજીદના અધ્યયનથી જણાય છે કે ચાર સંજોગો એવા છે કે જેમાં અંબિયા અ.સ.ને મોકલવામાં આવ્યા છેઃ (૧) કોઈ ખાસ કોમમાં કોઈ નબી ન આવ્યા હોય, કોઈ બીજી કોમમાં આવેલા નબી અ.સ.નો પૈગામ પણ એ કોમ સુધી પહોંચી ન શકતો હોય, તો એ કોમની હિદાયત માટે અલ્લાહ તરફથી નબીનું આગમન થાય છે. (ર) અગાઉ થઈ ગયેલા નબી અ.સ.ના શિક્ષણને લોકોએ ભુલાવી દીધું હોય, અથવા એ નબી અ.સ.ના શિક્ષણમાં ફેરફાર થઈ ગયું હોય કે હક અને બાતિલ (સત્ય અને અસત્ય)માં ભેદ કરવો મુશ્કેલ થઈ ગયો હોય અને એ નબી અ.સ.નું ખરી રીતે અનુસરણ શકય ન રહ્યું હોય. (૩) એક નબી અ.સ.ની સાથે તેની મદદ અને સહયોગ માટે વધુ એક નબી અ.સ.ની જરૃરત હોય. (૪) અગાઉ થઈ ગયેલા નબી અ.સ. દ્વારા જે શિક્ષણ આપવામાં આવ્યું હોય, તે સંપૂર્ણ ન હોય, અને હવે તેની પૂર્ણતા માટે વધુ નબીનું આગમન (બઅ્સત) જરૃરી હોય
નબી સ.અ.વ. દ્વારા તશરીફ લાવ્યા બાદ આમાંથી કોઈપણ જરૃરત બાકી નથી. આપ સ.અ.વ. દુનિયાની હિદાયત માટે ‘મબ્ઊસ’ થયા છે.
(આગમન થયું છે.) આપ સ.અ.વ.ના આગમનના સમયથી લઈને સતત એવા સંજોગો સર્જાતા ગયા છે કે આપ સ.અ.વ.નો સંદેશ દુનિયામાં પહોંચાડી શકાય છે અને પહોંચી પણ રહ્યો છે. આપ સ.અ.વ. પછી અલગ-અલગ કોમોમાં અંબિયા અ.સ.ને નીમવાની જરૃરત બાકી નથી રહી. કુઆર્નમજીદ આ વાત ઉપર સાક્ષી છે અને સીરત તથા હદીસોનો મહાન સંગ્રહ આનો સ્પષ્ટ પુરાવો છે કે આપ સ.અ.વ. દ્વારા લાવેલ શિક્ષણ ફેરફારથી પાક (મુકત) અને પોતાના ખરા (મૂળ) સ્વરૃપમાં સુરક્ષિત છે. આપ સ.અ.વ. દ્વારા લાવેલ ગ્રંથ અક્ષરશઃ એ જ રૃપમાં મૌજૂદ છે જે રૃપમાં આપ સ.અ.વ.એ તેને પ્રસ્તુત કર્યો હતો. આપ સ.અ.વ.ના કથનો અને આપ સ.અ.વ.નું સમગ્ર જીવન એ રીતે આપણા સુધી પહોંચ્યંુ છે કે લાગે છે કે જાણે આપ સ.અ.વ. આપણી વચ્ચે મૌજૂદ છે. હુઝૂર સ.અ.વ. દ્વારા અલ્લાહતઆલાએ દીનને પરિપૂર્ણતા પણ કરી દીધું. સુધારકો હુઝૂર સ.અ.વ.ની ભવિષ્યવાણી મુજબ આ ઉમ્મતમાં બરાબર ઉઠતા રહયા છે અને તેમના દ્વારા દીનનું નવીનીકરણ અને પુનરુત્થાનનું કાર્ય થતું રહ્યું છે.