ઇસ્લામી શિષ્ટાચારના ખજાનાઓમાંથી એક દૃષ્ય

  0
  158

  અલ્લાહની કિતાબથી જો આપણે બોધ લેવાનું વલણ અપનાવીયે તો ઝિંદગીને સરળતાઓ અને રાહતો ઉપલબ્ધ કરાવવા માટે આપણને એમાંથી ભરપૂર ખજાનો મળી રહે છે અને અલ્લાહની કીતાબ આવી છે જ બોધ માટે, માણસજાતને સીધો માગ બતાવવા માટે. જિંદગીને સદ્ગુણીતાઓ અને સદાચારથી શણગારવા માટે અને તેને એક એવો ઉત્તમ ઇન્સાન બનાવવા માટે જે પોતે પણ દુન્યવી જીવન દરમ્યાન રાહતો-આરામના શ્વાસ લઈને જીવી શકે અને પોતાની આસપાસના લોકો માટે પણ રાહતો-આરામ અને તેમના કલ્યાણનું કારણ બની શકે. પણ એ બધું ત્યારે જ બની શકે જ્યારે માણસ અલ્લાહની કિતાબથી બોધ લઈને પોતાના અંદરમાં માનવતાના મૂલ્યોનું સિંચન કરવા તૈયાર થાય. નળમાં પાણી તો આવતું હોય પણ આપણે આપણા વાસણો ન ભરીએ તો આપણે પાણીથી વંચિત રહી જઈએ. નળમાં પાણી એટલા માટે આવે છે કે આપણે એનાથી આપણા વાસણો ભરી લઈએ જેથી આપણી પાણીની જરૃરત સંતોષાય. પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ન કરીએ અને એ પાણીના વહેણને બસ જોયા કરીએ, એના ખળખળ મધુર અવાજનો માત્ર આનંદ જ લેતા રહીએ અને ફકત એની પ્રશંસા જ કરીને બેસી રહીએ તો આપણા વાસણોમાં પાણી આવશે ખરૃ ? અને આપણી પાણીની જરૃત સંતોષાશે ખરી ? પાણી જેવી અલ્લાહની ને’અમત હોવા છતાં આપણે તરસ્યા રહી જઈશું. સ્નાન ન કરી શકવાના કારણે ગંદાગોબરા રહી જઈશું અને સાફસફાઈ ન થઈ શકવાના કારણે આપણી આસપાસનો માહોલ પણ ગંદોગોબરો રહી જશે. જે આપણને પણ નડશે અને અન્યોને પણ પરેશાન કરશે. અલ્લાહની કિતાબના બારામાં પણ બસ આવું જ છે તે આપણને સદગુણીતાના,, સદાચારના, સાર્વત્રિક ભલાઈના પાઠ ભણાવે છે અને જગતજીવનમાં અલ્લાહના પસંદગીપાત્ર બનીને જીવવાનું જ્ઞાાન આપણને આપે છે.

