હૃદય-ધરતી જો જીવંત હોય તો વર્ષાના થોડા બૂંદ પૂરતાં થઈ જશે

0
221

જમીન પોચી, કણકદાર અને ફળદ્રુપતા ધરાવતી હોય તો એને ધોધમાર વર્ષાની જરૃર પડતી નથી. વર્ષાના થોડાક છાંટા પડી જાય અને એની જીવંતતા જાગૃત થઈ જાય છે. જોતજોતામાં હરિયાળી ખીલવા લાગે છે. આંખોને ઠંડક આપનારો લીલોછમ રંગ ચારેકોર છવાઈ જાય છે. આવા દૃશ્યો આપણે વર્ષાઋતુની શરૃઆતમાં દર વર્ષે આનંદભેર જોઈએ છીએ. બોધ લેવા માટે માત્ર એક દૃષ્ટાંત પૂરતું છે. આપણી આસપાસ અલ્લાહની કુદરતના આવાં હજારો દૃશ્યો આપણને સતત આહ્વાન કરતા રહે છે. નરી ભૌતિકતાને થોડીકવાર માટે ભૂલીને માણસે પ્રકૃતિ (નેચર) સાથે પણ તાલમેલ સાધીને જીવતા શીખવું જોઈએ અને અલ્લાહની કુદરતે કામેલાના દર્શન કરવા જોઈએ. ભુલભુલામણીઓમાં ખોવાઈ જતું જીવન કદાચ જાગૃત થઈ જાય અને જીવનની અંતિમ મંઝિલની સફળતા તરફ લઈ જતા માર્ગની ખોજ કરી લે.

‘ફુઝેલ બિન અયાઝ’ દૂરના ભૂતકાળમાં એક મહાન બુઝુર્ગ થઈ ગયા. અલ્લાહના દોસ્ત ! કહે છે કે પ્રાથમિક જીવનમાં તેઓ ડાકુગીરીના રવાડે ચઢી ગયા હતા અને જોતજોતામાં ખ્યાતનામ ડાકુ બની ગયા હતા. એમનું નામ સાંભળતાં જ લોકો ધ્રૂજી જતા હતા. ચારેકોર એમની હાક વાગતી. એકવાર તેઓ પોતાના સાથીદારો સાથે કયાંકથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમના કાને અલ્લાહની અંતિમ કિતાબ- કુઆર્ને કરીમ-ની તિલાવતના તે શબ્દો પડયા જેનો આપણે આ લેખમાં ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. ધંધો ડાકુગીરીનો હતો પણ હૃદય સાવ મરી પરવાર્યું ન હતું. હૃદયની ધરતીમાં હજી એ ખુમાશ અને ફળદ્રુપતા ધરબાઈને પડેલી હતી જે વર્ષાબૂંદોને ઝીલવા તત્પર હતી. દિલો ઉપર અલ્લાહની અઝમત (મહાનત) અને તેના ડરની છાપ ખાસ્સી એવી જીવંત હતી. ભલભલા કઠોર અને ધીત (જડતા) પ્રકારના લોકો પણ અલ્લાહ-રસૂલનો હવાલો આપીને વાત કહેવામાં આવે તો ઢીલા પડી જતાં નરમાશ ધારણ કરીને અલ્લાહ-રસૂલની વાતને સ્વીકારી લેતા. ‘ફુઝેલ બિન અયાઝ’ના કાને અલ્લાહની કિતાબના આ શબ્દો પડયા અને તેમનો અંતરાત્મા જીવંત થઈ ગયો, હૃદય ધ્રૂજી ગયું, મનેચ્છાઓએ શરણાગતિ સ્વીકારી લીધી. કોઈ જાતની અડી કર્યા વિના, દલીલબાજીઓ કર્યા વિના અલ્લાહના આદેશના શરણે જવા તૈયાર થઈ ગયા. તે જ ક્ષણથી તેમણે અને તેમના સાથીઓએ ડાકુગીરીનો વ્યવસાય ત્યજી દીધો અને પછી તો અલ્લાહના માર્ગમાં એટલા બધા આગળ વધી ગયા કે ‘અલ્લાહના દોસ્તો’માં તેમની ગણના થવા લાગી. ચાલો આપણે પણ જોઈએ કે કલામે ઈલાહીના તે કયા ભવ્ય આદેશાત્મક શબ્દો છે જે હૃદયોમાં આટલું જબરજસ્ત પરિવર્તન લાવી શકે છે. હૃદયોની કઠોરતા, ઉદ્ધંડતા, અને વિદ્રોહીતાનો ભુક્કો કરી દઈને તેને અલ્લાહ સામે સરેન્ડર કરવા તૈયાર કરી દે છે.

