હજુ સુધી યાદ છે

0
84

સ્ત્રીઓની પ્રકૃતિ

લે. માઈલ ખૈરાબાદી

હું માનું છું કે નેવુ ટકા કામ તો તમે મન ના હોય તો પણ કરો જ છો. એમાં અમુક માટે તો તમે એટલા માટે મજબૂર હોવ છો કે તમે મુસલમાન છો અને તમારે ખુદાની પ્રસન્નતા જોઈએ છે અને અમુકમાં સામાજિક બંધનોએ તમને વિવશ બનાવી દીધા છે અને અમુકમાં એવી મસ્લેહતો છે કે જો તમે તેમ ન કરો તો સમાજમાં ફિત્નો પેદા થઈ જવાની આશંકા છે તો?

જમાઅતે ઇસ્લામી હિંદ ઉત્તર પ્રદેશની એક સ્થાનિક જમાઅતે મહેસૂસ કર્યું કે મહિલાઓમાં દા’વતી કામને વધારવા માટે મહિલા કારકુનોને વર્તમાન તકાદાઓને સામે રાખીને તર્બિયત આપવામાં આવે. જેથી આ એહસાસ ભલામણ સ્વરૂપે સાપ્તાહિક ઇજતેમાઅમાં મૂકવામાં આવ્યો. દરખાસ્ત પાસ થઈ ગઈ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે સ્થાનિક સ્તરે કઈ કઈ મહિલાઓને તર્બિયત માટે પસંદ કરવામાં આવે ? તે પણ નક્કી થઈ ગયું. હવે વાત એ આવી કે આ મહિલાઓને તર્બિયત કોણ આપે ? સાથીઓએ મારૂં નામ રજૂ કર્યુ. હું તૈયાર ન હતો પણ મને નવાઈ લાગી કે મારી ના છતાં અમીરે મુકામીએ મારી વાત ન માની અને આદેશ આપીને આ કામ મને સોંપી દીધું. હવે અમીરના આદેશનો અનાદર કેવી રીતે કરવો ? સવાલ અનુશાસનનો હતો. છેવટે કમને પણ સ્વીકારવો પડ્‌યો.

મેં આ મહિલાઓનો એક ખાસ ઇજતેમાઅ બોલાવ્યો અને નક્કી થયું કે આ તર્બિયતી ઇજતેમાઅ દર અઠવાડિયે થશે. તે પછી મેં અમીરે મુકામી અને બીજા અનુભવી સાથીઓની સલાહ મુજબ એક તર્બિયતી કોર્સ બનાવી લીધો. આ કોર્સના બાર અધ્યાય હતા જે અમલમાં આવ્યા પછી વીસ થઈ ગયા. એનો અર્થ એ થયો કે મહિલાઓની તર્બિયત માટે વીસ ઇજતેમાઅનું આયોજન કરવું પડયું અને તેમાં લગભગ છ મહિનાનો સમય લાગ્યો.
આ સમયગાળો પૂરો થયો. એ જમાનાની ઘણી વાતો યાદ રહી ગઈ અને યાદ રહેશે. પરંતુ એક વાત એવી છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી સમજું છું કે તેના વિષે અમારા ઘણા સાથીઓ અવઢવની હાલતમાં છે અને તેના વિષે સંતોષ ઇચ્છે છે.

કારકુન મહિલાઓના આ તર્બિયતી ઇજતેમાઅમાં એક પાઠ હતો “ઇસ્લામની સામાજિક વ્યવસ્થા” આ પાઠમાં મારે ખૂબ મહેનત કરવી પડી અને અમુક વખત અચાનક એવા મામલા સામે આવી ગયા કે જો અલ્લાહનો ફઝલ ન હોત તો હું તદ્દન નિષ્ફળ જતો જેથી આ પાઠે મને મજબૂર કર્યો કે તેને અમુક સપ્તાહ સુધી ચલાવવો પડયો. થયું એમ કે એક દિવસ એક મહિલાએ પત્નીઓની સંખ્યા પર વાંધો ઉઠાવ્યો અને પોતાના પ્રશ્નને આ શબ્દોમાં રજૂ કર્યો કે “કેમકે અમને ઘણી બધી બિનમુસ્લિમ બહેનોથી વાતચીત કરવી પડે છે. તેઓ ઇસ્લામની આ બાબત વિષે સંતોષપૂર્વકનો જવાબ માંગે છે તો અમારે ચૂપ થઈ જવું પડે છે એટલું જ નહીં બલ્કે શરમજનક સ્થિતિમાં પણ મુકાવવું પડે છે.”

