સમજૂતીઃ
આ હદીસથી સ્પષ્ટ રૂપે જણાય છે કે મોટામાં મોટું જીવન-કાર્ય પણ અલ્લાહની નજરમાં તુચ્છ છે. જો તેની પાછળ અલ્લાહની પ્રસન્નતાની ઇચ્છા-(ઇરાદો) કાર્યરત્ ન હોય. અલ્લાહ પોતાના બંદાને ચાહે છે, એ શરતે કે બંદો પણ અલ્લાહને ચાહે. માણસ ત્યાં જ હોય છે કે જયાં તેની નૈય્યત કે ઇરાદો હોય છે. વાસ્તવમાં માણસ પોતાની નૈય્યતમાં છુપાયેલો હોય છે. તેની ઓળખ તેની નૈય્યતથી જ થઈ શકે છે. નૈય્યત જો ‘ગૈર’ (અલ્લાહ સિવાયના)ની છે તો આ એટલો ગંભીર ગુના-અપરાધ છે કે જેનું આચારણ બંદાને માત્ર જન્નતથી વંચિત કરી દે છે એટલું જ નહીં, બલ્કે તેને જહન્નમની સજાને લાયક પણ બનાવી દે છે. નૈય્યત જો દુરસ્ત નથી તો એ સ્થિતિમાં માણસ દેખીતી કે બાહ્ય રીતે જોતાં નેક અમલ (કાર્ય,કર્મ) કરી રહ્યો હોય છે, પરંતુ વાસ્તવિકતાની દૃષ્ટિએ તે એક માફ ન કરી શકાય એવા ગુના-અપરાધનું આચરણ કરી રહ્યો હોય છે.
અબૂ દાઊદમાં હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે હુઝૂર સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જેણે અલ્લાહની પ્રસન્નતાના ‘ઇલ્મ’ (જ્ઞાન)ને દુન્યવી હેતુ માટે શીખ્યું, કયામતના દિવસે તેને જન્નતની ગંધ (સુગંધ) પણ નહીં મળી શકે.
એક બીજી હદીસ છેઃ હઝરત અબૂ મૂસા રદિ. વર્ણવે છે કે એક માણસ રસૂલુલ્લાહ સ.અ.વ.ની પાસે હાજર થયો અને કહ્યું કે એક માણસ પોતાના ઉલ્લેખ-વર્ણન માટે લડે છે. એક લડે છે પોતાની પ્રશંસા અને ખ્યાતિના હેતુથી, એક લડે છે કે ‘માલે ગનીમત’ તેના હાથ આવે, અને એક માણસ એટલા માટે લડે છે કે તેનો દરજ્જો જાહેર થાય કે શૂરવીરતા અને બહાદુરીમાં તેને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે, તેના પર રસૂલે ખુદા સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યુંઃ જે માણસ એટલા માટે લડે છે કે અલ્લાહનો કલ્મો બુલંદ (સફળ,વિજયી) થાય, (ખુદાની બોલબાલા થાય), તેનો જ યુદ્ધ અલ્લાહ અઝ્ઝ-વ-જલ્લના માર્ગમાં પ્રિય હશે.” (અબૂ દાઊદ).
અનુવાદઃ
હઝરત અનસ રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે રસૂલે ખુદા સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યુંઃ જે વ્યક્તિ સાચા હૃદયથી શહાદતનો ઇચ્છુક હોય તેને શહાદતની દરજ્જો પ્રાપ્ત થઈ જશે, જો કે આની નોબત ન આવે કે તે શહીદ થાય.”(મુસ્લિમ)
સમજૂતીઃ
આ જ પ્રકારની એક અન્ય હદીસ છેઃ “જે માણસ સાચા હૃદયથી શહાદત ચાહે છે તો અલ્લાહ તેને શહીદોની મંઝિલો સુધી પહોંચાડી દે છે, જાે કે તેનું મૃત્યુ તેની પોતાની પથારી પર જ કેમ ન થાય.