  સાધારણ રીતે સમજમાં આવી જાય એવી એક દલીલ આપીને આપના અંતરાત્માને જગાડવાનો પ્રયાસ કરીશ. કદાચ વાત આપની સમજમાં આવી જાય. આપનું એક બાળક ખૂબ સુંદર છે, આપ તેનાથી ખૂબ પ્રેમ કરો છો, તેને લાડ લડાવો છો, તેને જોઈએ તે વસ્તુઓ અપાવો છો, તેના માટે સુંદર મજાના કપડાં લાવો છો અને શણગારની તમામ વસ્તુઓ એના માટે ઘરમાં વસાવો છો. પણ એક બાળક ગંદુગોબરૃં રહીને તમારી પાસે આવી સોફા ઉપર બેસી જાય તો તમને કેવું લાગે ? એના હાથપગ ગંદા હોય, કપડા ગંદા અને લઘરવઘર હોય, એના મોઢા ઉપર ગંદકી ચોંટેલી હોય, વાળ જેમ તેમ વિખરાયેલા હોય અને વળી એના શરીરમાંથી પણ બદબૂ આવતી હોય તો સાચું કહેજો, તમારૃ બાળક હોવા છતાં તમને અણગમો નહીં થાય ? અને વળી એ ગમે તેમ એલફેલ બોલતું હોય, તોફાન કરતું હોય, ભાંગફોડ કરતું હોય અને ઘરના માણસોને પરેશાન કરતું હોય તો તમને એમના ઉપર ગુસ્સો નહીં આવે ? બસ આપણા જીવનનું પણ આવું જ છે. અલ્લાહે આપણા માટે સદાચારીતા, સુઘડતાના અનેક પ્રમાણો આપણને આપ્યા હોય પણ આપણે તેનો ઉપયોગ જ ન કરીએ અને મનફાવે તેવા બનીને રહીએ તો અલ્લાહતઆલા આપણાથી ખૂબ પ્રેમ કરતાં હોવા છતાં અલ્લાહને આપણા એવા વર્તનથી અણગમો નહીં થાય ? અને અલ્લાહને નારાજ કરવાનું કામ આપણા માટે લાભદાયી હશે ખરૃ ?

  જીવનને રાહતભર્યું બનાવવા માટે અલ્લાહે શિષ્ટતાના અનેક પાઠ આપણને તેની કિતાબ દ્વારા આપ્યા છે અને પ્યારા નબી સ.અ.વ.ના આચરણો દ્વારા આપણી સામે એનો સુંદર નમૂનો પણ મૂકયો છે. આપ સ.અ.વ.ના જાંનિસાર સાથીઓ (સહાબા રદિ.)એ પણ પોતાની જાતોને એ બીબામાં ઢાળીને આપણી સામે, એક મોમિન કેવો હોવો જોઈએ તેના અસંખ્ય પ્રમાણો આપણી સામે મૂકયા છે. એ બધી સામગ્રી આપણી સામે એટલા માટે છે કે આપણે તેને જોઈ જાણીને આપણી જાતોનું એવું ઘડતર કરીએ જેથી દુનિયામાં પણ અલ્લાહના પસંદગીપાત્ર બનીને રહીએ અને આખિરતમાં પણ તેની રઝામંદી આપણું જીવન ધન્ય કરી દે. જો અલ્લાહની કીતાબને આપણે એ રીતે બોધ લેવાના આશયથી પઢીશું અને એ મુજબ આપણા જીવનનું ઘડતર કરીશું તો જ અલ્લાહની કીતાબને પઢવાનો અસલ હક અદા થઈ શકશે.

  સૂરઃએ મુજાદેલા (અઠ્ઠાવનમી સૂરઃ)ની આયત નંબર ૧૧માં શિસ્તબદ્ધતાના અનેક પ્રમાણોમાંથી એક પ્રમાણ આપણી સામે મૂકયું છે. મહેફિલ (એેસેમ્બલી)ની બેઠકોમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ અને જરૃર પડયે આપણે કેવી સહુલતો ઉપલબ્ધ બનાવવા પ્રયાસ કરવા જોઈએ. તેની ગાઈડલાઇન્સ આપણને આ વાતમાં જોવા જાણવા મળે છે. અલ્લાહ કહે છે.

  ‘હે ઈમાનવાળા લોકો, જ્યારે તમને કહેવામાં આવે કે તમારી મજલિસોમાં (અન્ય આવનારાઓને જગા આપવા માટે) મોકળાશ પેદા કરો તો જગ્યા મોકળી કરી દો. અલ્લાહ તમને મોકળાશ અતા કરશે, અને જ્યારે તમને કહેવામાં આવે કે ઊઠી જાઓ તો મજલિસમાંથી ઉઠી જાવ. તમારામાંથી (જેઓ સાચા) ઈમાનવાળા છે તેમને અને જેમને જ્ઞાાન આપવામાં આવ્યું છે તેમને અલ્લાહ ઉચ્ચ દરજ્જાઓ આપશે અને તમે જે કંઈ કરો છો તેની અલ્લાહને ખબર છે.’

