હજ્જનીતિ (પોલીસી) ર૦૧૮ મુજબ હજ્જ કમિટી ઓફ ઇન્ડિયાના કવોટામાં ઘટાડો કરવાના લીધે સર્જાયેલ મુશ્કેલીઓનો સામનો કરવામાંથી ભારતીય હજ્જ યાત્રિકોને રાહત આપતાં અગાઉના કવોટા (ઈ.સ.ર૦૧૭માં જે હતો તે)ને બહાલ કરી દીધો છે.
લઘુમતી બાબતો (હજ્જ ઇન્ચાર્જ)એ હજ્જ કમિટી ઓફ ઇન્ડિયાના હજ્જયાત્રિકોના કવોટામાં કરાયેલ ઘટાડા સામે ભારે વિરોધને દૃષ્ટિ સમક્ષ રાખતાં પોતાનો એ નિર્ણય પાછો ખેંચી લેતાં હજ્જ કમિટીના કવોટાથી છેડછાડ નહીં કરવાનું એલાન કર્યું છે.
ડિસેમ્બર ર૦૧૭ના બીજા સપ્તાહમાં હજ્જ કમિટી ઓફ ઇન્ડિયાને લઘુમતી બાબતોે સંબંધિત મંત્રાલય તરફથી એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો, જેમાં હજ્જ કમિટીના અગાઉના કવોટાને બહાલ કરવાની જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી નિઝામુદ્દીન (હજ્જ ડિવિઝન)એ હજ્જ કમિટી ઓફ ઇન્ડિયાના સી.ઈ.ઓ. મકસૂદ અહમદ ખાનને પરિપત્ર પાઠવીને હજ્જ નીતિ ર૦૧૮ મુજબ કવોટામાં કરાયેલ ઘટાડાને રદ કરી અગાઉ મુજબ યથાવત રાખવાની જાણ કરી હતી. અર્થાત હાલમાં એ કવોટામાં છેડછાડ કરવાનો ઈરાદો ન હોવાનું જણાવ્યું છે.
એ પરિપત્ર મુજબ લઘુમતી મંત્રાલય દ્વારા ૭મી ઓકટોબર ર૦૧૭ના રોજ લેવાયેલ નિર્ણય (હજ્જ કવોટામાં ઘટાડા અને પ્રાઈવેટ ટૂર ઓપરેટરોના કવોટામાં વધારા)ને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
અહીં સ્પષટ રહે કે સરકારી હજ્જ નીતિ ર૦૧૮ને મંજૂરી આપતાં લઘુમતી બાબતો સંબંધિત મંત્રાલય (હજ્જ કમિટી ઓફ ઇન્ડિયાના નિરીક્ષક કે દેખરેખ રાખતા મંત્રાલય)એ એક મહિના પહેલા ખાનગી હજ્જ ઓપરેટરો (પીટીઓ)ને રાહત આપવા માટે હજ્જ કમિટીના કવોટામાં ઘટાડો કરવાની ભલામણને સ્વીકારી હજ્જ કમિટી દ્વારા હજ્જ માટે જનારા હજ્જ યાત્રિકોની બેઠકો ઓછી કરી દીધી હતી અને ખાનગી હજ્જ ઓપરેટરોના ૪પ હજારના કવોટા સામે પ૧ હજારનો કવોટા કરી આપ્યો હતો જે હવે લાગુ ન થતાં અગાઉ મુજબ જ રહેશે.
હજ્જ કમિટી ઓફ ઈન્ડિયાનો કવોટા સંબંધિત આ નિર્ણય તો આવકારદાયક કહી શકાય, પરંતુ ‘મેહરમ’ વિના મહિલાઓને ચારથી વધુના ગ્રુપમાં જવાનો નિર્ણય હજ્જ કમિટીએ લીધો હતો જે સંપૂર્ણપણે બિનઇસ્લામી અને શરીઅત વિરુદ્ધની બાબત છે તેને સરકારે મંજૂરી આપી છે તે ખૂબજ દુઃખદ બાબત છે. વધુમાં તેમને અર્થાત્ ‘મેહરમ’ વિના જનાર મહિલાઓને ડ્રો-સિસ્ટમમાંથી પણ મુક્તિ આપી સૌને મંજૂરી આપવાનું કહ્યું છે તે પણ વધુ દુઃખદ છે. શું કેન્દ્ર સરકારે મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં બિનજરૃરી રીતે દખલગીરી કરવાનું નક્કી કરી લીધું છે ? શા માટે તે તલાક, ભરણપોષણ કે પછી હજ્જ જેવી મુસલમાનોની ધાર્મિક બાબતોને સ્વયં મુસલમાનોના હવાલે કરવાના બદલે પોતે એકપક્ષીય રીતે નિર્ણયો લે છે ? હાલમાં જ એકી સાથે ત્રણ તલાક સંબંધે કાયદો બનાવી મુસ્લિમ મહિલાઓની હમદર્દીના નામે તેમની મુશ્કેલીઓ વધારવા સમાન પગલું ભર્યું છે, જે સમાજમાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.