છેલ્લા થોડા વર્ષથી દેશ-પરદેશમાં સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ખૂબ બદલાઈ ગઈ અને બદલાતી રહે છે. દુઃખ અને અફસોસની વાત એ છે કે વિશવ કક્ષાએ રુશ્વતખોરી અને ધાર્મિક સતામણીમાં ભારતનું સ્થાન મોખરે છે ! આપણે પરદેશની વાત બાજુએ મૂકીને દેશની અને એમાં ય ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ. આજે દેશમાં ‘અમર-અકબર એન્થની’ના બંધુત્વ અને ભાઈચારો રહ્યા નથી. ઈદ માટે કપડાં ખરીદવા ગયેલા કિશોર જુનૈદખાનને તીક્ષ્ણ હથિયારથી રેલગાડીના મુસાફરો વચ્ચે મારી નાંખવામાં આવ્યો ! નીડર પત્રકાર ગૌરીલંકેશને એમના ઘર આગળ બુરખાધારી બે મોટરસાયકલ સવારોએ ગોળી મારીને સ્થળ પર જ મારી નાંખ્યા.
ગુજરાતની પરિસ્થિતિ દેશની પરિસ્થિતિથી બહેતર નથી. ગ્રંથકર્તા ને લેખિકા અનુજા ચૌહાણ લોકપ્રિય સામયિક ‘ધ વીક’, ઓકટોબર ૧પ, ર૦૧૭માં લખે છે તેમ, ‘ભલે સીને કલાકાર અમિતાભ બચ્ચનનું રાષ્ટ્રીય ટેલીવીઝન દ્વારા ગુજરાતને અપાર્થિવ અને સંસ્કૃતિમય ડિઝનીલેન્ડ જેવું ચીતરવા મથતા હોય પણ, લોકો જાણે છે કે બચ્ચન ચિત્ર ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિથી ખૂબ ભિન્ન છે.’ છાપા-સામયિકોના અહેવાલો મુજબ દૂરથી પણ ગરબા જોવાના ‘ગુના’ માટે દલિત યુવકને ઢોરમાર મારીને મૃત્યુના હવાલે કરવામાં આવ્યો છે. એના થોડા જ દિવસ પછી એક દલિત યુવકને મૂછ રાખવાના ‘ગુના’ માટે કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો દ્વારા મારી નાખવામાં આવ્યો છે.
ગૌરક્ષાને નામે આતંકવાદી હત્યારાઓ અને અન્ય ગુનેગારોને અભયદાન જ નહીં પણ મોભો અને બઢતી મળ્યાના અખબારી અહેવાલ સૌને ભય પમાડનાર છે. આતંકવાદી ગૌરક્ષકોની ધાકથી ગાયોના વેચાણ અને હેરફેર કાયદા વિના પણ બંધ થયા છે ! પરીણામે એકાદ ગાયને પાળતા ગરીબો અને નાના ખેડૂતોની આવક બંદ થઈ છે. હવે ભૂખમરાના મૃત્યુ અને ખેડૂતોની આત્મહત્યાના સમાચારો આવ્યા કરે છે. આવી વાસ્તવિક પરિસ્થિતિમાં પત્રકારો સામેનો પડકાર ખૂબ મોટો છે.
આજે ભારતમાં પત્રકારત્વનો ધંધો સૌથી વધારે ખતરનાક વ્યવસાય બન્યો છે. જેમ પાનખર ઋતુમાં વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે તેમ નિષ્ઠા અને નીડરતાથી પત્રકારત્વનો ધર્મ બજાવતા લેખકો અને પત્રકારોને એક યા બીજી રીતે સમાજમાંથી દૂર કરવામાં આવે છે. એમા રેશનાલિસ્ટો ડો.નરેન્દ્ર દાભોલકર, કર્મીશલ કોમરેડ ગોવિંદ પાનસરે, શિક્ષણશાત્રી પ્રા. એમ.એમ.કલબુર્ગી તથા પત્રકાર ગૌરી લંકેશ વગેરેનો સવિશેષ સમાવેશ થાય છે. વળી, સત્તાવાળાઓની સૂચનાઓ અને ઇચ્છાઓની વિરુદ્ધમાં સ્વતંત્ર રીતે વિચારનાર અને હિંમતથી પોતાના મતનું સ્વતંત્ર લખાણ લખનાર અખબારનવિશોનો પીછો કરવામાં અને પછાડવામાં કશું બાકી રાખવામાં આવતું નથી. અંગ્રેજીમાં જેને વીચહન્ટ કહી શકીએ એવા દ્વેષ અને ધિક્કારના પગલાથી સ્વતંત્ર અને મૌલિક રીતે વિચારનાર અને હિંમતથી પોતાના મતને પ્રગટ કરનારને હતા ન હતા કરવામાં આવે છે.
આવા સંદર્ભમાં આપણે પત્રકારોના પડકારોનો વિચાર કરીએ છીએ. મારી દૃષ્ટિએ પત્રકારો સામે ત્રણ મુખ્ય પડકારો છે. એક, સત્યને પારખી અને એને વળગી રહેવાનું મનોબળ; બે, નીડરતાથી જીવનની હિંમત અને ત્રણ, સારા-નરસાને પારખવાની વિવેકબુદ્ધિ આ ત્રણ પડકારોને તપાસીએ.