મેં પૂછ્યુંઃ આમાં વાંધાજનક શું છે ? મારા આ સવાલ પર તમામ આઠ મહિલાઓ ચૂપ થઈ ગઈ. મેં ફરી પૂછયું તો કહેવામાં આવ્યું કે આ વિષય પર ટૂંકમાં એક તકરીર કરી દો તો તેમાં જ અમારા વાંધાઓનો જવાબ મળી આવશે.

હું તકરીર માટે તૈયાર ન થયો કેમકે હું જાણતો હતો કે તકરીરથી સમસ્યાનો હલ નહીં નીકળે. મારા ના કહેવાથી હવે મહિલાઓએ મારી પત્નીને આ મામલે પ્રશ્ન કરવા આગળ કર્યા. તેમણે શબ્દોને ગોઠવીને મને કહી દીધું કે, “ઇસ્લામમાં પુરુષોને પત્ની હોવા છતાં બીજી શાદી કરવાની છૂટ અમારી પ્રકૃતિ વિરુદ્ધ છે.”

મેં બીજી મહિલાઓથી પૂછયુંઃ શું તમારો પ્રશ્ન પણ આ જ છે? બધાએ ‘હા’ માં જવાબ આપ્યો.

મેં કહ્યુંઃતો પછી હું શું કરૂં ? મુસલમાન હોવાની હૈસિયતથી પણ આની આગળ શિશ નમાવી દેવું જોઈએ. જ્યારે અલ્લાહ અને તેના રસૂલ તરફથી પરવાનગી છે તો હવે પ્રકૃતિના વિરુદ્ધ કે તેના મુજબ હોવાનો સવાલ જ કયાં છે ?

“પરંતુ સવાલ એ છે કે અમે મુસલમાન મહિલાઓ માટે તો તેમના “સંતોષ” માટે આ જવાબ પૂરતો છે અને અમારૂં મોઢું બંધ કરવા માટે તો ચાલો આ બરાબર છે પણ તમે બતાવો કે બિનમુસ્લિમ મહિલાઓને સંતોષ કેવી રીતે આપી શકાય, જ્યારે કે સ્ત્રીઓને એ પસંદ જ નથી કે તેમના પતિ તેમના હોવા છતાં બીજી શાદી કરે?

મેં કહ્યું કે : “જો કોઈ ઇન્સાનની પસંદ અને નાપસંદનો સવાલ છે તો મહેરબાની કરીને તમે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિઓનું લિસ્ટ બનાવી લો અને જુઓ કે આ કામોમાં કેટલા કામ એવા છે જે તમે ખુશી સાથે કરો છો ? અને કેટલા કામ એવા છે જે તમે કંટાળા સાથે કરો છો અને કેટલા એવા છે જેને તમે દિલમાં નફરત હોવા છતાં કરો છો ?

મહિલાઓએ મારા પત્ની દ્વારા કહેવડાવ્યુંઃ “અમે આખો દિવસ તમામ કામ અત્યંત ખુશ થઈ ને કરીએ છીએ.”

આ જવાબ પર હું હસી પડયો. પેલી બાજુ પરદા પાછળ પણ તમામ મહિલાઓનો હસવાનો અવાજ આવી રહ્યો હતો.

મેં કહ્યું : માફ કરશો. તમારી વાત સાચી નથી તે હમણાં જ જણાઈ જશે. તમે જરા આખા દિવસના કામો પર નજર તો નાંખો. વહેલી સવારે આલ્હાદક હવા આપણી મીઠી ઊંઘને વધારી દે છે અને એવામાં અઝાનનો અવાજ આવે છે પણ આપણને જરાપણ ગમતું નથી કે આવી સરસ ઊંઘ છોડીને ઊઠીએ..પણ તમે શું કરો છો? પથારીને છોડી દો છો ને કેમ?

“એટલા માટે કે નમાઝ પઢીએ” પરદા પાછળથી કોઈ મહિલાએ કહ્યું. મેં કહ્યું. “એમ ના કહો બલ્કે એમ કહો કે ખુદાના હુકમના કારણે તમે ઊઠો છો અને તેના હુકમના કારણે જ નમાઝ પઢો છો.” તેઓએ કહ્યું : “હા અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે” કોઈએ કહ્યું.

