(૧ર) અનુવાદઃ
હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે એક વ્યક્તિએ અરજ કરી કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! કયામત ક્યારે આવશે ? આપ સ.અ.વ. એ ફરમાવ્યુ: “અફસોસ છે તારા પર, તેના માટે તેં શી તૈયારી કરી છે ?” તેણે અરજ કરી કે મેં તૈયારી તો કંઈ નથી કરી, અલ્બત્ત હું અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.થી પ્રેમ કરૂં છું. આપ સ.અ.વ.એ ફરમાવ્યું : તું એની જ સાથે હોઈશ જેનાથી તને પ્રેમ છે.” ૧૪
હઝરત અનસ રદિ.નું નિવેદન છે કે ઇસ્લામ પછી મુસલમાનોને કોઈ પણ વસ્તુથી એટલા ખુશ થતા નથી જોયા જેટલા કે આપ સ.અ.વ.ના આ ઇર્શાદથી તેઓ ખુશ થયા હતા.” ૧પ (બુખારી, મુસ્લિમ)
સમજૂતી
૧૪ હઝરત ઇબ્ને મસ્ઊદ રદિ.થી રિવાયત છે કે એક વ્યક્તિએ પૂછ્યું કે કયામત કયારે આવશે ? આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “તેં તેના માટેની શી તૈયારી કરી છે ?” તેણે અરજ કરી કે નમાઝ, રોઝા વિ.ની તો મારી પાસે અધિકતા નથી. અલબત્ત હું અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.થી પ્રેમ કરૂં છું આના પર આપ સ.અ.વ.એ ફરમાવ્યુઃ માણસ એની જ સાથે હશે જેની સાથે તે પ્રેમ કરે છે.” (બુખારી તથા મુસ્લિમ)
એખલાસની અસલ રૂહ (આત્મા) પ્રેમ જ છે કે જે માણસને કોઈના માટે દરેક પાસાથી એકાગ્ર બનાવી દે છેઃ
પ્રેમ એખલાસની અસલ રૂહ (આત્મા) છે. આથી બંદાનું જીવન અને તેની આખિરત સંબંધે તેને નિર્ણાયક હૈસિયત પ્રાપ્ત છે. અહીંથી જ આ પણ જણાયું કે દીનની અસલ રૂહ (આત્મા) તથા ધ્યેય-ચરમસીમા પણ અલ્લાહનો પ્રેમ જ છે. આથી ઇમામ ઇબ્ને તૈમિયહ રહ.એ ફરમાવ્યું છે કે અલ્લાહનો પ્રેમ જ અસલ દીન છે. આ જ પ્રેમની પૂર્ણતા ઉપર દીનની પૂર્ણતાનો પૂરેપૂરો આધાર છે. આ પ્રેમમાં કોઈ પણ પ્રકારની કમી દીનની અપૂર્ણતાની સમાન છે. (જુઓ ફતાવા શૈખુલ ઇસ્લામ અહમદ ઇબ્ને તૈમિયહ રહ., ભાગ-૧૦, પૃષ્ઠ-૫૭)
૧૫ સહાબાએ કિરામ રદિ. માટે હુઝૂરનો આ ઇર્શાદ કેઃ “તું એની સાથે હોઈશ કે જેનાથી તું પ્રેમ રાખે છે.” એક ખુશ-ખબર હતો. તે પોતાના આ’માલ (કર્મો) તરફથી સંતુષ્ટ થઈ શકતા ન હતા કે આ અંગે તેમનાથી કોઈ ઢીલ થઈ નહીં હોય, પરંતુ તેઓ જોઈ રહ્યા હતા કે તેમના હૃદય અલ્લાહ તથા તેના રસૂલ સ.અ.વ.ના પ્રેમથી ભરપૂર છે. અલ્લાહ તથા રસૂલ સ.અ.વ.નો પ્રેમ તેમના જીવનની સૌથી કીમતી મૂડી બની ચૂક્યો હતો. આથી હુઝૂર સ.અ.વ.ની જીભે-મુખે આ સાંભળીને કે માણસ તેની સાથે હશે જેનાથી તેને પ્રેમ છે, તેમને વિશ્વાસ થઈ ગયો કે અલ્લાહ તેમને પોતાનું સામીપ્ય અને પોતાના રસૂલ સ.અ.વ.ની સંગતથી વંચિત નહીં કરે. માણસના હક્ક (તરફેણ)માં અસલ નિર્ણાયક વસ્તુ એ પ્રેમ તથા સ્નેહ છે જે એ કોઈની સાથે કરે છે.