આ હદીસોથી જણાયું કે દીનમાં નૈય્યતનું ખરૂં હોવું (નૈય્યત ખરી હોવી) ઇચ્છિત છે. નૈય્યતની સરખામણીમાં આ’માલ (કર્મો)ની હૈસિયત બીજા (કે ગૌણ) દરજ્જાની ઠરે છે. કોઈ ઔચિત્યના આધારે જાે કોઈ માણસ આ’માલ (કર્મો)માં અસમર્થ રહ્યો તો તો તેનાથી અલ્લાહની સાથે તેની વફાદારીમાં કોઈ કમી નથી આવતી. બંદો જો અલ્લાહને ખાતર પોતાને આત્યંતિક રીતે રજૂ કરી દેવા ચાહે છે તો એ સફળ છે. બંદો જો અલ્લાહના દીનના માટે પોતાના પ્રાણ સુદ્ધાં કુર્બાન કરી દેવા માટે તૈયાર છે તો એ અલ્લાહનો વફાદાર છે, ચાહે અમલી રીતે આની નોબત ન પણ આવે.
અનુવાદઃ હઝરત જાબિર રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે અમો એક યુદ્ધમાં નબી સ.અ.વ.ની સાથે હતા તો આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ “મદીનામાં કેટલાક એવા લોકો છે કે તમે જયારે પણ ચાલો છો, અથવા કોઈ ખીણ પાર કરો છો તો એ તમારી સાથે હોય છે. બીમારીએ તેમને ત્યાં રોકી લીધા છે.” (મુસ્લિમ)
સમજૂતીઃ એટલે કે અલ્લાહના માર્ગમાં નીકળવાનો અજ્ર (વળતર) અને સવાબ પ્રાપ્ત થશે. કેમકે યોગ્ય કારણના લીધે તેમને ઘરે રોકાવું પડયું. તે કોઈ જીવ છોડાવનારા લોકો નથી. તેમની ગણના અલ્લાહને ત્યાં દીનની સેવા કરનારા લોકોમાં જ થશે. કેમકે તેઓ પોતાના હાથ-પગથી કામ કરી ન શકયા, પરંતુ હૃદયથી તેઓ દરેક સેવા માટે તૈયાર રહ્યા.
અનુવાદઃ હઝરત સલમાન રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે મેં રસૂલુલ્લાહ સ.અ.વ.ને આ ફરમાવતા સાંભળ્યા કે “અલ્લાહના માર્ગમાં એક રાત-દિવસ ચોકી-પહેરો આપવા મહિનાભર (એક આખો મહિનો) રોઝા રાખવા અને નમાઝ પઢવા કરતાં અફઝલ છે, જે મૃત્યુ પામશે તો તેનું આ અમલ(કર્મ) બરાબર ચાલુ રહેશે, તેનું રિઝ્ક પણ જારી થઈ જશે અને તે કબ્રના ફિત્નાથી નિર્ભય હશે.” (મુસ્લિમ)
સમજૂતીઃ મનુષ્યના આ’માલ (કર્મો)નો સિલસિલો તેના મૃત્યુ સાથે કપાઈ જાય છે. પરંતુ આ હદીસ બતાવે છે કે ઇસ્લામી સરહદ-સીમા વિ.ની રક્ષા તથા દેખભાળનું કામ આવા મહત્ત્વ અને દૂરદર્શી પરિણામો ધરાવનારૂં છે. મૃત્યુ પછી પણ તેનું વળતર તથા સવાબ એવી જ રીતે મળતો રહેશે, જેવી રીતે જીવનમાં અમલના સમયે મળે છે. આવો માણસ આ ખાસ ‘રિઝ્ક’ નો પણ હક્કદાર કહે છે જે શહીદો માટે ભાગ્ય છે. આ ઉપરાંત કબ્રની મંઝિલ પણ તેના માટે સરળ કરી દેવામાં આવે છે. •••