ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
215

અય ખિઝર મેરી રાહ તો
બસ રાહે જુનૂં હૈ
મંઝિલ કો ગરઝ હો તો
ખુદ ઇસ રાહ પર આએ
‘આ શરીઅત બુઝદિલો અને ના-મર્દો (નપુંસકો) માટે નથી ઊતરી, નફ્સના બંદાઓ અને દુનિયાના ગુલામો માટે નથી ઉતરી; પવનની દિશામાં ઊડનારા ઘાસ અને તણખલાઓ તેમજ પાણીના પ્રવાહની દિશામાં વહેનારા કીડી-મકોડાઓ (જીવ-જંતુઓ) અને દરેક રંગમાં રંગાઈ જનારા રંગ-વિહોણાઓ માટે નથી ઉતરી (બલ્કે) આ એ બહાદુરો તથા સિંહો માટે ઉતરી છે જે પવનની દિશા બદલી નાંખવાનો સંકલ્પ ધરાવતો હોય, જેઓ નદીના પ્રવાહથી લડવા તથા તેના વહેણને ફેરવી નાખવાની હિંમત ધરાવે છે; જેઓ અલ્લાહના રંગને દરેક રંગથી વધુ પ્રિય રાખે છે. મુસલમાન જેનું નામ છે તે તો નદીના વહેણ મુજબ વહેવા માટે પેદા જ કરવામાં નથી આવ્યો. તેને પેદા કરવાનો તો હેતુ જ આ છે કે જીવન-સરિતાને એ માર્ગ વહેતી કરી દે કે જે તેના ઈમાન તથા અકીદામાં સત્ય-માર્ગ છે, સીધો રસ્તો છે. જો નદીએ પોતાની દિશા એ માર્ગથી ફેરવી દીધી છે તો ઇસ્લામના દાવામાં’ એ દરેક વ્યક્તિ જૂઠી છે જે એ બદલાયેલી દિશામાં વહેવા માટે રાજી હોય, વાસ્તવમાં જે સાચો મુસલમાન છે તે એ ખોટી દિશામાં વ્હેતી નદીની રફતારથી લડશે, તેની દિશા બદલવાના પ્રયાસમાં પોતાની સમગ્ર શક્તિ લગાવી દેશે, સફળતા અને નિષ્ફળતાની તેને સ્હેજેય પરવા નહીં હોય, તે એ દરેક નુકસાનને કે જે એ લડાઈમાં પહોંચે અથવા પહોંચી શકતો હોય તેને સ્વીકારી લેશે. તે એટલે સુધી કે જો નદીના વ્હેણથી લડતા લડતાં તેના હાથ તૂટી જાય, તેના સાંધા ઢીલા થઈ જાય અને પાણીના મોજાં તેને અર્ધ-મૂઆ કરી કોઈ કિનારા પર ફેંકી દે, ત્યારે પણ તેનો આત્મા કદાપિ હારશે નહીં. એક ક્ષણ માટે પણ તેના દિલમાં પોતાની એ બાહ્ય નિષ્ફળતા પર અફસોસ કે નદી (ના વ્હેણ મુજબ) વ્હેનારા કાફિરો તથા મુનાફિકોની સફળતાઓ પર ઈર્ષ્યાની ભાવના માર્ગ નહીં પામી શકે.’
-સૈયદ મૌદૂદી

મૌલાના સૈયદ અબુલઆ’લા મૌદૂદી

પ્રથમ ઈંટઃ

સૈયદ અબુલઆ’લા મૌદૂદી રપમી સપ્ટેમ્બર ૧૯૦૩ના રોજ ઔરંગાબાદ (મહારાષ્ટ્રમાં) જન્મ્યા. તેઓ ચિશ્તિયા પરિવારના કુલ-દીપક હતા. પિતા સૈયદ અહેમદ હસને બાળપણથી જ તેમના શિક્ષણ-પ્રશિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપ્યું. સૈયદ અહેમદ હસન નાની વયના અબુલઆ’લાને રાતોમાં પયગમ્બરો અને નેક પૂર્વજોના કિસ્સા સંભળાવતા. પોતાના આલિમો તથા વિદ્ધાન મિત્રોની બેઠક સભાઓમાં લઈ જતા. કુઆર્ન તથા દુઆઓ યાદ કરાવતા. ચાર વર્ષની ઉંમરથી જ દરેક નમાઝ પઢવા માટે મસ્જીદ લઈ જતા. ઘરના આ જ વાતાવરણનો પ્રભાવ હતો કે નાના ભૂલકાં અબુલ આ’લાએ પ્રથમ રોઝો ખૂબજ નાની વયમાં રાખી લીધો હતો, અને મોટાઓના ફોસલાવવા અને આગ્રાહ કરવા છતા તેને તોડયો નહીં.તેમના માનનીય પિતા તેમની ટેવો અને ભાષા ઉપર ગાઢ નજર રાખતા એવા બાળકો સાથે રમવા દેતા ન હતા; જેમની ટેવો બગડેલી હોય. આમ છતાં કોઈ કૂટેવ કે ઉચ્ચ સ્તરથી નિમ્ન શબ્દ જો અબુલઆ’લા કયાંકથી શીખી લેતા તો તેમના પિતા તરત જ ટોકતા અને સુધારણા કરતા. અબુલઆ’લા કોઈ ખોટી સંગતમાં પડીને કોઈ કુટેવ કે ગંદી ભાષા ન શીખી જાય તે માટે તેમના પિતાએ તેમને વિધિવત કોઈ મદ્રસામાં મોકલ્યા નહીં, બલ્કે ઘરે જ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરી. ઘરના શિક્ષણનો ફાયદો આ થયો કે તેઓ કોઈ નિયત (ફીકસ) અભ્યાસક્રમના તાબે ન રહ્યા, બલ્કે પોતાની ઉડાન મુજબ પુસ્તકો પર પુસ્તકો પૂરા કરતા ગયા, અને ૯ વર્ષની ઉંમરમાં જ અરબી સાહિત્ય તથા ફિકહના બુનિયાદી પુસ્તકો પર પ્રભુત્વ મેળવી લીધો. ત્યારબાદ મદ્રસ-એ ફુર્કાનિયામાં દાખલ થયા. અહીં જ પ્રથમ વખત તેમને લેખો લખવા અને પ્રવચનો કરવાનો સંયોગ થયો અને મદ્રસાથી લગાવ એટલો વધી ગયો કે રજાનો દિવસ ભારે લાગવા માંડયો. ત્યારબાદ હૈદરાબાદના દારુલઉલૂમમાં પ્રવેશ મેળવ્યો અને ૧૪ વર્ષની ઉંમરમાં મૌલવીની પરીક્ષા પાસ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here