Home ઈસ્લામી મુઆશરા ફજ્રની નમાઝનું મહત્ત્વ

ફજ્રની નમાઝનું મહત્ત્વ

0
9

લે. હાફીઝ મુહમ્મદ ઈબ્રાહીમ ઉમ્રી

નમાઝ ઇસ્લામનો બુન્યાદી રુક્‌ન (સ્તંભ) અને આની ધાર્મિક ઓળખ છે. આ કુફ્ર અને ઈમાનમાં ભેદ કરનારી વસ્તુ છે. ઈમાનની નિશાની અને મો’મિન (ઈમાનવાળા)ની ઓળખ છે. આ આંખોની ઠંડક અને મનની શાંતિ છે. કેટલીક નમાઝો ફર્ઝ છે જેમની અદાયગી દરેક મો’મિન (ઈમાનવાળા) ઉપર અનિવાર્ય છે અને કેટલીક નફિલ છે જેમના નિયમિત પાલનથી ઈમાનવાળાઓના દરજ્જાઓમાં વધારો થાય છે.

ફર્ઝ નમાઝોમાં ફજ્રની નમાઝને ઘણું મહત્ત્વ પ્રાપ્ત છે. તેના મહત્ત્વનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે કુર્આનમજીદમાં એક સૂરઃનું નામ જ સૂરઃ અલ ફજ્ર છે અને અલ્લાહ તઆલાએ ફજ્રના સમયના સોગંદ ખાધા છે. જેવું કે ઇર્શાદ છે :

“સોગંદ છે વ્હેલી પરોઢના અને દસ રાત્રિઓના.” (સૂરઃ અલ ફજ્ર, આયતો-૧, ર)

કુર્આનમજીદમાં તમામ ફર્ઝ નમાઝોનો ઉલ્લેખ ઇશારામાં કરવામાં આવ્યો છે, જ્યારે કે ફજ્રની નમાઝનો ઉલ્લેખ નામ સાથે કરવામાં આવ્યો છે. અલ્લાહતઆલાનો ઇર્શાદ છે :

“નમાઝ કાયમ કરો, સૂર્યના ઢળવાથી લઈને રાતના અંધારાઓ સુધી અને ફજ્ર (સવાર)માં પણ કુર્આન પઢવાનું જરૂરી બનાવી લો.” (સૂરઃ બની ઇસરાઈલ, આયત-૭૮)

આ આયતની તફસીરમાં મૌલાના હાફિઝ સલાહુદ્દીન યૂસુફ ફરમાવે છે : “દુલૂક”નો અર્થ (એટલે કે સૂર્યનું આથમવું) છે અને “ગસક”નો અર્થ અંધકારનો છે. સૂર્યના આથમ્યા બાદ ઝુહર અને અસ્રની નમાઝ અને રાતના અંધકાર સુધીથી અભિપ્રેત મગ્રિબ તથા ઇશાની નમાઝો છે અને કુર્આન અલ ફજ્રથી અભિપ્રેત ફજ્રની નમાઝ છે.” (અહસનુલ બયાન : ૭૮૮)

ફજ્રની નમાઝના લીધે એ સમયને પણ બરકતવંતો ઠેરવવામાં આવ્યો છે. અલ્લાહના રસૂલ ﷺનો ઇર્શાદ છે : “મારી ઉમ્મત માટે તેના સવારના સમયમાં બરકત મૂકી દેવામાં આવી છે.” (સહીહ અલ જામેઅ અસ્‌સગીર : ૨૮૪૧)

આ સમયે અલ્લાહ તરફથી રિઝ્‌ક (રોજી) વ્હેંચવામાં આવે છે. અલ્લામા ઇબ્ને કૈય્યિમ રહ. ફરમાવે છે : સવારના સમયે સૂવાથી માણસ રિઝ્‌કથી વંચિત થઈ જાય છે, કેમકે એ વખતે અલ્લાહના દરબારથી ‘રિઝ્‌ક’ વ્હેંચવામાં આવે છે.”

