ઓલ ઇન્ડિયા પીપલ્સ ફોરમની તપાસ ટીમ દ્વારા કાસગંજની મુલાકાત લીધા બાદ અહેવાલ જારી કર્યો છે. તપાસ ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કાસગંજમાં હુલ્લડો થયા નથી પરંતુ લઘુમતીઓ પર યોજનાબદ્ધ રાજનીતિ પ્રેરિત કોમી હુમલા હતા. કોમી હિંસાના દોષિતો જાહેરમાં ઘૂમી રહ્યા છે જ્યારે બંને સમુદાયના નિર્દોષ લોકો જેલમાં બંધ છે. પોલીસ અને વહીવટીતંત્ર પૂર્વાગ્રહથી ગ્રસ્ત એકતરફી કાર્યવાહી કરી રહ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ચંદનની હત્યામાં ઘણા લોકોને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવી પરંતુ ગરીબ મજૂર છોટન પર પ્રાણઘાતક હુમલો કરનારા અને અકરમ સિદ્દીકીની આંખ ફોડનારા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છોટન હાલમાં અલીગઢની હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે પરંતુ છોટનને કોઈ સરકારી મદદ પણ મળી નથી અને અત્યાર સુધી કોઈ તેની હાલત જાણવા પણ ફરકયું નથી. તપાસ સમિતિએ અહેવાલ જાહેર કરતા કાસગંજ હિંસાની ન્યાયિક નિગરાની હેઠળ ન્યાયિક તપાસની માગ કરી હતી. તપાસ સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે કાસગંજની સ્થિતિ હાલમાં પણ તનાવપૂર્ણ છે અને લઘુમતીઓ હજુ પણ ખૂબજ ભયભીત છે. તેમ છતાં કાસગંજમાં હિંદુઓ દ્વારા મુસ્લિમોની સહાયતાના ઘણા ઉદાહરણો છે. તપાસ ટીમે જણાવ્યું કે જો કોમી હિંસા કરનારા એબીવીપી અને સંકલ્પના લોકોની ધરપકડ કરવામાં આવે તો કાસગંજમાં સ્થિતિ સામાન્ય બની શકે છે. સમિતિએ હિંદુ-મુસ્લિમોને શાંતિપૂર્વક એકબીજા સાથે વાતચીત કરવા દેવા ચોક્કસ પ્રયાસ આદરવાની માંગ કરી છે. એઆઈપીએફની તપાસ સમીતિમાં વરિષ્ઠ પત્રકાર અને કાર્યકર્તા જોન દયાલ તેમજ કિરણ શાહીન, કાર્યકર્તા લીના દબરૃ, એપવાના સચિવ કવિતા કૃષ્ણન, ખેડૂત મહાસભાના ઉપાધ્યક્ષ પ્રેમસિંહ ગહલોતની સાથે આઈસા (જેએનયુ)ના કાર્યકર્તા વિજયકુમાર અને તબરેજ અહમદ સામેલ છે. તપાસ ટીમે પ અને ૬ ફેબ્રુઆરીના રોજ કાસગંજની મુલાકાત કરી હતી. પોલીસે તપાસ ટીમની સ્વતંત્ર કામગીરીમાં વિક્ષેપ કર્યો અને તેમને જેલ પાસે રોકી ધારાના ઉલ્લંઘનના આરોપ લગાવી તમામ સભ્યોને એક કલાક માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રખાયા. ત્યારબાદ પોલીસ બંદોબસ્તમાં તમામ સભ્યોને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ તપાસ ટીમે કાસગંજ હિંસામાં આંખ ગુમાવનાર અકરમ અને છોટનની મુલાકાત લીધી. છોટન ર૮ જાન્યુઆરીથી જે.એન.મેડિકલ કોલેજ હોસ્પિટલ અલીગઢમાં બેભાન અવસ્થામાં છે. ઉલ્લેખનીય છે કે ૪પ વર્ષીય છોટન પોતાની આજીવિકા રળવા હિંસા દરમ્યાન છિત્તેરામાં સડક કિનારે ઝાંખરાઓમાં બેભાન હાલતમાં મળ્યો હતો. છોટનના માથા પર ગંભીર ઈજાઓને કારણે સર્જરી કરાવી પડી હતી અને વેન્ટીલેટર પર હતો. હાલમાં તેની હાલત ગંભીર છે અને તે બેભાન છે. આ મામલે એક પ્રાથમિક (એફઆઈઆર) દાખલ કરવામાં આવી છે. પરંતુ છોટન પર પ્રાણઘાતક હુમલો કરનારા આરોપીઓને શોધવા પોલીસ કોઈ પ્રયાસ કરી રહી નથી. જિલ્લા વહીવટી અને ઉત્તરપ્રદેશની સરકારે છોટન અને તેના પરિવારજનોને કોઈ સહાય પણ કરી નથી.
તપાસ ટીમે કાસગંજ જિલ્લા જેલની મુલાકાત લીધી જ્યાં જેલર અને વહીવટીતંત્રએ ટીમને કેદીઓને મળવા દીધા નહીં અને વાતચીત કરવા દેવાનો પણ ઈન્કાર કરી દીધો.