નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન તેમજ તેમની સાથેના અધિકારીઓના વર્ઝાકાનમાં હેલિકોપ્ટર અકસ્માતમાં દુ:ખદ અવસાન પર ઈરાનના લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો.
મીડિયાને આપેલા નિવેદનમાં, JIH પ્રમુખે દિવંગત ઈરાની રાષ્ટ્રપતિને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “ડૉ. રાઈસીનું નિધન માત્ર ઈરાનના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ ઉમ્મત માટે પણ એક મોટી ખોટ છે. આ દુઃખની ક્ષણમાં અમે ઈરાનના લોકો સાથે ઊભા છીએ. ડૉ. ઇબ્રાહિમ રાયસી એક દૃઢ રાજનેતા હતા જેમણે રોજિંદા શાસન અને રાજ્યકળામાં લોકોના હિતોને જાળવી રાખવા માટે ઘણા કઠિન નિર્ણયો લીધા હતા. તેમના શાસનકાળ દરમિયાન
પશ્ચિમી સત્તાઓ કે જેઓ આર્થિક શોષણ દ્વારા વિવિધ દેશોને તેમની નીતિઓના તાબે થવા મજબૂર કરે છે, તેની સામે પ્રશંસનીય પ્રતિકાર જોવા મળ્યો. પેલેસ્ટાઈનના ઉદ્દેશ્ય અને ઝાયોનિસ્ટ વસાહતી સંસ્થાનવાદ અને પેલેસ્ટાઈનમાં થતા અત્યાચારો સામેની ફલિસ્તીની પ્રતિકાર ચળવળને તેમના દૃઢ સમર્થન માટે પણ તેમને યાદ કરવામાં આવશે.”
ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરતાં સૈયદ સાદતુલ્લાહ હુસૈની એ કહ્યું, “ડૉ. રાયસીએ ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અદ્ભુત યોગદાન આપ્યું હતું. તેમણે ચાબહાર બંદરને વિકસાવવા અને સંચાલિત કરવા ભારત સાથેના 10-વર્ષના કરારને અંતિમ રૂપ આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. આ સોદો ઈસ્લામિક રિપબ્લિક સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર ભાગીદારીને આગલા સ્તર પર લઈ ગયો છે અને તે બંને દેશોના લોકો તેમજ સમગ્ર વિસ્તાર માટે વરદાન સાબિત થશે. ભારતમાં ઈરાનના તમામ મિત્રો તેમને નિષ્ઠાપૂર્વક યાદ કરશે.”
JIH પ્રમુખે ડૉ રાયસી અને તેમના પરિવાર માટે દયા અને ક્ષમા માટે દુઆ કરી.