(૩) અનુવાદ :
“હઝરત મુઆવિયા બિન અબી સુફિયાન રદિ. નબી ﷺથી રિવાયત કરે છે કે રસૂલે ખુદા ﷺએ ઇર્શાદ ફરમાવ્યું : જે વ્યક્તિ સાથે અલ્લાહ ભલાઈ ચાહે છે તેને દીનમાં સમજ એનાયત કરે છે.” ૪ (મુસ્લિમ)
સમજૂતી :
૪ કોઈને દીનમાં સમજ અને દૂરંદેશી કે બુદ્ધિમત્તા પ્રાપ્ત છે તો આ એ વાતની નિશાની છે કે અલ્લાહ સમક્ષ તેના પક્ષે ખૈર અને ભલાઈ છે. તે ખોટમાં રહેનાર તથા નિષ્ફળ નહીં હોય. દીનમાં સમજ અને દૂરંદેશી પ્રાપ્ત ન હોય તો માણસ દીનના તકાદાઓને સમજવામાં અસમર્થ રહે છે. તેનાથી આ વાતની આશા નથી રાખી શકાતી કે તે દીનની માગણીઓને ખરી રીતે પૂરી કરશે. દીનમાં સમજ હાસલ થયા પછી જ આપણે કોઈનાથી આ આશા કરી શકીએ છીએ કે તે દીનના તકાદાઓની ઉપેક્ષા નહીં કરે, અને નાદાનીમાં કોઈ એવું વલણ નહીં અપનાવે જે દીન અથવા તેના પોતાના વ્યક્તિત્વની દૃષ્ટિએ ઘાતક અને વિનાશક હોય. આથી એક હદીસમાં આવ્યું છે : સાંભળી લો, એ ઇબાદતમાં કોઈ ભલાઈ નથી કે જેમાં ચિંતન ન હોય, એ ‘ઇલ્મ’ (જ્ઞાન)માં કોઈ ભલાઈ નથી જેમાં સમજ-બૂઝ નથી, અને એ કુર્આન-ખ્વાનીમાં પણ કોઈ ભલાઈ નથી કે જેમાં મનન નથી.”
આવી જ રીતે એક અન્ય હદીસ છે : લોકોમાં સૌથી સારા એ લોકો છે કે જેઓ તેમનામાં અમલ-આચરણની રૂએ સૌથી બહેતર છે, જ્યારે કે તેઓ પોતાના દીનમાં સમજ-બૂઝ ધરાવતા હોય.”
કઈ વ્યક્તિ સમજ-બૂઝ ધરાવે છે એ અંગે હદીસમાં એક ઉદાહરણ વર્ણવાયું છે. નબીએ કરીમ ﷺ એ ઇર્શાદ ફરમાવ્યું : કોઈ માણસનું પોતાની નમાઝને લંબાવવી અને ખુત્બાને સંક્ષિપ્ત કરવો તેના ‘ફકીહ’ (ફિકહવેત્તા) અર્થાત્ (દીનમાં) સમજદાર હોવાની નિશાની છે.” (મુસ્લિમ)
નમાઝ અને ખુત્બામાં જ નહીં બલ્કે બીજી બાબતોમાં પણ ‘ફકીહ’ (ફિકહવેત્તા, ફિકહ જાણનાર) અને ‘બિન-ફકીહ’ (ફિકહ નહીં જાણનાર)માં તમે તફાવત જોશો. ‘ફકીહ’ (સમજદાર)નું ધ્યાન મૂળ ધ્યેય તરફથી નથી હટી શકતું, જ્યારે કે ‘બિન-ફકીહ’ બીજી વસ્તુઓ તરફ વધુ આકર્ષિત દેખાશે. આ અંગે એક શ્રેષ્ઠ ઉદાહરણ આ હદીસમાં વર્ણવાયું છે. ‘બિન-ફકીહ’ લાંબો-લચ ખુત્બો આપશે; તે એટલે સુધી કે તે નમાઝને ટૂંકી-સંક્ષિપ્ત કરી દેશે, પરંતુ ખુત્બાને સંક્ષિપ્ત નથી કરી શકતો, પરંતુ ‘ફકીહ’ માણસ આવું નથી કરી શકતો. ખુત્બો ‘નસીહત’ (ઉપદેશ, શિખામણ) છે અને નમાઝ ખુદ પોતે ઇબાદત છે. જેણે નમાઝ સંક્ષિપ્ત કરી અને ખુત્બો લંબાવી દીધો, એ માણસ ‘ફકીહ’ નથી હોઈ શકતો, કેમકે તે ખુત્બામાં શરીઅત પર નિયમિત રીતે અમલ કરવા અને ઇબાદત કરવાની તાકીદ કરે છે, અને ખુદ પોતે પોતાના અમલ-આચરણથી તેને રદિયો કરે છે, કે નમાઝ જેવી ઇબાદતને સંક્ષિપ્ત કરે છે. આચરણથી બેદરકારી એ ઇલ્મ (જ્ઞાન)ના ખામીની દલીલ છે. સાચું જ્ઞાન તો એ જ છે કે જે અમલ-આચરણમાં વ્યક્ત થાય, દેખાય, જોવા મળે.