હવે મેં વાત આગળ વધારી.

આ જ રીતે તમે ગરમી હોવા છતાં ખાવાનું રાંધો છો. ઠંડી હોય કે વરસાદ રસોડા કે ઘરના તમામ કામ કરો છો. બાળક પથારી ગંદી કરી નાંખે અને તે ધોવી પડે. પછી એ ખટકો કે પતિ સાહેબ ફલાણા સમયે આવીને ચા પીશે અથવા ખાવાનું ખાશે અને કદાચ તમારે તે જ સમયે પોતાના કપડાં તૈયાર કરવાના હોય. કોઈ સહેલીના ઘરે જવાનું હોય અથવા કયાંક ફરવા જવાનું હોય. હવે હું વધારે શું કહું ? તમે વિચારો હું તો માનું છું કે નેવું ટકા કામ તો તમે મન ના હોય તેમ છતાં કરો છો. એમાં અમુક માટે તો તમે એટલા માટે મજબૂર હોવ છો કે તમે મુસલમાન છો અને તમારે ખુદાની પ્રસન્નતા જોઈએ છે અને અમુકમાં સામાજિક બંધનોએ તમને વિવશ બનાવી દીધા છે અને અમુકમાં એવી મસ્લેહતો છે કે જો તમે તેમ ન કરો તો સમાજમાં ફિત્નો પેદા થઈ જવાની આશંકા છે. ઘણી વાતો એવી હોય છે કે તમે કરવા કે કહેવા ચાહો છો પણ ન તો કહો છો ન કરો છો. કેમ? એટલા માટે કે ઘરમાં, પાડોશમાં, મોહલ્લામાં,કોઈ ફિત્નો ન ઊભો થઈ જાય. તો પછી આટલા બધા કામ તમે અનિચ્છાએ પણ કરો છો તો પછી સમાજમાં એક મોટી ખરાબીને રોકવા માટે જો કોઈ પુરુષ બીજી શાદી કરી લે છે તો તેમાં આ અણગમતી બાબતને સ્વીકારી લેવામાં કેમ નથી આવતી?

તમે જોઈ રહ્યા છો કે આપણા ઘરોમાં જવાન છોકરીઓ વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ વરસની કુંવારી બેસી રહી છે અને તેમને યોગ્ય વર મળતા નથી અને આપણા ત્યાં એવા પણ પુરુષો છે જે અલ્લાહના ફઝલથી માલદાર છે, તંદુરસ્ત પણ છે. દીનથી એટલા વાકેફ પણ છે કે પત્નીઓ દરમ્યાન શકય હોય તેટલા ન્યાય સાથે પણ વર્તી શકે છે. પછી શું વાંધો છે જો આપણે સમાજની સુધારણા ખાતર જેમાં અલ્લાહની ખુશી પણ પ્રાપ્ત થાય, પોતાની બહેનો માટે “પત્નીઓની સંખ્યા” પર ન માત્ર ઈમાન લાવીએ, બલ્કે આ સંબંધે લોકોની માનસિકતા પણ બદલીએ ખાસ કરીને બિનમુસ્લિમ બહેનો જેમાં હિન્દુ બહેનો પોતાના સમાજમાં પીસાઈ રહી છે. તેમના મન અને મસ્તિષ્કને સંતોષિત કરીએ કે ઇસ્લામની આ બાબત પણ ખરેખર મહિલાઓની હમદર્દીમાં છે ન કે તેમના પર જુલ્મ છે.

આટલું બોલીને હું ખામોશ થઈ ગયો તો થોડીવાર સન્નાટો છવાઈ રહ્યો પછી કોઈના કહેવાથી મારી પત્ની દ્વારા એ સવાલ મૂકાયો કે :
“તો પછી આ વાતનો શું અર્થ છે કે ઇસ્લામ પ્રાકૃતિક દીન કહેવાય છે ? અને આપે જે કહ્યું એનાથી તો એ જણાય છે કે અમે સવાર-સાંજ નેવું ટકા કામ તો પ્રકૃતિના જ વિરુદ્ધ કરીએ છીએ.”

મેં કહ્યું : “વાસ્તવમાં તમે આ સવાલ એટલા માટે ઉઠાવ્યો છે કે તમે પ્રકૃતિનો અર્થ જાણતા નથી અને જે લોકો ઇસ્લામની આ બાબતે ટીકા કરે છે તેઓ પણ જાણતા નથી. તો તમે આનો અર્થ પણ સમજી લો.”

