Home કુર્આન ર૮. સૂરઃ કસસ

ર૮. સૂરઃ કસસ

0

અને તેમના લશ્કરોને એ બધું દેખાડી દઈએ જેનો તેમને ડર હતો. એમ૯ મૂસાની માને ઈશારો કર્યો કે ‘આને ધવડાવ, પછી જ્યારે તને તેના જીવનું જોખમ જણાય ત્યારે આને નદીમાં નાખી દે અને કોઈ ભય અને દુઃખ ન રાખ, અમે આને તારી જ પાસે પાછો લઈ આવીશું અને તેને પયગમ્બરોમાં સામેલ કરીશું.’૧૦ છેવટે ફિરઔનના કુટુંબીજનોએ તેને (નદીમાંથી) કાઢી લીધો કે જેથી તે તેમનો શત્રુ તથા તેમના માટે દુઃખનું કારણ બને૧૧, હકીકતમાં ફિરઔન અને હામાન તથા તેમના લશ્કરો (તેમની યોજનામાં) મોટી ભૂલ કરનારા હતા, ફિરઔનની પત્નીએ (તેને) કહ્યું ‘આ મારા અને તારા માટે આંખોની ઠંડક છે, આને કતલ ન કરો, નવાઈ નહીં લાગે કે આ આપણા માટે ફાયદાકારક પુરવાર થાય અથવ આપણે આને પુત્ર જ બનાવી લઈએ.’૧ર

