(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭ નવેમ્બર મહિનામાં માહિતી અધિકાર દ્વારા (આરટીઆઈ) તપાસ કરતાં જાણવા મળ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ઈસ્લામિક બેંક ખોલવાની ભલામણ કરતી નથી. વિશ્વમાં ચીન, જર્મની, યુકે, અમેરિકામાં આવી બેંકો આવેલી છે. તેનો કારોબાર આશરે ર ટ્રિલિયન ડોલર જેટલો છે. નાના નાના ઉદ્યોગ સાહસિકોને વગર વ્યાજના નાણાં મળે તો ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ને વેગ ન મળે ?
સરકારે જનધન યોજના, વીમા સુરક્ષા જેવી યોજનાઓ ભલે બહાર પાડી હોય પરંતુ નાના ફેરિયા કે રેંકડીવાળાના હાથમાં થોડી રકમ આવે તો ધંધો શરૃ કરવામાં રાહત મળે.
હોઈ શકે કોઈને આમાં ‘ટેરરીસ્ટ ફંડ’ ઉતરી આવવાની શંકા કામ કરી ગઈ હોય. અથવા અર્થશાસ્ત્રની સમજ સાથે નિર્ણય ન લેતાં માત્ર રાજકીય નિર્ણય લેવાયો હોય !
આ દેશમાં હજારો લાખો લોકો એવા છે જે નોકરી શોધતા નથી, અને પોતાની સૂઝ-બૂઝથી ધંધો, કામ, રોજગાર જનરેટ કરે છે. આવી શ્રમજીવી, રોજગાર શોધતી, ગરીબ પ્રજાને લોન દ્વારા આર્થિક મદદ જો ઈસ્લામિક બેંક આપી શકે તેમ છે ત્યારે સરકારે પુનઃ વિચારવું રહ્યું. આવી બેન્કિંગ વ્યવસ્થામાં જો કંઈ ગરબડ દેખાય તો તે સામે પગલાં લેવાની સરકારની ફરજ પણ સૌને માન્ય જ હોય. (આમ તો વર્તમાન બેન્કિંગ વ્યવસ્થામાં ય ગરબડ-ગોટાળા કે કૌભાંડોની કયાં કમી છે ? -તંત્રી)
આજની બેંક સામાન્ય માણસના ખાતામાં મીનીમમ બેલેન્સ ઓછું થઈ જતાં દંડ કરીને કરોડો રૃા. ભેગા કરે છે ત્યારે છેવાડાના માણસને આવી બેન્કિંગ સેવા મળે તેને આવકારવાની જરૃર છે. અન્ય ધર્મના ટ્રસ્ટો, જૂથો, વેપારી મંડળો વ્યાજ વગરની લોન આપવાની બેંકો સ્થાપવા અરજી કરે તો તેને પણ ચોક્કસ આવકારવી જ રહી -સં)
ઇસ્લામિક બેંક શું છે તેની આજે વાત કરવી છે. વિશ્વની તમામ બેંકો વ્યાજ ઉપર ચાલે છે. આજની બેન્કિંગ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યાજ છે. નફા અને વિકાસ માટે વ્યાજ લેવું કે આપવું આજની બેંકો માટે અનિવાર્ય બની ગયું છે. આવા સંજોગોમાં વિશ્વના આર્થિક પ્રવાહથી સંપૂર્ણ ભિન્ન વ્યાજમુકત બેંકો સ્થાપવી અને ચલાવવી એ એક આશ્ચર્યકારક ઘટના છે. આજે વિશ્વના અનેક દેશોમાં વ્યાજમુકત બેંકો અસ્તિત્વમાં છે, અને તેની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. એ વિચાર આર્થિક વિશ્વમાં ક્રાંતિકારી સમો છે.
ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુઆર્નમાં અને શરીઅતના કાનૂન મુજબ વ્યાજ અર્થાત્ ‘રિબા’ લેવું કે આપવું ગુના છે.
કુઆર્નેશરીફમાં કહ્યું છેઃ ‘ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ (રિબા) પર સખત પ્રતિબંધ મૂકયો છે અને વ્યાજ કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી લે છે કે આપે છે, તે અલ્લાહ પાસે પોતાના માલમાં કંઈ જ વધારો કરી શકતા નથી, પણ અલ્લાહની ખુશી માટે જે ખૈરાત-સદકો (દાન) આપે છ એવા જ લોકો પોતાના માલ અને સવાબને વધારનાર છે.