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.એ પોતાના એક પુત્રને સવારના સમયે ઊંઘતો જોયો તો ધમકાવીને જગાડયો અને ફરમાવ્યું : “શું તમે એવા સમયે સૂઈ રહ્યા છો જે વખતે ‘રિઝ્‌ક’ (રોજી) વ્હેંચાય છે ?” (ઝાદુલ મઆદ, ભાગ-૪, પૃ. ૨૬)

આ જ એ સમય છે કે જેમાં આકાશથી ફરિશ્તાઓ ઊતરે છે. જેમકે ફરમાવવામાં આવ્યું :

“નિઃશંક ફજ્રની નમાઝ (ફરિશ્તાઓના) હાજર થવાનો સમય છે.” અર્થાત્‌ “એ સમયે ફરિશ્તા હાજર હોય છે, બલ્કે દિવસના અને રાતના ફરિશ્તાઓનો ઇજ્તિમાઅ (ભેગા થવું) થાય છે.” (તફસીર અહસનુલ બયાન : ૭૮૮)

ફજ્રની નમાઝનો સવાબ અસાધારણ છે. તેના વળતર અને સવાબનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે ફજ્રથી પહેલાં પઢાનારી બે રક્‌અતના વળતર તથા સવાબનું વર્ણન કરતાં આપ ﷺએ ફરમાવ્યું : ફજ્રની બે રક્‌અત સુન્નત દુનિયા અને દુનિયાની તમામ નેઅ્‌મતોથી અફ્‌ઝલ (શ્રેષ્ઠ) છે.” (મુસ્લિમ). જ્યારે સુન્નતનો આ સવાબ છે તો વિચારી શકાય છે કે એ સમયે અદા કરાનારી ફર્ઝ નમાઝનો સવાબ કેટલો મોટો હશે.

રસૂલે અકરમ ﷺએ ફજ્રની નમાઝનો સવાબ બીજી મોટી મોટી ઇબાદતો સમાન ઠેરવીને તેના મહત્ત્વને ઉજાગર ફરમાવ્યો છે. તહજ્જુદ મોટી ફઝીલત (શ્રેષ્ઠતા)વાળી નમાઝ છે. આપ ﷺએ ફરમાવ્યું : “જે વ્યક્તિ ઇશાની નમાઝ જમાઅત સાથે અદા કરે તો તેને અડધી રાત્રે કયામ કરવા (તહજ્જુદ પઢવા)નો સવાબ મળે છે અને જે ફજ્રની નમાઝ પણ જમાઅત સાથે પઢે તો તેને પૂરી રાત તહજ્જુદ પઢવાનો સવાબ મળે છે.” (મુસ્લિમ)

હજ્જ ઇસ્લામનો એક મહત્ત્વનો રુક્‌ન (સ્તંભ) અને અફઝલ (સૌથી શ્રેષ્ઠ) ઇબાદત છે, જે ફક્ત માલદારો પર સમગ્ર જીવનમાં ફક્ત એક વખત ફર્ઝ છે. જે વ્યક્તિ ફજ્રની નમાઝ જમાઅત સાથે અદા કરે, અને મસ્જિદમાં જ બેસીને ઝિક્ર (સ્મરણ)માં મશ્ગૂલ રહે, પછી સૂર્ય ઉદય થયા બાદ (ઇશ્‌રાકની) બે રક્‌અત અદા કરે તો એ હજ્જ અને ઉમરહના વળતરનો હક્કદાર હોય છે.” (તિર્મિઝી)

ફજ્રની નમાઝનો એક ફાયદો એ છે કે તેના પર નિયમિત પાલન કરવાથી મો’મિન (ઈમાનવાળો) બંદો અલ્લાહના રક્ષણમાં ચાલ્યો જાય છે. રસૂલે અકરમ ﷺનો ઇર્શાદ છે : “જે વ્યક્તિ સવારની નમાઝ અદા કરે એ અલ્લાહની જવાબદારીમાં છે.” (મુસ્લિમ)

“જે વ્યક્તિ સવારની નમાઝ અદા કરે એ અલ્લાહની જવાબદારીમાં છે.” (મુસ્લિમ)

જેનું રક્ષણ અલ્લાહતઆલા કરે, તેને ન તો કોઈ તકલીફ પહોંચાડી શકે છે અને ન તો નુકસાન. તેનો સમગ્ર દિવસ સુકૂન તથા સંતોષથી વીતશે.

ફજ્રની નમાઝનું નિયમિત પાલન જહન્નમથી આઝાદી અને જન્નતમાં પ્રવેશનું માધ્યમ છે, રસૂલે અકરમ ﷺનો ઇર્શાદ છે : એ વ્યક્તિ હરગિઝ જહન્નમની આગને પાત્ર નહી હોય જે સૂર્ય ઉદય થાય એ પહેલાં અને આથમવાથી પહેલાંની નમાઝોનું નિયમિત પાલન કરે છે.” (મુસ્લિમ).