(૯) વચ્ચે આ ઉલ્લેખ છોડી દેવામાં આવ્યો છે કે આ જ પરિસ્થિતિમાં એ ઈસ્રાઈલી મા-બાપને ત્યાં એ બાળક જન્મી ગયું જેને દુનિયાએ મૂસા અ.સ.ના નામથી ઓળખ્યો. બાઇબલ અને તલમૂદના વર્ણન પ્રમાણે આ કુટુંબ હઝરત યાકુબ અ.સ.ના પુત્ર લાવીની સંતાનમાંથી હતું. હઝરત મૂસા અ.સ.ના પિતાનું નામ આ બંને પુસ્તકોમાં ઈમરાન જણાવવામાં આવ્યું છે, કુઆર્ન આનો જ ઉચ્ચાર ઈમરાન કરે છે. મૂસા અ.સ.ના જન્મ પહેલાં તેમને ત્યાં બે બાળકો થયેલા હતા. સૌથી મોટી પુત્રી મરિયમ નામે હતી જેનો ઉલ્લેખ આગળ આવી રહ્યો છે. તેમનાથી નાના હઝરત હારૃન અ.સ. હતા. કદાચ આ ફેંસલો કે બની ઇસરાઈલને ત્યાં જે પુત્ર જન્મે તેને કતલ કરી નાખવામાં આવે, હઝરત હારૃન અ.સ.નો જન્મ એ જમાનામાં થયો ન હતો, આના લીધે તે બચી ગયા. ત્યારબાદ કાનૂન લાગુ થયો અને આ ભયંકર જમાનામાં ત્રીજા બાળકનો જન્મ થયો.
(૧૦) એટલે કે જન્મ થતાં જ નદીમાં નાખી દેવાનો હુકમ ન હતો બલકે કહેવામાં આ આવ્યું કે જ્યાં સુધી ભય ન હોય બાળકને ધાવણ આપતા રહો. જ્યારે ભેદ ખુલ્લો પડતો દેખાય અને ડર હોય કે બાળકનો અવાજ સાંભળી અથવા બીજી કોઈ રીતે દુશ્મનોને તેના જન્મની જાણ થઈ જશે, અથવા ખુદ બની ઇસ્રાઈલમાંથી જ કોઈ દુષ્ટ માણસ બાતમી આપી દેશે, ત્યારે કોઈપણ ડર રાખ્યા વિના તેને એક પેટીમાં રાખી નદીમાં નાખી દેજો. બાઇબલ વર્ણવે છે કે જન્મ પછી ત્રણ મહિના સુધી હઝરત મૂસા અ.સ.ની માતાએ તેમને છૂપાવીને રાખ્યા. તલમૂદ આમાં ઉમેરો કરે છે કે ફીરઔનની સરકારે એ જમાનામાં જાસૂસ મહિલાઓ છોડેલી હતી જે ઈસ્રાઈલી ઘરોમાં તેમની સાથે નાના-નાના બાળકોને લઈ જતી અને ત્યાં કોઈને કોઈ રીતે બાળકોને રડાવતી હતી કે જેથી જો કોઈ ઇસ્રાઈલીએ તેને ત્યાં કોઈ બાળક છૂપાવી રાખ્યું હોય તો તે પણ બીજા બાળકોનો અવાજ સાંભળીને રડવા માંડે. આ નવા પ્રકારની જાસૂસીના કારણે હઝરત મૂસા અ.સ.ની માતા બેચેન થઈ ગયા અને તેમણે તેમના બાળકનો જીવ બચાવવા માટે જન્મના ત્રણ મહિના પછી તેને નદીમાં નાખી દીધો. આટલી હદે તો આ બંને પુસ્તકોનું વર્ણન કુઆર્નના અનુરૃપ છે અને નદીમાં નાખવાની કેફિયત પણ તેમણે એ જ જણાવી છે જે કુઆર્નમાં જણાવવામાં આવી છે. સૂરઃ તાહામાં છે કે ‘બાળકને એક પેટીમાં રાખી નદીમાં નાખી દે.’ આનું જ સમર્થન બાઇબલ અને તલમૂદ પણ કરે છે. તે જણાવે છે કે હઝરત મૂસા અ.સ.ની માતાએ વાંસની પટ્ટીઓની એક ટોકરી બનાવી અને તેને ચીકણી માટી અને રાલ વડે લેપ લગાવીને પાણીથી સુરક્ષીત કરી દીધી, પછી તેમાં હઝરત મુસા અ.સ.ને સૂવડાવી નાઇલ નદીમાં નાખી દીધી, પરંતુ સૌથી મોટી વાત જે કુઆર્નમાં જણાવવામાં આવી છે તેનો કોઈ ઉલ્લેખ ઇસ્રાઈલી રિવાયતોમાં નથી, એટલે કે હઝરત મૂસા અ.સની. માતાએ આ કામ અલ્લાહતઆલાના ઈશારા પ્રમાણે કર્યું હતું અને અલ્લાહતઆલાએ પહેલાંથી જ તેમને સાંત્વના આપી દીધી હતી કે આ રીતે અમલ કરવામાં તમારા બાળકના જીવનું કોઈ જોખમ નથી, એટલું જ નહીં બલકે અમે બાળકને તમારી પાસે જ પાછો લાવીશું, અને તમારૃં આ બાળક આગળ જઈ અમારો પયગમ્બર થવાનો છે.
(૧૧) આ તેમનો હેતુ ન હતો બલ્કે આ તેમના આ કામનું નિયત થયેલું પરિણામ હતું, તે એ બે બાળકને ઉઠાવી રહ્યા હતા જેના હાથે છેવટે તેમણે નષ્ટ થવાનું હતું.
(૧ર) આ વર્ણન દ્વારા મામલાની જે કેફિયત સ્પષ્ટપણે સમજમાં આવે છે તે આ છે કે પેટી અથવા ટોકરી નદીમાં વહેતી જ્યારે એ જગ્યાએ પહોંચી જ્યાં ફિરઔનના મહેલ હતા ત્યારે ફીરઔનના સેવકોએ તેને ઉઠાવી લીધી અને લઈ જઈ રાજા અને રાણી સામે રજૂ કરી દીધી. શકય છે કે રાજા અને રાણી પોતે એ વખતે નદીના કિનારે ફરવા ગયા હોય અને તેમની નજર એ ટોકરી ઉપર પડી હોય અને તેમના જ હુકમથી તેને કાઢવામાં આવી હોય. તેમાં એક બાળક પડેલું જોઈ સહેલાઈથી આ અનુમાન કરી શકાય તેમ હતું કે ચોક્કસ આ કોઈ ઈસ્રાઈલીનું બાળક છે, કેમ કે તે એ વસ્તીઓ તરફથી આવી રહ્યું હતું જેમાં બની ઈસ્રાઈલ રહેતા હતા, અને તેમના જ પુત્રો એ જમાનામાં કતલ કરવામાં આવી રહ્યા હતા, અને તેમના જ વિશે આ અપેક્ષા રાખી શકાય તેમ હતી કે કોઈએ બાળકને સંતાડી અમુક સમય સુધી ઉછેર્યો છે અને પછી જ્યારે તે વધારે સમય માટે છૂપાઈ ન શકાયું ત્યારે હવે તેને એવી આશા સાથે નદીમાં નાખી દીધું છે કે કદાચ આવી રીતે તેનો જીવ બચી જાય અને કોઈ તેને કાઢીને ઉછેરી લે, એટલા જ માટે કેટલાક જરૃર કરતાં વધારે વફાદાર ગુલામોએ અરજ કરી કે હજૂર આને શકય છે કે તરત જ કતલ કરાવી દો, આ પણ કોઈ સપોલિયું જ લાગે છે.
(વધુ આવતા અંકે)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version