નવી દિલ્હી: ભારતમાં વધતી જતી સાંપ્રદાયિક નફરતને કારણે મુસ્લિમો સામે વધી રહેલા સંકટો વચ્ચે, હિજાબ વિવાદ, મોબ લીંચીંગની ઘટનાઓ, મસ્જિદો, મદ્રસાઓ, વક્ફ, વ્યક્તિગત કાયદા અને મુસ્લિમ ઓળખ પરના ખતરા જેવા મુદ્દાઓ ઉભા થયા છે. જમાઅતે ઇસ્લામી હિન્દ (જેઆઈએચ)ના ઉપાધ્યક્ષ મૌલાના વલીઉલ્લાહ સઈદી ફલાહીએ પયગંબર મુહમ્મદ સ.અ.વ.ની સીરતમાંથી પ્રેરણા લઈને મુસ્લિમોને અલ્લાહ સાથેનો નાતો મજબૂત કરવા, એક થવા, ગેર-મુસ્લિમો સુધી ઇસ્લામના સંદેશાનો અથાગ પ્રચાર કરવા, નૈતિક ચરિત્ર જાળવવા અને ‘ઇજ્તિહાદ’ દ્વારા બુદ્ધિપૂર્વક નવા પડકારોનો સામનો કરવા આહ્વાન કર્યું છે.
હૈદરાબાદમાં યોજાયેલી જમાઅતે ઇસ્લામી હિન્દ (જેઆઈએચ)ના રાષ્ટ્રીય સભ્યોના સંમેલનમાં, જેઆઈએચના ઉપાધ્યક્ષે મહત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કરવામાં વ્યૂહરચનાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે તેનું પાયાનું તત્વ ઊંડા પ્રતિબિંબ અને સમજદાર આયોજનમાં રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે નબી સ.અ.વ.ના જીવન નમૂનારૂપ વ્યૂહરચનાઓનું મોડેલ છે. “નબી સ.અ.વ.ના જીવનમાં દરેક નોંધપાત્ર કાર્યમાં ત્રણ મુખ્ય તત્વો સામેલ છે: કાળજીપૂર્વું આયોજન, સંસાધનોની જોગવાઈ અને શ્રેષ્ઠ વ્યક્તિઓની પસંદગી. પરિણામે, પરિણામ હંમેશા સો ટકા, પાંચસો ટકા અથવા તો હજાર ટકા સફળ રહ્યું છે.”
મૌલાના ફલાહીએ જણાવ્યું હતું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ એકતાનું પ્રતીક બનીને ઉભી છે. તેનો અભિગમ પયગંબર મુહમ્મદ સ.અ.વ. ની સુન્નતને અનુસરે છે. અલ્લાહની કૃપાથી આ સંગઠન વિવિધ વિચારધારાઓને એક વિઝન હેઠળ જોડી રહી છે. અમારા આદરણીય પ્રમુખ સૈયદ સદાતુલ્લાહ હુસૈની હનફી મસ્લકને અનુસરે છે, સેક્રેટરી જનરલ ટી આરીફ અલી શાફઈ મસ્લકને અનુસરે છે, અને હું, વલિઉલ્લાહ સઈદી, ઉપપ્રમુખ તરીકે અહલે હદીસ મસ્લકનું પ્રતિનિધિત્વ કરું છું. આ વિવિધતા જમાઅતે ઇસ્લામીની શક્તિ છે અને તેને સામૂહિક ધ્યેય તરફ આગળ વધારે છે. ઇન્શાઅલ્લાહ, આ એકીકૃત વ્યૂહરચના ભારતમાં ક્રાંતિનું કારણ બનશે અને પરસ્પર સમજૂતી અને એકતા દ્વારા અલ્લાહના દીનનો પ્રસાર કરશે.”