એક, સત્યને વળગી રહેવાનું મનોબળ, તાજેતરમાં એક અંગ્રેજી છાપું એટલે ‘ધ ઈન્ડિયન એકસ્પ્રેસ’ની અમદાવાદ આવૃત્તિના ર૦૧૭ ઓકટોબર ૧૮ અને ૧૯માં ફ્રન્ટ પેજ સમાચાર ઝારખંડની એક છોકરી સંતોષી કુમારી વિશે છે. સમાચાર મુજબ કુમળી ૧૧ વર્ષની સંતોષી કુમારીનું ભૂખમરાથી ગયા મહિને મૃત્યુ થયું છે. સંતોષીના બા કોયલી દેવીના કહ્યા મુજબ તે અને તેની મોટી દીકરી જંગલમાંથી લાકડા ભેગા કરીને રૃા.૪૦ કે રૃા.પ૦માં વેચે છે. એમાંથી કે કામ મળે ત્યારે મજૂરી કરીને જે વળતર મળે તેનાથી ઘર ચલાવવામાં આવે છે. પરંતુ સંતોષીના મૃત્યુ પહેલા આઠેક દિવસથી ઘરમાં કોઈને પૂરતું ખાવાનું મળ્યું નહોતું. કોયલી દેવીના કહ્યા મુજબ મૃત્યુ પામેલા સંતોષી કુમારી ભાત અને ભાતના પાણી માટે રડતી હતી, પરંતુ ઘરમાં એને ખવડાવવાનું કશુંય નહોતું.
સ્થાનિક કર્મશીલો અને એકસેપ્રેસના પત્રકાર પ્રશાંત પાંડે આવી વાત કરે છે ત્યારે ઝારખંડના અધિકારીઓ અને તબીબી સેવાના લાગતાવળગતા માણસો પોતપોતાના ગુનાને છાવારવા માટે સંતોષી કુમારી ભૂખમરાથી નહીં પણ મેલેરિયાથી મૃત્યુ પામ્યાની વાત કરે છે. એકસપ્રેસના ખબરપત્રી પ્રશાંત પાંડેએ વધુમાં જણાવ્યું છે કે ઝારખંડના મુખ્યમંત્રી રઘુબરદાસે સંતોષીકુમારીના કુટુંબને રાહત પેટે તત્કાલ રૃા.પ૦,૦૦૦ આપવાનું જણાવ્યું છે અને સમગ્ર પરિસ્થિતિની શોધ તપાસ કરવાનું પણ વહીવટદારને જણાવ્યું છે. એટલે દેખીતું છે કે ‘દાળમાં કંઈ કાળું હોય.’
રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ પોતાની ફરજ બજાવતા ન હોય અને પોતાના ગુનાઓને છાવરવા માટે બહાનું શોધતા હોય ત્યારે શોધતપાસથી સત્યને પારખવાનો અને દૃઢ મનોબળથી એને જાહેર જનતાના ધ્યાનમાં લાવવાનો પત્રકારનો ધર્મ છે અને એ જ પડકાર પણ છે.
ભારતમાં ગરીબો, આદિવાસીઓ અને દલિતોને ધિક્કાર, ભૂખમરા અને બધા પ્રકારની સતામણીથી તાબે રાખવામાં કહેવાતા સવર્ણ લોકોનો સ્વાર્થ છે. સ્વાર્થી લોકો ગરીબો, આદિવાસીઓ અને દલિતોને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખે છે. તેઓ તેમને સામાજીક શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ આવવા દેતા નથી. પણ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નો નારો ચાલુ રહે છે. પરિણામે મોટાભાગના ગરીબો, આદિવાસીઓ ને દલિતો સ્વાતંત્ર્યના ૭૦ વર્ષ પછી પણ મૂળભૂત જરૃરિયાતોથી વંચિત રહે છે ! આવી વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવા અને સત્ય હકીકતોને પારખવાનું જ્ઞાાન અને એને રજૂ કરવાનું દૃઢ મનોબળ પત્રકાર પાસે હોવું જોઈએ.
બે, નીડરતાથી જીવવા અને પત્રકાર તરીકેની ફરજ બજાવવાની હિંમત. ઉપરોકત સંતોષી કુમારીના અહેવાલમાં પ્રશાંત પાંડે એક નીડર પત્રકારનો આપણને દાખલો પૂરો પાડે છે. જ્યારે તબીબી અધિકારીઓ ગામની મુલાકાત લઈને સંતોષી અને એની માની સારવાર કર્યાની વાતથી સ્વબચાવ કરે છે ત્યારે સંતોષીકુમારીના મા કોયલીને ટાંકીને પત્રકાર પાંડે જણાવે છે કે,કોઈ તબીબી કે સરકારી અધિકારી ગામમાં આવ્યા જ નથી ! જ્યોર્જ બર્નાર્ડ શોના શબ્દોમાં કહું તો, પત્રકાર પાંડે ‘નર્યા સત્યને સન્માનતા શીખ્યા છે.’
