ઈમાનવાળા લોકોની અસલ જવાબદારી

0
221

નબીયોના ઉતરાણ અને તેમને સ્પષ્ટ આદેશો આપીને તથા કેટલાકને કિતાબ આપીને ધરતી ઉપર માનવ સમાજો વચ્ચે મોકલવાનો અલ્લાહનો આશય આખરે શું છે ? સુરઃ હદીદ (સત્તાવનમી સૂરઃ)ની આયત નંબર રપમાં એ વાતનો ખુલાસો કરતાં અલ્લાહતઆલા કહે છેઃ
‘અમે અમારા રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શન સાથે મોકલ્યા અને તેમની સાથે ગ્રંથ અને મીઝાન (ન્યાયનું ત્રાજવું) ઉતાર્યા કે જેથી લોકો ન્યાય (ન્યાયપૂર્ણ વ્યવસ્થા) ઉપર કાયમ થઈ જાય અને લોખંડ ઉતાર્યું જેમાં અત્યંત બળ છે અને લોકો માટે ફાયદાઓ પણ છે. (આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કે) જેથી અલ્લાહ એ જાણી લે કે તેની જાતને જોયા વિના (તેના આદેશો ઉપર ઈમાન લાવી) કોણે તેની અને તેના રસૂલોની મદદ કરે છે. બેશક અલ્લાહ અત્યંત શક્તિશાળી અને જબરજસ્ત છે.’ (પ૭/રપ)

સમગ્ર બ્રહ્માંડ અને તેમાંની પ્રત્યેક વસ્તુઓ અલ્લાહની મિલ્કીયત છે. ધરતીનો ગ્રહ પણ અલ્લાહની મિલ્કીયત (Territory)નો જ એક ભાગ છે અને તેમાં વસતી તમામ મખ્લૂક અલ્લાહના સામ્રાજ્યની પ્રજા છે. તે ઇચ્છે છે કે તેના આ સામ્રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તમામ જીવોને જીવવાનો, વૃદ્ધિ કરવાનો અને અલ્લાહે સર્જેલ વસ્તુઓનો (જરૃરત જેટલો) ભોગવટો કરવાનો તે દરેકને પૂરતો અધિકાર પર્યાપ્ત રહે, તેમના હક્કોની બરાબર જાળવણી થાય, તેમના ઉપર કોઈ અતિરેક કે અત્યાચાર ન થાય, તેમના ઈશઅર્પિત અધિકારો કોઈ છીનવી ન શકે, તેઓ મુકતપણે ધરતી ઉપર રહી શકે, તેમના ઉપર કોઈ જબજરસ્તી ન થાય, તેથી અલ્લાહ, પોતાના સામ્રાજ્યના આ પ્રદેશ (ધરતી) અને તેમાં વસતી માનવજાત માટે એક ખાસ પ્રકારની ન્યાયી વ્યવસ્થા લાગુ કરે અને તેનો અધિકાર છે. અલ્લાહે એ કામને પોતાની જવાબદારી ગણીને એના અમલીકરણ માટે ધરતી ઉપર પોતાના સંદેશવાહકો (સમયાંતરે) ઉતાર્યા, તેમને એ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું. તેમનામાંથી કેટલાકને એ ન્યાયીક વ્યવસ્થાનું ખુલાસાવાર સ્પષ્ટીકરણ કરતા ગ્રંથો પણ આપ્યા અને છેલ્લે એ બધાના નિચોડ રૃપે ઈ.સ.પ૭૧માં પોતાના અંતિમ નબી અને રસૂલ હઝરત મુહમ્મદ સ.અ.વ.ને ઉતારીને તથા એ ન્યાયી વ્યવસ્થાની તમામ જોગવાઈઓ અને પ્રાવધાનોના સંગ્રહરૃપ કિતાબ આપીને જગતમાં મોકલ્યા. આપ સ.