Home તંત્રીલેખ ‘કટ્ટરપંથી વિરોધી સેલ’ સાંપ્રદાયિકતાના ઝેરનું નવું બાણ

‘કટ્ટરપંથી વિરોધી સેલ’ સાંપ્રદાયિકતાના ઝેરનું નવું બાણ

0

હાલમાં પોલીસની ગુપ્ત આંતરિક નોટિસ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય છે, જે Anti-Radicalisation Cell (ARC) એટલે કે ‘કટ્ટરપંથી વિરોધી સેલ’ વિશે વાત કરે છે. આ બાબતે અલગ સરકારી ઠરાવ (Government Resolution), ગેઝેટ નોટિફિકેશન અથવા ગૃહ વિભાગની સત્તાવાર જાહેરાતનો પુરાવો હજુ સુધી જાહેર ડોમેનમાં સ્પષ્ટ રીતે ઉપલબ્ધ નથી, પરંતુ વીતેલા કેટલાક વર્ષોથી જે રીતે મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને જે પ્રકારની નીતિઓ ઘડવામાં આવી રહી છે તે જોતાં કોઈ નવાઈ લાગતી નથી. વર્તમાન સરકાર પોતાના લક્ષ્યને પામવા ગમે તે હદ સુધી જઈ શકે છે. 15મી જુલાઈના સબરંગ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, 15 જૂનના રોજ ગુજરાત રાજ્ય પોલીસ સેવાના એસ.પી. (ઇન્ટેલિજન્સ) પ્રફુલ વાણિયા (Praful Vaniya) દ્વારા Anti-Radicalisation Cell (ARC) સંબંધિત એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. તે મુજબ, ARCની કામગીરીમાં કટ્ટરપંથીકરણ માટે સંવેદનશીલ માનવામાં આવતી વ્યક્તિઓને ઓળખવા અને તેમના ડોઝિયર્સ જાળવવાથી લઈને કાઉન્સેલિંગ, પુનર્વસન અને હસ્તક્ષેપ પછીની દેખરેખ સુધીની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. SOP જણાવે છે કે ARC જિલ્લા પોલીસ એકમો, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), જેલ સત્તાવાળાઓ અને રાજ્ય ગુપ્તચર બ્યુરોના અધિકારીઓ સાથે સંકલનમાં કાર્ય કરશે.

દેખીતી રીતે સેલનું નામ અને કામ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તેની સામગ્રી જોતાં ખ્યાલ આવે છે કે તંત્ર તેની આડમાં મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવા માંગે છે. નોટિસમાં “અચાનક દાઢી રાખવી, નકાબ પહેરવો, અરબી શબ્દોનો વારંવાર ઉપયોગ કરવો, મિત્રો અને પરિવાર સાથે સંપર્ક ઓછો કરવો, વૈશ્વિક સ્તરે મુસ્લિમ સમુદાય સાથે બનતી ઘટનાઓ સામે તીવ્ર વિરોધ કે રોષ વ્યક્ત કરવો, આતંકવાદીઓની પ્રશંસા કરવી, અથવા વિદેશ પ્રવાસ (દા.ત., અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ) પછી વર્તનમાં ફેરફાર દર્શાવવો” જેવા સંકેતો આપવામાં આવ્યા છે. આગળ, નોટિસ અધિકારીઓને ‘કટ્ટરપંથી વ્યક્તિઓ’ની ખરીદી પ્રવૃત્તિ પર નજર રાખવા કહે છે – “પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર અથવા એમોનિયમ નાઇટ્રેટ ધરાવતા ખાતરો ખરીદવા; LPG સિલિન્ડર મેળવવા; જંગલ જેવા વિસ્તારોની વારંવાર મુલાકાત લેવી; એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનો દ્વારા અખાત (ગલ્ફ દેશો), Pok (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર) અથવા અફઘાનિસ્તાનમાં રહેતી વ્યક્તિઓ સાથે વારંવાર સંપર્ક કરવો; અથવા મોટી માત્રામાં રોકડ ઉપાડવી”નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ જે લોકો ‘ઉગ્રવાદી નેટવર્ક્સ અથવા અરબી કોલેજો/મદરેસાની મુલાકાત લે છે’, આયોજિત પ્રવૃત્તિઓ પહેલાં ઇતિકાફ (મસ્જિદમાં એકાંત) જેવી ધાર્મિક વિધિ કરે છે, ‘ઇસ્લામિક ફરજનું કારણ આપીને અચાનક તેમનું શિક્ષણ અથવા રોજગાર છોડી દે છે’, અથવા ‘જેલમાંથી મુક્ત થયા પછી કટ્ટરવાદી નેતાઓની મુલાકાત લે છે’ તેમને પણ સંભવિત કટ્ટરપંથી તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ પરિપત્રમાં બીજા ધર્મોની સાંસ્કૃતિક ઓળખને કટ્ટરપંથના ચિહ્નોમાં સામેલ કરવામાં આવી નથી.

