ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
213

(ગતાંકથી ચાલુ)
એ જ જમાનામાં મુસલમાનોની રાજકીય કાર્ય-પદ્ધતિને લઈને મૌલાના મૌદૂદી અને જમીઅતે ઉલેમાના મતભેદે તીવ્રતા ધારણ કરી લીધી. મૌલાના નરી આઝાદીને માનનારા ન હતા, બલ્કે સંપૂર્ણ ઇસ્લામને લાગુ કરવા ઇચ્છતા હતા. તેમણે ‘અલ જમીઅત’નું તંત્રીપદ છોડી દીધું અને હૈદરાબાદ આવીને લેખન તથા સંપાદનના કાર્યોમાં લાગી ગયા. તેમણે અલ્લામા શીરાઝીના પુસ્તક ‘અસ્ફારુલ અર્બઆ’ના બે દળદાર ભાગોનો અનુવાદ કર્યો. વળતરમાં મળેલ રકમથી તફસીર, હદીસ અને ફીકહના બુનિયાદી/પાયાના પુસ્તકોની સાથે સાથે એન્સાયકલોપીડિયા બ્રિટાનિકાનો આખો સેટ ખરીદી લીધો અને એક માસિક ‘તર્જુમાનુલ કુઆર્ન’ના નામથી શરૃ કર્યું. આ મેગેઝીન દ્વારા મૌલાના મૌદૂદ્દીએ એ મસાઈલ, એ વિચારો અને એ મૂંઝવણભર્યા પ્રશ્નોને લખવા શરૃ કર્યા, જે ઘણા લાંબા સમયથી તેમના માનસની સંકડાશમાં કેદ હતા. આ મેગેઝીનને તેઓ એક જબરજસ્ત ક્રાંતિકારી શક્તિ બનાવી દેવા ઇચ્છતા હતા. તેઓ પોતાના સાથીઓની શોધમાં હતા, એવા સાથીઓની શોધમાં કે જેઓ વર્તમાન વ્યવસ્થામાં કોઈ આંશિક સુધારા કે થીંગડા મારવામાં માનનારા ન હોય, બલ્કે આખા સિસ્ટમને તોડી-ફોડીને ફરી એકવાર ઇસ્લામી સિદ્ધાંતો ઉપર એક વ્યવસ્થા (સિસ્ટમ)ની રચના કરવા ઇચ્છતા હોય. મૌલાના ‘દરેક રીતે વિદ્રોહી’ હોય એવા લોકોને શોધતા હતા અને ફરિયાદી હતા કે તેમને દરેક જગ્યાએ ‘આંશિક વિદ્રોહી’ જ મળતા હતા.
આ દરમ્યાન મનાઝિર અહસન ગીલાનીએ ‘જામિઆ ઉસ્માનિયા’માં દીનિયાતનું શિક્ષણ આપવા માટે મૌલાના મૌદૂદ્દીનું નામ રજૂ કર્યું. જો કે મૌલાના મૌદૂદ્દીની આર્થિક સ્થિતિ અસ્ત-વ્યસત કે નબળી જ હતી અને પોતાની સમગ્ર મૂડી તેઓ ‘તર્જુમાનુલ કુઆર્ન’માં લગાવી ચૂકયા હતા, પરંતુ તેમણે ખૂબજ મોટા વળતરની ઓફર મળી હોવા છતાં આ પ્રોફેસરી સ્વીકારવાથી સ્પષ્ટરૃપે ઇન્કાર કરી દીધો. તેમના મોટા ભાઈએ નરમી અને સખ્તી એમ દરેક રીતે સમજાવ્યા, પરંતુ મૌલાના મૌદૂદ્દી પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી ચૂકયા હતા જે રૃપિયાઓ માટે બદલી શકાતી ન હતી. આ વિષય ઉપર મોટા ભાઈ સાથે તેમની ગુફતેગૂ છ-સાત કલાક સુધી લંબાઈ ગઈ. અંતે તેમણે ગળ-ગળા સ્વરે કહ્યું ‘ભાઈજાન ! સંજોગો ખૂબજ નાજુક થઈ ચૂકયા છે અને હું જોઈ રહ્યો છું કે જે પૂર આવવાનો છે તે ઈ.સ.૧૮પ૭ના અંગ્રેજી શાસનવાળા પૂરથી પણ ઘણો વધારે ઘાતક તથા વિનાશક હશે. મુસલમાનોને એ ભય-ખતરાથી ચેતવવા એ મારી ફરજ છે. મારી હિંમત મુજબ હું તેમની કંઈ ને કંઈ સેવા કરવાનો પ્રયાસ કરીશ. હવે સમય વેડફી શકાય તેમ નથી. મને વિશ્વાસ છે કે જો મારા અવાજમાં એખલાસ રહેશે તો મારી ભાવના નિષ્ફળ નહીં જાય.’
આ દરમ્યાન અલ્લામા ઇકબાલે કે જેઓ મૌલાના મૌદૂદીના મેગેઝીનના વાંચક અને તેમની પીડાને ઓળખનારા હતા, મૌલાના મૌદૂદી સાથે તેમને પંજાબ સ્થળાંતર કરવા સંબંધે પત્ર-વ્યવહાર કર્યો. વાસ્તવમાં પઠાનકોટ ખાતે મિલ્લતનો દર્દ ધરાવનારા એક મુસલમાને કેટલીક જમીન દીનની ખિદમત સારૃ વકફ કરી દીધી, અને આ વાતની ખ્વાહિશ વ્યકત કરી કે કેટલાક દીનના આલિમો અહીં એકત્ર થઈ દીનનું કાર્ય કરે. આ અંગે તેમણે અલ્લામા ઇકબાલ સાથે સલાહ-મસ્લત કરી તો તેમણે મૌલાના મૌદૂદીનું નામ લીધું. આ રીતે એક ‘દારુલ ઇસ્લામ’નું માળખું તૈયાર થયું અને મૌલાના મૌદૂદી ઈ.સ.૧૯૩૭માં પઠાનકોટ ખાતે સ્થળાંતર થઈ ગયા. ફેબ્રુઆરી ૧૯૩૯માં તેઓ લાહોર આવી ગયા. સપ્ટેમ્બરથી તેમણે ‘લાહોર ઇસ્લામિયા કોલેજ’માં માનદ રીતે દીનિયાતના લેકચર્સ આપવા શરૃ કરી દીધા.એ લેકચર્સને કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક હોલમાં એકત્ર થઈને ધ્યાનથી સાંભળતા હતા. એ જ જમાનામાં તેઓ લખનૌ, અમૃતસર, પેશાવર અને અન્ય વિસ્તારોમાં વિવિધ દીની સંસ્થા-સંગઠનોમાં આમંત્રણ પર તશરીફ લઈ ગયા અને કીમતી વાતો (શોધ-પત્રો) રજૂ કર્યા. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here