જેહાદ એટલે સંઘર્ષ: માનવી જીવનભર પોતાના નફસ, સમાજ તથા દેશ સામે જેહાદ કરે છે

0
141

બિનમુસ્લિમોમાં જેહાદ અંગે પણ કેટલીક ગેરસમજો, અટકળો તથા ધારણાઓ જોવા મળે છે. તેના માટે મુખ્ય કરીને દુષ્પ્રચાર સંપૂર્ણ જવાબદાર છે. આ ઉપરાંત મુસ્લિમો તરફથી તે અંગેની જાણકારી તથા ખુલાસાઓનો અભાવ પણ જવાબદાર છે. ઉલેમાઓ તથા બુદ્ધિજીવીઓની એ પવિત્ર ફરજ થઈ પડે છે કે આ અંગે બિનમુસ્લિમોમાં બુદ્ધિગમ્ય, તાર્કિક તથા વ્યવહારિક સમજ પહોંચાડવામાં આવે. સામાન્ય માનવી એમ માની લે છે કે જેહાદ એટલે બિનમુસ્લિમોની નિર્દયી રીતે હત્યા કરવી. પછી ભલે તે નિર્દોષ હોય. વિશ્વ સમાજમાં જેહાદ અંગે એવી ગેરસમજ ફેલાવી દેવામાં આવી છે કે બિનમુસ્લિમોની હત્યા કરી સીધા જન્નત (સ્વર્ગ)માં જવાનો પરવાનો મળી જાય છે એટલે મુસ્લિમ યુવાનો પોતાનો જાન આપી દે છે, હકીકતમાં આવું નથી.

અરબી શબ્દકોશ પ્રમાણે ‘જેહાદ’ એટલે સંઘર્ષ કરવો, જેહાદ એ ખૂબ શુભ, પવિત્ર, લાભદાયક, હિતકારક, હેતુલક્ષી તથા કલ્યાણકારી શબ્દ છે. માનવી ઇશ્વરનો સર્વોત્તમ સર્જન હોવાથી તે જીવનભર સતત જેહાદ (સંઘર્ષ) કરી ઘડાય છે અને સાચો માનવી બને છે. જીવન દરમિયાન તે પોતાના નફસ (મન) તથા સમાજ સાથે સતત સંઘર્ષ કરે છે. મન સાથે સતત જેહાદ કરી તે સદગુણી તથા સદાચારી બને છે. સમાજ સાથે સતત જેહાદ કરી તે આદર્શ સમાજની રચના કરે છે. જે માનવી સદગુણી તથા સદાચારી હશે તે જ આદર્શ સમાજની રચના કરી શકશે. પાયોજ કાચો હશે તો ઈમારત ગમે ત્યારે કડડભૂસ થઈ જશે. જે આજે આપણે વિશ્વભરમાં જોઈ શકીએ છીએ. પશ્ચિમ કે વિશ્વભરની કોઈ પણ સંસ્કૃતિ એ આદર્શ સમાજનો મોડલ અથવા નમૂનો વિશ્વ સમક્ષ રજૂ કર્યો નથી. ઇસ્લામ અને ઈસ્લામે જ વિશ્વમાં સૌ પ્રથમ આદર્શ સમાજનો ઠોસ વિચાર રજૂ કર્યો છે. પરંતુ દુષ્પ્રચારને કારણે જેહાદ શબ્દ સામે વિશ્વસમાજમાં સૂગ તથા અણગમો જોવા મળે છે તેના માટે અપૂરતી માહિતી સંપૂર્ણ જવાબદાર છે.

