અનુવાદઃ
હઝરત અબૂ મૂસા રદિ. નબી સ.અ.વ.થી રિવાયત કરે છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું : “જે કોઈ અલ્લાહથી મળવાને પસંદ ફરમાવે છે, અને જે માણસ અલ્લાહની મુલાકાતને ના-પસંદ કરે છે તો અલ્લાહ પણ તેની મુલાકાતને ના-પસંદ કરે છે.”૭ (બુખારી)
સમજૂતીઃ
૭ પોતાના રબથી મુલાકાત થાય એ મો’મિન (ઈમાનવાળા)ના દિલની ઇચ્છા છે. આ જ ઇચ્છા અને આશા તેના દિલને જીવંત રાખે છે અને તેને દરેક પ્રકારના અંધકારોથી દૂર રાખે છે. જે માણસ અલ્લાહથી મળવાની તમન્ના ધરાવતો હોય તેનાથી આ અપેક્ષા રાખી શકાય નહીં કે તે પાતોના દિલમાં કોઈ એવી વસ્તુને સ્થાન આપશે જે નફરતને પાત્ર હોય. પસંદ અને ના-પસંદનો સંબંધ વાસ્તવમાં માણસના પોતાના દિલથી હોય છે. જો અલ્લાહ સાથે મુલાકાતની ઇચ્છા અને રુચિ તેની અંદર જોવા નથી મળતી તો અલ્લાહની જાત (હસ્તી) તો બે-ન્યાઝ (નિસ્પૃહ) છે. અલ્લાહને શું પડી છે કે તે આવા કદર નહીં કરનારની કદર કરે.
અનુવાદઃ
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે મેં રસૂલુલ્લાહ સ.અ.વ.થી સાંભળ્યું : આપ સ.અ.વ.ફરમાવતા હતા કે કયામતના દિવસે સૌ પ્રથમ જેની વિરુદ્ધ ફેસલો સંભળાવવામાં આવશે તે એ માણસ હશે કે જેણે શહાદતનો જામ પીધો હશે (શહીદ થયો હશે) તેને અલ્લાહ સમક્ષ હાજર કરવામાં આવશે, તો અલ્લાહ તેને પોતાની નેઅ્મતો યાદ દેવડાવશે, અને તે તેને સ્વીકારશે. અલ્લાહ પૂછશે કે તેં એ નેઅ્મતોથી શું કામ લીધું? તે કહેશે કે મેં તારા માટે યુદ્ધ કર્યું. તે એટલે સુધી કે (હું) શહીદ થઈ ગયો. અલ્લાહ ફરમાવશે કે તેં જૂઠ કહ્યું. હકીકત આ છે કે યુદ્ધ તેં એટલા માટે કર્યું કે લોકો તારા વિષે કહે કે “તે શૂરવીર છે.” તો તને (દુનિયામાં) શૂરવીર કહી દેવાયો. પછી અલ્લાહના હુકમ મુજબ તેને મોઢા તરફથી ઢસડીને લઈ જઈ જહન્નમમાં નાખી દેવામાં આવશે.
અને એક એ માણસ હશે કે જે વિદ્ધાન અને શિક્ષક તેમજ કુઆર્નને પઢનાર હશે. તે અલ્લાહ સમક્ષ હાજર થશે, તો અલ્લાહ તેને પણ પોતાની નેઅ્મતો યાદ દેવડાવશે. તે તેમનો એકરાર કરશે. અલ્લાહ ફરમાવશે કે તેં એ નેઅ્મતોથી શું કામ લીધું? તે કહેશે કે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે બીજાઓને પણ શીખવાડયું અને તારા માટે કુઆર્ન પઢયું. અલ્લાહ ફરમાવશે કે તેં ખોટું (જૂઠ) કહ્યું. અસલ વાત આ છે કે તેં જ્ઞાન માત્ર એટલા માટે હાસલ કર્યું કે લોકો તારા વિષે કહે કે “એ આલિમ (વિદ્ધાન) છે.” અને કુઆર્ન તેં એટલા માટે પઢયું કે લોકો તારા વિષે કહે કે “એ ‘કારી’ છે.” તો (દુનિયામાં) તને આ બધું કહેવાઈ ચૂકયું. પછી અલ્લાહના હુકમ મુજબ તેને મોઢા તરફથી ઢસડીને લઈ જઈ જહન્નમમાં નાખી દેવામાં આવશે.
અને એક એ માણસ હશે કે જેને અલ્લાહે સમૃદ્ધિ અને ખુશહાલી (સંપન્નતા) આપી હતી, અને દરેક પ્રકારની દૌલતથી તેને નવાજયો હતો. તેને હાજર કરવામાં આવશે અને તેને પણ અલ્લાહ પોતાની નેઅ્મતો યાદ દેવડાવશે અને તે તેમનો એકરાર કરશે. પછી અલ્લાહ પૂછશે કે તેં એ નેઅ્મતોથી શું કામ લીધું? તે કહેશે કે મેં કોઈ પણ એવો માર્ગ જેમાં ખર્ચ કરવું તું પસંદ કરતો હતો નથી છોડયો કે તેમાં તારી ખાતર ખર્ચ કર્યું ન હોય. અલ્લાહ ફરમાવશે કે તું જુઠ્ઠો છે. હકીકત આ છે કે તેં માત્ર એટલા ખાતર ખર્ચ કર્યું કે લોકો તારા વિષે કહી શકે કે “તે સખી અને દાતા છે.” તો આ લકબ તને (દુનિયામાં) મળી ચૂકયા. પછી અલ્લાહના હુકમ મુજબ તેને મોઢા તરફથી ઢસડીને લઈ જઈ જહન્નમમાં દાખલ કરી દેવામાં આવશે. (મુસ્લિમ)
(સમજૂતી આવતા અંકે)