Home સમાચાર વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા

વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા

0

આજની ચર્ચાના અસલ મુદ્દા તરફ જતાં પહેલાં શાળા અભ્યાસ દરમિયાન વાંચેલી એક વાર્તા યાદ આવે છે કે એક કઠિયારો જંગલમાં લાકડાં કાપી રહ્યો હતો. થોડે દૂરથી એને કોઈના કરાહવાનો (પીડાથી ચિત્કાર કરવો તે) અવાજ સાંભળ્યો. એણે જઈને જોયું તો એક વાઘ ઢીલોઢફ થઈને બેઠો હતો. એના પગમાં ભયંકર જખમ થયેલો હતો જેના પર માંખો બડબડી રહી હતી અને એની પીડાથી વાઘ કરાહી રહ્યો હતો. વાઘે એના તરફ આશાતુર નજરે જોયું તો એને દયા આવી ગઈ. એણે પોતાનો રૃમાલ પાણીથી ભીંજવીને વાઘના જખમને સાફ કર્યો અને પછી એના ઉપર દવા લગાડી પાટો બાંધી આપ્યો. વાઘને થોડી શાંતી વળી. પછી તો રોજ કઠિયારો આવે એટલે વાઘ પાસે, જાય, એનો જખમ સાફ કરે અને દવા લગાડી પાટાપીંડી કરી આપે. આઠ-દસ દિવસમાં વાઘનો જખમ રૃઝાઈ ગયો અને એ ચાલતો ફરતો થયો. પોતાના ઉપકારકની સેવાનું એહસાન માની વાઘે કઠિયારાથી દોસ્તી કરી લીધી. બેઉ જણ એકબીજાને મળે અને મિત્રતા પ્રદર્શિત કરે. એકવાર કઠિયારાનો કોઈ સાથી આ દૃશ્ય જોઈ ગયો, અને ગભરાઈ ગયો. કઠિયારાએ કહ્યું ભાઈ ગભરાવ નહીં, આ તો મારો કૂતરો છે ! વાઘ આ સાંભળીને હતપ્રભ થઈ ગયો. બીજે દિવસે કઠિયારો આવ્યો ત્યારે વાઘે કહ્યું કે મારી પીઠ પર કુહાડીનો ઘા માર. વાઘના ખૂબ ઈસરાર કરવાથી કઠિયારાએ વાઘની પીઠ પર કુહાડીનો હલકો-ફુલકો ઘા કર્યો જેનાથી વાઘની પીઠ પર જખમ થઈ ગયો. વાઘે કહ્યું કે હવે દસ-બાર દિવસ પછી મારી પાસે આવજે. કઠિયારો દસ-બાર દિવસ પછી વાઘને મળ્યો. એટલે વાઘે કહ્યું કે જો મારી પીઠ ઉપરનો ઘા તો રૃઝાઈ ગયો પણ તેં મને કુતરો કહ્યો તે શબ્દોનો ઘા હું જિંદગીભર ભૂલી શકીશ નહીં. જા, આજનો દિવસ જવા દઉં છું. ફરીથી મારી સામે આવ્યો તો તને છોડીશ નહીં. ફાડી ખાઈશ ! કોઈને હલકા સમજીને, તિરસ્કૃત કરીને કરેલા અઘટિત શબ્દોના ઘા કેટલા ખતરનાક હોય છે અને તે કેવું પરિણામ લાવે છે તે આ વાર્તા .પરથી સમજવા મળે છે.