  આપ સ.અ.વ. પાસે દીને ઇસ્લામને જાણવા-સમજવા માટે અનેક માણસો આવતા રહેતા હતા. ઘણીવાર તો કોઈ કબીલાનો મોટો સમૂહ સાથે આવતો. ખાસ કરીને આ મહેફિલો મસ્જિદે નબવીમાં થતી અને તે સમયે મસ્જિદે નબવી અત્યારે છે એટલી મોટી ન હતી. એટલે નવાગંતુકો માટે જગ્યા કરી આપવાનું જરૃરી બની જતું. એવા સમયે સહાબાઓની જમાતના લોકો આપ

  ઇસ્લામી શિષ્ટાચારના

  સ.અ.વ.ની આસપાસ બેઠા હોય તો તેમને કહેવામાં આવ્યું કે થોડા આઘાપાછા થઈ જાવ અને નવાગંતુકો માટે જગા મોકળી કરી દો જેથી તેઓ શાંતિથી બેસીને અલ્લાહના રસૂલ સ.અ.વ.ની વાતને ધ્યાનથી સાંભળી શકે. આ એક શિષ્ટાચારની વાત હતી. અલ્લાહ ઈમાનવાળા લોકોને આ રીતે જીવનમાં જરૃરી શિષ્ટાચાર અપનાવવાની તાલીમ આપે છે. અન્યોનું સન્માન કરવાની પદ્ધતિ શીખવાડે છે. જહાલતકાળમાં તો આરબોમાં ગર્વ અને અભિમાનની હાલત એ હતી કે પાછળથી આવીને કોઈ આગળ જતા કે બેઠેલા માણસથી આગળ વધી જાય તો આગળવાળા લોકો તેનું પોતાનું અપમાન સમજતા અને ઘણીવાર તો એવી પરિસ્થિતિઓમાં ઝઘડો-ફસાદ પણ થઈ જતો. પણ હવે પરિસ્થિતિઓ તદ્દન બદલાઈ ગઈ હતી. અલ્લાહના રસૂલ સ.અ.વ. આવ્યા, અલ્લાહનો સંદેશ આવ્યો અને માનવીય શિષ્ટાચારના ધારાધોરણોના ખુલાસાઓ થવા માંડયા. સહાબા રદિ.ની જિંદગીઓ સાવ બદલાઈ ગઈ હતી. હવે તેઓ સામે ચાલીને નવાગંતુકો માટે જગા કરી આપવા આઘાપાછા થઈ જતા અને એમ કરવામાં ખુશી મેહસૂસ કરતા. અન્યોની રાહત માટે પોતે તકલીફ વેઠવાને પોતાનું સદ્ભાગ્ય સમજતા. અલ્લાહે પોતાની કિતાબમાં આ આદેશ, આવનારા તમામ યુગોના ઈમાનવાળા લોકો માટે કાયમ કરી દઈને જણાવ્યું કે માનવીય શિષ્ટાચાર શું વસ્તુ છે અને એનું મહત્ત્વ કેટલું છે.