નીડર પત્રકારત્વની હિંમત કેળવવા માટે બે બાબતોની ખાસ જરૃરિયાત છે. એક પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવિણતા મેળવવાની હોય છે. પત્રકાર તરીકે સારું કામ કરવાની ક્ષમતા ધરાવનાર પત્રકાર જ લાંચ-રુશ્વત, ધાક-ધમકી અને લોભાવનાર ભેટ-સોગાદોથી દૂર રહી શકે. બેન્જામીન ફ્રેન્કલીન કહે છે કે, ‘જેની પાસે ધૈર્ય છે, તે જ ઈચ્છે તે મેળવી શકે.’
બીજું, નીડરતાથી જવાબદારીભર્યું કામ કરવામાં ગમે તે પરિણામો ભોગવાની તૈયારી. એમાં મૃત્યુનો પણ સમાવેશ થાય છે. મારા કેટલાક લખાણો વાંચીને એક બહેને મને પૂછયું હતું, ‘ફાધર વર્ગીસ, આપને આવું બધું લખવામાં ડર લાગતો નથી ? આરટીઆઈ કર્મશીલોની હત્યા અને પોલીસ એન્કાઉન્ટરોની વાત તમે વાંચતા નથી ?’ મેં એમને કહ્યું કે, ‘મને મૃત્યુનો ભય નથી, ગમે ત્યારે મૃત્યુને ભેટવાની મારી તૈયારી છે. એટલે હરહંમેશ મારી સંભાળ રાખનાર ઇશ્વર સિવાય હું કોઈનો ભય રાખતો નથી…’ ‘પણ સાચવજો ફાધર’ બહેને કહ્યું.
આજે દુનિયાભરના સૌથી વધારે ખતરનાક વ્યવસાયોમાં એક છે પત્રકારનું કામ. લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉચ્ચ હોદ્દાનો, સત્તાનો, નાણાંનો દુરુપયોગ કરે છે. ‘ગોડમેન’ તરીકે કહેવાતા ગુરૃઓ ધર્મને નામે લોકોની શ્રદ્ધા અને ભક્તિનો ગેરલાભ લે, મોક્ષ કે મુક્તિને નામે ખોટા કરતૂતો આચરે, ત્યારે નીડર પત્રકારે ખોટી બાબતોને જાહેરહિત ખાતર પ્રકાશમાં લાવી લોકોને ચેતવવાના હોય છે. પત્રકારને પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે પત્રકાર તરીકેની શક્તિનો દુરૃપયોગ કરવા સામે સાવધાન રહેવાની જરૃર હોય છે. વિકટ કે લોભામણી પરિસ્થિતિમાં પોતાની જાતને વફાદાર રહીને નીડરતાથી સત્ય બાબતોને જ પ્રકાશમાં લાવવાનો પત્રકારનો પડકાર છે.
ત્રણ, સારા-નરસાને પારખવાની વિવેકબુદ્ધિ. પત્રકારમાં ઉંડી સમજણ શક્તિ તથા નિરીક્ષર ન્યાય કરવાની સારગ્રાહી વૃત્તિની ખાસ જરૃર છે. એ માટે પોતાના ક્ષેત્રમાં જ નહીં પરંતુ બીજા બધા ક્ષેત્રોમાં પણ યોગ્ય, સમતુલ જ્ઞાાન પત્રકારને મેળવવાનું હોય છે. પત્રકાર બધી બાબતોની જાણકાર વ્યક્તિ તો નથી. છતાં જરૃર લાગે ત્યારે જરૃરી બાબતોની માહિતી અને સમતુલ જ્ઞાાન મેળવવાનો પ્રયત્ન કરવાનો પત્રકાર માટે પડકાર છે, ધર્મ છે.
પત્રકાર જે ભાષામાં કામ કરે છે, તે ભાષામાં યોગ્ય અભિવ્યક્તિ શક્તિ પત્રકાર પાસે હોવા જોઈએ. એ જ રીતે પત્રકાર પોતે જે માધ્યમ વાપરે છે તે માધ્યમનું જ્ઞાાન તથા જે લોકો માટે પત્રકાર તરીકેનું કામ કરે છે તે જાહેર જનતાનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. એટલે પત્રકારનું ઉત્તરદાયિત્વ માધ્યમના માલિક કરતાં જાહેર જનતા પ્રત્યે વધારે હોય છે. વળી, વિવેકબુદ્ધિ કેળવવામાં પત્રકારત્વને લાગતા અને જાહેર જનતાને લાગતા કાયદા-કાનૂનનું જ્ઞાાન અનિવાર્ય છે. આખરે એક જવાબદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ તરીકે વિવેકબુદ્ધિથી કામ કરવાનો પત્રકાર સમક્ષનો પડકાર છે.
(સંપર્ક ઃcissahd@gmail.com, ઔમોઃ ૦૯૪ર૮૮ર૬પ૧૮)