હાલમાં જ ભારત સરકારે મુસ્લિમ મહિલાઓને એક સાથે અપાતી ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પસાર કર્યું હતું. જે રાજ્યસભામાં પાસ થયું નથી કેમ કે ત્યાં એનડીએ સરકાર લઘુમતીમાં છે. જ્યાં સુધી રાજ્યસભામાં બિલ પાસ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલી શકાય નહીં અને ત્યાં સુુધી આ કાયદો અસ્તિત્વમાં આવશે નહીં. આ બિલ વિરુદ્ધ મુસ્લિમ સમાજમાં ઉહાપોહ શરૃ થયો છે. પુરૃષો તો ઠીક પરંતુ ૮૦ ટકા જેટલી મુસ્લિમ મહિલાઓ પણ આની વિરુદ્ધ છે. સરકાર તરફથી દલીલ એવી આપવામાં આવી રહી છે કે એક જ ઝાટકે ત્રણ તલાક બોલી મહિલાને નિરાધાર કરી છૂટી કરી દેવામાં આવે છે. મહિલાઓ સાથે આ અન્યાય છે. સરકાર મહિલાઓને આ દયનીય સ્થિતિમાંથી બચાવવા માગે છે અને વિશ્વના ઘણાબધા મુસ્લિમ દેશોમાં ત્રણ તલાક ઉપર પ્રતિબંધ છે તો ભારતમાં કેમ નહીં ? સરકારની દલીલ તાર્કિક નહીં પરંતુ રાજકીય છે. માત્ર રાજકીય લાભ લેવા માટે કેટલીક મુસ્લિમ સંસ્થાઓને ખાસ પક્ષ-સંસ્થા દ્વારા આર્થિક સહાય કરી આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. મુસ્લિમો દ્વારા બિલનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે આ એક સિવિલ બિલ હતું એને ક્રિમિનલ બિલ બનાવી દેવામાં આવ્યું છે. જે મહિલાને છૂટાછેડા આપવામાં આવ્યા હોય એ મહિલા પોલીસ ફરિયાદ કરે તો પોલીસ એના પતિને જેલમાં ધકેલી શકે છે અને આ માટે ત્રણ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. મુસ્લિમોનો વિરોધ આનાથી જ છે કે જો પતિ ત્રણ વર્ષ સુધી જેલમાં જાય તો સ્ત્રીનું ભરણ-પોષણ કોણ કરશે ? શું સરકાર આ મહિલાને ભરણ-પોષણ આપશે ? જે પતિ-પત્નીને પરસ્પર બનતું ન હોય અને છૂટા થવા માગતા હોય તો ઇસ્લામે તલાકની રીત નક્કી કરી છે. આમાં એક સમયે એક તલાક આપ્યા પછી પણ પતિ-પત્ની એક જ ઘરમાં (શારીરિક સંબંધ બાંધ્યા વિના) રહી શકે છે. જો એક મહિનામાં જ બંને ફરીથી રાજી થઈ જાય તો પતિ-પત્ની તરીકે ફરીથી જીવન શરૃ કરી શકે છે. જો કે એ એક તલાક ગણાઈ જશે. માની લો કે એક મહિનામાં પણ પતિ-પત્નીને કોઈ પશ્ચાતાપ થતો નથી અને મનમેળ થતો નથી તો પછી પતિ બીજા મહિને બીજી તલાક આપશે. હજી પણ મનમેળાપ ન થાય અને પતિ-પત્ની છૂટા થવા જ માગતા હોય તો ત્રીજા મહિને પતિ એને ત્રીજી તલાક આપશે. આમ ૯૦ દિવસની આ પ્રક્રિયામાં બંને પક્ષે નારાજગી રહે તો પછી છૂટાછેડા થઈ જાય છે. એ પછી સ્ત્રીએ ઈદ્દતમાં બેસવું ફરજિયાત છે. હવે તેઓ કોઈપણ પરસ્પરનો સંબંધે તેઓ રાખી શકતા નથી. એમને ફરજિયાત છૂટા થવું જ પડશે. ઇસ્લામે આ ત્રણ મહિનાનો સમયગાળો એટલા માટે આપ્યો છે કે જો પતિ-પત્ની કોઈ સામાધાન કરીને ફરીથી જીવન શરૃ કરવા માગે તો કરી શકે છે. માણસ એકલો હોય ત્યારે પોતાની ભૂલો વિશે વિચારે. સામા પક્ષની ત્રુટિઓનો વિચાર કરતા પોતાનામાં રહેલી ખામીઓ વિશે પણ વિચારે અને કોઈ સમાધાનની શકયતા ઉભી થાય તો માત્ર બે જીવો જ નહીં બે કુટુંબો પણ ઘણી સમસ્યાઓમાંથી ઉગરી જાય. ઇસ્લામની આ એક મનોવૈજ્ઞાાનીક ફોર્મ્યુલાને કેટલાક રાજકીય પક્ષો સત્તાની સીડીનું પગથિયું બનાવવા માગે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જે લોકો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા મેદાને પડયા છે એમને ત્યાં સ્ત્રીઓની સ્થિતિ એટલી ખરાબ છે જેનું સંપૂર્ણપણે અહીં વર્ણન શકય નથી.
