(ન્યૂઝ ડૅસ્ક) ભારતીય જનતા પાર્ટી આગામી વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીઓ અને નજીકમાં યોજાનાર વિધાન સભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા અને જો એ શક્ય ન બને તો તેને વિભાજિત કરવાની પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે મુસ્લિમોના પસમાંદા ગણાતા વર્ગને પોતાની તરફ આકર્ષવા એ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પોતાના સંગઠનમાં મોટા હોદ્દા ઉપર નિમણૂક આપી રહી છે. અલીગઢ મુસ્લિમ યુનિવસિર્ટિના માજી વાઇસચાન્સલર તારિક મન્સૂરની ભારતીય જનતા પાર્ટીના ઉપ-પ્રમુખ તરીકેની નિયુક્તિ તેની આ વ્યૂહ રચનાનો ભાગ છે.
તારિક મન્સૂરે અલીગઢ મુસ્લિમ યુનિવસિર્ટિના વાઇસ ચાન્સલર તરીકે આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું. આ પછી તેમને ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં જે છ વ્યક્તિઓના નામોની નિયુક્તિની ભલામણ ગવર્નરને કરવામાં આવી હતી એમાં તેમનું નામ પણ સામેલ હતું.
અલીગઢ મુસ્લિમ યુનિવસિર્ટિના વાઇસ ચાન્સલર તરીકેના એમના કાર્યકાળમાં એમની કામગીરી હિંદુત્વના રાષ્ટ્રવાદી રાજકારણની હિમાયત કરવાની અને કેમ્પસની ટીકાત્મક ચર્ચાઓનું શમન કરવાની હોવાના કારણે તેમને વિદ્યાર્થીઓની ટીકા અને વિરોધ પ્રદર્શનોનો સામનો પણ કરવો પડ્યો હતો.
૧૫મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પોલીસે અલીગઢ મુસ્લિમ યુનિવસિર્ટિના કેમ્પસમાં ઘૂસી જઈ વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હતો. આ માટેની પરવાનગી તારિક મન્સૂર સાહેબે આપી હતી. આમ કરી તેમણે વિદ્યાર્થીઓના એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર). એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ) અને સીએએ એટલે કે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ વિરુદ્ધના શાંતિપૂર્ણ આંદોલનને બળજબરીપૂર્વક વેરવિખેર કરી નાખ્યું હતું. આ ઉપરાંત વાઇસ ચાન્સેલર તરીકેના એમના કાર્યકાળમાં આઈ.પી.એસ. અધિકારીની રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ પસમાંદા મુસ્લિમ અથવા મુસ્લિમ પછાત વર્ગોના હિમાયતી હોવાનો દાવો તો કરે છે અને એમ પણ જણાવે છે કે બીજા પક્ષોએ મુસ્લિમોનો ઉપયોગ માત્ર મતબેંક તરીકે જ કર્યો છે ? પરંતુ આ બાબતે ભોપાલના ડૉ. અલી અબ્બાસ ઉમ્મીદે વડાપ્રધાનને પૂછેલા પ્રશ્નો પ્રસ્તુત જણાય છે. તેમણે પૂછ્યું છે કે જો અન્ય પક્ષોએ મુસ્લિમોને છેતર્યા હોય તો વડાપ્રધાન અને એમના પક્ષે મુસ્લિમો માટે શું કર્યું છે. તેમણે પૂછ્યું છે કે પછાત વર્ગના મુસ્લિમ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ગત વર્ષથી કોણે બંધ કરી છે? પછાત વર્ગના ગરીબ મુસ્લિમોની સ્વરોજગારી માટેની સબસિડી કોણે બંધ કરી છે?
ડૉ. ઉમ્મીદે જણાવ્યું કે યુપીએ એટલે કે યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સની સરકારે દેશના ૯૯ જિલ્લાઓ લઘુમતી વસતિનું પ્રભુત્વ ધરાવતા જિલ્લા તરીકે જાહેર કરાયા હતા. આ દરેક જિલ્લાને વિકાસ માટે ૧૫ કરોડની નિયત રકમ મળતી હતી. પરંતુ આ યોજના બંધ કરવામાં આવી છે. મદ્રસાઓની ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે. નેશનલ માઇનોરીટી કમિશનમાં કોઈ નિમણૂક કરવામાં આવેલ નથી. શા માટે પછાત મુસ્લિમોને નેશનલ માઇનોરીટીઝ ફાઇનેન્સ ડેવલપ્મેન્ટ કોર્પોરેશન મારફત લાભો નથી મળતાં? સુપ્રિમ કોર્ટની. ફુલ બેંચના હુકમ છતાં ઇમામોને પગાર શા માટે નથી મળતો?આ તમામ પ્રશ્નોના જવાબો વડા પ્રધાનના નેતૃત્વવાળી સરકારે જ આપવાના રહે છે. શું વડા પ્રધાન પોતાના પક્ષની મધ્ય પ્રદેશ રાજ્ય સરકારને પૂછશે કે તેણે પછાત વર્ગના મુસ્લિમો માટે શું કર્યું છે? મુસ્લિમ પછાત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે એણે કેટલા પૈસા આપ્યા છે? મુસ્લિમ પછાત વર્ગના મદ્રસાઓ માટે અને ગૃહ કે કુટિર ઉદ્યોગો માટે કેટલા પૈસા આપ્યાં છે?
એમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં મુસ્લિમોની સૌથી મોટી પછાત જાતિ કુરૈશીઓની છે જેઓ કસાઈ કે ખાટકીનો ધંધો કરે છે. એમનો ધંધો માંસ, હાડકાં અને પ્રાણીઓના ચામડા સાથે સંબંધિત છે. પરંતુ તેમની પાસેથી આ ધંધો લઈ લેવાયો છે, અને હવે માસ અને હાડકાનો આ ધંધો બિનમુસ્લિમો હસ્તક છે. મુસ્લિમ પછાત વર્ગો ઉપરાંત દલિત સમાજનો વારસાગત વ્યવસાય પણ આના કારણે પ્રભાવિત થયો છે.
ડૉ. ઉમ્મીદે કહ્યું કે જે રીતે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના વર્ષમાં ૮૦:૨૦ની રમત શરૂ થઈ હતી એ જ રીતે વડાપ્રધાન એમને રીઝવવાની કોશિશ કરી રહ્યાં છે. એમણે એમ પણ કહ્યું કે એ વાત સાચી નથી કે સમાજના એક વર્ગે આ વર્ગનું રાજકીયકરણ કરી નાખ્યું છે. આ કામ તો ખુદ રાજકીય સંગઠનોએ કર્યું છે. ઇસ્લામમાં કોઈ વ્યક્તિ પોતાના ધંધા-વેપારના કારણે ઉચ્ચ કે નિમ્ન નથી બનતી. મુસ્લિમો એક જ દસ્તરખાન ઉપર જમે છે અને એક જ સફમાં નમાઝ પઢે છે, પછી એનો આર્થિક કે સામાજિક દરજ્જો ગમે તે હોય.
આ સંજોગોમાં મન્સૂર તારિક સાહેબ પસમાંદા મુસ્લિમોના સર્વાંગી વિકાસ અને સંમાનપૂર્ણ જીવન માટે કંઈ કરી શકશે કે કેમ એ તો સમય જ કહેશે.