એક બીજી રિવાયતમાં છે : “જે વ્યક્તિ આ બે ઠંડા સમયો (ફજ્ર અને ઇશા)ની નમાઝોનું નિયમિત પાલન કરશે, એ જન્નતમાં દાખલ થશે. (બુખારી)

ફજ્રની નમાઝનું નિયમિત પાલન કરનારાઓને અલ્લાહતઆલા હશ્‌રના મેદાનમાં નૂર અને રોશની એનાયત ફરમાવશે. રસૂલે અકરમ ﷺનો ઇર્શાદ છે : “રાતના અંધકારમાં પગપાળા ચાલીને મસ્જિદની તરફ જનારાઓને  કયામતના દિવસે સંપૂર્ણ રોશનીની ખુશખબરી સંભળાવે.” (સહીહુત્તર્ગીબ-વ-તર્હીબ)

ફરિશ્તા આવા લોકોની પ્રશંસા અલ્લાહના દરબારમાં કરે છે જે ફજ્રની નમાઝનું નિયમિત પાલન કરે છે. રસૂલે અકરમ ﷺનો ઇર્શાદ છે : તમારી પાસે દિવસ અને રાત્રિના ફરિશ્તા વારાફરતી આવે છે અને ફરિશ્તાઓની બન્ને જમાઅતો ફજ્ર અને અસ્રની નમાઝમાં એકત્ર થાય છે. જ્યારે ફરિશ્તાઓ રાત્રિ વિતાવીને અલ્લાહના દરબારમાં પહોંચે છે તો અલ્લાહતઆલા તેમનાથી પૂછે છે કે તમે મારા બંદાઓને કઈ સ્થિતિમાં મૂકી (કે છોડી) આવ્યા છો ? તેઓ ઉત્તર આપે છે કે : જ્યારે અમે તેમનાથી રુખસદ થયા તો તેઓ નમાઝ પઢી રહ્યા હતા અને જ્યારે તેમની પાસે પહોંચ્યા ત્યારે પણ તેઓ નમાઝમાં તલ્લીન-વ્યસ્ત હતા.” (બુખારી)

આ હદીસમાં બે વાતો વિચારવાલાયક છે જેમનાથી ફજ્રની નમાઝનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે :

(૧) આ પ્રશ્ન અલ્લાહતઆલા દિવસ અને રાતના ફરિશ્તાઓમાંથી ફક્ત એ ફરિશ્તાઓથી પૂછે છે જેઓ રાત્રિ વિતાવીને ફજ્રની નમાઝ પછી અલ્લાહના દરબારમાં પહોંચે છે.

(ર) આ ફરિશ્તા અસ્રની નમાઝમાં પહોંચ્યા હતા, જ્યારે તેઓ ઉત્તર આપે છે તો અસ્રની નમાઝની હાજરીનું વર્ણન પહેલાં કરવાના બદલે ફજ્રની નમાઝની હાજરીનું વર્ણન પહેલાં કરે છે. “અમે તેમને આ સ્થિતિમાં મૂકી (છોડી) આવ્યા કે તેઓ નમાઝ પઢી રહ્યા હતા.”

સૌથી મોટો ફાયદો આ છે કે આવા લોકોને કયામતના દિવસે અલ્લાહનો દીદાર નસીબ થશે. હઝરત જરીર બિન અબ્દુલ્લાહ બજલી રદિ. ફરમાવે છે કે એક રાત્રે અમો અલ્લાહના રસૂલ ﷺની મજલિસ (બેઠક-સભા)માં હતા, ચૌદમી તારીખ હતી, આપ ﷺએ ચાંદની તરફ જોયું અને સહાબા રદિ.થી પૂછ્યું કે શું તમને આ ચાંદને જોવામાં કોઈ પ્રકારની મુશ્કેલી થઈ રહી છે ? સહાબા રદિ.એ ઉત્તર આપ્યો કે ના. પછી આપ ﷺએ ફરમાવ્યું : “તમે કયામતના દિવસે પોતાના રબને એવો જ જોશો જેવો આજે આ ચંદ્રને જોઈ રહ્યા છો. પછી આપ ﷺએ અલ્લાહના દીદારનો નુસ્ખો બતાવતાં ફરમાવ્યું : સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં નમાઝનું અવશ્ય નિયમિત પાલન કરો.” (બુખારી)

ફજ્રની નમાઝનું નિયમિત પાલન કરનારાઓ માટે જ્યાં આ ફાયદા છે, ત્યાં જ આનાથી સુસ્તી અને ગફલત કરનારાઓ માટે ખૂબ જ સખત ચેતવણી આવી છે.