  શિષ્ટાચારના આ મુદ્દાને આપણે જરા વિશાળતાથી જોવાનો પ્રયાસ કરીએ. ધરતી ઉપર માનવ વસ્તી હવે ખૂબ વધી ગઈ છે. જગાઓ સાંકડી પડવા લાગી છે. જરૃરતોની આવશ્યકતાઓ ખૂબ વધી ગઈ છે, ચારેકોર સકડામણ લોકોને ગૂંગળાવી રહી છે. તેના કારણે ટકરાવો ઊભા થાય છે, ઝઘડા-ફસાદ ફેલાય છે, ઘણીવાર તો મોટા મોટા યુદ્ધો થાય છે અને માણસજાત ખુવાર થાય છે. ધરતીનો ગ્રહ તમામ માનવ જીવો માટે આશ્રયસ્થાન છે. દરેકને એના ઉપર રહેવાનો, વસવાનો, પોતાની જરૃરતો મેળવવાનો સરખો અધિકાર છે. તમામ ઇન્સાનો અલ્લાહના સર્જનો છે. એટલે અલ્લાહની નજરોમાં બધા સમાન છે. અલ્લાહે જીવન માટે જરૃરી બધી જ વસ્તુઓ પ્રમાણસર બનાવીને ધરતી ઉપર ફેલાવી રાખી છે જેથી તેનું આ શ્રેષ્ઠ સર્જન-માનવી-જરૃરતોની આપૂર્તિથી વંચિત ન રહે. અલ્લાહનો નિઝામ (ઇસ્લામ) ધરતી ઉપર એવી વ્યવસ્થા ચાહે છે જેના વડે તમામ માનવજાતની અનિવાર્ય જરૃરતો દરેકને સરળતાથી ઉપલબ્ધ બને. કોઈ વંચિત રહી ન જાય. કોઈના હક ન છીનવાય, કોઈની માનવીય મર્યાદાનો ભંગ ન થાય. માનવી એકબીજાને નડતરરૃપ બનવાના બદલે સહાયરૃપ બને. કોઈનો રસ્તો રોકે નહીં. બલ્કે કોઈ કારણસર રસ્તો બંધ થઈ ગયો હોય તો તેનો રસ્તો ખોલવામાં તેની સહાયતા કરે. કોઈને અડચણરૃપ ન બને બલ્કે સગવડરૃપ બને. વધુ થી વધુ લઈ લેવાની લાલચ ન રાખે કારણ કે એનાથી બીજા લોકો વંચિત બની જશે. પોતાની જરૃરત જેટલું મેળવી નહીં શકે. અલ્લાહના આ વિશાળ ભંડારમાંથી થોડા લોકો તેમની જરૃરત કરતાં અનેકગણું વધુ લઈ લેશે તો હજારો, લાખો લોકો મોહતાજ બની જશે. થોડા લોકોના ભંડારો છલકાતા હશે, તેનો કોઈ ઉપયોગ કરનારૃં નહીં હોય અને હજારો લાખો વંચિતોના બાળકો નાગા-ભૂખા રહી જશે, બીમારો તબીબી સારવારથી મેહરૃમ થઈને મરણને શરણ થઈ જશે. ઈલેકટ્રોનિક મીડિયા ઉપર રોજબરોજ અનેક રિપોર્ટો એવા આવે છે જે જોઈને હૃદય દ્રવી જાય છે. ગઈકાલે (ર૮-૧૦-૧૭) એક અંગ્રેજી ચેનલ ઉપર એક રિપોર્ટ પ્રસારિત થયો. જેમાં યુદ્ધગ્રસ્ત દેશ સીરિયાનું એક દૃશ્ય બતાવવામાં આવ્યું હતું. એક ભાંગ્યા-તૂટયા ઘરમાં એક માતા પોતાના ચાર નાના-નાના બાળકોને પાસે બેસાડીને એક નાના પ્લેટમાં સફેદ ક્રીમ જેવી કોઈ વસ્તુ આછી-પાતળી ફેલાવીને પછી બે-ત્રણ રોટીઓમાંથી ટુકડો ટુકડો રોટી તે બાળકોના હાથમાં આપે છે. અને પેલા બાળકો એ ટુકડા ઉપર થોડું થોડું ક્રીમ લઈને બે-ચાર નીવાલા (કોળિયા) ખાઈને ઊભા થઈ જાય છે ! તેમના ચહેરાના દયામણા હાવાભાવ જોઈને હૃદય દ્રવી જાય છે. માણસજાત કેટલી નિષ્ઠુર, કેટલી દયાહીન, અને કેટલી લાગણીહીન બની ગઈ છે તેનો આ એક બોલતો પુરાવો છે. આવા તો હજારો નહીં બલ્કે લાખો દૃશ્યો માનવજાતની નિષ્ઠુરતાની ચાડી ખાય છે.