અ.વ.એ દાવતના પ્રથમ ચરણ તરીકે લોકોને તેમના રબ તરફ બોલાવવાની ઝુંબેશ ચલાવી. જીવનનો મકસદ સમજાવ્યો, અલ્લાહના માર્ગદર્શન હેઠળ ઈનસાની જીવનની ધારા કેવી હોવી જોઈએ તેના સ્પષ્ટીકરણો કરવા માંડયા, લોકજીવન જે અવળે પાટે ચઢી ગયું હતું તેની ભૂલો અને ક્ષતિઓ તેમને બતાવીને એ માર્ગેથી તેમને પાછા વાળી અલ્લાહની ન્યાયી વ્યવસ્થા અપનાવવા તથા તેની સામે શરણાગતિ સ્વીકારી લઈને તેની ન્યાયી વ્યવસ્થાના લાગુકરણના કામમાં જોતરાઈ જવા આહ્વાન કર્યું. નબી સ.અ.વ.ના માર્ગદર્શન હેઠળ તેમના તે સમયના અનુયાયીઓ (સહાબા રદિ.) એ કામમાં ખભેખભા મિલાવીને આપ સ.અ.વ.ને અંતિમ ક્ષણ સુધી પૂરેપૂરો સાથ-સહકાર આપ્યો, એના માટે જે મુસીબતો વેઠવી પડી તે હસતાં મોઢે વેઠી, ભયંકર યાતનાઓ સહી અને છેલ્લે ઘરબાર તથા કુટુંબકબીલો છોડીને હિજરત કરવી પડી તો તે પણ કરી. મદીના શરીફ પહોંચ્યા પછી પણ આ મથામણ સતત ચાલુ રહી- એના માટે જે જે સંઘર્ષો કરવા પડે તે તેમણે કર્યા, જાન-માલની બેહદ કુર્બાનીઓ પણ આપી. જે છોડવું પડે તે હસતાં મોઢે છોડયું. કોઈ કચવાટ કે ખચકાટ કયારેય પ્રદર્શિત કર્યો નહીં. સહાબા રદિ.ની સહાયતા વડે અલ્લાહના હબીબ સ.અ.વ.એ એ કામને તેના અંતિમ ચરણ સુધી પહોંચાડીને આખરે અલ્લાહની મરજીને આધીન થઈ જગતથી વિદાય લીધી.

એ પછી ખિલાફતનો યુગ શરૃ થયો. ચારેય ખલીફા એ રાશિદ આ વ્યવસ્થાને બરાબર જાળવવા માટે સતત સંઘર્ષરત રહ્યા. એટલે સુધી કે એમનામાંથી ત્રણને આ મથામણમાં પોતાના જાન સુદ્ધાંની આહુતિઓ આપવી પડી. એ પછી બાદશાહતનો યુગ શરૃ થયો. સત્તાધીશો અને પ્રજાજીવન ઉપર મનેચ્છાઓની પ્રબળતા વધવા માંડી જેના કારણે અલ્લાહ રસૂલ દ્વારા કાયમ થયેલી આ વ્યવસ્થામાં ખરાબીઓ આકાર લેવા માંડી, ધારાધોરણો બદલાવા લાગ્યા, આચરણો અને વ્યવહારોમાં સ્વાર્થી માનસિકતાનું જોર પોતાનો રંગ બતાવવા લાગ્યું અને જીવનની વ્યવસ્થા બગડવા લાગી જેના કારણે ભાતભાતના ફસાદોથી જીવન ગ્રસ્ત થવા લાગ્યંુ. પણ એ યુગમાં પણ સત્યને ઓળખનારા જે નિષ્ઠાવાન લોકો હતા તે ચુપ બેસી રહ્યા નહીં. તેમણે જીવનને ફરી સાચા પાટે ચઢાવવા જબરજસ્ત સંઘર્ષો કર્યા. સૈય્યદના ઈમામ હુસૈન રદિ. અને આપના સમગ્ર કુટંુબના પુરૃષ વર્ગની ભવ્ય કુરબાની એનો જીવંત દાખલો છે. એ પછી પણ પ્રત્યેક યુગમાં અલ્લાહ-રસૂલના સાચા અનુયાયીઓ જ્યારે જ્યારે જરૃર પડી ત્યારે અલ્લાહ-રસૂલ સ્થાપિત એ ન્યાયની વ્યવસ્થાને કાયમ કરવા પોતપોતાનાથી જે બન્યું તે કરતા રહ્યા. પ્યારા નબી સ.