ઇસ્લામી ચિંતક જનાબ મુસ્તફા મુહમ્મદ તહાન તેમના એક લેખમાં લખે છે કે ‘સહુ પ્રથમ હું વાતનો ખુલાસો કરી દઉં કે હિંસા અને પ્રતિહિંસા કોઈ એક વ્યક્તિ, સમાજ, સત્તાધિશો કે ઇસ્લામ એ કોઈના માટે જરાય ફાયદામંદ નથી. બલ્કે એ દરેકના માટે નુકસાનકારક અને હલાક કરનારી વસ્તુ છે. સત્તાધિશોના અત્યાચારી કરતુતો, તેમની સખત અને જોહુકમીભરી નીતિરીતિઓ તથા તાનાશાહીભર્યા આચરણોના કારણે ઘણીવાર પીડિતજનો તરફથી હિંસા દ્વારા પ્રતિકાર કરવાની પરિસ્થિતિઓ ઉદભવે છે. આમ હિંસા અને પ્રતિહિંસાના ગંભીર પ્રકારના ઘટનાક્રમો માટે આ બેઉ પક્ષો જવાબદાર હોય છે.’ (હવાલો અખબાર દાવત, ૪-૭-૧૭, પેજ-૪ કોલમ ‘તહરીકી અદબ’
આજનું જગત અત્યાચારો, અતિરેકો, જોરજુલમ, નફરત અને તેના કારણે ઉદભવતી હિંસા તથા પ્રતિહિંસાના ભયંકર ઘટનાક્રમોની વબામાં ફસાયેલું છે. આ કારસ્તાનો કોનાં છે ? કોણે આ ભયંકર તૂત ઊભું કર્યું છે ? એના પાછળ તેમનો આશય શું છે ? એ બધાથી જગત આજે અજાણ નથી. માનવીની બૌદ્ધિકતા બધું બરાબર સમજે છે પણ તેમની પાસે આ તોફાનો અટકાવવાના કોઈ ઉપાય નથી. મોટાભાગના દેશોમાં લોકઇચ્છાના આધારો ઉપર સરકારો રચાતી હોય છે પણ એકવાર સત્તાના સૂત્રો હાથમાં આવી ગયા પછી પ્રજાઈચ્છાની અવગણના થવા લાગે છે. પક્ષ, સંગઠન કે સ્વહિતો અગ્રીમતા ધારણ કરી લે છે. ઘણીવાર લોકોને રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ, જાતિપ્રેમના નામે એવું ઝહેર પીવડાવવામાં આવે છે કે લોકો એના નશામાં ગાંડાતૂર બની જાય છે. હિત-અહિત અને સાર-અસારનું ભાન ભૂલી જાય છે. ઘર્ષણો અને ટકરાવોની હારમાળાઓ સર્જાવા લાગે છે. હિંસા અને પ્રતિહિંસાનો દોર શરૃ થઈ જાય છે જેની આગ ઉપર પેલા સત્તાધારીઓ પોતાની રોટલી શેકતા રહે છે. ફાયદો તેમને જ થાય છે. નુકસાન બાખડનારા વાદીઓ અને પ્રતિવાદીઓનું જ થતું રહે છે. આજના જગતનો આ ઘટનાક્રમ બની ગયો છે. ખુદ મુસ્લિમ દેશો આ ગંભીર ઘટનાક્રમોથી મુકત નથી બલ્કે એમ કહેવામાં કંઈ ખોટું નથી કે આજે સહુથી વધુ હિંસા અને પ્રતિહિંસાના ખપ્પરમાં મુસ્લિમ દેશો જ ફસાયેલા છે.

