દિલ્હી,
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ કરી લીધી છે અને બાબરી મસ્જિદનો ચુકાદો પોતાની તરફેણમાં આવવાની તેને આશા છે. ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પોતાના વકીલો સાથેની નિયમિત ક્રમ મુજબની બેઠક યોજાઈ હતી. પરંતુ તે આ કારણસર મહત્ત્વની હતી કે તેમાં બોર્ડના જનરલ સેક્રેટરલ મૌલાના વલી રહેમાની અને પ્રવકતા મૌલાના સજ્જાદ નો’માનીએ વિશેષરૃપે હાજરી આપી હતી. આ ઉપરાંત તેમણે બાબરી મસ્જિદની સાથોસાથ ટ્રિપલ તલાક અને હૈદરાબાદમાં તા.૮મી ફેબ્રુઆરીએ યોજાનાર બોર્ડની બેઠક અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.
મીટિંગમાં બોર્ડના એક મહત્ત્વના સભ્ય એડવોકેટ ઝફરયાબ જીલાનીએ સામેલ થતાં મીડિયાને આપેલા પોતાના એક નિવેદનમાં કહ્યું કે બોર્ડ વહેલામાં વહેલી તકે બાબરી મસ્જિદ કેસની સુનાવણીના પક્ષમાં છે અને આથી જ કાયદાવિદો સાથે આ બેઠક યોજવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ બેઠકનો હેુ આ વાત ઉપર વિચાર કરવાનો હતો કે આપણે અદાલતમાં પોતાનું વલણ કેવી રીતે દૃઢતાપૂર્વક મૂકવો જોઈએ, અને કેવી દલીલો રજૂ કરવાની છે. તેમણે કહ્યું કે અમારૃં વલણ શરૃથી જ આ રહ્યું છે કે બાબરી મસ્જિદ કેસની સુનાવણી વહેલામાં વહેલી તકે કરવામાં આવે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં વિસ્તૃત સુનાવણી થાય તમામ દસ્તાવેજો ઉપર વિચારણા કરવામાં આવે અને પક્ષકારોની દલીલો પણ સુુપ્રીમ કોર્ટ પૂરી રીતે સાંભળે. તેમણે કહ્યું કે સુનાવણીમાં કોઈપણ પ્રકારની ઉતાવળ થવી ન જોઈએ.
બોર્ડની કારોબારી સમિતિના સભ્ય કમાલ ફારૃકીએ કહ્યું કે, અમે મહિનામાં ઓછામાં ઓછા ત્રણ વાર મીટિંગ કરીએ છીએ અને આ નિયમિત ક્રમ મુજબની જ મીટિંગ છે, અને ૮મી ફેબ્રુઆરીએ હૈદરાબાદ ખાતે બોર્ડની બેઠકને અનુલક્ષીને આ વખતને થોડી વહેલા આ મીટિંગ મળી છે. તેમણે પણ બાબરી મસ્જિદ અને ટ્રિપલ તલાક વિ.ની વાત કહી કે આ બાબતો ચર્ચાશે. તેમણે કહ્યું કે, આ મીટિંગમાં મૌલાના વલીરહેમાની ઉપરાંત મૌલાના સજ્જાદ નો’માની, સુપ્રીમ કોર્ટની સિનિયર વકીલ મુહમ્મદ યૂસુફ મુછાલા, એડવોકેટ તાહિર હકીક, એડવોકેટ એમ.આર. શમ્શાદ, એડવોકેટ શકીલ અહમદ સૈયદ અને ઝફરયાબ જીલાની વિ.એ ભાગ લીધો.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ ઇચ્છા યોગ્ય જ જણાય છે. આટલા લાંબા સમયથી ચાલી રહેલ કેસનો હવે વહેલી તકે ચુકાદો આવી જવો જોઈએ. કારણ કે ફાસીવાદી અને કોમવાદી પરિબળો અવારનવાર આવા મુદ્દાઓનો દુરૃપયોગ કરતા રહે છે અને આમાં સત્તાની સાઠમારીમાં રાજકીય પક્ષો નિર્દોષ નાગરિકોના ભોગે પણ પોતાની ખુરશી બચાવવા કે સત્તા મેળવવા આવી રહકતો કરતા રહે છે. આમાં સત્તાધારી પક્ષ આવા મુદ્દાઓને વધુ ઉશ્કેરે છે. તેથી હવે વહેલીતકે આ કેસનો ચુકાદો આવી જવો જોઈએ એવી ઇચ્છા યોગ્ય જ ગણાય. બીજી બાજુ કેટલાક કોમવાદી સંગઠનો સુપ્રીમના ચુકાદા પછી પણ આનો નિર્ણય સડકો પર ઉતરીને કરાશે તેમ કહી રહ્યા છે.