મૌલાના સઈદીએ આગળ જણાવ્યું હતું કે, “અલહમદુલિલ્લાહ, જમાઅતે ઈસ્લામી હિંદ એકતાનું પ્રતીક છે. પરંતુ આપણે આપણી ઉમ્મતના વિભાજન પર ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે સાંપ્રદાયિકતાના કારણે હનફી, મલિકી, શાફઈ, સુન્ની, શિયા અને અન્ય જેવા વિવિધ મસલકોમાં વહેંચાઈ ગયા છીએ. અલ્લાહ તઆલા આપણને એક થવાનો આદેશ આપે છે. આપણો અલ્લાહ એક છે, આપણો નબી એક છે અને આપણો તૌહીદનું કેન્દ્ર પણ એક છે. આપણે અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખવી જોઈએ અને એક થવું જોઈએ, કારણ કે અલ્લાહનો ટેકો એક થયેલી ઉમ્મતને હોય છે. આપણે વૈશ્વિક ઉમ્મત છીએ, કોઈ એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. જે કોઈ ‘લા ઈલાહા ઈલ્લાલ્લાહ, મુહમ્મદુર રસુલુલ્લાહ’ કહે છે, તો તે આપણો ભાઈ છે. આ સાર્વત્રિક ઉમ્મતનો દ્રષ્ટિકોણ પયગંબર સ.અ.વ.એ વર્ણવ્યો હતો , જ્યાં મુસ્લિમોની સ્થિતિ એક શરીર જેવી છે. જો શરીરનું કોઈ અંગ પીડાય છે, તો આખું શરીર પીડા અનુભવે છે.”
મૌલાના ફલાહીએ મુસ્લિમ સમાજને મુહમ્મદ સ.અ.વ.ની સીરત તરફ વળવા આહ્વાન કર્યું છે. ભારતમાં મુસ્લિમો સામે વધી રહેલા અત્યાચાર અને ભેદભાવના સંદર્ભમાં તેમણે આ આહ્વાન કર્યું છે. વધતી જતી સાંપ્રદાયિકતા, ધાર્મિક વિભાજન અને મુસ્લિમો પ્રત્યેની દુશ્મનાવટ જેવા પ્રશ્નો પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને, પર્સનલ લૉ, હિજાબ વિવાદ અને મુસ્લિમ મહિલાઓના અધિકારો જેવા મુદ્દાઓ પર મુસ્લિમ સમાજને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.
મૌલાના ફલાહીએ ગંભીરતાથી નોંધ્યું છે કે, “મુસ્લિમો પ્રત્યેની દુશ્મનાવટ એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં મોબ લિંચિંગ વારંવાર બની રહ્યું છે.” તેમણે દેશની વર્તમાન સ્થિતિની તુલના મુહમ્મદ સ.અ.વ.ના જમાના પહેલાના અરબમાં મુસ્લિમો પર થતા અત્યાચાર સાથે કરી છે. તેમણે કહ્યું કે, “આ રાષ્ટ્ર, જે એક સમયે વિવિધ સમુદાયો વચ્ચે તેના ભાઈચારા અને પરસ્પર આદર માટે જાણીતું હતું, તે હવે ઊંડા વિભાજનથી પીડાઈ રહ્યું છે.”
આ પરિસ્થિતિમાં, મૌલાના ફલાહીએ મુસ્લિમ સમાજને મુહમ્મદ સ.અ.વ.ના જીવન અને શિક્ષણથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, “આપણે માર્ગદર્શન માટે વ્હાલા નબી સ.અ.વ.ની સીરત તરફ જોવું જોઈએ.”
મૌલાના ફલાહીએ સીરતે રસૂલ સ.અ.વ.માંથી પાંચ મહત્વના પાઠો કાઢ્યા છે , જે મુસ્લિમોએ ભારત જેવા દેશમાં વર્તમાન પડકારોનો સામનો કરવા માટે અપનાવવા જોઈએ:
- અલ્લાહ સાથેનું નિશ્ચિત બંધન: મુશ્કેલ સમયમાં, નબી સ.અ.વ. અને તેમના સાથીઓએ અલ્લાહ સાથેનો તેમનો સંબંધ વધુ મજબૂત બનાવ્યો હતો. આપણે પણ આજે એ જ કરવું જોઈએ – અલ્લાહ સાથેના આપણા સંબંધને મજબૂત કરવો અને તેના શાણપણ અને શક્તિમાં વિશ્વાસ રાખવો. અલ્લાહ આપણો રક્ષક છે અને તેની કૃપા હંમેશા આપણા દુશ્મનોની યોજનાઓ પર વિજયી થશે.