જીવનભર માનવી પોતાની ઈચ્છાઓ (મન) ઉપર કાબૂ મેળવવા માટે કોશિશ કરે છે જે માનવી આ કરી શકે છે તે સાચો માનવી કહેવડાવવાનો હકદાર બને છે. જો અન્ય પ્રાણીઓની જેમ માનવી પણ જીવન ગુજારે તો પછી અન્ય પ્રાણીઓ અને માનવીઓમાં ફેર કેટલો ? તે ઇશ્વરનો સર્વોત્તમ સર્જન હોઈ શકે જ નહીં. વિશ્વભરના બધા જ ધર્મો આ માટે આહ્વાન આપે છે. જો માનવી સદગુણી તથા સદાચારી હશે તો પોતાની રોજી પણ હલાલ તથા સમાજને લાભદાયક હોય તે રીતે મહેનત મજૂરી કરીને હાંસલ કરશે. આમ હલાલ રોજી મેળવવા મુસ્લિમ સતત જેહાદ (સંઘર્ષ) કરે છે જે સમાજ હલાલ તથા હરામમાં ફરક નથી કરતો તે સમાજમાં ગંદકી, બદીઓ, અધઃપતન તથા ભયંકર સમસ્યાઓ જોવા મળશે. જે આજે આપણે વિશ્વભરમાં જોઈ શકીએ છીએ. એક સમય એવો હતો કે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ, જુગાર, વેશ્યાવૃત્તિ, દારૃના વેચાણ વગેરેને બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં સમાવેશ કરતા હતા. કારણ કે આથી સમાજની સંપત્તિમાં વધારો થતો નથી. તથા ઉત્પાદન વધતો નથી. ઉલ્ટાનું સમાજમાં બદીઓ વધતા તંદુરસ્ત આર્થિક પ્રવૃત્તિઓને પણ નુકશાન પહોંચાડતો હતો. આથી વિરુદ્ધ દુનિયાભરમાં આજે જુગારસટ્ટો, દારૃના પીઠા તથા વૈશ્યાવૃત્તિને માન્ય કરી છે. તેના માટે મૂડીવાદી તથા ભૌતિકવાદી વિચારધારા જવાબદાર છે. જેના કૌટુંબિક, સામાજીક આર્થિક તથા રાજકીય પરીણામો આપણે ભોગવી રહ્યા છીએ. આ દૂષણો આતંકવાદ કરતા પણ વધારે ભયાનક તથા વિશનાકારી છે. વિશ્વ સમાજ ઇસ્લામના જેહાદ શબ્દને સભાનપણે તથા ન્યાયી રીતે સમજે તે સમયની સાચી પુકાર છે. આજે માનવીનું મૂલ્ય શૂન્ય બરાબર છે. તેની કોઈ જ કિંમત નથી. એક માનવી બીજા માનવીને સમજી શકતો જ નથી. તેની પાસે એટલો સમય જ નથી કે તે પોતાના ભાઈ માનવીને સાચા હૃદયથી સમજી શકે.

ઇસ્લામ સમાજના દુષણો દૂર કરવાની ખાસ તાકીદ કરે છે. જો વ્યક્તિ જ સંપૂર્ણ ન હોય તો આવા સંજોગોમાં આદર્શ સમાજની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આથી અલ્લાહે કુઆર્નેશરીફમાં કેટકેટલીએ ઠેકાણે ફરમાવ્યું છે કે ભલાઈ (કલ્યાણ) તરફ લોકોને બોલાવો અને બદીઓ (દુષ્કર્મો)થી લોકોને દૂર રહેવાની તાકીદ કરતા રહો. એક સજ્જન નાગરિકની એ પવિત્ર ફરજ થઈ પડે છે કે તે પોતાને પહેલા એક નંબરનો સાચો માનવી બનાવે. બાદમાં અન્યોને નેકી તરફ બોલાવે. જો તે પોતે જ ‘ડાઘી’ હશે તો અન્યોને શું માર્ગદર્શન આપશે ? આજે વિશ્વભરમાં આવા ડાઘી મનુષ્યોની બહુમતી છે. એટલે વિશ્વભરની સરકારો ગમે તેટલો પ્રચાર કરે તથા નાણા ખર્ચે આદર્શ નાગરિક તૈયાર થતાં જ નથી. સરકાર દ્વારા ગમે તેટલી મહેનત કરવામાં આવે પરીણામ આવતું જ નથી. લાંચ-રુશ્વત લેતા અધિકારીઓ, કરચોરી કરતા નાગરિકો તથા અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં લાકોની વણઝાર લાગી છે. આવા સમાજમાં જેહાદ (સંઘર્ષ) કરવો ફરજિયાત છે. તથા પવિત્ર ફરજ પણ છે. વિશ્વભરની સરકારો લઠ લઈને આતંકવાદ પાછળ પડી છે પરંતુ તંદુરસ્ત સમાજની રચનામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ઇસ્લામ આવા સમાજમાં જેહાદની હાકલ કરે છે અને તેમાં ખોટું શું છે ? વિશ્વભરના બેકાર યુવાનો જે દિવસે રોજી માટે જેહાદ કરશે ત્યારે વિશ્વભરના બેઈમાન સત્તાધીશો મુશ્કેલીમાં મૂકાશે. આથી જ તો તેઓ જેહાદનો અનર્થ કરી તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે
માનવીય તથા નૈતિકમૂલ્યોની હિફાજત (રક્ષણ) માટે અલ્લાહ વિશ્વભરમાં જેહાદ દ્વારા, એવા ફર્સ્ટ કલાસ સિટિઝનની એક એવી ફોજ ઉભી કરવા માગે છે. આમ જેહાદ પાછળ ખૂબજ શુભ તથા કલ્યાણકારી આશય છૂપાયેલ છે. અલ્લાહ અવ્વલ નંબરના નાગરિકોની એવી ફોજ ઉભી કરવા માંગે છે જે માનવીય મૂલ્યોનું જતન કરે, સામાજિક, આર્થિક તથા રાજકીય બદીઓ સામે સંઘર્ષ કરી તંદુરસ્ત વિશ્વ સમાજનો પાયો નાંખે. કુઆર્નેકરીમમાં અલ્લાહે આવી ફોજને સર્વોત્તમ લોકો (ઉમ્માહ) કહી સંબોધન કર્યું છે. આ ફોજ શરૃઆતમાં જીભ એટલે મોઢાથી જેહાદ કરે છે, ત્યારબાદ કલમથી તથા અંતે નાછૂટકે શસ્ત્ર ઉપાડી સંઘર્ષ કરે છે. વિશ્વભરની લોકશાહી સરકારો જે ભગીરથ કાર્ય કરવા મથી રહી છે, તેના માટે ઇસ્લામ માર્ગદર્શન આપે છે કે પહેલા માનવીને પ્રમાણિક, સદગુણી તથા સદાચારી બનવો ત્યારબાદ જ સમાજને સુધારી શકાશે અને માનવતાના હિત માટેના પરિણામો હાંસલ કરી શકાશે.
હાંસીપાત્ર વાત એ છે કે પશ્ચિમી વિચારધારા મુજબ વ્યક્તિ પહેલો આવે અને સમાજ બાદમાં આવે. વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આદર્શ સમાજનો છેદ ઉડાડી બાદમાં તંદુરસ્ત સમાજની ખેવના રાખવામાં આવે છે. અરે ભલા માણસો તમે ઊંધી દશામાં ચાલશો તો કોઈ પણ સંજોગોમાં ધાર્યા પ્રમાણેની મંઝિલ ઉપર પહોંચી શકશો નહીં. વ્યક્તિઓથી સમાજ બને છે નહીં કે સમાજથી વ્યક્તિ. એક બાજુ વ્યક્તિવાદને પોષી બદીઓનો ભયંકર જંગલ ઊભો કરશો અને તેમાં શરાફતની આશા રાખશો તો આ આશા ઠગારી નિવડશે. પહેલાં વ્યક્તિને સાચા અર્થમાં માનવી બનાવશો તો જ આદર્શ સમાજ, દેશ તથા વિશ્વની રચના થશે.