આજના પ્રાતઃકાલીન કુઆર્ન અભ્યાસ દરમિયાન આ એક આયત ઉપર જ અટકી રહ્યોછું. જાણે કોઈ કહી રહ્યું હોય કે ઉતાવળે ભાગમભાગ ન કર. જરા થોભ અને અલ્લાહના આ અમીઝરણાનો થોડો રસાસ્વાદ માણ. ઉપર ઉરથી પાણી વહી જશે તો હૃદયની ધરતીનું અંતર પલળશે નહીં. તેમાં નરમી અને ખુમાશ પૈદા થશે નહીં અને જો એમ થશે તો તેમાં કોઈ હરિયાળીઓ ખીલશે નહીં. જીવનધારા બદલાશે નહીં. કર્મો અને વર્તનનો કોઈ ફેરફાર પૈદા થશે નહીં. ‘વહી રફતાર બેઢંગી જો પેહલે થી વોહ અબ ભી હૈ, એવો ઘાટ રહી જશે. સૂરઃ હદીદ (સત્તાવનમી સૂરઃ)ની સોળ નંબરની આ આયતમાં અલ્લાહતઆલા કહે છે ઃ

‘શું ઈમાનવાળા લોકો માટે હજી એ સમય આવ્યો નથી કે તેમના દિલો અલ્લાહના ઝિક્રથી, અલ્લાહની યાદથી પીગળી જાય અને બિલકુલ .સત્યની સાથે ઉતારેલા આ ઈશ આદેશો સામે તેઓ ઝૂકી જાય (સરેન્ડર કરી દે, શરણાગતિ સ્વીકારી લે) અને તેઓ એ લોકો જેવા ન બની જાય જેમને આ પહેલાં (તેમના યુગના પયગમ્બરો મારફત કિતાબ આપવામાં આવી હતી. પછી તેમના ઉપર એક લાંબો યુગ પસાર થઈ ગયો અને (ધીરે ધીરે) તેમના હૃદયો સખત બની ગયા (અલ્લાહ-રસૂલની વાતોને ગંભીરતાપૂર્વક લેવાનું તેમણે છોડી દીધું અને પોતાના યુગના આચાર-વિચાર અને વ્યવહારોના વહેણમાં તેઓ પણ વહી ગયા) અને હવે આજે પરિસ્થિતિ એ છે કે તેમનામાંના મોટાભાગના લોકો (અલ્લાહ-રસૂલ સાથે) કરારભંગ કરનારા (ફાસિક) છે.’ (પ૭/૧૬)
આ આયત ઉપરની વિવરણ નોંધ નંબર ર૮માં મૌલાના મૌદૂદી (ર.અ.) લખે છે ‘આ આયતમાં ‘ઈમાનવાળા લોકો’ને ઉદ્દેશીને જે સંબોધન કરવામાં આવ્યું છે તેનાથી મુરાદ તમામ ઈમાનવાળા લોકો છે પરંતુ ખાસ તે લોકોને આ ટકોર ખૂબ ગંભીરતાપૂર્વક લેવા માટે કરવામાં આવી છે જેઓ ઈમાનનો સ્વીકાર કરીને અલ્લાહ-રસૂલને માનવાવાળા લોકોમાં જોડાઈ તો ગયા પરંતુ એ છતાં ઇસ્લામના દુઃખદર્દથી, તેની પરેશાનીઓની ચિંતા કરવાથી તેમના હૃદયો ખાલી હતા. તેઓ પોતાની નજરોથી જોઈ રહ્યા હતા કે કુફ્રો-શિર્કની તમામ શક્તિઓ એક જૂથ થઈને ઇસ્લામને મિટાવી દેવા, કચડી નાંખવા ઉપર ઉતરી આવી છે. તમામ દિશાઓમાંથી ઉમ્મતે રસૂલે અરબી (સ.અ.વ.)ને તેઓ ઘેરો ઘાલી રહ્યા છે, અરબની ધરતી ઉપર તે સમયના મુસલમાનોના નાના જૂથને જુલ્મો-સિતમની ચક્કીમાં પીસવામાં આવી રહ્યું છે, ખૂણેખૂણેથી પીડિત અને ઈન્કારીઓના ત્રાસથી ત્રાસી ગયેલા મુસ્લિમ સમુદાયના લોકોના ટોળેટોળાં અત્યંત દુઃખદાયક પરિસ્થિતિઓમાં પોતાની જાન અને ઇજ્જત-આબરૃની સુરક્ષા માટે મદીનતુર્રસૂલ તરફ હિજરત કરીને આવી રહ્યા છે. તેમને સહારો આપવામાં મુખલીસ મુસલમાનોની કમ્મર તૂટી રહી છે. ઇસ્લામ અને મુસ્લિમોનો ડિફેન્સ (બચાવ વ્યવસ્થા) કરવામાં પણ માત્ર તે જ મુખલીસ લોકો દોડધૂપ અને કોશિશો કરી રહ્યા છે જેમના હૃદયોમાં ઇસ્લામનું સાચું દર્દ છે. પરંતુ આ બધુ જોવા-જાણવા છતાં ઈમાનનો દાવો કરનારા પેલા (ચૂપ બેસી રહેલા-તાલ જોનારા) મુસલમાનોના પેટનું પાણી સુદ્ધાં હાલતું નથી. (તેઓ પોતાની દુનિયાં અને તેની લઝઝતો માણવામાં જ વ્યસ્ત હતા, ઇસ્લામના ડિફેન્સ માટે એક ડગલું પણ આગળ વધવા તેઓ તૈયાર ન હતા) આ આયતમાં એવા (નામના) મુસલમાનોને ટપારવામાં આવી રહ્યા છે, તેમના અંતરાત્માને ઝંઝોડવામાં આવી રહ્યા છે કે તમે કેવા ઈમાનવાળા લોકો છો ? ઇસ્લામ અને મુસ્લિમો માટે પરિસ્થિતિઓ દિવસે દિવસે ખુબ સખત બનતી જઈ રહી છે, ઇસ્લામની પ્રતિભા દાવ ઉપર મુકાવા લાગી છે. તેને મિટાવી દેવા માટે તમામ વિરોધી શક્તિઓ જોર લગાવી રહી છે ત્યારે આવી કઠીન ઘડીઓમાં શું તમારા માટે હજી એ સમય આવ્યો નથી કે અલ્લાહ-રસૂલની પોકાર સાંભળીને તમારાં હૃદયો પીગળી જાય ? ઇસ્લામને ખાતર તમારા હૃદયોમાં ઈસારો-કુર્બાની આપવાની લાગણીઓ ઉભરાતી થઈ જાય ? અને તમે ઈસ્લામની સહાયતા માટે આગળ આવો ? શું ઈમાનવાળા લોકો એવા હોઈ શકે છે કે ઇસ્લામ અને મુસ્લિમો મુશ્કેલીઓમાં સપડાયેલા હોય, તેમના ઉપર ખરાબ દિવસો આવી લાગ્યા હોય અને તેમના દિલોમાં
દુઃખદર્દની કોઈ લાગણી પૈદા ન થાય ? (ધીસ ઈઝ નોટ પોસિબલ !) અલ્લાહના દીનની સહાયતા માટે તેમને પોકારવામાં આવે પરંતુ તેઓ પોતાની જગ્યાએથી તસૂભર પણ ખસવા તૈયાર ન હોય ?’ (તફહીમ ભાગ-પ, પેજ ૩૧૩/૩૧૪)