આમ ઇસ્લામિક આર્થિક વ્યવસ્થા મુજબ વ્યાજ આપતી બેંકોમાં પૈસા મૂકવા કે વ્યાજે કર્ઝ લેવું ઈસ્લામમાં હલાલ નથી. પરિણામ ઈ.સ.૧૯૪પમાં મિર્ઝા બશીરૃદ્દીન મહેમૂદે સૌ પ્રથમવાર ઇસ્લામિક અર્થશાત્ર પર એક વિશદ ગ્રંથ ‘નિઝામે નવ’ લખ્યો. તેમાં તેમણે ઇસ્લામિક અર્થ વ્યવસ્થાના ભાગરૃપે ઈસ્લામિક બેંકોની સ્થાપનાનો વિચાર વ્યકત કર્યો હતો. એ પછી તેમણે ૧૯૪પમાં ‘ઇસ્લામ કા નિઝામી ઇક્તિસાદ’ નામક ગ્રંથમાં ઇસ્લામિક બેંક અંગેના ઉદ્દેશો અને તેની કાર્યપદ્ધતિઓનો પરિચય આપ્યો. આ વિચારને કેન્દ્રમાં રાખી મુહમ્મદ હમીદુલ્લાહે ‘ઇકતિસાદ’ અર્થાત્ મારું અર્થતંત્ર નામે ગ્રંથ લખ્યો, જેમાં ઇસ્લામિક બેંકના વિચારને વધુ દૃઢ કરવામાં આવ્યો. આ વિચાર પર ગહન ચર્ચા-વિચારણા કરવા ઇસ્લામિકમ રાષ્ટ્રોની કરાંચી (૧૯૭૦), ઇજિપ્ત (૧૯૭ર), લંડન (૧૯૭૭)માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો મળી. તેના પરિણામ સ્વરૃપે ર૦ ઓકટોબર ૧૯૭પમાં ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક’ નામક એક સંસ્થાની સ્થાપના જિદ્દાહ (સાઉદી અરેબિયા)માં કરવામાં આવી. હાલ તેના પ્રેસિડેન્ટ અહેમદ મુહમ્મદઅલી અલ-મદની છે. ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક’નો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વ્યાજમુકત ઇસ્લામિક બેંકોની સ્થાપના કરવી, અને ઇસ્લામી કાનૂન મુજબ વિશ્વના મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ કરવા જરૃરી ફંડ પૂરું પાડવાનો છે.
ઈ.સ.૧૯૭૬માં જોર્ડનના ડો.સેમીહુસૈન હોમોદ નામના અર્થશાસ્ત્રીએ ઇસ્લામિક બેન્કિંગ વિષય પર પીએચડીની પદવી મેળવી અને પછી તેમણે જોર્ડનમાં સૌ પ્રથમ ‘જોર્ડન ઇસ્લામિક બેંક’ની સ્થાપના કરી. આજે વિશ્વના અનેક રાષ્ટ્રોમાં વ્યાજમુકત ઇસ્લામિક બેંકોનો આરંભ થયો છે. દુબઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, અમેરિકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, પેલેસ્ટીન, યમન, ઈન્ડોનેશિયા, સીરિયા, ફિલીપાઈન્સ, ઈરાન, ઈરાક, લીબિયા, અલ્જીરિયા, કુવૈત, તુર્કી જેવા અનેક રાષ્ટ્રોમાં આજે વ્યાજમુકત ઇસ્લામિક બેંકો કાર્યરત્ છે.
જેમાં વ્યાજ આપવા કે લેવામાં આવતું નથી. ભારતમાં ઈસ્લામિક બેંકના વિચારને હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માત્ર કેરળ રાજ્યમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ છે. જો કે ઇસ્લામના કાનૂન મુજબની કો-ઓપરેટીવ બેંકો ભારતમાં અસ્તિત્વમાં છે. જેમ કે મુંબઈમાં ઈ.સ.૧૯૮૪-૮પમાં ‘ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મુસ્લિમ ઇકોનોમિક અપલિફટમેન્ટ’ નામક સંસ્થા દ્વારા માત્ર રપ૦૦૦ મૂડીથી આરંભાયેલ ‘બૈતુલમાલ કો-ક્રેડિટ સોસાયટી’ મુસ્લિમ સમાજના વ્યાજમુકત નાણાંઓનો ઉપયોગ સામાજિક ઉન્નતિ માટે કરે છે.
આવી વ્યાજમુકત ઇસ્લામિક બેંકનો મુખ્ય લક્ષણો જાણવા અને માણવા જેવા છે, જે નીચે મુજબ છેઃ
ઇસ્લામિક બેંકમાં કોઈપણ થાપણદાર વ્યાજ મેળવવાના હેતુથી બેંકમાં નાણાં મૂકતો નથી. કારણ કે ઇસ્લામિક બેંક થાપણદારને તેની થાપણ પર વ્યાજ આપતી નથી.
૧. ઇસ્લામિક બેંક કુઆર્ન શરીફ અને શરીઅતના કાયદા, સિદ્ધાંતો અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે.
ર. ઇસ્લામિક બેંકમાં ઈસ્લામના કાનૂન મુજબના કોઈપણ હલાલ અર્થાત્ નૈતિક ઉદ્દેશ માટે આપવામાં આવતા કર્ઝ કે લોન પર પણ વ્યાજ લેવામાં આવતું નથી.
૩. ઇસ્લામિક બેંકમાં મૂકવામાં આવતી કોઈપણ પ્રકારની થાપણ કે નાણા ઉપર કોઈ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી.
૪. ઇસ્લામિક બેંકના ખાતેદાર બેકંના ભાગીદાર હોય છે. તેથી તેઓ બેંકના નફા-નુકસાનના ભાગીદાર હોય છે. થાપણ પરના વ્યાજના હક્કદાર હોતા નથી.
પ. જેટલી રકમ ખાતેદાર બેંકમાં મૂકે છે તેટલી જ રકમ ખાતેદાર પર મેળવવાનો અધિકારી છે.
૬. ઇસ્લામે દર્શાવેલ હરામ અર્થાત્ અનૈતિક કાર્યો માટે ઈસ્લામિક બેંક કર્ઝ કે લોન આપતી નથી. જેમ કે દારૃના વ્યવસાય કે તેની સાથે સંકળાયેલ કોઈપણ બાબત માટે ઇસ્લામિક બેંક કર્ઝ (લોન) આપતી નથી. કારણ કે ઈસ્લામમાં દારૃ પીવો, પીવડાવવો કે તેની કોઈપણ બાબત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાવું એ મોટો ગુનો છે.
* ડો.મહેબૂબ દેસાઈ