(ન્યૂઝ ડૅસ્ક) ઉત્તરપ્રદેશમાં એક શિક્ષિકા દ્વારા એક મુસ્લિમ બાળકને વર્ગખંડના બીજા બાળકો દ્વારા માર મારવાની કરુણ ઘટનાના અનેક પાસાઓ છે.
પ્રથમઃ શિક્ષક જે એક મહિલા છે. સ્ત્રીઓને સામાન્ય રીતે પુરુષો કરતાં વધુ સંવેદનશીલ અને દયાળુ માનવામાં આવે છે અને અન્ય બાળકો માટે પણ સ્નેહની લાગણી હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સૌ પ્રથમ,સ્ત્રી એક શિક્ષક છે, દરેક સમાજમાં શિક્ષકનું સન્માનનીય સ્થાન છે, હિંદુ ધર્મ તેને ભગવાન સમાન દરજ્જો આપે છે. શિક્ષણના ખાનગીકરણ છતાં શિક્ષણને હજુ પણ ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે. તો એક માસૂમ બાળકને ર્નિદયતાથી માર મારતી એક મહિલા શિક્ષિકા આ બાબતની ગંભીરતા વધારે છે અને એ બતાવે છે કે કેવી રીતે દિમાગ ભ્રષ્ટ થઈ ગયા છે.
બીજુંઃ એવું ન સમજવું જોઈએ કે આ ઉત્તરપ્રદેશના ઓછા સાક્ષર વિસ્તારનો મામલો છે. થોડાં વર્ષો પહેલાં દિલ્હીની નાઝિયા અરામે ભારતની મોટી અંગ્રેજી-માધ્યમ શાળાઓનો સર્વે રજૂ કર્યો હતો જ્યાં ઉચ્ચ શિક્ષિત હિંદુઓના બાળકો સાથે એલાઇટ વર્ગના મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે. તે સર્વે પુસ્તક સ્વરૂપે mothering a muslim નામથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ દર્શાવે છે કે આ હાઇફાઈ સ્કૂલોમાં પણ મુસ્લિમ બાળકો કેવી રીતે માનસિક અત્યાચાર ગુજારવામાં આવે છે અને કેવી રીતે સ્કૂલોનો મૌન ટેકો સામેલ હોય છે. સમગ્ર ભારતમાં બિન-મુસ્લિમ બહુમતી શાળાઓમાં અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ધિક્કાર અને પૂર્વગ્રહનો ભોગ બને છે. આ શાળાઓમાં મુસ્લિમ બાળકો સામે ઇસ્લામ અને મુસ્લિમો વિશે ઝેરીલા શબ્દોનો બોમ્બમારો કરવામાં આવે છે અને સતત નિશાન બનાવવામાં આવે છે. કદાચ તેથી જ મુસ્લિમ શાળાઓમાં ભણતા બાળકોને જેટલો પોતાના ધર્મ અને સંસ્કૃતિથી લગાવ હોય છે એની તુલના કરતાં બિનમુસ્લિમ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ મોટાભાગે તેમના ધર્મ અને સંસ્કૃતિથી અજાણ અને અનભિજ્ઞ હોય છે..
ત્રીજોઃ માત્ર સંઘની વિદ્યાભારતી દ્વારા સરસ્વતી શીશુ મંદિર દ્વારા સંચાલિત લગભગ ૧૨ હજાર શાળાઓમાં ૩.૫ લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે અને આ શાળા ધામિર્ક દ્વેષ ફેલાવવા માટે કુખ્યાત છે. હવે જો આ જ સંસ્કૃતિ સામાન્ય શાળાઓમાં ફેલાય તો કેટલી પેઢીઓમાં આ ઝેર ટ્રાન્સફર થશે? આ શાળાના બાળકો ભારતની ભાવિ પેઢી છે, જો તેમના મનમાં અત્યારથી જ આટલું ઝેર ઓકવામાં આવશે તો ભારતનું ભવિષ્ય કેવું હશે અને તેના પરિણામો કેટલા ભયંકર આવશે તે વિચારવાનો પ્રશ્ન છે.
ચોથુંઃ પ્રશ્ન એ નિર્દોષ દિમાગનો છે જેની સાથે આ બધું થયું. બાળકો સંવેદનશીલ હોય છે; બાળપણની ઘટનાઓ તેમના મનને ઝડપથી અસર કરે છે અને એ અસર કાયમી રહે છે. આ પ્રકારના માનસિક ત્રાસમાંથી પસાર થતા તમામ મુસ્લિમ બાળકોની શું હાલત હશે? આ દર્દનાક વીડિયો જોયા બાદ આ માસૂમ અને પીડિત બાળકની સ્થિતિનો ખ્યાલ આવે છે કે તે કેવા માનસિક આઘાતમાંથી પસાર થયો હશે.. અથવા પસાર થઈ રહ્યો છે.
છેલ્લી વાત એ છે કે તમામ દુષ્કર્મીઓનું મનોબળ વધી રહ્યું છે કારણ કે રાજકીય શક્તિ તેમની સાથે છે. આ નફરત સામે લાંબો સંઘર્ષ ચાલુ રહેશે, પરંતુ તેને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે આવી દમનકારી શક્તિઓ આવનારી ચૂંટણીઓમાં જીતી ન જાય અને એવી સરકારો સત્તામાં આવે જે કાયદાનો આદર કરે છે.
૨૦૨૪ની ચૂંટણી આ અર્થમાં નિર્ણાયક ચૂંટણી છે અને તેના માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. જેથી તમામ લોકોએ આ સરકારને બદલવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. જો આ ચૂંટણીમાં આપણે કંઈ કરી ન શક્યા તો આગામી પાંચ વર્ષ તો આવી જ રીતે પસાર થઈ જશે.