અંધકારનું ગાઢ થવું સૂર્યોદયની નિશાની છે, ખૂબ જ ટૂંક સમયમાં શાંતિ, સલામતી, સમાનતા અને ન્યાયનો સૂરજ ઉદય થશે : સૈયદ સઆદતુલ્લાહ હુસૈની

0
245

અહમદાબાદઃ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત, જમિઅતે ઉલેમાએ હિંદ ગુજરાત, જમિઅતે એહલે હદીસ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ટાગોર હોલ, અહમદાબાદ ખાતે ‘શાંતિ અને ન્યાય અભિયાન’ નું આયોજન કરવામાં આવ્યું. સમારોહમાં વિવિધ ધર્મોના આગેવાનો અને અનુયાયીઓએ મોટી સખ્યામાં ભાગ લીધો.
જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું કે સભ્યતાઓ મૃત્યુ નથી પામતી પરંતુ સભ્યતાઓ આત્મહત્યા કરે છે. જે લોકો ભારતીય સભ્યતાને આત્મહત્યા તરફ ધકેલી રહ્યા છે તેઓ વાસ્તવમાં દેશના દુશ્મન છે. તેમણે જણાવ્યું કે ડર અને હતાશા વગર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે વર્તમાન પરિસ્થિતિને બદલવાનો સંકલ્પ કરવો જોઈએ. વિવિધ સમુદાયો વચ્ચે સંપર્કો અને ગાઢ સંબંધો વિકસે તેના ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ. તે માટે વડીલોની સાથે સાથે નવયુવાનો અને મહિલાઓએ ભાગ લેવો જોઈએ. અંધકારનું ગાઢ થવું સૂર્યોદયની નિશાની છે, ખૂબ જ ટૂંક સમયમાં શાંતિ, સલામતી, સમાનતા અને ન્યાયનો સૂરજ ઉદય થશે. અંતે તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના પ્રયત્નો સતત કરતાં રહેવા માટે અપીલ કરી.
આ સમારોહની શરૂઆત તિલાવતે કુઆર્ન સાથે કરવામાં આવી. ત્યારબાદ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા સાહેબે પ્રારંભિક શબ્દોથી મહેમાનો અને શ્રોતાગણનું સવાગત કર્યું. જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મલિક મોઅ્‌તસિમ ખાન સાહેબે પોતાના ચાવીરૂપ પ્રવચનમાં અભિયાનના ઉદ્દેશ્યો, જરૂરત અને તેના ભાવિ રૂપરેખા પર પ્રકાશ પાડ્‌યો.
સમારંભમાં હાજર વિવિધ ધર્મોના આગેવાનોએ ‘શાંતિ અને ન્યાય અભિયાન’ આયોજિત કરવા માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા અને પોતાના ટૂંક આશીર્વચનથી નવાજ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારી, પારસી સમાજ, ઈસાઈ ધર્મ, મુસ્લિમ મહિલા અગ્રણી, બૌદ્ધ ધર્મ, યહૂદી સમુદાય તેમજ શીખ ધર્મ વગેરે ધામિર્ક સમુદાયોના આગેવાનો અને ધર્મગુરુઓએ એકસૂરમાં અભિયાનને સહકાર આપવાનો સંકલ્પ કર્યો.
“ગુજરાત ટુડે” દૈનિકના તંત્રી એડવોકેટ સુહેલ તિરમિઝી સાહેબે અભિયાનને સફળ થવાની શુભેચ્છાઓ પાઠવી અને તેમાં મીડિયાની ભૂમિકા પર ભાર મૂક્યો. ત્યાર બાદ સમારંભના મુખ્ય વકતા અશોક ચૌધરી સાહેબે જણાવ્યું કે આજનું સંકટ સાવર્ત્રિક સંકટ છે, અને તે સાંસ્કૃતિક કટોકટીનું સંકટ છે. તેમણે આગળ કહ્યું કે આપણું બંધારણ રાજકીય સમાનતા આપે છે પરંતુ આર્થિક સમાનતા આપતું નથી. સંપત્તિની સમાન વહેંચણી અહિંસક સમાજ બનાવવા માટે જરૂરી છે. મણિપુરનું ઉદાહરણ પણ વાસ્તવમાં જમીનની લડાઈ છે જેને રાજકીય હેતુઓ માટે લંબાવવામાં આવે છે.
