રસૂલે અકરમ સ.અ.વ.ની હૈસિયત દીની દૃષ્ટિએ એક પૈગમ્બરની છે, અને દુન્યવી દૃષ્ટિએ આપનો દરજ્જો કોઈ મોટા બાદશાહથી ઓછો નથી. મદીનામાં આપ સ.અ.વ. એ એક ઇસ્લામી હકૂમતનો પાયો મૂકયો, અને દસ વર્ષના ટૂંકા ગાળામાં આરબના એક મોટા ભાગને જીતી તાબા હેઠળ લઈ લીધો.
માણસ જ્યારે બાદશાહતના આવા ઉચ્ચ દરજ્જોએ પહોંચી જાય છે તો નાના બાળકો સાથે સમય વિતાવવા અને તેમની સાથે રહેમત અને સ્નેહ સાથે મળવાને તે પોતાની શાનની વિરુદ્ધ સમજે છે. આરબોની પણ આ જ સ્થિતિ હતી. સહીહ બુખારીની રિવાયત છે કે એક વખત રસૂલે અકરમ સ.અ.વ. કોઈ બાળકને ચૂમી રહ્યા હતા. એક ગ્રામિણે જોયું તો કહ્યું : શું આપ સ.અ.વ. પણ બાળકને ચુંબન કરો છો? અમે તો કયારેય ચુંબન નથી કરતા. આપ સ.અ.વ.એ જવાબ આપ્યો : “જો અલ્લાહતઆલાએ તમારા હૃદયમાંથી રહેમત અને સ્નેહની ભાવના-લાગણી કાઢી લીધા છે તો હું શું કરી શકું છું.” (બુખારી….).
એક વખત રસૂલે અકરમ સ.અ.વ. હઝરત હસન રદિ.ને ચુંબન આપી રહ્યા હતા. એ બેઠકમાં અકરમ બિન હાબિસ રદિ. પણ મૌજૂદ હતા. તેઓ કહેવા લાગ્યા : “મારા દસ બાળકો છે, મેં એમનામાંથી કોઈને ચુંબન નથી કર્યું.” આપ સ.અ.વ.એ તેમની તરફ જોયું અને ફરમાવ્યું : “જે બંદાઓ પર રહેમ (દયા) નથી કરતો તેની ઉપર પણ રહેમ (દયા) કરવામાં નથી આવતો.” (બુખારી….).
બાળકોની સાથે સ્નેહ સાથે મળવા અંગે આપ સ.અ.વ.એ ફરમાવ્યું : “જે અમારા નાનાઓ (ભૂલકાઓ) પર રહેમ (દયા) ન કરે, અને મોટાઓની ઇજ્જત ન કરે, તે અમારામાંથી નથી.” (અબૂ દાઊદ….)
હઝરત અનસ રદિ. આપ સ.અ.વ.ની આ ખૂબી વર્ણવે છે કે : બાળકો અને મહોતાજો ઉપર લોકોમાં સૌથી વધુ આપ સ.અ.વ. રહેમદિલ (દયાળુ) હતા.
બાળકોથી આપ સ.અ.વ.ની રહેમત (દયા) અને સ્નેહનો અંદાજાે આ વાતથી લગાવી શકાય છે કે આપ સ.અ.વ.નું આ ફરમાન હતું કે યુદ્ધ-મેદાનમાં શત્રુઓના બાળકોને પણ કતલ કરવામાં ન આવે. (બુખારી…)
બાળકોની વફાત-ઇન્તેકાલ પર આપ સ.અ.વ.ની આંખોથી અશ્રુ વ્હેવા લાગી જતા હતા. પોતાના સુપુત્ર ઇબ્રાહીમ રદિ.ના ઇન્તેકાલ પર આપ સ.અ.વ.ની આંખો ભીની થઈ ગઈ. આ દૃશ્ય જોઈને અબ્દુર્રહમાન બિન ઔફ રદિ.એ આશ્ચર્યથી પૂછયું : હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! આપ પણ રડો છો ? આપ સ.અ.વ.એ ફરમાવ્યું : ઇબ્ને ઔફ ! આ રહેમ (દયા) છે. મુબારક આંખોથી વિધિવત્ અશ્રુ વ્હેતા રહ્યા.” (બુખારી…)
જ્યારે આપ સ.અ.વ. બાળકો પાસેથી પસાર થતા તો આગળ વધીને પોતે સલામ કરતા હતા. (બુખારી…)
રસૂલે અકરમ સ.અ.વ. જ્યાં મોટાઓને સમય આપતા હતા, ત્યાં જ મા’સૂમ (નિર્દોષ) બાળકો સાથે રહેવાનું પણ પસંદ કરતા હતા. હઝરત ઉમ્મે ખાલિદ રદિ. ફરમાવે છે કે હું (હજી બાળકી હતી.) પોતાના પિતા ખાલિદ બિન સઈદ રદિ.ની સાથે એક વખતે રસૂલે અકરમ સ.અ.વ.ની સેવામાં ગઈ. એ વખતે મેં પીળું પહેરણ પહેરેલ હતું. આપ સ.અ.વ.એ મારા પોષાકને જાેઈને પ્રસન્નતા વ્યકત કરતાં ફરમાવ્યું : બહુ સરસ, બહુ સરસ. તેઓ કહે છે કે હું નબીએ કરીમ સ.અ.વ.ના ‘મુહરે-નુબુવ્વત’થી રમવા લાગી. મારા પિતાએ જ્યારે મારી આ હરકત જોઈ તો મને મનાઈ ફરમાવી. આપ સ.અ.વ.એ ફરમાવ્યું : તેને તેના હાલ પર છોડી દો, તેને રમવા દો. (બુખારી,….)
