નવી દિલ્હી,
કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરુદ્ધ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓનાં હાથમાં બેનર હતા, જેમાં લખ્યું હતું કે તેઓ શરીઅતમાં સરકારની દખલગીરી ઇચ્છતી નથી. સરકારના ત્રણ તલાક બિલના આ વિરોધ પ્રદર્શનનું આયોજન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીને મુસ્લિમ ધર્મના તમામ મસ્લકોના લોકોનું સમર્થન હતું. માલેગાંવ ડીએસપી ગજાનન રાજમેને જણાવ્યું કે ત્રણ તલાક માટેના આ વિરોધ પ્રદર્શન માટે માલેગાંવની તમામ સડકો ખાલી કરાવી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે તેમના અંકડા મુજબ ૭૦ હજારથી વધુ બુરખાનશીન મુસ્લિમ મહિલાઓએ રેલીમાં ભાગ લીધો હતો. રેલીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી હતી. રેલીને ધ્યાનમાં રાખીને કેમેરા સિવાય સીસીટીવી કેમેરા પણ વિભિન્ન જગ્યાઓ પર મૂકવામાં આવ્યા હતા. રેલી દરમ્યાન
કોઈ અપ્રિય ઘટનાને ટાળવા સાયકલ સુદ્ધાંને રેલી વચ્ચેથી પસાર કરવા દેવામાં આવી નહોતી. મુસ્લિમ બુરખાનનશીન મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ રેલી માટે આ એક શાંતિપૂર્ણ વ્યવસ્થા હતી. આ રેલીમાં શિક્ષણ, વકીલ, ડોકટર મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ રેલીમાં સામેલ ડો.ગઝલા નાસીરે જણાવ્યું કે ભારત એક લોકશાહી દેશ છે. અહીં દેરકને પોતાનો ધર્મ માનવાની આઝાદી છે. સરકારે કોઈપણ ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. અમે સાંખી લઈશું નહીં. ત્રણ તલાક બિલનો વિરોધ કરવા રેલીમાં સામેલ આફિયા કલીમે કહ્યું, અમે સરકારના ત્રણ તલાક બિલનો વિરોધ કરવા રેલીમાં જોડાયા છીએ. અમે શરિઅત કાનુનમાં કોઈપણ પ્રકારનો સરકારી હસ્તક્ષેપ ઈચ્છતા નથી.