અહમદાબાદ, મુસ્લિમ ભૂલકાઓમાં બાળપણથી ઇસ્લામનો અકીદો મજબૂત કરવા, અલ્લાહ અને રસૂલ સ.અ.વ.થી અનહદ પ્રેમ અને મુહબ્બત પેદા કરવી, તેમના ચારિત્ર્યમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું, તેમના શિક્ષણ અને કારકિર્દીમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા, તેમની પ્રતિભા અને કૌશલ્યને બહાર લાવી તેનો વિકાસ કરવાના ઉદેશ્યથી ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. તેમાં ૧૦૦ બાળકો અને ૨૫ માર્ગદર્શકોએ ભાગ લીધો. બાળકોની લોન્ચિંગ માર્ચ યોજવામાં આવી, ત્યારબાદ રમતગમત સ્પર્ધા, નાત અને ઇસ્લામિક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા.
જમાઅતે ઇસ્લામી હિંદ, અહમદાબાદ દ્વારા ૫ થી ૧૪ વર્ષની વય ધરાવતા મુસ્લિમ બાળકો માટે આજરોજ ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત બાળકોને વાય જેક ફાર્મ, નંદાસણ ખાતે પિકનિક માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉપરોક્ત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. પ્રોગ્રામ એકંદરે ખૂબ જ સફળ રહ્યો ભવિષ્યમાં મુસ્લિમ બાળકોમાં ઇસ્લામિક મૂલ્યોની સાથે દુન્યવી શિક્ષણ અંગે જાગૃતિ પેદા થાય અને તેઓ ઇસ્લામિક સ્પિરિટ સાથે સંસારમાં પોતાનું સ્થાન જમાવી શકે તે માટે ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન સક્રિયપણે પોતાનો ભાગ ભજવશે તેવી દુઆ કરીએ છીએ. આ પ્રસંગે મુસ્લિમ સમુદાયને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ પોતાના બાળકોને ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનમાં જોડવાના પ્રયત્નો કરે. આ કાર્યક્રમમાં જમાઅતે ઇસ્લામી હિંદના વિવિધ હોદ્દેદારો આરેફા પરવીન, શાઝિયા શેખ, મોહસિના સાચોરા, રેડિયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ અને તેમની ટીમ, અઝહર શેખ અને ઇકબાલ એહમદ મિરઝા હાજર રહ્યા હતા.