નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલાં આપેલા એક મહત્ત્વના ર્નિણયમાં વિદેશી ન્યાયાધીકરણ અને ગુવાહાટી હાઇકોર્ટના આદેશને પલટી નાખીને આસામના રહેવાસી મુહમ્મદ રહીમ અલીને ભારતીય નાગરિક ગણાવ્યો છે. અદાલતે કહ્યું કે વિદેશી અધિનિયમની કલમ-૯ ભલે આરોપી પર નાગરિકતા સાબિત કરવાનો બોજ નાખે, પરંતુ તે પહેલાં અધિકારીઓ પાસે કોઈ વ્યક્તિને વિદેશી માનવા માટે કેટલીક ચોક્કસ તથ્યપૂર્ણ માહિતી હોવી જોઈએ. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે સરકાર કોઈ પણ વ્યક્તિ પાસેથી નાગરિક હોવાના પુરાવા ન માગી શકે.
કોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ મૂળભૂત પ્રાથમિક સામગ્રીના અભાવે અધિકારીઓ દ્વારા મનચાહી કાર્યવાહી શરૂ કરવાથી સંબંધિત વ્યક્તિના જીવન પર તેનો ગંભીર પ્રભાવ પડી શકે છે, તેવા અફવાઓ અથવા અસ્પષ્ટ આરોપોના આધારે કલમ ૯ લાગુ કરી શકાય નહીં.
આ ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું છે કે આસામના નલબારી જિલ્લાના રહેવાસી મુહમ્મદ રહીમ અલી પર ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલામાં નલબારીના એક વિદેશી ન્યાયાધીશે ૨૦૧૨માં અલીને એકપક્ષીય આદેશમાં વિદેશી જાહેર કર્યો હતો. ગુવાહાટી હાઇકોર્ટે પણ ૨૦૧૫માં તેના ચુકાદામાં તેને વિદેશી માનીને ન્યાયાધીશના આદેશને માન્ય રાખ્યો હતો. ત્યારબાદ અલીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મુહમ્મદ રહીમને ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિક માનવાનો ઇનકાર કરીને વિદેશી ન્યાયાધીશ અને ગુવાહાતી હાઇકોર્ટના આદેશ રદ કર્યા હતા.