સમારોહના અન્ય મેહમાન અમારતે શરિયહના હોદ્દેદાર જનાબ શમશાદ રહેમાની સાહેબે ઇબ્રાહિમ અ.સ.ની દુઆ અને સીરતે મુહમ્મદ સ.અ.વ. થી ઉદાહરણો આપીને સમજાવ્યું કે સલામતી, શાંતિ અને ન્યાય કોઈ પણ સમાજ માટે ભૂખ-તરસ જેવી શારીરિક જરૂરતો કરતાં પણ વધુ પ્રાથમિક અનિવાર્યતાઓ છે. તેમણે ઇસ્લામમાં શાંતિ અને સલામતિના મહત્ત્વને ઉજાગર કર્યું. ત્યારબાદ જમિઅતે એહલે હદીસના પ્રમુખ જનાબ અસગર અલી મેહદી સાહેબે અભિયાનને બિરદાવતાં આ પ્રકારના વિવિધ સમુદાયોના મેળ-મિલાપ પર ભાર મૂક્યો. તેમણે શાંતિની સ્થાપના માટે જાલિમ સામે હિંમતભેર ઊભા થઈને તેને જુલ્મ કરવાથી રોકવાના પ્રયત્નો કરવા હાજરજનોને આહ્‌વાન કર્યું. ત્યારબાદ વરિષ્ઠ ગાંધીવાદી વિચારક કુમાર પ્રશાંત સાહેબે જણાવ્યું કે ન્યાયની સ્થાપના વગર શાંતિની સ્થાપના અશક્ય છે. તેમણે ગાંધીની વિચારધારાના હિન્દુસ્તાન અને તેના હત્યારાની વિચારધારાના હિન્દુસ્તાનનો ભેદ સમજાવતાં કહ્યું કે ૧૯૪૮માં ગાંધીને નહિ પરંતુ એ હિન્દુસ્તાની સ્વપ્નને ગોળી મારવામાં આવી હતી જેમાં બધા હિન્દુસ્તાનીઓના ભારતની વિભાવના હતી. ૨૦૨૪ માં ફરીથી તે સમાવેશી હિન્દુસ્તાન બનાવવા માટેની તક છે તેને આપણે તીવ્રતાથી ઝડપી લેવાની જરૂરત છે અને લોકતાંત્રિક મૂલ્યોને બહાલ કરવા માટે કમર કસવાની જરૂર છે.
સમારંભના મુખ્ય મહેમાન જમિઅતે ઉલેમાએ હિંદના પ્રમુખ જનાબ મેહમૂદ અસદ મદની સાહેબે મુસલમાનોને સંબોધતાં જણાવ્યું કે મુસલમાન ક્યારેય નિરાશ થતો નથી. જે લોકો મુસલમાન વિનાનું હિન્દુસ્તાન બનાવવાના સ્વપ્ન સેવી રહ્યા છે તેઓ ક્યારેય કામયાબ થવાના નથી. તેમણે કહ્યું કે આપણી લડાઈ કોઈ પણ સમુદાય કે ધામિર્ક જૂથ સાથે નહિ પરંતુ એ વિચારધારા સાથે છે જેઓ ભારતીય બંધારણને પીઠ પાછળ નાખી દેવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે જે પ્રકારની નફરત ફેલાવવામાં આવી રહી છે તેનાથી મુસલમાનોથી પહેલાં અન્ય સમુદાયો અને સમગ્ર દેશને વધુ નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે દૃઢપણે જણાવ્યું કે ‘રાત અંધારી અને લાંબી ઘણી છે, પરંતુ સૂર્યોદય જરૂર નિકટ છે..’
અંતે જમિઅતે ઉલેમાએ હિંદ, ગુજરાતના સચિવ જનાબ નિસારઅહેમદ અંસારી સાહેબે આભારવિધિ સાથે સમારંભની પૂર્ણાહુતિની જાહેરાત કરી. જનાબ ઇકબાલ મિર્ઝા સાહેબે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here