અ.વ.ની એક હદીસમાં વર્ણન થયા મુજબ હક અને બાતિલ વચ્ચેનું આ યુદ્ધ કયામત સુધી ચાલતું રહેશે. અલ્લાહ બાતિલને તક આપશે કે ધરતી ઉપર બેલગામ અને ફસાદોભરી વ્યવસ્થાને જબરજસ્તીથી ઠોકી બેસાડે, ધરતીના નિઝામને બગાડી નાંખે. જીવનને ઉત્પાતોથી ગ્રસ્ત બનાવી દે, નિરંકુશતા અને સ્વચ્છંદતા જગતભરમાં વ્યાપ્ત કરી દે. મનમાં આવે તે કરી નાંખવાનો છુટ્ટો દોર તેમને મળી જાય અને તેને ‘પ્રગતિવાદ’ ‘ઉદારતાવાદ’ના ભ્રામક નામો આપીને આખી માનવજાતને એમાં ફસાવી દે ! ઈશરરચિત ન્યાયી વ્યવસ્થાનો ભાંગીને ભૂક્કો થઈ જાય !

ત્યારે ઈમાનવાળા લોકો, જે અલ્લાહ રચિત એ ન્યાયી વ્યવસ્થાના ધ્વજવાહકો છે, તેના ટેકેદારો છે અને તેના લાગુકરણના કામને જરૃરી માને છે તેમણે એ જવાબદારી અદા કરવા કેવા પ્રયાસો કરવા જોઈએ ? આ પ્રશ્ન પાયાનો છે જેનો સાચો જવાબ શોધવાની જવાબદારી મોમિનોની છે અને એના દિશાસૂચનો બતાવવાની જવાબદારી તેમના ધાર્મિક માર્ગદર્શકોની છે. નબીયો, કિતાબ અને માર્ગદર્શનના ઉતરાણનું કારણ આ આયતમાં એ બતાવવામાં આવ્યું છે કે ‘લોકો તે ન્યાયપૂર્ણ વ્યવસ્થા ઉપર કાયમ થઈ જાય (જે અલ્લાહ પોતાના રસૂલો મારફત બતાવે છે.)’ આપ સ.અ.વ. અને સહાબા રદિ.ની પાક જમાઅતે એ વ્યવસ્થા અલ્લાહની ઇચ્છા પ્રમાણે તે સમયના યુગમાં બરાબર કાયમ કરીને તેનું પ્રમાણ, તેનું એક બેહતરીન ઉદાહરણ સ્થાપિત કરી દીધું જેથી પાછલા આવનારા યુગોમાં કોઈ એમ ન કહે કે આ કામ બની શકે એવું નથી, અશકય છે. શિક્ષક એક જ દાખલો ગણાવે અને વિદ્યાર્થીઓને તેની તમામ કળો બતાવી દે. એ પછીના બધા દાખલા એ પદ્ધતિ (જે શિક્ષકે એક દાખલામાં બતાવી હતી) અનુસાર વિદ્યાર્થીઓએ પોતે ગણવાના હોય. ઇસ્લામની અસલ ડિમાન્ડ અલ્લાહ-રસૂલના ચાહકો અને ઈમાનવાળા લોકોથી આજે પણ આ જ છે અને કયામત સુધી એ જ રહેશે. હવે જોવાનું એ છે કે કોણ આ કામનો ઝંડો લઈને ઉઠે છે. આ આયતમાં અલ્લાહ દ્વારા એ પણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે ‘અલ્લાહ એ જોવા માંગે છે કે કોણ આ કામમાં અલ્લાહ-રસૂલની મદદ માટે આગળ આવે છે, કોણ એમાં જોડાઈને પોતાની શક્તિઓનું યોગદાન આપે છે. ઇસ્લામમાં દાખલ થયેલા લોકોનું આ પરીક્ષણ તે યુગમાં પણ બરાબર થયું, વચ્ચેના યુગોમાં પણ એ જ કસોટી થતી રહી અને આજે પણ ઈમાનવાળા લોકો સામે આ જ કસોટી તેમનું પરીક્ષણ લઈ રહી છે. આ આયતના વિવરણમાં મૌલાના મૌદૂદી (ર.અ.) લખે છેઃ