(૧) ફજ્રની નમાઝથી સુસ્તી કરનારાઓ પર શેતાન પ્રભુત્વ મેળવી લે છે. હઝરત અબ્દુલ્લા બિન મસ્‌ઊદ રદિ. ફરમાવે છે : રસૂલે અકરમ ﷺની સામે એક એવી વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો જે ફજ્રની નમાઝ છોડીને દિવસ ચઢતાં સુધી ઊંઘતી રહેતી. આપ ﷺએ ફરમાવ્યું : આ એ વ્યક્તિ છે જેના કાનમાં શેતાને પેશાબ કરી દીધો છે.” (બુખારી)

(ર) ફજ્રની નમાઝ છોડી દેવાથી બંદાને એક સજા તો આ આપવામાં આવે છે કે આખો દિવસ તેના પર સુસ્તી છવાયેલી રહે છે. સહીહ બુખારીમાં હઝરત અબૂ હુરૈરહ રદિ. દ્વારા વર્ણવાયેલ એક હદીસ છે. તેમાં આપ ﷺએ ઇર્શાદ ફરમાવ્યું : જ્યારે બંદો સૂઈ જાય છે તો શેતાન તેના માથાના પાછલા ભાગમાં ત્રણ ગાંઠો લગાવી દે છે. દરેક ગાંઠ લગાવતી (મારતી) વખતે તે કહે છે કે હજી રાત્રી બહુ લાંબી છે સૂઈ જાવ. જો બંદો જાગી જાય છે અને અલ્લાહને યાદ કરે છે તો એક ગાંઠ ખુલી જાય છે. પછી એ વુઝૂ કરે છે તો બીજી ગાંઠ પણ ખુલી જાય છે અને જ્યારે નમાઝ અદા કરે છે તો ત્રીજી ગાંઠ પણ ખુલી જાય છે. એવો માણસ આખો દિવસ ચુસ્ત (સ્ફૂર્તિમય) રહે છે અને તેનો આખો દિવસ સુકૂનમય વીતે છે, અને જો એ જાગ્યો નહીં હોય અને નમાઝ અદા ન કરશે તો એવો માણસ ખૂબ જ બદનસીબ છે. તેના પર આખો દિવસ સુસ્તી છવાયેલ રહે છે.” (બુખારી)

(૩) ફજ્રની નમાઝ જમાઅત સાથે અદા નહીં કરવાના કારણે મો’મિન (ઈમાનવાળા) બંદાને દિલમાં નિફાક (દંભ) જન્મ લેવા લાગે છે. હઝરત અબી બિન કઅ્‌બ રદિ. ફરમાવે છે કે એક વખત અલ્લાહના રસૂલ એ ફજ્રની નમાઝ પઢાવી. નમાઝથી ફારેગ થયા બાદ આપ ﷺએ પૂછ્યું : શું ફલાણો માણસ મૌજૂદ છે ? સહાબા રદિ.એ ઉત્તર આપ્યો : ના. પછી આપ ﷺએ કેટલાક અન્ય લોકો વિષે પૂછ્યું તો સહાબાએ કિરામ રદિ.એ નકારમાં ઉત્તર આપ્યો. આપ ﷺએ ફરમાવ્યું : આ બન્ને નમાઝો (ફજ્ર અને ઇશા) મુનાફિકો (દંભીઓ) પર સૌથી વધુ ભારે છે.” (અબૂ દાઊદ)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. ફરમાવે છે કે જો મે કોઈને ફજ્રની નમાઝથી ગાયબ જોતા તો તેના વિષે બૂરો અનુમાન કરતા અર્થાત્‌ એવા માણસને મુનાફિક (દંભી) સમજતા. (લેખક ઇબ્ને અબી શૈબહ)