આપ સ.અ.વ.ના કાકા હઝરત અબ્બાસ રદિ.ને વધુ બાળકો હતા. તેમનામાં અબ્દુલ્લાહ રદિ., ઉબૈદુલ્લાહ રદિ. અને કસીર રદિ. બહુ નાના હતા. આપ સ.અ.વ. તેમને એક હરોળમાં ઊભા કરી દેતા હતા અને કહેતા : જે મારા સુધી પહેલાં પહોંચશે, તેને હું ઇનામ આપીશ. તેઓ દોડતા દોડતા આવતા. કોઈ આપ સ.અ.વ.ના સીના મુબારકથી અને કોઈ આપ સ.અ.વ.ની પીઠથી ચોંટી જતો. આપ સ.અ.વ. તેમને ભેટી પડતા, અને ચુંબન આપતા.
હઝરત ઉમામા બિન્તે ઝૈનબ રદિ. આપ સ.અ.વ.ની નવાસી (દૌહિત્રી) છે. એક વખત આપ સ.અ.વ. તેમને પોતાના ખભા પર ઉઠાવીને ઘરેથી નીકળ્યા. મસ્જિદમાં દાખલ દાખલ થયા. એ જ હાલતમાં સહાબાએ કિરામ રદિ.ને નમાઝ પઢાવી. જ્યારે આપ સ.અ.વ. રુકૂઅ અને સિજદામાં જતા તો જમીન પર બેસાડી દેતા અને જ્યારે ઊભા થતા તો ફરીથી ઉઠાવી લેતા.” (અબૂ દાઊદ)
બાળકોની સાથે આપ સ.અ.વ.નો આ સ્નેહ મુસાફરીમાં પણ રહેતો હતો. મુસાફરી દરમ્યાન જે પણ બાળકો મળતા આપ સ.અ.વ. તેમને પોતાની સવારી પર કોઈને આગળ અને કોઈને પાછળ બેસાડી લેતા. હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર રદિ.એ અબ્દુલ્લાહ બિન જા’ફર રદિ.ને કહ્યું : શું તમને યાદ છે કે હું, તમે અને ઇબ્ને અબ્બાસ રદિ.એ રસૂલે અકરમ સ.અ.વ.નું સ્વાગત્ કર્યુ હતું? તેઓ કહેવા લાગ્યા : હા! રસૂલુલ્લાહ સ.અ.વ.એ આપણને સવારી પર બેસાડી લીધા હતા, અને તમને ગુંજાયશ ન હોવાના કારણે છોડી દીધા હતા.” (બુખારી)
બાળકો સાથે સદ્વર્તનની એક રીત આ હતી કે આપ સ.અ.વ. તેમની સાથે હસી-મજાક પણ કરતા હતા. હઝરત અનસ રદિ.ના એક નાના ભાઈ હતા, જેમનું નામ અબૂ ઉમૈર રદિ. હતું. તેમણે એક નાનકડું પક્ષી પાળી રાખ્યું હતું. જેનાથી તે રમતા કે દિલ બહેલાવ્યા કરતા હતા. થોડાક દિવસો પછી તે મરી ગયું. આપ સ.અ.વ. તેમને જાેતાં તો ફરમાવતા : “હે અબૂ ઉમૈર ! તમારા બુલબુલનું શું થયું?” (ઇબ્નેમાજહ)
જ્યાં આપ સ.અ.વ. બાળકોથી પ્રેમ-સ્નેહ કરતા, ત્યાં જ તેમના હક્કોનો પણ પૂરો ખયાલ રાખતા હતા. જ્યારે પણ મૌસમ (ઋતુ)નું ફળ આવતું તો સૌથી પહેલાં બાળકોને આપતા.
આપ સ.અ.વ. જ્યારે બેઠકમાં રહેતા, અને ખાવા-પીવાની કોઈ વસ્તુ આવતી તો આપ સ.અ.વ.હંમેશ તેમાંથી (તબર્રુક તરીકે) કંઈક ખાઈ-પીને જે જમણી બાજુ રહેતો તેને આપી દેતા. હઝરત સાહબ બિન સઅદ રદિ. ફરમાવે છે કે એક વખત આપ સ.અ.વ. પાસે એક પીણું આવ્યું. આપ સ.અ.વ.ની જમણી બાજુ એક નાનું બાળક હતું, અને ડાબી બાજુ બુઝુર્ગ સહાબી રદિ. હતા. આપ સ.અ.વ.એ એ બાળકને કહ્યુંઃ જો તમે પરવાનગી આપતા હોવ તો આ પીણું બુઝુર્ગ સહાબા રદિ.ને આપું? બાળક અત્યંત ચાલાક હતું. તેણે કહ્યું : “હે અલ્લાહના રસૂલ સ.અ.વ., અલ્લાહના સોગંદ! હું આપ સ.અ.વ.ના તબર્રુક પર કોઈને પ્રાથમિક આપી શકું નહીં. આના પર આપ સ.અ.વ.એ પીણું એ બાળકને આપી દીધું.” (બુખારી)
સામાન્ય રીતે બિન-જરૂરી લાડકોડ દાખવતાં માતા-પિતા બાળકોના તાલીમ તથા તર્બિયત (શિક્ષણ-પ્રશિક્ષણ) પ્રત્યે ગફલત દાખવે છે, પરંતુ આપ સ.અ.વ. બાળકોથી જ્યાં બહુ પ્રેમ કરતા હતા ત્યાં જ તેમની તાલીમ-તર્બિયતનું પણ ખૂબ જ ધ્યાન રાખતા હતા.
(વધુ આવતા અંકે)