સ્વતંત્ર ભારતમાં આજે જ્યારે અસમાનતાથી આઝાદી, અસહિષ્ણુતાથી આઝાદી, ભૂખ તથા ગરીબીથી આઝાદી, વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદીને લઈ રાજ્યસત્તા અને સમાજ વચ્ચે એક ઘર્ષણ તથા હિંસાનું વાતાવરણ સર્જાયેલ છે ત્યારે મને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૃની ૧૦ એપ્રિલ ૧૯૬૦ના રોજ લોકસભામાં (અટલ બિહારી વાજપેયીના પ્રશ્નના ઉત્તરમાં) કહેલી વાત યાદ આવે છે કે જેમાં નહેરૃએ કહ્યું હતું કે, ‘મને વડાપ્રધાનના એવા કોઈપણ વિશેષાધિકારની જાણકારી નથી કે જે પ્રેસનું નિયંત્રણ કરે અને જુએ કે પ્રેસે શું છાપવું જોઈએ અને શું ન છાપવું જોઈએ.
અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને ભારતના કોઈપણ વડાપ્રધાનની આવી સ્પષ્ટતા અને વિશ્વાસ પાછલા ૭૦ વર્ષોમાં અમે નથી જોયા. ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રાજ્ય અને શાસનનો સૌથી કઠોર પ્રહાર ઇન્દિરા ગાંધી દ્વારા ૧૯૭પમાં જાહેર કરાયેલ કટોકટીમાં મળે છે, અથવા તો પછી ઈ.સ.ર૦૧૪ બાદ આવેલા ‘અચ્છે દિનાંે’ના રાજશાસનમાં હવે અવારનવાર જોવા અને સાંભળવામાં આવે છે. ત્યારના અને હવે કે આજના ભારતમાં મોટો વિકાસ અને પરિવર્તન આ થયું છે કે ત્યારે ઈ.સ.૧૯૬૦માં કોઈ ઈલેકટ્રોનિક મીડિયાના અસંખ્ય ટીવી ચેનલ તેમજ ઇન્ટરનેટ પર સવાર ફેસબુક, ટ્વિટર તથા બ્લોગ અને કોમ્પ્યુટર-પ્રધાન ટેકનિકલ સંસાધનો ન હતા, અને આજે હવે આ સર્વકાંઈ સરકારના નિયંત્રણની બહાર છે, અને પ્રેસ એક વીશાળ મીડિયા-જગત બની ગયું છે.
પનામા પેપર્સ વીકીલીકસ અને હાલના પેરેડાઈઝ પેપર્સનો ખુલાસો હવે આ તાકાત પણ ધરાવે છે કે સરકારો હચમચવા લાગે છે, અને મીડિયા એક પ્રેતની જેમ લોકતંત્રને બચાવવાની લડાઈ લડતો દેખાય છે. તે સતત ભ્રમ અને યથાર્થનો ભેદ બતાવી રહ્યો છે. કારણ કે લોકતંત્ર આપણા દેશનો આત્મા છે. આથી આપણા દેશનું મીડિયા પણ પોતાની તમામ વિસંગતતાઓ છતાં અભિવ્યક્તિઓની સ્વતંત્રતાને લઈ ર૪x૭ની જેમ નિરંતર પોતાની નજરે જોયેલ તથા કાને સાંભળેલ વાર્તાને પ્રસ્તુત કરે છે.
આજે આપણે આ વાતથી ગભરાવું અને ચિંતિત થવું ન જોઈએ કે મીડિયા પર સરકાર, ઉદ્યોગપતિઓ અને છૂપા સ્વાર્થો કે સ્થાપિત હિતો ધરાવનારા લોકોની મોટી દખલગીરી છે. જરૃરી આ છે કે પત્રકાર અને લેખક અથવા સમાજનો જાગૃત નાગરિક આ લોકતંત્ર અને અભિવ્યક્તિની આઝાદીને લઈ સત્ય સાથે જીવવું-મરવું શીખે અને નિરંકુશ સત્તા-વ્યવસ્થાની વિરુદ્ધ પીડિત સમાજનો પક્ષ લેનાર બને.
અમે જોયું છે પાછલા કેટલાક વર્ષોમાં પત્રકાર અને લેખકોને સત્ય બહાર લાવવા માટે સૌથી વધુ સજા આપવામાં આવી રહી છે, તથા અપરાધિક-રાજકારણ, ઔદ્યોગિક સ્વાર્થ અને જુદા જુદા સ્થાપિત હિતો ધરાવનારા લોકો દ્વારા તેમના મૃત્યુ નિપજાવવામાં આવી રહ્યા છે. ગત્ દિવસોમાં મહારાષ્ટ્ર્, કર્ણાટક, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા જેવા કેટલાય રાજ્યોમાં પ્રો.કલબુર્ગી, દાભોલકર, પાનસરે, ગૌરી લંકેશ, શાંતુન ભૌમિક, રામચંદ્ર છત્રપતિ વિ.ની નિર્મમ રીતે હત્યા કરવી તે આ વાતનું પ્રમાણ છે કે સત્યને કોઈપણ જીવતું જોવા (કે જીવતું રાખવા) નથી ઇચ્છતું. પત્રકાર, લેખકો, બુદ્ધિજીવીઓ અને અવાજ ઉઠાવનારા લોકો પર આજે સૌથી વધુ પ્રાણઘાતક હુમલા રાજકારણ, ધાર્મિક, ઉદ્યોગ-જગત અને ભ્રષ્ટાચારથી જોડાયેલા માફિયાઓ દ્વારા થઈ રહ્યા છે, તથા આજે આ ઉગ્રવાદી કે કટ્ટરપંથી ધાર્મિક તથા આર્થિક સંગઠનોને ચોરી-છૂપીથી કે પર્દા પાછળથી રાજ્ય તથા વહીવટીતંત્રનું સંરક્ષણ પ્રાપ્ત છે.
વિશ્વાસ કરો કે આજે મૂડીવાદી અને સંકીર્ણ ધાર્મિક પરિબળોનો પ્રથમ શત્રુ એક પત્રકાર, લેખક, બુદ્ધિજીવી અને પ્રશ્ન પૂછનાર સામાન્ય નાગરિક જ છે, જે અપરાધીઓની આંખોમાં કણીની જેમ ખૂંચે છે. આજે સવા સો કરોડ દેશવાસીઓના ગળામાં આ જુઠ્ઠાણું નથી ઉતરી રહ્યું કે કોઈ ગાયના નામે તથા ગંગાના, ગીતા અને રાષ્ટ્રવાદના નશામાં સત્યનું ગળું ટૂંપી દે.
કટોકટીનો અનુભવ પણ ભારતમાં લોકતંત્ર, મીડિયા, ન્યાયતંત્ર અને જાગૃત નાગરિકને મજબૂતી આપી રહેલ છે. આ જ કારણ છે કે આજના અંધકાર-યુગમાં નિર્ભિક પત્રકારિતા, સાહસિક ન્યાયતંત્ર અને સક્રિય લોકતંત્ર જ હવે ભારતના ભવિષ્યને બચાવવા માટેનો સંઘર્ષ કરી રહ્યા છે.