(૪) આવા લોકોને સૌથી સખત અઝાબ આપવામાં આવે છે. હઝરત સમરહ બિન જુન્દુબ રદિ. ફરમાવે છે કે અલ્લાહના રસૂલ ﷺ ફજ્રની નમાઝ પછી સહાબાએ કિરામ રદિ.થી પૂછતા કે શું તમારામાંથી કોઈએ કોઈ સ્વપ્ન જોયું છે ? સહાબાએ કિરામ રદિ. પોત-પોતાના સ્વપ્નનો ઉલ્લેખ કરતા અને આપ ﷺ તેમની ‘તા’બીર’ (સ્વપ્ન-ફળ) વર્ણવતા. એક વખત સ્વયં અલ્લાહના રસૂલ ﷺએ પોતાનું સ્વપ્ન વર્ણવ્યું કે હું સૂઈ રહ્યો હતો, મારી પાસે બે ફરિશ્તા આવ્યા, તેમણે મને જગાડયો અને પોતાની સાથે ચાલવા માટે કહ્યું. હું તેમની સાથે ચાલી નીકળ્યો. તેઓ મને એક એવી જગ્યાએ લઈ ગયા જ્યાં એક માણસ સૂતેલો અને બીજો ઊભેલો હતો અને તેના હાથમાં એક મોટો પથ્થર હતો. તેણે એ પથ્થરને સૂતેલા માણસના માથે એટલી જોરથી માર્યો કે તેનું માથું ફાટી ગયું અને પથ્થર દૂર જઈ પડ્યું. એ માણસ દોડતો ગયો અને પથ્થર લઈ આવ્યો. આ દરમ્યાન એ માણસનું માથું બરાબર સારૂં-સાજું થઈ ગયું, જાણે કે તેના પર કોઈ માર લાગી જ ન હોય. પછી તેણે પથ્થર એ માણસના માથા પર ફરીથી ઝીંકી માર્યો, જેના લીધે તેનું માથું ફાટી ગયું અને પથ્થર દૂર જઈ પડ્યો. આ અમલ સતત-નિરંતર ચાલી રહ્યું હતું. આપ ﷺને મોટું આશ્ચર્ય થયું. આપ ﷺએ બન્નેથી પૂછ્યું કે આ વ્યક્તિને આટલી ભયાનક સજા અંતે કેમ આપવામાં આવી રહી છે ? તેમણે જવાબ આપ્યો : આ માણસ કુર્આનમજીદનો હાફિઝ હતો, પરંતુ કુર્આનમજીદની તિલાવત કરતો ન હતો અને ફર્ઝ નમાઝ છોડીને સૂઈ જતો હતો.” (બુખારી)

ફજ્રની નમાઝને મામૂલી સમજવી ન જોઈએ અને તેની અદાયગીમાં સુસ્તી (આળસ) અને ગફલત (બેદરકારી) દાખવવી ન જોઈએ. અલ્લાહના રસૂલ ﷺએ આ નમાઝનો ખૂબ જ નિયમિત રીતે પાલન કરતા હતા. હઝરત અબૂ હુરૈરહ રદિ. ફરમાવે છે કે ઇસ્લામી લશ્કર હુનૈનના યુદ્ધથી પાછું ફરી રહ્યું હતું. રાત્રિનો એક ભાગ (પ્રહર) વીતી ચૂકયો હતો. સૌના પર ઊંઘી છવાઈ રહી હતી. આપ ﷺએ રસ્તામાં પડાવનો ઇરાદો કર્યો.

હઝરત બિલાલ રદિ.ને કહી દીધું કે જાગી જાવ. નમાઝના સમયે સૌને જગાડો. સૌ સૂઈ ગયા. હઝરત બિલાલ રદિ. નમાઝમાં મશ્ગૂલ થઈ ગયા. સવાર થવામાં થોડોક સમય બાકી હતો. અચાનક આંખ લાગી ગઈ અને ઊંઘ છવાઈ ગઈ. ન તેઓ નમાઝના સમયે જાગી શકયા ન અલ્લાહના રસૂલ ﷺ અને ન જ કોઈ અન્ય સહાબી રદિ., એટલે સુધી કે નમાઝનો સમય વીતી ગયો. જ્યારે સૂર્યના કિરણો ચહેરા પર પડયા તો આપ ﷺ ગભરાઈને જાગી ગયા. હઝરત બિલાલ રદિ.ને જગાડયા અને ફરમાવ્યું કે તમે આ શું કર્યું ? બિલાલ રદિ.એ માફી માગતા ફરમાવ્યું : હે અલ્લાહના રસૂલ  ﷺ! મારા મા-બાપ આપ ﷺ ઉપર કુર્બાન થાય. જાગતા રહેવાનો મેં પૂરો પ્રયાસ કર્યો, તેમ છતાં ઊંઘ મારા પર છવાઈ ગઈ (તેણે પ્રભુત્વ મેળવી લીધો). મને એ હસ્તીએ સૂવડાવી દીધો જેણે આપ ﷺને સૂવડાવી દીધા હતા.” આપ ﷺએ સહાબા રદિ.ને ત્યાંથી કૂચ કરવાનો હુકમ આપ્યો અને કેટલીક દૂર ગયા પછી આપ ﷺએ સહાબા રદિ.ની સાથે નમાઝ અદા કરી. (મુસ્લિમ)