મેં કહ્યુંઃ જુઓ અમુક વાતો તો એવી છે જેનો સંબંધ સીધો કુદરત સાથે છે. જેમ કે,બાળક પેદા થાય છે તો તરત જ રડે છે. જો ન રડે તો સમજાય કે તેને કોઈ રોગ છે તો આ રડવું એ બાળકની પ્રકૃતિ છે. એવી રીતે દુઃખના સમયે ગમગીન થવું,ખુશીના મોકા પર આનંદ થવો અને આવી જ બીજી વાતો જે મનુષ્યો સાથે સંકળાયેલી છે. આ હકીકતમાં કુદરત તરફથી ઇનામ છે. એ જ રીતે તમે જુઓ છો કે દુનિયામાં દરેક જગ્યાએ લોકો હળીમળીને રહે છે અને આને જ પસંદ કરે છે. હવે હળીમળીને રહેવામાં લોકો લડે-ઝઘડે પણ છે, પરંતુ સામાજિક જીવનથી કોઈ ભાગવાનું પસંદ નથી કરતું. એનો અર્થ એ છે કે આ પણ કુદરતની અર્પણ કરેલી ભાવના છે. વાસ્તવમાં પ્રકૃતિ અલ્લાહના આ જ ઉપહારનું નામ છે.

હવે જુઓ માનવ સભ્યતા એ વાતને પસંદ કરે છે કે જો કોઈ વ્યક્તિ આપણા પાસે બેસ્યો છે તો તેના તરફ પગ કરીને સૂઈ ન રહેવાય આવા ઘણા ઉદાહરણ હોઈ શકે છે. માનવ સભ્યતાની આવી તમામ વાતો આપણી પ્રકૃતિમાં સામેલ થઈ ગઈ છે. આના સિવાય અમુક વાતો છે જેને લોકો પસંદ કરે છે જેમકે શાદી હોય તો બધાના વચ્ચે જાહેરમાં થાય. ઇસ્લામે તો આવા પ્રસંગોએ લોકોને એકઠા કરવાનો પ્રબંધ કર્યો છે. બિનમુસ્લિમ પણ આ જ પ્રથાને પસંદ કરે છે. આપણે કહી શકીએ કે આ પણ પ્રાકૃતિક વાતો જ છે જેના તરફ આદિકાળથી કોઈ ને કોઈ પયગમ્બરે જ માર્ગદર્શન કર્યું હશે.

હવે રહી એ વાતો જેનો ઉલ્લેખ અત્યારે તમે કર્યો તો હું સમજું છું કે તેનો સંબંધ “ઇચ્છાઓ”થી છે. પસંદ-નાપસંદથી છે. ચલાવી લેવું અને ન ચલાવી લેવાથી છે. આ વાતો તમે સમજી લીધી. હું માનું છું કે પ્રકૃતિના ખરા અર્થ માટે આ જ જરૂરી છે કેમકે આપણા સાંસ્કૃતિક જીવનનો તકાદો છે કે “પત્નીઓની સંખ્યા”ને જાઇઝ માની લેવામાં આવે. જો કે તેમ છતાં હું તમને કહું છું કે આજકાલ મુસલમાન પણ અનિવાર્ય જરૂરત હોય તો જ બીજા લગ્ન કરે છે. ત્રીજા કે ચોથાની તો વાત જ કયાં ? જે લોકો આ સમસ્યાને નથી સમજતા તેઓ તદ્દન ખોટી રીતે સમયાંતરે આ બાબતે વાંધા ઉઠાવતા રહે છે.

“આપ તદ્દન સાચું કહો છો.” એક પછી એક તમામ મહિલાઓએ સંપૂર્ણ દઢતાપૂર્વક કહ્યું. તે પછી આ મજલિસ પૂરી થઈ ગઈ અને હું ત્યાંથી રવાના થયો. મારા પત્ની પાછળથી આવ્યા પણ કકળાટ સાથે કેમકે તમામ બહેનોએ તેમને ટાર્ગેટ બનાવ્યા એમ કહીને કે “હવે ભાઈસાહેબથી કહેવું પડશે કે આ મામલામાં પહેલ પણ આપ જ કરો.”

(અનુવાદ અને પૂરવણીઃમુહમ્મદ અમીન શેઠ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here