ઉમ્મતમાં એકતાની બુુનિયાદો

0
176

આ બાજુ કેટલીક હૃદયને હચમચાવી નાંખતી એવી ઘટનાઓ સામે આવી છે કે જેને સાંભળી કાળજુ કંપી જાય છે અને માથુ શરમથી ઝૂકી જાય છે. દા.ત. એ કે મધ્યપ્રદેશના એક ગામડામાં એક મુસલમાન મૃતકની લાશ કબ્રસ્તાનમાં એટલા માટે દફન નહીં થઈ શકી કે તે બીજા મસ્લકને માનનારો હતો. જો કે તે પૂરું આયખું તે જ ગામમાં મુસ્લિમો સાથે ભાઈ-ભાઈ બની પસાર કર્યું હતું. એક મસ્લકના લોકોએ વર્તમાન વડાપ્રધાનથી મુલાકાત કરી કહ્યું કે, ફલાણાં ફલાણાં મસ્લકના લોકો આતંકવાદી છે, તેમની ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવે. કાશ ! કે તેઓ કોમવાદી પક્ષો વિશે આ પ્રકારની માંગણી કરતા ! એવી જ રીતે સૂફીઓના પવિત્ર વર્ગના નામ પર એક એવી કોન્ફરન્સ યોજવામાં આવી જેનો હેતુ બીજા મસ્લકના લોકો વિરુદ્ધ સરકારને ઉશ્કેરવાનો અને વર્તમાન કોમવાદી સરકારને બળ પૂરું પાડવાનો છે. બીજી બાજુ એક મહત્ત્વપૂર્ણ સમાચાર એ આવ્યા છે કે કથોલિક અને પ્રોટેસ્ટંટ ધર્મગુરૃઓએ સદીઓ જૂના પોતાના મતભેદો ભુલાવી એકબીજાને ગળે લગાવી લીધા છે. જો કે આ બંને ખ્રિસ્તી સંપ્રદાયો વચ્ચે વાદ-વિવાદના કારણે લાખો ખ્રિસ્તીઓ માર્યા ગયા છે. આ આપણા માટે એક બોધપાઠ છે.

દેશની વર્તમાન સ્થિતિ એ છે કે, બંધારણીય રીતે મુસ્લિમો અને લઘુમતીઓને બીજા નંબરના નાગરિક બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમની શૈક્ષણિક સંસ્થાઓને પચાવી પાડવાની યોજનાઓ બની રહી છે, નિર્દોષ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે, રામમંદિરના નિર્માણની ઘોષણા કરવામાં આવી રહી છે, અને મુસ્લિમોને તેમની ધાર્મિક ઓળખથી વંચિત કરવાના કાવત્રાં રચવામાં આવી રહ્યા છે. એટલે આ હકીકતથી કદાચ જ કોઈ માણસ ઈન્કાર કરી શકશે કે મુસ્લિમો માટે એકતા એ હાલની સૌથી મોટી જરૃરિયાત છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓને જે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેનું મૂળ કારણ અંદર અંદરની ફાટફૂટ છે. પરંતુ પ્રશ્ન એ છે કે એકતા કેવી રીતે સિદ્ધ થાય ?

એવી એકતા કે બધા લોકોનો વિચાર એક થઈ જાય, કોઈ મતભેદ ન રહે, શકય નથી. કારણ કે જેવી રીતે અલ્લાહ તઆલાએ ચહેરા તથા રંગ જુદા જુદા રાખ્યા, એવી જ રીતે એક માનવી અને બીજા માનવી વચ્ચે વિચાર તથા રસ-રુચિનો ભેદ પણ રાખ્યો છે અને તે ડગલે ને પગલે સ્પષ્ટપણે ડોકાય છે. પોશાકને જ જુઓ, કેટલી પેટર્નના પોશાક બનાવવામાં આવે છે અને દરેક પેટર્ન કોઈ ને કોઈ ગમી જાય છે. પછી વસ્ત્રોના રંગના મામલામાં પણ દરેકની પસંદ જુદી જુદી છે. આવી જ સ્થિતિ મકાનના બાંધકામની છે, બલ્કે માનવીના ઉપયોગમાં આવતી લગભગ બધી જ વસ્તુઓની છે.

