જૂજ ભાગ્યશાળી કુટુંબોને બાદ કરતાં આજે મોટાભાગના કુટુંબોની આ જ ફરિયાદ છે કે સંતાન અવજ્ઞાાકારી થતી જાય છે. સંતાનની અવજ્ઞાા મહદઅંશે સામાન્ય બની ગઈ છે. ફકત છોકરાઓ જ નહીં પરંતુ છોકરીઓ પણ મા-બાપના દરજ્જા અને સ્થાન પ્રત્યે ગાફેલ છે અને ઔમા-બાપના માનમર્યાદા તેમજ સન્માનનો ખ્યાલ જ લગભગ લુપ્ત થઈ રહ્યો છે. આજ્ઞાાપાલનની લાગણી જ દિલોમાંથી નીકળી ચૂકી છે. એવું જણાય છે કે માબાપની સેવા અને આજ્ઞાાપાલન, ઇજ્જત અને સન્માન, તેમના પ્રત્યે સંતાન સંબંધી લાગણીઓ, તેમની જરૃરિયાતોનો ખ્યાલ, તેમની લાચારીઓ અને અશક્તિઓમાં તેમની સેવા-ચાકરી કરવાની લાગણી અને વિચાર, આ બધા એવા શબ્દો છે કે જે કાં તો નિરર્થક છે અથવા તેમનો અર્થ જાણવાની કોઈ આવશ્યકતા જ રહી નથી. આજે તો વિજ્ઞાાન અને ટેકનોલોજીને કારણે દુનિયા સીમિત થઈ ખૂબ જ નાની થઈ ગઈ છે, અને દરેક વસ્તુને પોતાના સમાજ, શહેર અને દેશના સ્તરે વિચારવાને બદલે વૈશ્વિક સ્તરે વિચારવાનો અભિગમ સામાન્ય થઈ ગયો છે. આજે વૈશ્વિક સ્તરે આ ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે કે નવી પેઢી અવજ્ઞાાકારી, અશિષ્ટ અને વિદ્રોહી થઈ ગઈ છે. જ્યાં જાવો, જે સભામાં બેસો, જે વર્તમાનપત્ર કે સામયિક જુઓ, જે ચેનલ ખોલો, ફકત આવું જ સાંભળવા અને જોવા મળશે કે નવી પેઢી તદ્દન અશિષ્ટ થઈ ગઈ છે અને માનવીય મૂલ્યો નાબૂદ થતાં જાય છે.
આવી પરિસ્થિતિમાં માબાપે વિચારવાની વાત એ છે કે વાતાવરણમાં આ શરમજનક બગાડમાં માબાપની લાપરવાહી તો કારણભૂત નથીને ? સંતાનની તાલીમ-શિક્ષણ અને સુધારણા તેમજ સંસ્કૃતિ અંગે અલ્લાહે જે જવાબદારીઓ માબાપને સોંપી છે, તે જવાબદારીઓને અદા કરવામાં કયાંક ગફલત તો થતી નથી ? સંતાનની આગામી જિંદગી વિશે તમારી આકાંક્ષાઓમાં કયાંક ગેરસમજ તો નથી ને ? સંતાન તમારી આશાઓ અને તમારા હક્કોને અદા કરવા લાયક ત્યારે જ થઈ શકે જ્યારે તમે પણ પોતાની એ ફરજો ગંભીરતા અને અંતઃકરણપૂર્વક અદા કરો કે જે અલ્લાહે તેમના સંદર્ભમાં તમારા ઉપર લાગુ કરી છે. સંતાનની અશિષ્ટતા, અવજ્ઞાા અને બગાડ માબાપ માટે નિઃશંક અત્યંત દુઃખદ બાબત છે. પરંતુ એ પણ વિચારવા યોગ્ય વાત છે કે તેમના ઘડતર અને તાલીમમાં શું ખરેખર માબાપે ગંભીરતા દાખવી છે ? અને પોતાના રાતદિવસના પ્રયત્નો દ્વારા તેમને સેવાભાવી, વફાદાર, આજ્ઞાાકારી અને સદ્ભાગી તરીકે ઉછેરવાની કોશિશ કરી છે ? અને ગંભીર વિચારસરણી સાથે પોતાના જીવનના કિંમતી સમયનો ઉપયોગ કર્યો છે, અથવા તેમને આપવામાં આવેલ સમય પોતાનું જીવનધોરણ ઊંચું કરવામાં પસાર કર્યો છે ? જે સંતાનને માબાપનો મરતબો જાળવી રાખવા તેમજ તેમની સેવા, તથા આજ્ઞાાપાલનની ફરજોની સમજ આપતું શિક્ષણ જ ન આપવામાં આવ્યું હોય, તે સંતાન માબાપના હક્કો કેવી રીતે જાણશે ! જો તમે તેમની લાગણીઓ અને ઉર્મીઓનો ખ્યાલ નથી રાખ્યો, તેમને ઊંડાણપૂર્વક પ્રેમ નથી કર્યો, પોતાના પ્રેમની હૂંફ સાથે તેમની છાતીએ લગાડવાની ફુરસદ તમારી પાસે નથી તેમની અવગણના કરીને તમે ફકત તમારૃં પોતાનું જનજીવન ધોરણ ઉંચું લાવવા જિંદગીનો સમય વિતાવ્યો છે તો હવે તે તેમની જિંદગીમાં તમારા માટે પ્રેમ અને શ્રદ્ધા, સેવા અને સન્માન ખાતર સમય કયાંથી આપશે ? જો તમે તેમની જરૃરિયાતો પ્રત્યે બેદરકારી દાખવી છે તો હવે તેઓ તમારી જરૃરિયાતો અને લાચારીઓનો ખ્યાલ કેવી રીતે કરશે ? સંતાન પાસે એ જ આકાંક્ષાઓ રાખો, જેના માટે તમે એમને પોતાના સંસ્કાર દ્વારા તૈયાર કર્યો છે. સંતાનના ભવિષ્યને દરેક ક્ષેત્રે ઝળહળતું બનાવવા માટે આવશ્યક છે કે માબાપ તેમના હક્કોની સ્પષ્ટ સમજ સેવે અનેે એ હક્કોને અદા કરવા માટે અથાગ મહેનત અને દરેક પ્રકારની કુરબાની પણ આપે. તેમના હક્કો સુંદર અને શ્રેષ્ઠ રીતે અદા કરીને જ તમે એમનામાં હક્કોની ખરી સમજ અને તેને અદા કરવાની પુરજોશ લાગણી પેદા કરી શકો છો.