લે. માઈલ ખૈરાબાદી
આધારહીન આરોપ
જો સીતાજી કે તેમના જેવી કોઈ મહિલાનો કેસ ઇસ્લામી અદાલતમાં પહોંચે તો ન્યાયધીશ તે ચૂકાદો કદાપિ નહીં કરી શકે જે સીતાજીના સંબંધે થયો. એ સીતાજી વિષે જેમણે એક ગૌરવશાળી અને પતિવ્રતા પત્નીનો આદર્શ નમૂનો દુનિયા સામે રજૂ કરી દીધો.
રાતોની એકલતામાં મોટાભાગે એવું થાય છે કે મને ઘણીવાર સુધી ઊંઘ નથી આવતી. જ્યારે ઊંઘ નથી આવતી તો મોટાભાગે એવું થાય છે કે હું મારા ભૂતકાળમાં વાંચેલા પુસ્તકોના પૃષ્ઠો મનોમન ફેરવવાના શરૂ કરી દઉં છું અથવા એમ કહો કે મારા ભૂતકાળના પુસ્તકના પાનાઓ પોતે મારા સામે આવવા લાગે છે. પછી તેના શીર્ષકો મારી નજર સામેથી પસાર થવા લાગે છે અને પછી તેના વિષયો આપોઆપ યાદ આવી જાય છે.
મારા સંસ્મરણના એક પૃષ્ઠ પર મારા એક શિક્ષક પંડિત છોટેલાલજીનું નામ મોટા અક્ષરોમાં લખેલું છે. પંડિત છોટેલાલજી ખૂબ કાબેલ શિક્ષક અને સજ્જન ઇન્સાન હતા. શૈક્ષણિક અને સાહિત્યિક સ્વભાવ ધરાવતા હતા. પોતાના અમુક ખાસ શિષ્યોને એ જ રીતે વિચારવાનું સમજાવતા રહેતા જેવી રીતે પોતે વિચારતા. પોતાના ધર્મના ખૂબ જ પાબંદ અને પ્રસિદ્ધ પુસ્તક “રામાયણ”ના આશિક હતા. ઘણી વખત આ પુસ્તકના સંકેત અને મુદ્દાઓ શિષ્યોને સમજાવવાના પ્રયત્નો કરતા.
રામાયણથી પંડિતજીનો લગાવ જોઈને મને પણ આ પુસ્તકથી દિલચસ્પી પેદા થઈ ગઈ હતી. પ્રથમ તો રામાયણના લેખક તુલસીદાસજીની લેખનછટા અને અલંકારિક શૈલીનો ચાહક બની ગયો. તે પછી શ્રી રામચંદ્રજીનું વ્યક્તિત્વ અને તેમની ગંભીરતાએ મારૂં દિલ જીતી લીધું અને હું તેમના જીવનચરિત્ર સંબંધે તપાસ કરવા લાગ્યો. ક્યારેક કયારેક એવું પણ થતું કે મારી તપાસ સખત ટીકાનું રૂપ ધારણ કરી લેતી. પરંતુ પંડિતજી જાણતા હતા કે તેમનો શિષ્ય નિંદા કરવાના આશયથી ટીકા નથી કરી રહ્યો. એ કંઈ જાણવા માંગે છે એટલે ખૂબ શાંતિ અને ધીરજથી અસંતોષપૂર્વક જવાબ આપતા. વારંવારની તપાસ અને વિચારો ને સમજણની આપ-લેથી મારા દીલમાં શ્રી રામચંદ્રજીનો ખૂબ આદર પેદા થઈ ગયો જે આજે પણ બાકી છે. એટલા જ માટે હું રામચંદ્રજીને ખુદાનો અવતાર તો નહીં પણ..હા..પ્રાચીન ભારતની સૌથી મોટી હસ્તિ અને અહીંના શ્રેષ્ઠ આદર્શ પુરુષ સમજું છું.
એક વખત પંડિત છોટેલાલજીએ રામાયણનો તે અધ્યાય મારા સામે રજુ કર્યો જેમાં કોઈ ક્ષુદ્ર વ્યક્તિએ પોતાની પત્નીથી લડતી વખતે આ મનસ્વી વાકય કહી દીધું કે, “ચાલ હટ હવે..હું રામ નથી કે સીતાજી રાવણના ત્યાં દસ વરસ રહ્યા, અને પછી તેમ છતાં રામે તેમને પોતાની પત્ની બનાવી લીધા.”
