બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલઃ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો

0
56

(ન્યૂઝ ડેસ્ક) મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ભારતમાં મીડિયાએ હંમેશાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા, જનતાની સમસ્યાઓ ઉઠાવવા અને સરકારને પ્રશ્નો પૂછીને તેને જવાબદાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ટેલિવિઝન અને રેડિયો જેવા માધ્યમોએ જનતાને માહિતી, મનોરંજન અને સરકારના ર્નિણયોથી વાકેફ રાખવા અને જનતાની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આઝાદી પછીના વિવિધ સમયગાળામાં મીડિયા પર ખરાબ સમય પણ આવ્યો અને કેટલાક શાસકોએ તેની સ્વતંત્રતાને ખતમ કરવાનો પ્રયાસ પણ કર્યો. જો કે, ૨૦૧૪માં ભાજપના સત્તામાં આવ્યા બાદ મીડિયાએ ડર અથવા ધનની લાલચમાં આ મહત્ત્વની ફરજને પૂરી રીતે છોડી દીધી અને સરકારની ટીકા કરવા અથવા તેને પ્રશ્નો પૂછવાને બદલે સરકારની તરજુમાની કરવાના કામમાં વ્યસ્ત થઈ ગયું.

છેલ્લા પચાસ વર્ષથી સરકારને મીડિયા અને તેમાં પ્રસ્તુત થતી સામગ્રી પર નજર રાખવા અને તેને નિયંત્રિત કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. આ માટે વિવિધ કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. ૧૯૯૫માં કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ મીડિયામાં પ્રસારિત થતી સામગ્રીની ગુણવત્તા સુધારવા, અશ્લીલ અને અયોગ્ય સામગ્રીના પ્રસારણને રોકવા અને મીડિયા પર નજર રાખીને તેને નિયંત્રિત કરવાનો હતો. હાલની સરકાર પણ આ જ હેતુઓને ધ્યાનમાં રાખીને બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલ ૨૦૨૪ રજૂ કરવા માંગે છે. આ બિલનો મુસદ્દો હાલમાં કેટલાક લોકો સમક્ષ ચર્ચા, વિચાર-વિમર્શ અને સલાહ માટે રજૂ કરવામાં આવ્યો છે. આ બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલ ૨૦૨૪ મંજૂર થયા બાદ ૧૯૯૫ના કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટનું સ્થાન લેશે.

સરકારનું કહેવું છે કે આ બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલ ૨૦૨૪ રજૂ કરવાનો હેતુ મીડિયામાં પ્રસ્તુત થતી સામગ્રીની ગુણવત્તામાં સુધારો કરવાનો, અશ્લીલ અને અયોગ્ય સામગ્રીને રોકવાનો અને સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતિઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર આ બિલ દ્વારા મીડિયાની દેખરેખ અને નિયમન માટે એક વ્યાપક માળખું બનાવવા માંગે છે જેથી રાષ્ટ્રીય હિતોનું રક્ષણ થઈ શકે અને સામાજિક સંવાદિતાને પણ પ્રોત્સાહન મળી શકે. સરકારનો એવો પણ દાવો છે કે આ બિલના અમલથી અયોગ્ય સામગ્રીના પ્રસારણમાં ઘટાડો થશે જેનાથી સમાજમાં સકારાત્મક મૂલ્યો પ્રોત્સાહિત થશે. આ ઉપરાંત, સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતિઓના પ્રચાર અને સંરક્ષણ માટે બિલમાં રાખવામાં આવેલી જોગવાઈઓ સ્થાનિક સ્તરના વિવિધ સમાજો માટે ઉપયોગી સાબિત થશે. તેમજ, દર્શકોની ફરિયાદોના નિરાકરણ માટે એક વ્યવસ્થિત તંત્ર સ્થાપિત થવાથી લોકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ થઈ શકશે.

