જમાઅતે ઇસ્લામી હિંદ: ભારત સરકારને પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવવાની અપીલ

0
42

“જમાઅતે ઇસ્લામી હિન્દની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય બજેટ, બ્રોડકાસ્ટિંગ બિલ, મદ્રસાના વિદ્યાર્થીઓનું સ્થાનાંતરણ અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયનો પર થતા નરસંહાર અને બર્બરતા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ..

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમાઅતના મુખ્યાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારનું તાજેતરનું બજેટ 2024-25 નાગરિકોની આશાઓ પર ખરું ઉતરતું નથી. આ બજેટમાં ગરીબો, પછાત વર્ગો, SC, ST અને અલ્પસંખ્યકો માટે કોઈ ખાસ રાહત દેખાતી નથી. આરોગ્ય માટે GDPના ઓછામાં ઓછા 4% અને શિક્ષણ માટે 6% ફાળવણી થવી જોઈએ, પરંતુ હાલમાં તે અનુક્રમે 1.88% અને 3.07% છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય માટે કુલ બજેટમાં માત્ર 0.06% જ ફાળવવામાં આવ્યું છે. જ્યારે કે અલ્પસંખ્યકોના કલ્યાણ માટે GDPના ઓછામાં ઓછા 1% ફાળવણી થવી જોઈએ. તેમણે સરકારને અપીલ કરી હતી કે દેશમાં બિનવ્યાજુ માઇક્રો ફાઇનાન્સ અને વ્યાજમુક્ત બેંકિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવે. આનાથી એક તરફ અર્થવ્યવસ્થાને વેગ મળશે અને બીજી તરફ રોજગારની તકો પણ સર્જાશે અને સામાજિક અસમાનતામાં ઘટાડો થશે.

‘બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલ 2024’ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “સામાન્ય લોકો, ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સમાં ચિંતા જોવા મળી રહી છે. આનાથી સેન્સરશિપ અને પ્રેસ પર પ્રતિબંધોના માર્ગો ખુલવાની શક્યતાઓ ઉભી થઈ રહી છે. જમાઅત ઈચ્છે છે કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય તમામ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે બેસીને બિલની તમામ કલમો પર વિચાર-વિમર્શ કરે અને તેમાં યોગ્ય સુધારા કરીને એક વ્યાપક બિલ રજૂ કરે.”

ઉત્તર પ્રદેશમાં મદરસાઓની ઓળખ બદલવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં દખલ કરવાના પ્રયાસો સામે વાત કરતાં જમાઅતના અમીરે કહ્યું કે, ‘ધાર્મિક શિક્ષણ મેળવવું દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને આનાથી સમાજનું કલ્યાણ થાય છે. આવી સ્થિતિમાં સરકાર કે તેના કોઈ વિભાગને આ અધિકાર નથી કે તેઓ મફતમાં શિક્ષણ મેળવતા મદરસાના વિદ્યાર્થીઓને જબરદસ્તી સરકારી શાળામાં દાખલ કરે. ભારતીય બંધારણની કલમ 30(1) અનુસાર, ધાર્મિક અલ્પસંખ્યકોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને તેનું સંચાલન કરવાનો મૂળભૂત અધિકાર છે. આવી જ રીતે, ‘રાઇટ ટુ એજ્યુકેશન’ એક્ટ મદરસાઓને પોતાની શૈક્ષણિક પ્રણાલી સ્વતંત્ર રીતે ચલાવવા અને વિદ્યાર્થીઓને લાભ આપવાનો અધિકાર આપે છે.”

ઈઝરાયલની બર્બરતા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયનો પર થતા નરસંહાર અને બર્બરતા સામે વિશ્વના સદાચારી લોકો પેલેસ્ટાઈન સાથે છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી સેનાએ 38,000 થી વધુ પેલેસ્ટિનિયનોને હત્યા કરી છે, જેમાં અડધાથી વધુ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ગાઝામાં શાળાઓ, હોસ્પિટલો, રાહત શિબિરો, યુએન મિશન, પત્રકારો અને સહાયતા કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. પેલેસ્ટાઈનનો આ વિનાશ, કહેવાતા સંસ્કારી વિશ્વની આંખો સામે થઈ રહ્યો છે, પરંતુ તેઓ માત્ર દર્શક બની રહ્યા છે. અલબત્ત, ત્યાંના લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે અને જમાઅત આ લોકોની હિંમતને બિરદાવે છે. અમે ભારતીય નાગરિકો અને સરકારને કહેવા માંગીએ છીએ કે પેલેસ્ટાઈનને સમર્થન આપવું એ માત્ર માનવાધિકારનો મુદ્દો નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા માટેની લડત અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન માંગ કરે છે કે આપણે સામ્રાજ્યવાદી અન્યાય સામેના સંઘર્ષને અને પીડિત લોકોની આઝાદીને સમર્થન આપીએ.

કેરળના વાયનાડ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જમાઅતના પ્રમુખે જણાવ્યું હતું કે, “જમાઅતના તાલીમ પામેલા કાર્યકર્તાઓ સતત બચાવ અને રાહત કાર્યમાં લાગેલા છે. અમારા અન્ય રાજ્યોના કાર્યકર્તાઓને પણ પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે જેથી ઝડપથી બચાવ અને રાહત કાર્ય થઈ શકે. જમાઅત આવનારા દિવસોમાં પણ અસરગ્રસ્તો માટે દરેક પ્રકારના સહકાર માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here