હિજરીસનની પંદરમી સદીમાં આજે ઇસ્લામ અને મુસ્લિમો સામે તેવી જ પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ છે જેવી તે સમયે અરબમાં હતી. કટોકટીભરી આ ક્ષણોમાં તમામ મુસલમાનોની એ જવાબદારી બને છે કે ઇસલામના ડિફેન્સ માટે તેઓ પોતાની શક્તિઓ અને સલાહિયતોને કામે લગાડે. જે ચળવળો આ કામ માટે તનતોડ મહેનતો કરી રહી છે તેની ભરપૂર સહાયતા કરે, તન-મન-ધનની કુર્બાનીઓ દ્વારા તેમના હાથ મજબૂત કરે. તેમના પ્રોગ્રામોમાં હાજરી આપીને આ કામે શું શું કરવાની જરૃર છે તેનું માર્ગદર્શન મેળવી શકય તે મદદ કરવા તૈયાર થાય. પોતાના બાળકોને સાચા ઇસ્લામની તાલીમ આપે, ઘરમાં પણ અલ્લાહની વાતો અને ઇસ્લામની ચર્ચા થતી રહે એવો પ્રબંધ કરે. ગેરઇસ્લામી રસ્મોરિવાજને છોડીને સાચું ઈસ્લામી કલ્ચર અપનાવે. કુઆર્ન અને હદીસે રસૂલે પાક (સ.અ.વ.)ને જાણવા સમજવા ઉપર ધ્યાન લગાવે. નકલી પદ્ધતિઓ અને ઇસ્લામના નામે ચઢાવી દેવાયેલા ગેરઇસ્લામી તરીકાઓ છોડી અસલ ઇસ્લામી તરીકાઓ ઉપર જીવનને કાયમ કરવાની ઝુંબેશ ચલાવે. દેશબાંધવો સામે ઇસ્લામ અને તેના પ્રાવધાનોની વિગતવાર માહિતીઓ રજૂ કરી તેમની ગેરસમજો દૂર કરવા પ્રયાસો કરે. આવાં બધાં કામો સામૂહિક ધોરણે અને એકજૂથી-એકરાગ થઈને કરવાની ખાસ જરૃર છે. અલ્લાહની આ ટકોરને ગંભીરતાથી લઈ આપણે ઇસ્લામની સેવામાં લાગી જવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here