- મુસ્લિમો વચ્ચે એકતા: વ્હાલા નબી મુહમ્મદ સ.અ.વ.ના જીવનથી પ્રેરણા લઈને, મૌલાનાએ મુસ્લિમ સમાજમાં એકતાના મહત્વ પર ભાર મૂક્યો. નબી સ.અ.વ.એ તેમના સાથીઓને એક બેનર હેઠળ એક કર્યા હતા. અલ્લાહ આપણને આદેશ આપે છે કે આપણે બધા મળીને અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખીએ અને વિભાજિત ન થઈએ. જો આપણે એક થઈએ તો અલ્લાહનો ટેકો આપણી સાથે રહેશે.
- નિરંતર દઅવત (ઇસ્લામનો સંદેશ ફેલાવવો): તીવ્ર વિરોધ હોવા છતાં, નબી સ.અ.વ. ક્યારેય ઇસ્લામ ફેલાવવાનો પ્રયાસ બંધ કર્યો ન હતો. આજે, આપણે પણ આપણું દઅવતનું કાર્ય ચાલુ રાખવું જોઈએ, ખોટી માન્યતાઓને દૂર કરવી અને ઇસ્લામનો સંદેશ શાણપણ સાથે પહોંચાડવો જોઈએ.
- બધા લોકો પ્રત્યે સારું વર્તન: મૌલાનાએ નબી સ.અ.વ.ની દયા અને ઉત્તમ ચારિત્ર્ય પર ભાર મૂક્યો, નોંધ્યું કે કેવી રીતે પયગંબરે તેમનું અપમાન કરનારાઓને માફ કર્યા અને અન્યના અંગત સંજોગોને સમજવાની કોશિશ કરી. જે વધુ સારું છે તેનાથી દુષ્ટતાને દૂર કરો, અને તમે જોશો કે જે તમારો દુશ્મન હતો તે તમારો નજીકનો મિત્ર બનશે.
- ઇજ્તિહાદ દ્વારા બૌદ્ધિક અભિગમ: નવા પડકારોનો સામનો કરવા માટે બૌદ્ધિક અભિગમની જરૂરિયાત તરફ ધ્યાન દોરતાં, મૌલાનાએ પ્રેક્ષકોને ઇજ્તિહાદ માટે પ્રોફેટના પ્રોત્સાહનની યાદ અપાવી. આજે, ભારતમાં મુસ્લિમોનો સામનો કરી રહેલા જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે આપણે પણ આ અભિગમ અપનાવવો જોઈએ.
મૌલાના વલીઉલ્લાહ ફલાહીએ મુહમ્મદ સ.અ.વ.ની વ્યૂહાત્મક દૂરંદેશી પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો છે. હિજરત જેવા નિર્ણયોમાં વ્યૂહાત્મક વિલંબ અને હુદયબિયાની સંધિ જેવા કરારો દ્વારા તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. આ બંને ઘટનાઓ ઇસ્લામના લાંબા ગાળાના હિતમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. મૌલાનાના મતે, નબી સ.અ.વ. એક અનુભવી વ્યૂહરચનાકાર હતા જે પડકારોનો સામનો કરવામાં અસાધારણ ધીરજ, ખંત અને બુદ્ધિનો ઉપયોગ કરતા હતા. તેમનું જીવન આજે પણ પ્રસ્તુત એવી અનેક વ્યૂહાત્મક બાબતોથી ભરપૂર છે.
આગળ વધીને, મૌલાના ફલાહીએ મુસ્લિમ સમુદાય માટે મુહમ્મદ સ.અ.વ.ની સીરતની કાલાતીત પ્રસ્તુતતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, “ઇસ્લામના દુશ્મનો કુર્આન અને સુન્નતનો અભ્યાસ કરવા બદલ આપણી ટીકા કરી શકે છે, પરંતુ મુસ્લિમો માટે સફળતાનો સાચો માર્ગ રસૂલ સ.અ.વ.ની સીરતમાં જ રહેલો છે. જેમ ચૌદ સદીઓ પહેલા પયગંબર સફળ થયા હતા, તેમ આજે પણ આપણે તેમના માર્ગદર્શનને અનુસરીએ તો સફળતા મેળવી શકીશું.”
અંતમાં, મૌલાના ફલાહીએ દુઆ કરી કે, “અલ્લાહ અમને ભારતમાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેનો સામનો કરવાની તાકાત આપે અને અમારા જીવનમાં અલ્લાહના દીનને સ્થાપિત કરવા માટે પયગંબરની સીરતનો ઉપયોગ કરવામાં અમને માર્ગદર્શન આપે. આમીન.”