Home સમાચાર અમેરિકી દૂતાવાસનું યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર

અમેરિકી દૂતાવાસનું યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર

0

હાલમાં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાનો દૂતાવાસ યેરુસ્સલેમ સ્થળાંતર કરવાની ઘોષણા કરી છે અને આના માટે મે’નો મહિનો નક્કી કર્યો છે. ફલસ્તીન ઉપર ઇઝરાયલ દ્વારા બળજબરીપૂર્વકના કબજાને મે મહિનામાં ૭૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજથી બરાબર ૭૦ વર્ષ અગાઉ ઇઝરાયલે લાખો ફલસ્તીનીઓને ઘરવિહોણા કરી એક ગેરકાનૂની અને ના-જાઇઝ દેશનો પાયો ત્યાં નાખ્યો હતો. યહૂદીઓના આ પગલાંથી મધ્યપૂર્વમાં ૭ દાયકાઓથી અશાંતિ અને હિંસાનું મોજું ફરી વળ્યું છે. અમેરિકા અત્યાર સુધી હંમેશથી પોતાને એક મધ્યસ્થી રૃપે જ ઠેરવતો આવ્યો છે પરંતુ વાસ્તવમાં તો અમેરિકાએ કયારેય પણ ફલસતીન કે તેના મજલૂમ લોકોના હિતોની રક્ષા નથી કરી. તે હંમેશથી ઇઝરાયલનો જ હિમાયતી રહ્યો છ. ઇઝરાયલે સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના આ જ સુધી ૮૦થી વધુ ઠરાવોનું ઉલ્લંઘન કર્યું છે. માનવ-અધિકારોના સૌથી ખરાબ કે નિકૃષ્ટમ રીતે પાયમાલીનું આચરણ કરતો રહ્યો છે. તેમ છતાં અમેરિકા ઇઝરાયલને પીઠબળ પૂરું પાડતો રહ્યો છે.

અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલની હિમાયતના પાછલા તમામ રેકોર્ડ તોડવાની યોજના ધરાવતા લાગી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે મે મહિનામાં દૂતાવાસ યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર કરવાની ઘોષણા કરતાં અમેરિકાએ અમારી ખુશી વધારી દીધી છે. જ્યારે અમેરિકાના આ પગલાનો કેટલાય યુરોપીય દેશોએ વિરોધ કર્યો છે અનેક ખ્રિસ્તી તથા યહૂદી સંસ્થા-સંગઠનો છે. જેમણે કહ્યું છે કે અમેરિકાનું આ પગલું આ પ્રદેશમાં શાંતિ-સ્થાપનાની પ્રક્રિયામાં અવરોધરૃપ પુરવાર થશે. આનાથી ફલસ્તીન તથા ઇઝરાયલ વચ્ચેના અંતરમાં વધારો થશે. હિંસા તથા અશાંતિનું નવું મોજું ફરી વળશે. આમ આંતરરાષ્ટ્રીય બિરાદરીઓના વિરોધ છતાં અમેરિકા પોતાના અદૂરદર્શી નિર્ણય ઉપર અડગ છે, અને તેના પર અમલ કરવાની ઘોષણા પણ કરી ચૂકયો છે.

ઇઝરાયલના જાણીતા અખબાર ‘હાર્ટિઝ’એ અમેરિકાની આ ઘોષણાના સંદર્ભમાં પોતાના અંગ્રેજી તથા હિબ્રુ ભાષાના અંકમાં તંત્રીલેખ લખતા આ પ્રતિભાવો વ્યકત કર્યા છે કે અમેરિકાના દૂતાવાસના સ્થળાંતર અંગે કોઈપણ પ્રકારનો ઉત્સવ કે ખુશી મનાવવી ન જોઈએ; કેમ કે અમેરિકાનું આ પગલું નેક-નિયત સાથે ભરવામાં નથી આવી રહ્યું; બલ્કે આ પગલાથી તો સમસ્યાઓમાં ઓર વધારો થઈ જશે. તંત્રીલેખમાં વધુમાં આ વાત પણ કહેવામાં આવી છે કે જો અમેરિકા ઇઝરાયલને ૭૦મા આઝાદી-પર્વની કોઈ ભેટ જ આપવા ઇચ્છતો હોય તોતે આ સમગ્ર દેશમાં શાંતિની સ્થાપનાને નિશ્ચિત બનાવે. આ બાબત ઇઝરાયલ તથા ફલસ્તીન એમ બંને માટે સારી હશે, અને સાથે જ તે કહેતો કે દાવો કરતો આવ્યો છે તેમ એક મધ્યસ્થીની ભૂમિકા નિભાવવામાં પણ સફળ નીવડશે.

