લોકસભામાં જંગી બહુમતીના જોરે પસાર કરાવેલા ત્રણ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર કરવા બાબતે હવે મડાગાંઠ સર્જાઈ છે. કોંગ્રેસ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે ખરડામાં જીવન નિર્વાહ ભથ્થુ આપવાની જે જોગવાઈ કરવામાં આવી છે તેના માટે કેન્દ્ર દ્વારા એક કોપર્સ ફંડ સ્થાપવામાં આવે અને તેમાંથી ખુદ મહિલાઓ અને તેના બાળકો માટે ચુકવણુ કરવામાં આવે. સત્તાધારી ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના સૂચનો સ્વીકારવાની વાત તો કહી છે પરંતુ તે ‘વાજબી’ હોવાની અને ખરડાના હાર્દની વિરુદ્ધ ન હોવાની શરત પણ મૂકી છે અને કોંગ્રેસ અને કેટલાક પોલીટીકસ નહીં રમવાની સુફિયાણી સલાહ પણ આપી છે. આ સંજોગોમાં મડાગાંઠનો ઉકેલ આવવાની શકયતા નહિવત જણાવી છે, કારણ કે ભારતીય જનતા પક્ષનંુ વલણ પોતાની ચઢિયાતી પવિત્રતાનો દાવો કરવાનું છે.
આ ખરડાને મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને કાયદા નિષ્ણાતોએ ‘કાળો’ અને ‘આક્રમક’ કાયદો ઠેરવ્યો છે અને તેમના મતે તે ભારતના બંધારણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ અનુરૃપ ન હોવાનો જે અભિપ્રાય વ્યકત કર્યો છે તે યોગ્ય છે. બીજી બાજુ સત્તારૃઢ ભારતીય જનતા પક્ષ દ્વારા લોકસભામાં આ ખરડો રજૂ કરી તેને પસાર કરાવવા માટે દાખવેલ ઉતાવળ તેની પાછળના રાજકીય હેતુ અંગેની શંકાને વધુ દૃઢ બનાવે છે. અમુક બુદ્ધિજીવીઓના મતે આના આધારે તે મુસ્લિમ પુરૃષો વડે જેલો ભરી મૂસ્લિમ સમાજને વેરવિખેર કરવાની અને મુસ્લિમ મહિલાઓની મુશ્કેલીઓમાં વધારો કરી તેમના કૌટુંબિક અને લગ્નજીવનને બરબાદ કરવાની યોજના ધરાવતી હોવાનો અભિપ્રાય વ્યકત કયો છે.
સુપ્રીમ કોર્ટે જ્યારે ત્રણ તલાકને રદ કરી હોય અને લગ્ન સંબંધ યથાવત્ ચાલુ રહેતા હોય તો તેને બિનજામીનપાત્ર પોલીસ અધિકારનો ગુનો બનાવવાની શી જરૃર છે. જેના માટે ગંભીર સ્વરૃપના ફોજદારી ગુનાઓ જેટલી સજાની જોગવાઈ કરવામાં આવી હોય.
એકી સાથે ત્રણ તલાક ઉચ્ચારવાના પરિણમો લગ્નના બંધનને ભાંગતું અટકાવવા માટે કોઈ અવકાશ રહેતો ન હોવાની વાત જસ્ટીસ નરીમાને પોતાના ચુકાદામાં કરી છે, પરંતુ હવે તેને બિનજામીનપાત્ર પોલીસ અપરાધનો ગુનો બનાવી સરકાર શું તેને એ જ દિશામાં નથી લઈ જઈ રહી, બલ્કે આના કારણે તો જેલ ભોગવ્યા પછી કોઈ પતિ પોતાની પત્ની સાથે રહેવા સંમત નહીં થાય જેના કારણે તેણે જેલવાસ ભોગવ્યો હશે. વળી ફોજદારી ગુનો બનવાના કારણે પતિના માથે જે કલંક લાગશે તેના કારણે એના માટે નોકરીની મર્યાદિત તકો પણ વધુ મર્યાદિત બનશે.
આ સંજોગોમાં જે તલાક લાગુ પડયા જ નથી અને જે ઘટના બની જ નથી તેના માટે મુસ્લિમ પતિને બંધારણ અને ફોજદારીસંહિતાની જોગવાઈઓની ધરાર અવગણના કરી મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવાવ અને કહેવાતા લૈંગિક ન્યાય અને લૈંગિક સમાનતા (કે અસમાનતા) સુનિશ્ચિત કરવાનો આશય સિદ્ધ કરવાના દાવા ચોક્કસપણે ચૂંટણીલક્ષી રાજકારણ ઉપર આધારિત હોવાની આશંકાને વધુ દૃઢ બનાવે છે.
અનેક બંધારણીય અને કાયદાકીય ખામીઓ વાળા આ ખરડાને શાસક ભારતીય જનતા પક્ષ જો પસાર કરાવવામ સફળ પણ થઈ જાય તો તેની બંધારણીય અને વિરોધાભાસને પડકારવામાં આવશે. અને ફરી એકવાર આ બાબત સર્વોચ્ચ અદાલતમાં જશે.
અમારા મતે આનો સાચો અને યોગ્ય ઉપાય આ અંગે કાનૂની જાગૃતિ લાવવાનોછે જેનું સૂચન હૈદરાબાદની રાષ્ટ્રીય યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરે કર્યો છે અને આના માટે થોડી વધુ રાહ જોવાની જરૃર છે. માત્ર સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી અમુક કેસો બનેલ હોવાનું કારણ આગળ ધરી આવો કાળો કાયદો લાવવાનું કોઈ ઔચિત્ય મુસ્લિમ પતિઓને કે સમાજને પાઠ ભણાવવા સિવાયનો નથી.
બીજી બાજુ મુસ્લિમ સંગઠનોના અને સવિશેષ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વગેરેએ આ બાબતે વ્યાપક જાગૃતિ કેળવવા માટે ઝુંબેશ શરૃ કરવી જોઈએ અને ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરી તલાકે બિદઅત એકી સાથે ત્રણ તલાકના ઉચ્ચારણની પ્રથાને અટકાવવા આગળ આવવું જોઈએ. આવી મહિલાઓ અને તેના બાળકોની કફોડી સ્થિતિનો ગેરલાભ લઈ જમરેણી સંગઠનો અને સમાન દીવાની કાયદાના સમર્થકો દ્વારા પોતાના ઇસ્લામ વિરોધી એજન્ડાને આગળ ધપાવવા દુરૃપયોગ કરવામ ન આવે અને તેમને યોગ્ય સહાય અને નૈતિક અને માનસીક ટેકો મળી રહે તે માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. બીજી બાજુ આવી બાબતો માટે મુસ્લિમ ધાર્મિક સામાજિક સંગઠનોને વિવાદોના ઉકેલની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાના માર્ગમાં અવરોધ ઉભા કરવાને બદલે તેમાં મદદરૃપ થવું જોઈએ.