જીવનમાં આ પ્રથમ મોકો હતો કે આપ ﷺની નમાઝ છૂટી ગઈ હતી, જેનો આપ ﷺને બેહદ અફસોસ થયો. આ ઘટના પર વિચાર કરીએ કે આપ એ નમાઝ સમયસર (તેના સમય પર) અદા કરવા માટે કેટલી હદે પાલન કર્યું. યુદ્ધની થકાવટ છતાં આ પસંદ (સ્વીકાર્ય) ન કર્યું કે નમાઝ કઝા થાય. નમાઝ સમયસર (તેના નિયત સમય પર) અદા કરવા માટે હઝરત બિલાલ રદિ.ને નક્કી કર્યા કે તેઓ સમય થતાં જગાડે. કેટલા અફસોસની વાત છે કે આજે આપણી પાસે ઘડિયાળ અને મોબાઇલ ફોન જેવા નવા નવા સાધનો મૌજૂદ છે કે જેમની મદદથી આપણે નમાઝ માટે સમય પર જાગી શકીએ છીએ, અને નમાઝ જમાઅત સાથે સહેલાઈથી અદા પણ કરી શકીએ છીએ, પરંતુ આપણી સુસ્તી અને ગફલતની ચરમસીમા છે કે આપણે એ તરફ ધ્યાન નથી આપતા.

ફજ્રની નમાઝના મહત્ત્વને દૃષ્ટિ સમક્ષ રાખતાં આદરણીય સહાબિયાત રદિ. મસ્જિદમાં હાજર થઈને જમાઅત સાથે ફજ્રની નમાઝ અદા કરતી હતી. જો કે આગળ ફજ્રની નમાઝ માટે મસ્જિદમાં હાજર થવું અને જમાઅત સાથે અદા કરવી સ્ત્રીઓ માટે જરૂરી ન રહ્યું.

જે લોકો માત્ર સુસ્તી અને આળસના લીધે ફજ્રની નમાઝમાં હાજર નથી થતા, અલ્લાહના રસૂલ ﷺએ તેમને તેમના ઘરો સહિત બાળી મૂકવાની ખ્વાહેશ જાહેર ફરમાવી.

આપણી બુન્યાદી કમજોરી આ છે કે આપણે રાત્રે મોડે સુધી મિત્રો અને સાથીઓ સાથે ગપશપમાં કે ફજૂલના કાર્યોમાં પોતાનો સમય વેડફીએ છીએ. અથવા તો પછી ટી.વી. અને ઇન્ટરનેટ (મોબાઇલ) પર પ્રોગ્રામ જોવામાં વ્યસ્ત રહીએ છીએ. અથવા તો પછી Whatsapp અને Facebook પર મિત્રો અને સાથીઓ સાથે ચેટિંગ કરવામાં મશ્ગૂલ રહીએ છીએ, જેના કારણે ફજ્રની નમાઝ માટે જાગવું (ઊઠવું) મુશ્કેલ બની જાય છે.

અલ્લાહના રસૂલ ﷺની આ દિનચર્યા હતી કે આપ  ઇશાની નમાઝ બાદ વ્હેલાં સૂઈ જતા હતા કે જેથી ઇબાદત કરવામાં કોઈ ખલેલ ન થાય.

દુઆ છે કે અલ્લાહતઆલા આપણને ફજ્રની નમાઝના મહત્ત્વને સમજવા અને સમય પર જમાઅત સાથે નમાઝોનું પાલન કરવાની તોફીક એનાયત ફરમાવે.

•••

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here