પરંતુ આ બધી વાતો અને દાવાઓ હોવા છતાં, આ બિલની સૌથી મોટી ખામી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જબરદસ્ત પ્રતિબંધરૂપે સામે આવશે. કારણ કે જે બિલનો ડ્રાફ્‌ટ હાલમાં સામે આવ્યો છે તે મુજબ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જે લોકો વિવિધ વિષયો પર વીડિયો, લેખો અને વિવિધ પ્રકારની સામગ્રી તૈયાર કરીને જનતા સમક્ષ રજૂ કરે છે તે બધી ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સના વર્ગમાં સામેલ થશે અને સરકારને તેમની સામગ્રીની દેખરેખ રાખવા, તેમની મંજૂરી આપવા, તેમના પર રોક લગાવવા અને તેમને આ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો અધિકાર મળશે.  ૨૦૨૩માં જ્યારે આ બિલનો પહેલો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો ત્યારથી જ લોકોમાં આ વાતની ચિંતા હતી કે જે પત્રકારો કે સામાન્ય લોકો પરંપરાગત મીડિયા સાથે જોડાયેલા નથી અને જે ઓનલાઇન ન્યૂઝ પૂરા પાડે છે તેઓ પણ આ કાયદાના દાયરામાં આવશે કે નહીં ? પરંતુ આ બિલનો જે બીજો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે તેમાં આ વાત બિલકુલ સ્પષ્ટતા સાથે જણાવી દેવામાં આવી છે કે તે બધા લોકો પણ આ કાયદાના દાયરામાં આવશે.

૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સરકાર અને જનતા બંનેને સોશિયલ મીડિયા અને તેના પર પ્રસ્તુત થતા વીડિયોની મહત્ત્વતા વિશે વિવિધ યુટ્યુબર્સ અને સ્વતંત્ર પત્રકારો દ્વારા સારી રીતે વાકેફ કરાવ્યા છે. સરકારે મુખ્ય પ્રવાહના મીડિયાને પૂરેપૂરો પોતાનો હિમાયતી બનાવી લીધો હતો, પરંતુ આ સ્વતંત્ર પત્રકારો અને યુટ્યુબર્સની સમગ્ર ટીમે ખૂબ જ બેબાક રહી  હિંમતથી હકીકતોને જનતા સમક્ષ રજૂ કરી અને તેમના પ્રયાસોએ વધતી જતી નફરતની રાજનીતિ પર અંકુશ લગાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જ મુખ્ય કારણ છે કે જેના કારણે સરકારે હવે આ તમામ માધ્યમો પર નિયંત્રણ મેળવવાનું આયોજન કર્યું છે. તેથી બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલ ૨૦૨૪ વાસ્તવમાં આ જ હેતુ માટે લાવવામાં આવી રહ્યું છે. સરકારે આ બિલના મુસદ્દાને હજુ સુધી જાહેર ચર્ચા માટે રજૂ કર્યો નથી, જ્યારે કે આ બિલની અસર સીધી જનતા અને તેમના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર પર પડશે. આ બિલથી સૌથી મોટો ભય આ છે કે તેનાથી દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગશે. બિલ હેઠળ સામગ્રીની દેખરેખ માટે સ્થાપિત કરવામાં આવેલી નિયમનકારી સત્તા મીડિયા હાઉસ ઉપરાંત આ તમામ સ્વતંત્ર પત્રકારો અને યુટ્યુબર્સના વિષય અને સામગ્રીને સેન્સર કરી શકે છે જેનાથી નિશ્ચિતરૂપે પત્રકારત્વની સ્વતંત્રતા પ્રભાવિત થઈ શકે છે. અને આ સ્થિતિ  આપણી લોકશાહી માટે સાચે જ ખૂબ જ ખતરનાક છે, એટલું જ નહીં પરંતુ દેશમાં જે લોકો નફરતની રાજનીતિને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની પ્રગતિ પર પણ પ્રતિબંધ લગાવવા સમાન છે. તેથી દેશની જનતાને આ બિલના અલોકતાંત્રિક અને હાનિકારક પાસાઓને દૂર કરવા માટે તાત્કાલિક સભાન થવાની જરૂર છે. મીડિયા, વિપક્ષ તથા સિવિલ સોસાયટીએ આ બાબતે એક તરફ  જનતાને શિક્ષિત કરવાનું તો બીજી તરફ સરકારને રોકથામ સારુ પડકારવાનું અભિયાન ચલાવવું પડશે જેથી આ ખોટા પગલાંને ઊગતાં જ ડામી દેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here