(૪) અનુવાદઃ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ એક વ્યક્તિ નમાઝ અને રોઝાનો પાબંદ, ઝકાત અદા કરનાર અને હજ્જ તથા ઉમરહ કરનાર હોય છે તે એટલે સુધી કે આપ સ.અ.વ.એ તમામ નેકીઓનું વર્ણન ફરમાવ્યું : પરંતુ કયામતના દિવસે તેને તેની બુદ્ધિ મુજબ જ બદલો મળશે.” ૫ (બયહકી).
(૫) સમજૂતી :
આ એક ખૂબ જ મહત્ત્વની હદીસ છે. આ હદીસ આ વાતની સ્પષ્ટ દલીલ છે કે ‘દીને ઇસ્લામ’ (ઇસ્લામ ધર્મ) ‘દીને ફિતરત’ (પ્રાકૃતિક ધર્મ) છે. તેના તમામ મૂલ્યો પ્રકૃતિ કે સ્વભાવની તદ્દન માગણીઓ મુજબ છે. દીનમાં ખરૂં મહત્ત્વ જો બુદ્ધિ તથા સમજદારીને પ્રાપ્ત છે તો તેનું કારણ છે. બાહ્ય આ’માલ (કર્મો)ની પાછળ માણસની કેવી ભાવનાઓ અને ચાલકબળ કાર્યરત્ હોય છે તેનો મોટો આધાર તેની બુદ્ધિ તથા સમજદારી પર હોય છે. આપણા આ’માલની ખરી કદર તથા કીંમત આપણી ભાવનાઓ અને લાગણીઓ જ નક્કી કરે છે. આથી વળતર તથા સવાબ એનાયત કરવામાં મૂળમાં તો બુદ્ધિ તથા સમજદારીનું ધ્યાન રાખવું ન્યાય તથા ઇન્સાફ તેમજ તદ્દન પ્રકૃતિ મુજબ જ છે.
(૫) અનુવાદઃ
હઝરત આયશા રદિ.થી રિવાયત છે. તેઓ ફરમાવે છે કે રસૂલે ખુદા સ.અ.વ. જયારે લોકોને હુકમ આપતા તો એ જ આ’માલ (ને આપનાવવા)નો હુકમ આપતા કે જેમની તેમનામાં તાકત રહેતી. સહાબા રદિ.એ અરજ કરી કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! અમે તમારી સમાન નથી. અલ્લાહે આપના તો આગલા-પાછલા બધા ગુનાહ માફ કરી દીધા છે. આના પર આપ સ.અ.વ. ભારે નારાજ થયા. તે એટલે સુધી કે આપ સ.અ.વ.ના ચ્હેરાથી નારાજગી દેખાવા લાગી. પછી આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ તમારા સૌથી વધુ બીક રાખનાર અને અલ્લાહને જાણનાર હું છું.” ૬ (બુખારી)
૬ સમજૂતી :
એક રિવાયતમાં છે : “અલ્લાહના સોગંદ! હું સૌથી વધુ અલ્લાહને જાણું છું અને સૌથી વધારે તેની બીક રાખું છું.” (બુખારી)
આ હદીસથી જણાયું કે દીનમાં વાસ્તવમાં ઇચ્છિત આ નથી કે લોકો બિન-જરૂરી રીતે સ્વયં પોતાને મુશ્કેલીઓ અને પરેશાનીઓમાં મૂકી દે. બલ્કે વાસ્તવમાં તો આ દીન એટલા માટે આવ્યો છે કે એ બંધનોને કાપી નાખે કે જેમાં લોકો જકડાયેલા હોય અને એ બોજામાંથી તેમને મુક્તિ આપે જેનાથી તેમની કમ્મરો ઝૂકતી કે વળતી જઈ રહી હોય. અલ્લાહનો દીન તો લોકોને મુશ્કેલીઓમાં નાખવાના બદલે તેમની મુશ્કેલીઓને ખતમ કરવા માટે આવ્યો છે. આથી જ આ દીનની વિશિષ્ટતા આ બતાવવમાં આવી છે : ચોક્કસપણે આ દીન આસાન છે.” એક અન્ય રિવાયતમાં છેઃ શ્રેષ્ઠ દીન તમારો એ છે કે જે આસાન હોય.” મુશ્કેલ-પસંદી અને ખુદ પોતાને અઝાબમાં સપડાવવું દીન નથી. દીન વાસ્તવમાં એ વસ્તુ છે જે આપણા જીવનમાં સામેલ તથા દાખલ થવાનો તકાદો કરે. અપ્રાકૃતિક વસ્તુ કયારેય પણ આપણી વ્યક્તિગત્ કે સામૂહિક વ્યક્તિત્ત્વનો અભિન્ન અંગ નથી બની શકતી. દીન એ જ છે કે જે જીવન બની શકે, નહીં કે જીવનનો બોજો હોય.
એક બીજી હકીકત આ હદીસથી આ જણાય છે કે દીનનો અસલ પાયો અલ્લાહનું જ્ઞાન છે. આના પર દીનની સમગ્ર ઇમારત રચાય છે. જે વ્યક્તિ જેટલી અલ્લાહને જાણતી અને ઓળખતી હશે, એટલી જ વધારે તેનું જીવન દીનના બીબામાં ઢળી શકશે. કુઆર્નમાં છે : અલ્લાહથી તો તેના બંદાઓ પૈકી એ જ લોકો ડરે છે કે જેઓ તેને જાણે અને સમજે છે.”
અલ્લાહના જ્ઞાનનો મતલબ આ નથી કે માણસ અલ્લાહને પામી લે. બલ્કે આનો મતલબ આ છે કે માણસને અલ્લાહની મહાનતા અને શ્રેષ્ઠતાનો પૂરો વિશ્વાસ પ્રાપ્ત થઈ જાય. તે આ મહેસૂસ કરવા લાગી જાય કે આ સૃષ્ટિમાં એક મહાન હસ્તીનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. તે ધરતી અને આકાશ કે સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલ અલ્લાહની નિશાનીઓ તરફથી ગાફેલ તથા આંધળો બનીને ન રહે. તે અલ્લાહના ગુણો અને અલ્લાહની મખ્લૂક (સૃજન)થી અજાણ ન હોય. દીનથી સંબંધ વાસ્તવમાં અલ્લાહથી સંબંધનું જ બીજું નામ છે. દીન અલ્લાહની મરજી તથા અલ્લાહના ઇરાદા સિવાય કોઈ અન્ય વસ્તુ નથી. જે વ્યક્તિ અલ્લાહને ઓળખે છે, તેને તેની મહાનતાનો પણ અહેસાસ હશે. પછી આ કેવી રીતે શકય છે કે તે દીનની પ્રિય રીતોથી વિમુખ થઈ જાય. હુઝૂર ના ઇર્શાદનો આશય આ છે કે જ્યારે હું તમારા સૌ કરતાં વધારે અલ્લાહને જાણું-ઓળખું છું અને તમારા સૌથી વધુ તેનાથી ડરૂં છું તો પછી મારા માટે આ કેવી રીતે શકય છે કે હું દીના ઇચ્છિત અને વધુ પ્રિય રીતની ઉપેક્ષા કરી શકું ? તમારા માટે મારી રીત જ ‘ઉસ્વહ’ (નમૂનો) છે.