મુસ્લિમો ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરે છે એનું એક કારણ એ પણ છે કે લોકો તલાક આપ્યા વિના સ્ત્રીને એના પિયર મોકલી દેશે. ન તો તલાક આપવાની જરૃર છે ન જ ભરણપોષણ આપવાની. આનાથી તો સ્ત્રીઓની સ્થિતિ વધારે કફોડી થશે. એ ન તો પતિની રહેશે ન તો પિયરની. શકય છે કે એના પિયરવાળા એટલા સક્ષમ ન હોય કે એનું ભરણ-પોષણ કરી શકે. તો એ સ્થિતિમાં સ્ત્રીએ શું કરવું ? એમાં એ ખરાબ રસ્તે રઝળી પડે એવી શકયતા પણ છે. ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓની સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદી બનાવવા તો નથી માંગતી ને ? આ પ્રશ્નો છે જેને લીધે વિરોધના સૂર બુલંદ બન્યા છે. સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધ મજાક ચાલી રહી છે કે ભાઈ, મુસ્લિમ પુરૃષોએ ત્રણ તલાક આપવાની કયાં જરૃર છે ? આપણા વડાપ્રધાનશ્રીની જેમ પિયર મોકલી આપોને ! કોઈ ઝંઝટ જ નહીં. બીજી મજાક એ છે કે સ્વતંત્રતા સારી બાબત છે, પરંતુ બંધ પાંજરાનું બારણું જો બિલાડીએ જ ખોલવાનું હોય તો કબૂતર માટે કેદ જ સારી છે ! આ જ વાતની પ્રતીતિ કરાવતું કાર્ટૂન વોટ્સએપ ઉપર ફરી રહ્યું છે જેમાં બુરખો પહેરેલી સ્ત્રીઓ તારની વાડની એક બાજુએથી બીજી બાજુ જવાનો પ્રયત્ન કરી રહી છે અને જ્યારે કેટલીક સ્ત્રીઓ ગમે તે રીતે બીજી બાજુ પહોંચે છે તો એમનો બુરખો ફાટી ગયો છે અને તેઓ અર્ધનગ્ન અવસ્થામાં છે.
પશ્ચિમ બંગાળની ઈશરતજ્હાં નામની મહિલા કે જે ત્રણ તલાકથી પીડિત છે અને કેસ કરાવાવાળીઓમાંની એક હતી એ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. આનાથી મુસ્લિમો વધારે રોષે ભરાયા છે અને ભાજપ આર્થિક રીતે સહાય કરી આ મુદ્દાને વધારે રાજકીય ગરમી આપી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
ભાજપ જો આ દેશમાં સ્ત્રીઓની દુઃખદ સ્થિતિને બદલવા જ માંગતું હોય તો માત્ર મુસ્લિમ મહિલાઓ જ શા માટે ? સૌ પ્રથમ તો હિંદુ મહિલાઓની સ્થિતિ સુધારવા જેવી છે. બીજા ધર્મોની મહિલાઓની પણ દયાજનક સ્થિતિ છે. તો શું એમને અન્યાય નહીં થાય ?
આ દેશમાં સ્ત્રીઓ જ્યાં છેડતી, બળાત્કાર, દહેજને લીધે બાળી નાખવામાં આવે છે, દેવદાસી પ્રથા, બાળલગ્નો, કૂપોષણ, ઓનર કિલીંગ, સામાજિક, આર્થિક ભેદભાવ જેવી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહી છે. સરકારે ત્રણ તલાક જેવી નજીવી બાબત ઉપર ધ્યાન આપવાના બદલે સ્ત્રીઓની આ વિકરાળ સમસ્યાઓ ઉપર જલ્દીથી ધ્યાન આપવાની જરૃર છે. મુસ્લિમ મહિલાઓ માટે જેને એકદમ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એ ભાજપ સરકાર હજી સુધી ૩૩ ટકા મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપતી નથી. સંઘના ૯૩ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રી વડી બની નથી ? કોંગ્રેસે તો સ્ત્રીઓને પક્ષના પ્રમુખ બનાવ્યા છે પરંતુ ભાજપે પોતાના ૩૭ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રીને પક્ષ પ્રમુખ બનાવી નથી ? આવા પ્રશ્નો જનતાના મનમાં ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે સંઘ અને ભાજપની મંશા સ્ત્રીઓને સશકત કરવાની કે એમનું કલ્યાણ કરવાની નથી પરંતુ એના નામે માત્ર રાજકીય રોટલા શેકવાનો છે. આવી ખોટી દાનતથી ભારતીય સ્ત્રીઓનું કલ્યાણ થવાનું નથી. જો સરકારે સ્ત્રીઓનું ભલુ કરવું હોય તો જે ભયાનક શોષણ સ્ત્રીઓ સામે થઈ રહ્યું છે એને અટકાવવાની જરૃર છે. ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર સરકારે વિચારણા કરવાની જરૃર છે.