ઇઝરાયલના જુલ્મ અને અત્યાચાર સામે પેલેસ્ટીનનો વળતો પ્રહાર

0
79

દુનિયામાં “જીવો અને જીવવા દો”ના સિદ્ધાંત સાથે મનુષ્યનું અસ્તિત્વ ટકી શકે છે. જો જીવનમાથી આ સિદ્ધાંત કાઢી નાંખવામાં આવે તો સમગ્ર માનવ સમાજ જંગલ રાજમાં ફેરવાઈ જાય અને “જિસ્કી લાઠી ઉસ્કી ભેંસ”ના સિદ્ધાંત થકી જેની પાસે તાકાત છે, શસ્ત્રો છે તે બીજાને મારી નાંખે, તેમને તેમની જમીનથી બેદખલ કરી દે અને સમૂહો અને જૂથોને ગુલામ બનાવી લે. ઇતિહાસમાં આવો જમાનો પણ વીતી ચૂક્યો છે, જ્યાં દેશોને ગુલામ બનાવી લેવામાં આવતા હતા અને સામૂહિક નરસંહાર કરવામાં આવતા હતા. સાઉથ એશિયામાં અખંડ ભારતને બ્રિટિશરોએ ૯૦ વર્ષ સુધી ગુલામ બનાવી રાખ્યું હતું. ખાડી પ્રદેશોમાં પણ કેટલાક દેશો હતા જે ફ્રાંસ, ઇટલીની ગુલામી હેઠળ હતા. પરંતુ તે સંસ્થાનવાદ (Colonialism) ૧૯૫૦ સુધી ખત્મ થઈ ગયું અને લગભગ તમામ દેશો સ્વતંત્ર થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધના પરિણામે પશ્ચિમી દેશો સ્વઘોષિત વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત થયા અને તેમણે ૧૯૪૯માં યહૂદીઓને પેલેસ્ટીનમાં વસવાટ કરવા માટે એક સ્વતંત્ર માલિકી હક સાથેની જમીન આપી.

૧૯૫૦થી આજ દિન સુધી ઇઝરાયલે લગભગ ૮૦ ટકાથી વધુ પેલેસ્ટીનની જમીન પચાવી પાડી છે અને અવારનવાર બોમ્બમારા થકી પેલેસ્ટીનના હજારો નાગરિકો માર્યા ગયા છે. હજી યુદ્ધની શરૂઆત થઈ તે પહેલાં ઇઝરાયલ દ્વારા વેસ્ટ બેંકના ચાર યુવકોની હત્યા કરવામાં આવી હતી. આમ ઇઝરાયલે પેલેસ્ટીનમાં વસ્તા મુસ્લિમોને આડેધડ કત્લ કરવાનું વર્ષોથી ચાલુ રાખ્યું છે. પેલેસ્ટીનના નાગરિકોને મળતી તમામ સવલતો (દવા, અનાજ, ઘરવપરાશના સાધન-સામગ્રી વિ.) ઇઝરાયેલની ચેકપોસ્ટોની પરવાનગી વિના પહોંચી શકતી નથી.

પેલેસ્ટીન ૧૯૪૯થી અત્યાચાર સહન કરતું વિશ્વનું એકમાત્ર દેશ છે જેને ૭૦ વર્ષથી જુલ્મનો શિકાર બનાવવામાં આવ્યો છે. પેલેસ્ટીન સિવાય કદાચ બીજી કોઈ કોમ આવો અત્યાચાર સહન ન કરી શકત. અત્યાચાર સહન કરવાની એક મર્યાદા હોય છે. પેલેસ્ટીનની પરિસ્થિતિ “મરતાં ક્યા ન કરતા વાળી હતી”. તેણે ૬ ઓક્ટોબરના રોજ ૫૦૦૦થી વધુ રોકેટમારા સાથે ઇઝરાયલના સાથે સાથે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું. પેલેસ્ટીનનો પ્રતિકાર જૂથ હમ્માસની સ્થિતિ મજબૂત છે. જ્યારે ઇઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહી અંતર્ગત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. બંને પક્ષે (આ લખાય છે ત્યાં સુધી) ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં ૪૧૩ પેલેસ્ટીનિયન માર્યા ગયા છે, જ્યારે ૬૦૦થી વધુ યહૂદીઓએ જીવ ગુમાવ્યો છે. હમ્માસની માગ છે કે ઇઝરાયલે ગેરકાયદેસર કબ્જે કરેલ જમીન (૧૯૬૭ પહેલાંની સરહદો) પેલેસ્ટીનને સોંપી દે, પેલેસ્ટીનને વાજબી વળતર ચૂકવે અને પેલેસ્ટીની શરણાર્થીઓને પાછા ફરવાની મંજૂરી આપે. પરંતુ ઇઝરાયલ દ્વારા આ વિકલ્પોને વિશ્વને મૂર્ખ બનાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે, અને તેણે આ વિકલ્પોને નકારી કાઢ્યા છે. ઇઝરાયલનું આ અક્કડ વલણ આજનું કે નવું નથી, બલ્કે સંયુક્ત સંઘમાં તેની વિરુદ્ધ અસંખ્ય ઠરાવો પસાર થતા જેમાં ક્યારેક તો તેનો સરપરસ્ત અમેરિકા પણ પોતાનો વિરોધ નોંધાવતો ત્યારે પણ તે તેને ઘોળી પીજતો હતો.

આ યુદ્ધમાં કોણ જીતશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ અન્યાયી અને અત્યાચારી વલણ તો ઇઝરાયલનો છે એ માનવું રહ્યું. અને પેલેસ્ટીન દ્વારા કરવામાં આવેલ હુમલો એ અન્યાય અને અત્યાચાર સામે સ્વબચાવમાં વળતા પ્રહાર સમાન છે.

કેટલાક દેશો ઇઝરાયલના અન્યાયી અને અત્યાચારી વલણની પડખે ઊભા છે. તેમણે જાણી લેવું જાેઈએ કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ અન્યાય કરી રહ્યું હોય તો તેની પડખે ઊભા રહેવું એ અત્યાચાર અને અન્યાયને પ્રોત્સાહન આપવા સમાન છે. આવા વલણ થકી યુદ્ધને પ્રોત્સાહન મળશે અને નિર્દોષ લોકોના જીવ લેવાશે. અને યુદ્ધ વિરામની કોઈ વાતચીત થશે નહીં. વિશ્વેે ઇઝરાયલના વલણનો વિરોધ કરવો જોઈએ અને ગેરકાયદેસર તેણે કબ્જે કરેલ જમીનનો કબ્જો પેલેસ્ટીનને પાછો સોંપવો જાેઈએ તો જ આ યુદ્ધનો કાયમી ઉકેલ લાવી શકાશે.

– મુહમ્મદ કલીમ અન્સારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here