સામાન્ય રીતે અમેરિકાને વિશ્વના બીજા દેશોની આંતરિક બાબતોમાં ખૂબ જ દિલચસ્પી હોય છે. કોઈ આરબ રાષ્ટ્ર કે પછી ઈરાનમાં થોડા લોકો પણ દેખાવો કરે છેતો દેખાવકારોના અધિકારોના કહેવાતા રક્ષણ માટે પગલા ભરવા ઉપર વોશિંગ્ટન ભાર મૂકે છે, પરંતુ ૭૦ વર્ષોથી ફલસ્તીનના મજલૂમ કે પીડિત પ્રજા પોતાના અધિકારો મેળવવા માટે નિઃસહાય રીતે સંઘર્ષ કરી રહ્યા છે અમેરિકા તેમના અધિકારો માટે અવાજ નથી ઉઠાવતો. અમેરિકાનું દંભી વલણ કેટલાય દાયકાઓથી ચાલુ છે. સમગ્ર વિશ્વમાં આતંકવાદના ખાત્મા અને શાંતિની સ્થાપના માટેની પ્રતીજ્ઞાાઓ લેવામાં આવે છે, પરંતુ ઇઝરાયલી આતંકવાદ અને હિંસા અંગે અમેરિકા ચુપકીદી સેવે છે. કાંઈ જ બોલતો નથી. લોકશાહીના નામે હિંસાને વેગ આપવામાં આવી રહ્યો છે. લાખો નિર્દોષ બાળકોને લક્ષ્ય બનાવી રહ્યા છે, તેમ છતાં ગુનાઇત ચુપકીદી ધારણ કરી લેવાઈ છે. મધ્ય-પૂર્વમાં પ૦થી વધુ આરબ તથા મુસ્લિમ રાષ્ટ્રો છે, પરંતુ એ રાષ્ટ્રોએ પણ આ ૭૦ વર્ષો દરમ્યાન ફલસતીનીઓને તેમના જાઇઝ અધિકારો અપાવડાવવા માટે કયારેય પણ ગંભીરતાથી સામૂહિક પ્રયત્નો નથી કર્યા. આ દેશોને પોતાનો વ્યક્તિગત્ હિત વધુ પ્રિય છે. વધુ આશ્ચર્યજનક વાત તો આ સામે આવી છે કે કેટલાક શક્તિશાળી આરબ રાષ્ટ્રો એક યા બીજી રીતે નાપાક ઇઝરાયલી ષડયંત્રને ખામોશ સમર્થન આપી રહ્યા છે, જેની હેઠળ કુદ્સ શહેર ૮૦ ટઠકા યહૂદીઓના કબજામાં આવી જશે અને પરાં વિસ્તાર ફલસ્તીનના હવાલે કરી દેવામાં આવશે. આરબ રાષ્ટ્રોની આ સંવેદનહીનતા તથા તેમની ગુનાઇત બેદરકારી કહો કે ગફલતના કારણે જ એ પ્રદેશમાં અમેરિકાની દખલગીરી વધી ગઈ છે અને ઇઝરાયલ વધુ શક્તિશાળી બની ગયો છે.

હજી પણ મે’ પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂતાવાસ સંબંધી નિર્ણયને અટકાવવા મુસ્લિમ દેશો ઉપરાંત ન્યાયપ્રિય યુરોપીય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો અટકાવી મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપના માટે ભરપૂર પ્રયત્નો કરે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version