જેવી રીતે ચીજોની પસંદગીમાં વૈવિધ્ય જોવા મળે છે, વિચારવાની બાબતમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. એટલે ધાર્મિક, આર્થિક, સામાજિક બાબતોમાં વૈચારિક મતભેદ હોવો અત્યંત સાહજિક છે. આ મતભેદ કયારેક સામાન્ય પ્રકારનો હોય છે અને કયારેક સખત પણ હોય છે. આવી સ્થિતિમાં જો એકતાનો અર્થ એ હોય કે બધા લોકો એ કજ વિચાર ધરાવનારા બની જાય તો આ તેવી જ અસાહજીક ઈચ્છા હશે, જેવી રીતે કોઈ એ વાતની તમન્ના ધરાવે કે દુનિયાના બધા લોકો એક જ રંગ અને પેટર્નના પોશાક પહેરે એક જ રંગરૃપના બની જાય. વાસ્તવમાં એકતાનો માર્ગ એ છે કે, મતભેદ છતાં એકતાને બાકી રાખવામાં આવે.

મતભેદ છતાં એકતા માટે કેટલીક વાતો જરૃરી છેઃ

બે વર્ગો વચ્ચે ભલેને જેટલા પણ મતભેદો હોય, પરંતુ ઘણી બધી બાબતોમાં મતૈકય પણ જોવા મળે છે. એકતા માટે જરૃરી છે કે, વિવાદાસ્પદ બાબતોના બદલે તે બાબતો જોવામાં આવે, જેમાં બંને વચ્ચે પરસ્પર સહમતિ છે. મુસ્લિમોના વિવિધ સંપ્રદાયો વચ્ચે એટલી બધી બાબતે સર્વસંમતિ પ્રવર્તે છે કે, અન્ય ધર્મના અનુયાયીઓ વચ્ચે આવા સર્વસંમત મુદ્દાઓ પચાસ ટકા પણ કદાચ જ મળી શકશે. દા.ત. હિંદુ ભાઅઈઓના ત્યાં આર્યસમાજી અને સનાતન ધર્મીઓ વચ્ચે, ખ્રિસ્તીઓમાં કેથોલિક, પ્રોટેસ્ટંટ અને ઓર્થોડોકસ વચ્ચે ખુદાની વિભાવના (વિચાર) સંબંધે પણ સર્વસંમતિ જોવા નથી મળતી. શીખ ધર્મના અનુયાયીઓમા સામાન્ય શીખ અને નિરંકારી મિશનના મતભેદને જુઓ પરંતુ મુસ્લિમોનો મામલો એ છે કે રિસાલત, આખિરત તૌહીદ-રિસાલત-આખિરત એ પાયાના ફરાઈઝ, વાજિબાત, હરામ બાબતો સંબંધે કોઈ મતભેદ નથી. એટલે મુસ્લિમો માટે એકતાનો માર્ગ બહુ સરળ છે અને તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓના બદલે સર્વસંમત મૂલ્યો ખાતર એકબીજા સાથે હળીમળી બેસી શકે છે.

ભારતમાં ‘મુસ્લિમ મજલિસે મુશાવરત’એ મુસ્લિમોમાં પહેલી વખત લગભગ આ વિચાર પેદા કર્યો અને ત્યાર પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સ્થાપનાએ આ વિચારને વધારે બળ પૂરું પાડયું. પછી કેટલાક બીજા સંગઠનોની સ્થાપનાએ મુસ્લિમોમાં એ ક્ષમતા વિકસાવી કે, તે સંયુકત મુદ્દાઓ માટે એકબીજા સાથે હળી-મળીને વિચાર-વિમર્શ કરે. આ સહમતી તથા સહકારને વિવિધ ક્ષેત્રોમાં વધારવાની જરૃર છે. કારણ કે માનવી જ્યારે એકબીજા સાથે બેસે છે, એક સમાન મુદ્દાઓ પર વિચારે છે, વાતચીત કરે છે, તો અંતર ઘટે છે. એકબીજાને સમજવામાં મદદ મળે છે અને એકબીજાના સન્માનની ભાવના જાગે છે.

વિચાર કરો તો આ અલ્લાહ તઆલાના રસૂલ (સ.અ.વ.)ની તાલીમ અને ઇસ્લામના હાર્દ સાથે બિલકુલ સુસંગત છે. કુઆર્ન મજીદે યહૂદીઓ અને ખ્રિસ્તીઓને આમંત્રણ આપ્યું કે, આપણી વચ્ચે જે મુદ્દાઓ પર સહમતી પ્રવર્તે છે, તેની ઉપર આપણે એક થઈ જઈએ અને તે એ કે આપણે બધા અલ્લાહતઆલાની ઉપાસના કરીએ, અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠરાવીએ. (આલે ઈમરાનઃ ૬૪)
જ્યારે મુસ્લિમો અને બિનમુસ્લિમો વચ્ચે કોમન મીનીમમ પ્રોગ્રામના આધારે એકતા સર્જાઈ શકે છે, તો કોઈ કારણ નથી કે સ્વયં ઉમ્મતે મુસ્લિમા આ નિયમ પર પરસ્પર એકતા ન સાધી શકે. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here