(૧) ઇસ્લામમાં દાખલ થનાર પ્રત્યેક વ્યક્તિ અલ્લાહના હક્કો, પોતાના નફસના હક્કો અને તે તમામ લોકોના હક્કો જેમના સાથે તેમણે જીવવાનું અને વર્તવાનું છે, બરાબર જાણી અને સમજી લે અને ઈમાનદારીપૂર્વક ન્યાયી રીતે તેને જીવનભર બરાબર અદા કરે. બીજી તરફ તેમના સમાજજીવનની સામૂહિક વ્યવસ્થા એ સિદ્ધાંતો અને આદર્શો ઉપર કાયમ કરે જે અલ્લાહ-રસૂલે બતાવ્યા છે. સમાજજીવનમાં કોઈપણ પ્રકારનો અન્યાય, અત્યાચાર, અતિરેક બાકી ન રહે. તેમનું કલ્ચર અને તેમની જીવન વ્યવસ્થા તમામ પ્રકારના અફરાત અને તફરીત (હદથી વધી જવું અથવા હદમર્યાદાઓનો ભંગ કરવો)થી પાક-સાફ રહે. જીવનના તમામ વિભાગોમાં બરાબર સંતુલન જળવાયેલું રહે. સમાજના તમામ લોકોને તેમના સંપૂર્ણ અધિકારો ન્યાયપૂર્ણ રીતે પ્રાપ્ત રહે. અંબિયા અ.સ.નું મિશન વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં ઇનસાફના ધારાધોરણો કાયમ કરવાનું હતું. તેઓ પ્રત્યેક વ્યક્તિના અંગત જીવનમાં અને તેમના સામૂહિક જીવનમાં અદલો-ઇન્સાફના ધારાધોરણો કાયમ કરવા માંગતા હતા કે જેથી તેમના આચરણો-વ્યવહારો અને તેમની જીવનમાં અદલો ઈન્સાફ દ્વારા સંતુલન પેદા થઈ જાય. અને તેમનો આખો સમાજ આ વ્યવસ્થા ઉપર કાયમ થઈ જાય. જેથી લોકો એકબીજાને અડચણરૃપ અને અન્યાયકર્તા બનવાના બદલે તેમના મદદગાર અને સહાયક બની રહે. (તફહીમ ભાગ-પ, પેજ-૩રર, નોંધ નંબર ૪પનો છેલ્લો પેરા)
(ર) અલ્લાહ તઆલા ઈમાનવાળા લોકો પાસે આ કામમાં સહાયરૃપ થવાની મદદ એટલા માટે નથી માંગતા કે અલ્લાહ એ કામ કરવામાં કોઈની મદદનો મોહતાજ છે. આ કામ તેણે ઈમાનવાળા લોકોને એટલા માટે સોંપ્યંુ છે કે તેઓ એ માર્ગે ચાલીને ભલાઈના રસ્તા ઉપર પોતાના સમાજની જીવનધારા કાયમ કરી શકે. અલ્લાહ સંપૂર્ણપણે એ કામ માટે શક્તિમાન છે કે તે બાતિલના જોરને પોતાના એક ઈશારા ઉપર તોડીફોડી નાંખે અને પોતાના રસૂલોને તથા ઈમાનવાળા લોકોને સમાજજીવનના ઢાંચાને ઠીકઠાક રાખવા અને બાતિલ વ્યવહારોની અસરોથી પાક-સાફ રાખવાનું સામર્થ્ય આપી દે. પણ તો પછી એમાં ઈમાન લઈ આવનારા લોકોનો શું કમાલ હશે જેના આધાર ઉપર તેઓ અલ્લાહના ઈન્આમોના હકદાર બની શકે ? એટલા માટે અલ્લાહે આ કામને પોતાની પ્રભુત્વમાન શક્તિના જોર પર કાયમ કરી દેવાના બદલે એ પદ્ધતિ પસંદ રાખી કે પોતાના રસૂલોને પોતાની નિશાનીઓ, પોતાનું માર્ગદર્શન અને પોતાની કિતાબ પ્રદાન કરીને તેમને આ કામના મિશનની જવાબદારી સોંપે. તેઓ લોકસમુદાય સામે ન્યાયની વ્યવસ્થા સંપૂર્ણરૃપમાં રજૂ કરે અને અન્યાયી તથા જોરજુલમના વ્યવહારોથી અટકી જવા અને લોકસમાજોને એમ કરતા અટકાવવા માટે મેદાનમાં આવવાનું આવાહન કરે. રસૂલની પોકાર સાંભળીને ઈમાન લઈ આવનારા લોકોને આહવાન કરવામાં આવ્યું કે આ ન્યાયની વ્યવસ્થાને જનજીવન ઉપર કાયમ કરવા માટે મારા રસૂલને પૂરતો સાથ-સહકાર આપે અને જે માનવસમાજો અન્યાય અને જોરજુલમની વ્યવસ્થાને કાયમ રાખવા જોર લગાવતા હોય તેમને એમ કરવાથી અટકાવે. આ રીતે અલ્લાહતઆલા એ પરીક્ષા કરવા માંગે છે કે ઈન્સાનોમાંથી કોણ એવા છે અન્યાય અને જોરજુલમની વ્યવસ્થાને કાયમ રાખવા (અને એના વડે પોતાના લાભ લૂટવા) જોર લગાવતા રહે છે અને કોણ લોકો એવા છે જે અલ્લાહ-રસૂલના આહવાન પર ન્યાયી વ્યવસ્થાની વાત કબૂલ કરી લીધા પછી તેની તરફદારી કરવાથી પાછીપાની કરે છે. તેને કાયમ કરવાની મથામણ કરવાથી પોતાની જાતને અલગ કરી લે છે અને કોણ વફાદાર લોકો એવા છે જેઓ અલ્લાહ-રસૂલ અર્પિત આ ન્યાયી વ્યવસ્થાને સમાજજીવન ઉપર લાગુ કરવા મથામણના મેદાનમાં ઉતરી જઈને વફાદારીનો હક બરાબર અદા કરે છે. જે લોકો આ વાતને સમજી લઈને આ કામ માટે પોતાની શકય તે તમામ શક્તિઓ લગાવતા રહેશે તેવા જ લોકો ઉપર ઉન્નતિના દરવાજા ખુલવા પામશે.’ (નોંધ-૪૭/સૂરઃ હદીદ/તફહીમ-ભાગ-પ)

વાત બિલકુલ ખૂલીને સામે આવી ગઈ છે કે ઈમાનવાળા લોકોની અસલ ડયૂટી શું છે અને ઇતિહાસ એનો સાક્ષી છે કે જે લોકો સાચા કર્મશીલ બનીને આ કામમાં જોડાયા તેમણે કેવાં કેવાં કારનામાઓ અંજામ આપ્યા. અલ્લાહનું શરણ સ્વીકારીને, રસૂલ સ.અ.વ.ની તાબેદારી સ્વીકારીને અને ચોકસાઈપૂર્વક અલ્લાહની ઈબાદતો બજાવી લાવીને પછી તેઓ બેસી રહ્યા નથી. ન્યાયની વ્યવસ્થા કાયમ કરવા માટે અલ્લાહના હબીબ સ.અ.