સાથે જ રેડિકલ વ્યક્તિને ઓળખીને ડિરેડિકલાઇઝ કરવા માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. કથિત ચિહ્નિત રેડિકલ વ્યક્તિ કાઉન્સેલિંગ કર્યા પછી કોઈ ગુનો કરે છે અથવા તેની તૈયારી કરે છે, તો ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. દેશની સુરક્ષાને લઈ પોલીસ કે ઇન્ટેલિજન્સ ચાંપતી નજર રાખે તે અનિવાર્ય છે, તેમાં બે મત હોઈ ન શકે, પરંતુ સુરક્ષાના નામે સામાન્ય નાગરિકો – વિશેષ કરીને મુસલમાનોને હેરાન કરવાનો કોઈ અધિકાર નથી. આ એક સ્પષ્ટ કાવતરૂં દેખાય છે, કેમ કે સામગ્રીમાં જે વસ્તુઓને કટ્ટરવાદના ચિહ્ન તરીકે દર્શાવવામાં આવી છે તેમાં મોટા ભાગે તેમની સાંસ્કૃતિક ઓળખ છે, જેને અનુસરવી એ તેમનો બંધારણીય અધિકાર છે. આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા અત્યાર સુધી જે કાયદાઓ બન્યા છે તેના દુરુપયોગથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ, ત્યારે આવા સેલ પ્રત્યક્ષ રીતે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવશે. આ સેલની રચના ‘સૌનો વિશ્વાસ’ સૂત્રની પોલ ખોલી નાખે છે.

27 ડિસેમ્બર 2015ના એનડીટીવીના અહેવાલ મુજબ, લખનૌ ખાતે એક કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “આજે, વિશ્વભરમાં ISISની વાત થઈ રહી છે. પરંતુ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિના કૌટુંબિક મૂલ્યોને કારણે તે પોતાના મૂળિયા સ્થાપિત કરી શક્યું નથી.” આવી જ રીતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના અહેવાલ મુજબ તેમણે 2017માં પણ આ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે, “ભારતના મુસલમાનોમાં દુનિયાના મુસલમાનોની તુલનામાં ઓછી કટ્ટરતા છે. એટલા માટે ભારતને ISIS જેવા આતંકવાદી સંગઠનથી કોઈ ખતરો નથી.” આ માત્ર નિવેદન નથી પરંતુ વાસ્તવિકતા છે. છતાં આ પ્રકારના સેલની રચના થાય તો તે ઘણું બધું કહી જાય છે.

પરિપત્રની સત્યતા ટૂંક સમયમાં જ આપણી સમક્ષ આવી જશે, પરંતુ આ કોઈ નવો વિચાર નથી. ડિરેડિકલાઇઝેશન મિકેનિઝમનો વિચાર સૌ પ્રથમ 2015માં ગુજરાતના કચ્છના રણમાં યોજાયેલી ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-IGP) કોન્ફરન્સમાં લોકપ્રિય બન્યો હતો. ત્યારબાદ 2020માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે DGP અને IGPની વાર્ષિક પરિષદમાં આ સેલના વિચારની ભલામણ કરી હતી. 26 નવેમ્બર 2022ના ઇન્ડિયા ટુડે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે સમાચાર પત્રોના અહેવાલો મુજબ ભાજપે તેના 2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં ARC સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. આ ચૂંટણી ઢંઢેરામાં ARCનું ગઠન, UCC, 20 લાખ રોજગાર અને વન ટ્રિલિયન ઇકોનોમી બનવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જેમાં વિકાસના વાયદા હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી.

માની લો કે આ પરિપત્ર સાચો છે (જેમ કે તેના સાચા હોવાની સંભાવના ઘણી છે) તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પરિપત્ર બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે, જેમાં કાયદા સમક્ષ સમાનતા અને સમાન કાનૂની સુરક્ષાની વાત કરવામાં આવી છે. આ પરિપત્રની સામગ્રી કલમ 19, કે જેમાં વાણી, સભા, સંગઠન, અવરજવર, વસવાટ અને વ્યવસાયની સ્વતંત્રતા આપવામાં આવેલી છે તેનું પણ ઉલ્લંઘન કરે છે. આવી જ રીતે તે કલમ 21, કે જે ગૌરવપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે તેની વિરુદ્ધ છે, તથા કલમ 25માં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા (માનવું, પાલન કરવું અને પ્રચાર કરવો)નું છડેચોક હનન છે. દુર્ભાગ્યે સ્વતંત્ર ભારતમાં ધીમે ધીમે સાંપ્રદાયિકતાનું ઝેર વધતું જઈ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તેમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આપણો દેશ લોકશાહીથી સરમુખત્યારશાહી તરફ વધી રહ્યો છે અને ખાસ કરીને આ બાબતે ગુજરાત એક સાંપ્રદાયિક ફાસીવાદની પ્રયોગશાળા બની ગયું છે. કોમવાદ ફેલાવતા રાજકારણીઓનું વારંવાર ચૂંટાવું તેની સ્પષ્ટ સાબિતી છે. આ એક ઘૃણાસ્પદ પ્રકારની રાજનીતિ છે જે લોકશાહી અધિકારો અને મૂળભૂત માનવીય મૂલ્યોની હત્યા કરે છે. ગાંધીનું ગુજરાત સાંપ્રદાયિકતાનું કેન્દ્ર કેવી રીતે બની ગયું તે આપણા માટે એક કેસ સ્ટડી છે. વાસ્તવમાં આપણા રાજ્યને ડિરેડિકલાઇઝ કરવાની નહીં, બલ્કે ડીકોમ્યુનલાઇઝ કરવાની જરૂર છે. તો જ આપણે 1 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યને પામી શકીએ. મને લાગે છે કે જો આજે ગાંધીજી જીવતા હોત તો તેઓ આ સેલની રચના વિરુદ્ધ અનશન પર બેઠા હોત. ગાંધીમૂલ્યોને માનનારા, બંધારણપ્રેમી અને ન્યાયપ્રિય નાગરિકોએ આ ઘૃણાસ્પદ સેલ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ રહ્યો. બંધારણ સિંહ સમાન હતું, પરંતુ ધીમે ધીમે ખૂબ જ ચાલાકીથી તેના દાંત અને નખ તોડવામાં આવી રહ્યા છે.

– શકીલ અહમદ રાજપૂત

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version