  યાદ રાખો, આપણે બધા પરીક્ષણની અવસ્થામાં છીએ. એક એક પલ આપણું પરીક્ષણ થઈ રહ્યું છે. આપણે નેકીઓનું ભાથું તૈયાર કરી રહ્યા છીએ કે પાપના ઘડા ભરી રહ્યા છીએ તે આપણે જોવાનું છે. કારણ કે આખિરતના જીવનમાં એ જ આપણી પૂંજી બનવાની છે. ત્યાં કોઈ પાઉન્ડ, ડોલર કે રૃપિયા નહીં હોય. કયાં તો નેકીઓની પૂંજી હશે અથવા તો પાપના ભારા હશે. અલ્લાહના હબીબ સ.અ.વ. ફરમાવે છે કે ‘ઇખ્લાસ (નિખાલસતા)થી કોઈને ખવડાવેલી ખજૂરનીએક પેશી કયામતના દિવસે ઉહદના પહાડ જેટલી નેકી બનીને આવશે.’ અલ્લાહ તમને હજમાં લઈ જાય તો ઉહદ પહાડ કેટલો મોટો અને કેટલો લાંબો છે તે જરા જોઈ લેજો. અલ્લાહ તમને સહુને એ જોવાનો મોકો અતા ફરમાવે.
  માનવી માનવતા ખોઈ નાંખે તો બધું જ ખતમ થઈ ગયું. પછી કંઈ બાકી રહેતું નથી. ઇસ્લામ માણસને સાચા અર્થમાં માત્ર માનવ નહીં બલ્કે મહામાનવ બનાવવા આવ્યો છે. જરા એ રસ્તે થોડા ચાલી ને જુઓ. જો નેકીઓની લાલચ પડી જશે તો પોતે ભૂખ્યા રહીને અન્યોને ખવડાવવામાં તમને આનંદ આવશે. અન્યોની જરૃરતો પૂરી કરવામાં તમે આત્મસંતોષની લાગણી અનુભવવા લાગશો. બીજાને સહાયરૃપ બનવામાં અન્યોના માટે સરળતાઓ અને સહુલતો ઊભી કરવામાં, તમારા મનહૃદય મહાશાંતિનો અનુભવ કરશે. આ માટે તંગનજરી અને તંગદિલી છોડીને હૃદય વિશાળ બનાવવું પડશે. અલ્લાહ કેટલું સરસ કહે છે આ આયતમાં. તમે લોકો માટે કુશાદગી (મોકળાશ) કરશો તો અલ્લાહ તમારા માટે મોકળાશ કરશે. અલ્લાહ તમને ઉચ્ચ દરજ્જાઓ આપશે.’ અલ્લાહુ અકબર. આનાથી બીજી કઈ વસ્તુ મૂલ્યાન હોઈ શકે છે. આજની સ્વાર્થી અને શોષણખોર વિચારધારાઓએ માણસના મનહૃદય બેઉને તંગ બનાવી દીધાં છે. લાભ સિવાય કોઈ વાત કરવા તૈયાર નથી. ચારે તરફ લૂટનું બજાર ગરમ છે. થોડાક લોકો અબજોમાં મહાલે છે અને લાખો-કરોડો મેહરૃમ લોકોના બાળકો ભૂખ્યા સૂવે છે ! અને છતાં માનવી પોતાની જાતને સુસંસ્કૃત ગણે છે ! ઈસ્લામને તેના સાચા અર્થમાં અપનાવીશું તો જ કોઈ પરિવર્તન આવી શકશે. *

  NO COMMENTS

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here