ની એકેએક પોકાર ઉપર લબ્બૈક કહીને તેઓ હાજર થઈ ગયા. જેને જે કામ સોંપ્યું તેનો હક-બરાબર અદા કરવા પોતાનાથી જે બન્યું તે કર્યું. ઊંટો ચારવાની ડયૂટી સોંપાઈ તો ઊંટો ચાર્યા, અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે ઈસ્લામને જાણવા-સમજવા જે લોકો આવતા તેમની ખિદમત-સેવાનું કામ જેમને સોંપવામાં આવ્યું તે તેમણે હોંશભેર કર્યું, જેમને ઈસ્લામનો સંદેશ પહોંચાડવાની દા’વતનું કામ સોંપાયું તેમણે દુરદરાઝ કબીલાઓમાં જઈને લોકોને અલ્લાહનો સંદેશ પહોંચાડવાની જવાબદારી અદા કરી, જેમને પ્રજાસેવાના કામોની કામગીરી સોંપાઈ તેઓ તેમાં બરાબરના કામે લાગી ગયા. જેમને શત્રુઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવાની જવાબદારી સોંપાઈ તે તેમણે ખંતપૂર્વક અદા કરી અને શત્રુઓની ગતિવિધિઓની નાનામાં નાની જાણકારી આપ સ.અ.વ. સુધી પહોંચાડી. શત્રુઓના હુમલાઓ સમયે જ્યારે ઇસ્લામી સ્ટેટની સુરક્ષા માટે તેમને પોકારવામાં આવ્યા તો તેઓ બધું છોડીછાડીને મેદાનમાં આવી ગયા અને અલ્લાહના રસૂલને બરાબર સાથ આપ્યો. જેમને ઝકાત-સદ્કાતની વસૂલીનું કામ સોંપાયું તેમણે ઇસ્લામ સ્વીકાર કરી ચૂકેલા કબીલાઓમાં જઈને ઝકાતની વસૂલી કરી, આવીને પાઈ-પાઈ સરકારી ખજાનામાં જમા કરાવી દીધી. એટલે સુધી કે તેમને મળેલ ભેટ-સોગાદની વસ્તુઓ પણ બૈતુલમાલમાં જમા કરાવી. જેમને સરકારી ખજાનાની દેખભાળ અને વહેંચણીનું કામ સોંપાયું તેમણે એ ખિદમત ચોકસાઈપૂર્વક આપી અને તેમાં જરા પણ ખયાનત ન થવા દીધી. ગેરઇસ્લામી પદ્ધતિઓ અને મનઘડત રસ્મો-રીવાજની રોકથામ કરીને ઇસ્લામની સાચી ન્યાયી વ્યવસ્થા ઉપર સમાજજીવનને લઈ જવામાં તેમણે કોઈ કચાસ ન રાખી. ન્યાયની વ્યવસ્થા એટલી મજબૂત હતી કે ખલીફાને પણ અદાલતમાં હાજર થવાનું ફરમાન કરવામાં કોઈ ઝીઝક મેહસૂસ ન થતી. જેમને હોદ્દાઓ સોંપવામાં આવ્યા તેમણે એનો હક બરાબર અદા કર્યો. પ્રજાસુખના કામોને પ્રામથિકતા આપવામાં આવી. જરૃરતમંદોની સહાય માટે બૈતુલમાલમાંથી વજીફાઓ નક્કી કરવામાં આવ્યા. વિધવાઓ-યતીમોની દેખભાળ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. જુલ્મજયાદતી અને જોરતલબી તથા અન્યાયનો ખાતમો કરી દેવામાં આવ્યો. માનવજીવન ન્યાયની વ્યવસ્થા ઉપર કાયમ થઈને શાંતિના શ્વાસ લેતું થઈ ગયું. એક તરફ આ તસવીર છે અને બીજી તરફ આજના યુગમાં આપણે એ સંપૂર્ણ કામના જવાબદાર બનીને ઊભા છીએ. પણ આપણે શું કરી રહ્યા છીએ ? આપણે ઈસ્લામને કેવા રૃપમાં લઈને ચાલી રહ્યા છીએ ? તપાસ તો કરવી જ પડશે અને ભૂલ થતી હોય તો સુધારવી પડશે. ****

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here