Home સમાચાર વૈકલ્પિક મીડિયા પર સરકારની કાર્યવાહીનો અર્થ

વૈકલ્પિક મીડિયા પર સરકારની કાર્યવાહીનો અર્થ

0

(ન્યૂઝ ડેસ્ક) દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ અંગે સતત ચર્ચા થતી રહે છે. વિદેશી મીડિયાની સાથે, લોકશાહી અને લોકતાંત્રિક પ્રક્રિયાઓના અમલીકરણ અને મીડિયાની સ્વતંત્રતાની તપાસ કરતી સંસ્થાઓ પણ વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા માત્ર આર્થિક બાબતોમાં જ ઘટી રહી છે, પરંતુ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માનવાધિકાર અને મીડિયાની સ્વતંત્રતામાં ભારતનું આંતરરાષ્ટ્રીય રેન્કિંગ પણ આ વર્ષે પહેલાં કરતાં ઘણું નીચે ગયું છે.

તાજું પ્રકરણ ન્યૂઝક્લિક પોર્ટલ પર EDની કાર્યવાહી છે. ગયા અઠવાડિયે, પોલિસે લગભગ ૪૬ પત્રકારો અને સામાજિક કાર્યકરો અને ન્યૂઝક્લિક પોર્ટલના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ પત્રકારો તેમનો વ્યવસાય મુખ્ય પ્રવાહના મીડિયામાં નહીં પરંતુ વૈકલ્પિક માધ્યમોમાં કામ કરી રહ્યા છે. ન્યૂઝક્લિક ન્યૂઝ પોર્ટલના સ્થાપકોને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પત્રકારોનો અવાજ દબાવવામાં નથી આવી રહ્યો પરંતુ વાસ્તવમાં તેમનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. તેમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે, કારણ કે કેટલાક પત્રકારો સરકાર ઇચ્છે છે તેમ લખતા અને બોલતા નથી. સરકારથી જુદું વિચારવું કે બોલવું એ હવે દેશદ્રોહી બનવું છે. દરેક ચૂંટાયેલી સરકાર સમજે છે કે પત્રકારો અથવા નાગરિકો તેના વિચારોથી અલગ રીતે વિચારી શકે છે. તે જાણે છે કે જે જનાદેશ તેની તરફેણમાં આવ્યો છે તે ગઈ કાલે બીજા કોઈ માટે હતો અને આવતીકાલે પણ કોઈ અન્ય માટે જ હશે. તો પછી પ્રશ્ન એ છે કે આ સરકાર તેને ચૂંટનાર મતદારોમાંથી વિશ્વાસ કેમ ગુમાવી રહી છે. ગયા અઠવાડિયે, ન્યૂઝક્લિક પોર્ટલના સ્થાપકોની સાથે, તેના માટે કંટેન્ટ આપનાર યુટ્યુબર્સની પણ ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું તમે શાહીન બાગ ગયા હતા ? શું તમે દિલ્હી રમખાણો અને ખેડૂતોના આંદોલનને કવર કર્યું હતું ? શું તમે JNU સંઘર્ષ દરમિયાન ત્યાં હતા ? શું સરકાર વૈકલ્પિક માધ્યમોના પ્રભાવથી ડરે છે ? કારણ કે બધા જાણે છે કે આ તમામ મુદ્દાઓ સરકારને પરેશાન કરી રહ્યા હતા. શાહીન બાગમાં વિરોધ કરી રહેલી મહિલાઓની હેરાનગતી માટે સરકારના મંત્રીઓએ માત્ર સમર્થન જ નહીં પરંતુ અપમાનજનક ભાષા અને બળનો પ્રયોગ પણ કર્યો, જે આખરે દિલ્હીના રમખાણોમાં પરિણમ્યું. ઘણા વર્ષો પછી ખેડૂતોના આંદોલન દરમિયાન ફરીથી ખાલિસ્તાની શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે હવે વાસ્તવમાં તેના વારંવાર પુનરાવર્તનને કારણે વિદેશની ધરતી પર ફૂલ્યો ફાલ્યો હોય તેવું લાગે છે. ન્યૂઝક્લિક પોર્ટલ કેસમાં જે પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ પત્રકારો એવા છે જેઓ સરકારને સવાલો કરે છે. દિલ્હી પોલીસે ન્યૂઝ પોર્ટલ અને પત્રકારો સામે UAPA હેઠળ કેસ દાખલ કર્યો છે જેમાં જામીન લગભગ અશક્ય છે.

આજે આપણે પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સમાં ૧૮૦ દેશોમાં ૧૬૧મા ક્રમે છીએ. કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને ઉત્તર પ્રદેશની જેલમાં ૨૭ મહિના ગાળ્યા બાદ આ વર્ષે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેમની ધરપકડ UAPA હેઠળ કરવામાં આવી હતી. જાણે તે આતંકવાદી હોય. દલિત બાળકી પર બળાત્કારના કેસની રિર્પોટિંગના સંદર્ભમાં તે યુપીના હાથરસ ગયો હતો. તેને જેલમાં બે વાર કોવિડ થયો અને જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે સ્ટાફ ઓફિસરે કહ્યું કે તે આતંકવાદી છે. પાંચ દિવસ સુધી તેને શૌચાલય જવાથી અટકાવવામાં આવ્યો અને તેને હાથકડી પહેરાવીને સારવાર આપવામાં આવી. સરકારની આ કાર્યવાહીને સમગ્ર સોશિયલ મીડિયાને ડરાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. પત્રકારો પર UAPAનો ઉપયોગ ખરેખર ભયાનક છે. સુપ્રીમ કોર્ટ શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version