આ ક્ષુદ્ર વ્યક્તિના આ કટાક્ષની મૂર્ખતા તો જગજાહેર છે. પરંતુ આ જ કટાક્ષ જ્યારે રામચંદ્રજીના કાને પહોંચ્યો તો આપ શ્રીમાને આ પવિત્ર અને અત્યંત પતિવ્રતા પત્નીને તરછોડીને ઘર છોડી દેવા કહી દીધું. આ રીતે આ દુઃખિયારી નિર્દોષને ફરીથી વનવાસ વેઠવાનો વારો આવ્યો અને પછી આ વનવાસની જ સ્થિતિમાં તેમનું દુઃખદાયક મૃત્યુ થયું.
રામાયણનો આ અધ્યાય વાંચીને મને અસહ્ય દુઃખ થયું. હું આ દુઃખને છુપાવી ન શકયો. મેં પંડિતજીથી ખુલાસાની રીતે ખૂબ વેદનાપૂર્વક કહ્યુંઃ “શ્રીરામચંદ્રજીનો જે આદર મારા મનમાં ઊભો થયો હતો તે આ અધ્યાય વાંચીને ખૂબ આઘાત પામ્યો છે. તેમણે સીતાજી સાથે યોગ્ય વહેવાર નથી કર્યો, અને ન જ ઇન્સાફ કર્યો છે તેઓ તો ‘મર્યાદા પુરુષોત્તમ’ હતા અને પોતાની પત્નીની પવિત્રતા વિષે જાણતા હતા છતાં તેમણે આમ કેમ કર્યું. તેઓ સીતાજીના નિષ્કલંક ચરિત્રથી ખૂબ સારી રીતે વાકેફ અને સંતુષ્ટ હોવા છતાં પણ એક બુદ્ધિહના કટાક્ષથી વિચલિત થઈને કોઈ દલીલ વગર આટલું મોટું પગલું ભરી દીધું…કાશ..! આ પ્રકારનો કોઈ કેસ ઇસ્લામી અદાલતમાં રજૂ થતો તો ચુકાદો કંઈ બીજો જ હોત.”
પંડિતજીએ ઈસ્લામી અદાલતના ચુકાદાનુ વિવરણ પૂછયું તો મેં તેમને ઇસ્લામી કાનૂનની તે કલમ સંભળાવી જે સૂરઃ નૂરની આરંભની આયતોમાંથી કોઈ એકમાં આમ દર્શાવી છે કે, જો કોઈ સ્ત્રી ઉપર કોઈ આરોપ લગાવે અને તે આરોપના સમર્થનમા ચાર સાક્ષી ન લાવી શકે તો તેને ૮૦ કોરડા મારવામાં આવે.
મેં કહ્યુંઃ “ચોક્કસ ઇસ્લામી અદાલતથી સીતાજી તદ્દન નિર્દોષ સાબિત થઈ જતા અને આ ક્ષુદ્ર વ્યક્તિને ૮૦ કોરડાની સજા ભોગવવી પડતી.”
મારા ઉપર સીતાજીના પીડિતપણા (મઝલૂમિયત)ની એટલી અસર થઈ કે પછી હું પંડિતજીથી કોઈ વાત જ ન કરી શકયો. તેઓ પણ ખામોશ રહ્યા. તે વખતે કોઈ જવાબ ન આપ્યો. ઘણા દિવસ પછી જણાવ્યું કે ખરેખર આ બનાવ વાલ્મિકી રામાયણમાં નથી અને તુલસીદાસે પણ “રામચરિતમાનસ”માં આનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ પાછળના લેખકોએ આ ભાગને પોતે લખીને પોતે જ પૂરક માહિતી તરીકે પુસ્તકમાં સામેલ કરી દીધો છે.
મેં પંડિતજીનો આ જવાબ સાંભળવા ખાતર સાંભળી તો લીધો પણ આ વાત મારા ગળે ઊતરી નહીં, અને ન મારૂં દુઃખ ઓછું થયું. મને અત્યારે પણ જ્યારે રામાયણનો આ અધ્યાય યાદ આવે છે તો મન ખિન્ન થઈ જાય છે અને હું એમ જ કહું છું કે. “જો સીતાજી કે તેમના જેવી કોઈ મહિલાનો કેસ ઇસ્લામી અદાલતમાં પહોંચ્યો હોત તો ન્યાયધીશ કદાપી એ ચુકાદો ન આપત જે સીતાજીના વિષે આપવામાં આવ્યો. એ સીતાજીના વિશે જેમણે એક ગૌરવશાળી અને પતિવ્રતા પત્નીનો આદર્શ નમૂનો દુનિયા સમક્ષ રજૂ કર્યો.”
(અનુવાદ અને પૂરવણીઃ મુહમ્મદ અમીન શેઠ)