લેખક કહે છે કે આવાં તોફાનો માટે બેઉ પક્ષો બરાબરના જવાબાદાર છે. બલ્કે હું તો એમ કહીશ કે આમાં સત્તાધારી પક્ષની જવાબદારી વધુ પ્રમાણમાં છે. તેની પાસે સત્તા છે, કાયદાકીય અધિકારો છે, વ્યવસ્થાતંત્રો છે અને તમામ પ્રકારનું બળ ઉપલબ્ધ છે, ત્યારે તેની જવાબદારી વધુ છે કે તે આવી પરિસ્થિતિઓને ઉદભવતી અટકાવે. તમામના હિતોને ધ્યાનમાં રાખીને સમાધાનકારી વલણ અપનાવે. આ તોફાનમાં ભાગીદાર થનારા તમામ પક્ષકારોને શાંત કરવાના ઘનિષ્ઠ પ્રયાસો કરે(માત્ર જબાની જમા- ખર્ચથી કામ ન લે) લોકસમૂહોમાં નફરત અને વૈમનસ્યના બદલે સહિષ્ણુતા અને પ્રેમભાવ કાયમ કરવાના પ્રયોજનો કરે. આગને બુઝાવવા માટે એના પર પાણીનો છંટકાવ કરવો પડે, પેટ્રોલ નાંખવાથી તો આગ વધુ ભડકશે !
પરિસ્થિતિઓ આવી તણાવગ્રસ્ત કેમ બની જાય છે ? જવાબદાર એ માટે બેઉ પક્ષો છે. એક પક્ષ (સત્તા) કાનૂન, સત્તા, અધિકાર અને બળપ્રયોગના જરીએ (દ્વારા) પોતાનું પ્રભુત્વ કાયમ કરવા માટે હદ-મર્યાદાઓમાં વળોટી જાય છે તો બીજોપક્ષ લડવા-મરવા પર ઉતરી આવી હદ-મર્યાદાઓ ઓળંગે છે. આમ ‘Faulty’ બેઉ પક્ષો છે. એકના અતિરેક કરવાના કારણે બીજો અતિરેક કરવા તરફ વળી જાય છે. ભર્ત્સના (નિંદા) બેઉની થવી જોઈએ અને બેઉને હદ મર્યાદાઓમાં રહીને કામ કરવા મજબૂર કરવા જોઈએ. જોર અને અતિરેક દ્વારા થતી હિંસા અને હથિયારો ઉઠાવીને કરવામાંઆવતી હિંસા એ બેઉની રોકથામ થવી જોઈએ તો જ આવા તોફાનોનું શમન થઈ શકશે. કામ અઘરું છે અને એના માટે જબરજસ્ત સબ્રોતહમ્મુલ, સહનશીલતા અને ઔદાર્ય હોવા જરૃરી છે. ઇસ્લામ એ વલણને જ પ્રાધાન્ય આપે છે પણ સામેવાળા પક્ષે પણ એવી સમજદારી બતાવવી જોઈએ. એક હાથે તાળી પડતી નથી. સહકાર બેઉ પક્ષોનો જરૃરી છે. નિષ્પક્ષ અને ન્યાય આધારિત ફેંસલાઓ મતભેદ અને વિરોધ અતિરેકોને રોકી શકે છે અને સત્તાપક્ષે આવું ઔદાર્ય બતાવવું ખાસ જરૃરી છે. સત્તા આખરે તો તમામ લોકોના હિતોની જાળવણી અને સમગ્ર પ્રજાની સુખાકારી માટે રચવામાં આવતી વ્યવસ્થા છે. જો તે જ એક તરફ ઢળી જાય અને બીજાઓને અન્યાય કરવાનું કારણ બને અને સમાધાનકારી વલણ અપનાવવાના બદલે બળપ્રયોગ દ્વારા અતિરેક કરવા ઉપર ઉતરી આવે તો પરિસ્થિતિઓ સુધરવાના બદલે વધુ વણસી જાય છે અને આ ચક્રવ્યુહનો કોઈ અંત આવતો નથી. ઉન્માદભર્યા બળપ્રયોગ દ્વારા અન્યોને, કમજોરોને થોડા સમય માટે ચૂપ કરી શકાય પણ અન્યાય અને અસલામતીના કારણે તેમના અંદર ખદબદતા આક્રોશના લાવાને શાંત કરી શકાય નહીં. થોડું શાણપણ, સહનશીલતા અને ઉદારતા બતાવીને અંદરમાં ઉઠતા આક્રોશનું શમન કરવું એ જ હિતાવહ પગલું હોઈ શકે છે. જીત, અતિરેકો, અત્યાચારો, અન્યાય અને જબરજસ્તીની થતી નથી. જીત હંમેશાં ઉદારતા, સહનશીલતા, ન્યાયોચીત વ્યવહારો, સત્યપ્રિયતા અને સદભાવની જ થાય છે. સત્તાધિકાર મદથી નહીં ઉદારતા અને ન્યાયપ્રિયતાથી જ શોભે છે. શત્રુતાને મિત્રતામાં બદલી નાંખવાની આવડત ધરાવનારા લોકો જ એને પચાવી શકે છે.

આ હકીકતને સમજવા માટે ઉદાર હૃદય, વિશાળ દૃષ્ટિ, ધીરજ અને સહનશીલતા, લાલચ અને ગરજથી મુકત નિષ્કામ ભાવના તથા કોઈપણ જાતની તરફદારી વિનાની શુદ્ધ ન્યાયપ્રિયતા સાચી દિશાઓ બતાવી શકે છે. પ્રજા અને રાષ્ટ્રનું નેતૃત્વ કરવાળા લોકો આ ગુણોથી સુસજ્જ હોવા જોઈએ અને લીડરશીપ માટે એવા લોકોને જ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આગને ભડકાવનારા લોકોના હાથોમાં લીડરશીપ આવી જશે અને ધોંસ-ધાંધલીના જોરે તેઓ ચીટકી જશે તો ન તો તેઓ પ્રજાને સાચી સુખાકારી અને સલામતી આપી શકશે ન જ દેશ અને રાષ્ટ્ર માટે હિતકર સાબિત થશે. જે લોકો ચપરાશીની જગા માટે પણ લાયક ન હોય તેમને અધિક્ષક અને કર્તાધર્તાના પદો સોંપી દેવામાં આવે તો વિખવાદો અને ટકરાવો ન સર્જાય તો બીજું શું થાય ? આનો એક જ ઉપાય છે. પ્રજાઓએ શાણપણ અને બૌદ્ધિકતાનો ઉપયોગ કરીને સારા લોકોને, સંનિષ્ઠ અને શાણપણ ધરાવતા નિસ્પૃહ લોકોને લીડરશીપ માટે આગળ કરવા પડશે. સમાજો હિરલાઓથી ખાલી નથી પણ પ્રજાએ તેમને શોધીને મુગટમાં ચીટકવવા પડશે, ઉત્પાતોને વકરતા અટકાવવા માટે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version