વાતચીત માટે, સંવાદ માટે, વ્યવહાર માટે, પ્રેમની અભિવ્યક્તિ માટે, ગેરસમજ નિવારવા કાજે અને બીજા અનેક હેતુસર ભાષાની જરૃર પડે છે. વિશ્વમાં અનેક બોલીઓ બોલાય છે. પરંતુ જે દ્વારા મોટી વસ્તીને આવરી લેવામાં આવે, જેમાં સાહિત્યનું ખેડાણ થયું હોય, જે સરસ શબ્દોથી સમૃદ્ધ હોય તેને બોલી નહીં પરંતુ ભાષા કહી શકાય. શુદ્ધ અને મીઠી ભાષાના જાણકાર અનેક દિલ જીતી શકે છે. ઘણા કામ પાર પાડી શકે છે.
‘અગર ઝુબાં શીરીં
તો મુલ્ક ગીરી’
ભાષા રસીલી મીઠી હોઈ શકે તેમ તીખી અને કડવી પણ હોઈ શકે.
આજના ગ્લોબલાઈઝેશનના જમાનામાં માત્ર એકાદ ભાષાની જાણકારીથી ચાલી શકતું નથી. સફળ થવા માટે ઓછામાં ઓછી બે થી ત્રણ ભાષાનું જ્ઞાાન હોવું જરૃરી છે.
ભાષા જ્ઞાાન વિના માનવી પંગુ બની જાય છે.
માતૃભાષાનું મહત્ત્વ અનેરૃં છે. ગળથૂથી એટલે માતૃભાષા. આ સ્વાભાવિક રીતે બાળકને આવડે છે અને ધીમે ધીમે તેમાં તે પારંગત બની દુનિયા સાથે સંવાદ સાધવા તૈયાર થાય છે.
દુનિયાની વાત આવે ત્યારે જણાઈ આવે છે કે અંગ્રેજી ભાષાના જ્ઞાાન વિના છૂટકો નથી. આંતરરાષ્ટ્રીય રીતે ઓળખ મેળવી ગયેલી આ ભાષા છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ આ અંગ્રેજી દ્વારા સહેલાઈથી કરી શકાય છે. મધુર, ચમકદાર, દમામદાર, સાહિત્ય પ્રચૂર, શિક્ષણ લેવા માટે અનુકૂળ, વિશ્વમાં ઘુમવા માટે જરૃરી, વિજ્ઞાાન કે ટેકનોલોજી માટે અનિવાર્ય આ ભાષા અત્યંત મહત્ત્વની છે.
અંગ્રેજીની જાણકારી જ્ઞાાનના દ્વાર ઉઘાડી નાખે છે. અનેક પુસ્તકોની દુનિયામાં પ્રવેશ કરવાનું સહેલું કરી નાખે છે. આ ભાષામાં પ્રભાવ છે.
મુસ્લિમોમાં ઉર્દૂ કે અરબી ભાષાની જાણકારી કે અન્ય માતૃભાષા જે હોય તેની જાણકારી ઉપરાંત અંગ્રેજીનું જ્ઞાાન મેળવી આગળ વધવાની આકાંક્ષા હોવી જોઈએ.
અંગ્રેજી માનસિક ગુલામી નથી. આપણે આપણા સિદ્ધાંતોને, મઝહબને વળગી રહીને અંગ્રેજી શીખી શકીએ છીએ. આપણા સાચા વિચારોનો પ્રચાર કે પ્રસારણ કરવા માટે અંગ્રેજીનો ઉપયોગ કરી શકીએ છીએ.
ખોટા વિચારોનો, અધર્મનો, પાપલીલાનો વિરોધ કરવા માટે અંગ્રેજ સુંદર હથિયાર છે. પશ્ચિમના હથિયાર વડે જ તેમની શરાબી કે ઉઘાડી સંસ્કૃતિનો વિરોધ કરી શકાય એમ છે. તેમના જ હથિયાર વડે તેમને જવાબ !
અહીં હું માત્ર લડતના મંડાણની વાત નથી કરી રહી. પ્રેમ, અનુકંપા, ત્યાગ, જ્ઞાાનની પ્યાસ, સત્યનો પ્રચાર જેવા અનેક કારણોસર અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવું જરૃરી છે. આ આજના સમયની માંગ છે. આ પ્રવર્તમાન મુશ્કેલીઓ માટે આવશ્યક છે. અહિંસક યુદ્ધ માટે અંગ્રેજી ભાષા આજની જરૃરીયાત છે.
એકવીસમી સદીમાં કોઈપણ જ્ઞાાન પિપાસુ અંગ્રેજી શીખે છે તો જાણે તેની જિંદગીમાં નવીન સવાર પડે છે.
યુવા વર્ગે તેમજ ખાસ કરીને મહિલા વર્ગે અંગ્રેજીનું શિક્ષણ લેવાની જરૃર છે. હિજાબમાં લાજ ઢાંકતી મહિલા દમામદાર અંગ્રેજી બોલે છે. ત્યારે તે જ પ્રકાશિત થાય છે. ઇસ્લામને મજબૂત કરવા માટે, નવી પેઢીઓને જ્ઞાાનમય બનાવવા માટે મહિલાઓએ નમ્રતાપૂર્વક, મધુર સ્વરથી અંગ્રેજી બોલવું જરૃરી બની ગયું છે. આધુનિક ઉપકરણોના ઉપયોગ માટે અંગ્રેજીનું વાચન અને લેખન મહિલાઓમાં પ્રચલિત થવું જ જોઈએ. મહિલાઓએ શિક્ષિત થવું જ પડશે.
જ્યાં ઇલ્મ છે ત્યાં ઇસ્લામ છે. ઇલ્મ વિના અંધકાર છે. અંધકાર એ ઇસ્લામ નથી. ઇસ્લામ તો પ્રકાશ છે. અવનવું શીખવાની તમન્ના હોવી જરૃરી છે.