Home સમાચાર વર્તમાન કપરા સંજોગોમાં મુસ્લિમ મિલ્લતની જવાબદારી

વર્તમાન કપરા સંજોગોમાં મુસ્લિમ મિલ્લતની જવાબદારી

0

હૈદરાબાદ ખાતે ચાલી રહેલ ૩ દિવસની ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કારોબારી સમિતિની બેઠક પૂરી થઈ ચૂકી છે. તેની આ ર૬મી ત્રિ-દિવસીય બેઠક અનેક રીતે મહત્ત્વની હતી. આમાં દેશની વર્તમાન પરિસ્થિતિ, ટ્રિપલ તલાક અને તેને લગતો લોકસભામાં પસાર થયેલ બિલ અને બાબરી મસ્જિદ જેવા કેટલાક મુદ્દા ખૂબ જ મહત્ત્વના હતા જે આ સભામાં છવાયેલ રહ્યા.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ સભામાં જ્યાં મિલ્લતની તમામ સંસ્થાઓ અને સંપ્રદાયો તથા મસ્લકોના આલિમો તથા પ્રતિનિધિઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી અને આગામી કાર્યોમાં ભરપૂર સાથ-સહકારની ખાતરી આપી અને દૃઢતાપૂર્વક પોતાના અગાઉના વલણ પર અડગ રહી આગળ વધવાની વાત કહી ત્યાં જ મૌલાના સલમાન નદવીના બાબરી મસ્જિદ સંબંધિત નિવેદનને પગલે તથા અન્ય કેટલીક બાબતો અંગે વિરોધ પણ દર્શાવ્યો, જેને મીડિયાએ ખૂબજ મસ-મોટો બનાવી રજૂ કર્યો.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસલમાનોને કૌટુંબિક કાયદાઓ, શરીઅતની સુરક્ષા અને સમાજ સુધારણા અંગે ઈ.સ.૧૯૭૩થી સક્રિય છે. આમાં અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મિલ્લતના અગ્રણીઓએ સામેલ થઈ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બોર્ડે આ ૪પ વર્ષો દરમ્યાન મુસલમાનો ખૂબજ મહત્ત્વપૂર્ણ તથા સંવેદનશીલ બાબતોમાં માર્ગદર્શન ર્યું છે. એટલું જ નહીં બલ્કે કેટલાક અગત્યના નિર્ણયો પણ લીધા છે. આજે પણ આ બોર્ડ સમગ્ર મુસ્લિમ સમાજનો વિશ્વસનીય મંચ છે.

હૈદરાબાદ ખાતે યોજાયેલ પર્સનલ લો બોર્ડની સભાના ત્રીજા દિવસે બહાર પડાયેલ ‘હૈદરાબાદ ઘોષણાપત્ર’માં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદ દીનના ‘શિઆર’ (ઓળખ)માંથી છે અને મુસલમાનો અને કયારેય ત્યજી શકે નહીં. બાબરી મસ્જિદ પહેલાં પણ મસ્જિદ હતી, આજે પણ મસ્જિદ છે અને કયામત સુધી મસ્જિદ જ રહેશે. મસ્જિદને શહીદ કરી દેવાથી તેની મસ્જિદ તરીકે હેસિયત ખતમ થઈ નથી જતી. શરીઅતની રૃએ મસ્જિદને ન તો વેચી શકાય છે અને ન તો કોઈને ભેટમાં આપી શકાય છે.બોર્ડે ટ્રિપલ તલાક સંબંધિત બિલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ બિલ મહિલાઓ માટે વધુ મુશ્કેલીઓ પેદા કરશે. સાથે જ તે ઇસ્લામી શરીઅત અને ભારતીય બંધારણથી ટકરાનાર પણ છે. આ બિલને રાજ્યસભામાં પસર થતો અટકાવવા માટેના પ્રયત્નો પણ ચાલુ રહેશે અને સાથોસાથ મુસ્લિમ-સમાજમાં પણ આ અંગે મોટાપાયે જાગૃતિ કેળવવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

આ ઘોષણાપત્રમાં દેશની વર્તમાન પરિસ્થિતિનું કે સંજોગોનું નિરીક્ષણ લઈ કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકશાહી તથા ધર્મ-નિરપક્ષે તેમજ નૈતિક મૂલ્યો પાયમાલ થઈ રહ્યા છે. લઘુમતીઓ અને તેમાંય ખાસ કરીને મુસલમાનો તથા પછાત વર્ગો તેમના પર ગુજારવામાં આવી રહેલ અત્યાચારોના કારણે પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. મુસલમાનોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓ નિરાશ થવા અને હતોત્સાહ થવાના બદલે અલ્લાહતઆલા પર ભરોસો કરી દૃઢ સંકલ્પ અને હિંમત સાથે કપરા સંજોગોનો સામનો કરે અને સાથોસાથ પોતાના ચારિત્ર્ય તથા નૈતિકતાને દુરસ્ત કરી ઇસ્લામી શિક્ષણ, તેના આદેશો અને સીરતે નબવી સ.અ.વ. ઉપર અમલ કરનારા બને. શરીઅતને ફકત પોતાના ઘરોમાં જ નહીં બલ્કે પોતાના વ્યક્તિગત જીવનમાં પણ અમલીરૃપ આપે. સાથે જ મતભેદો તથા છિન્ન-ભિન્નતાથી બચી પોતાની હરોળમાં એકતા અને સહમતિ પેદા કરે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version