ફર્સ્ટ કલાસ સિટિઝન (નાગરિક) કોને કહેવાય ? તેનું ઉત્તમ ઉદાહરણ મહાન બોકસર મુહમ્મદઅલી હતો. જેણે વિયેતનામ યુદ્ધમાં જવાનો ઇન્કાર કરી જેલમાં જવાનું પસંદ કર્યું. પોતાના દેશના સત્તાધિશોના સ્વાર્થ ખાતર તે વિયેતનામના નિર્દોષ નાગરિકોની હત્યા કરવા માંગતો ન હતો. એક તરફ આખા અમેરીકાના નાગરિકો અને બીજી બાજુ એકલો અટૂલો અશ્વેત નાગરિક. આ જેહાદ જેણે અમેરિકા જેવી મહાશક્તિની આંખો ઉઘાડી દીધી. વિયેતનામમાં અમેરિકાએ શરણાગતિ સ્વીકારી અને દુનિયાભરમાં નામોશી વહોરી. આમ જેહાદ પાછળનો આશય ખૂબજ શુભ અને વિશ્વ સમાજની પવિત્ર ફરજ છે. જેહાદ શબ્દનો અનર્થ કરી વિશ્વસમાજમાં ભય ફેલાવવાની જરૃર છે જ નહીં. જેહાદ અને આતંકવાદને કાંઈ પણ લેવા દેવા નથી. જો માનવી બાળપણથી જ પોતાના નફસ (ઈચ્છાઓ) વિરુદ્ધ સંઘર્ષ કરે, સમાજની બદીઓ વિરુદ્ધ લડાઈ લડે તથા વિશ્વસમાજમાં માનવમૂલ્યોનું ધોવાણ કરતી બદીઓ સામે જંગે ચઢે તો એક આદર્શ વિશ્વ સમાજની રચના શકય બને. ખાલી નારાઓ લગાવવાથી, પ્રતિબંધો લાદવાથી, રેલીઓ કાઢવાથી આતંકવાદનો અંત નહીં આવે.

* યૂસુફ જે.નાગોરવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here