(૧૦) અનુવાદ :
હઝરત યઝીદ બિન સલમા રદિ.થી રિવાયત છે કે તેઓ કહે છે કે મેં અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ﷺ ! મેં આપનાથી ઘણી વાતો સાંભળી છે. મને ભય છે કે તેનો આરંભ અને અંત મને યાદ ન રહે, આથી આપ ﷺ મને એવી વાત બતાવી દો જે સર્વગ્રાહી હોય. આપ ﷺએ ફરમાવ્યું : “જે કાંઈ જાણો છો તેના વિષે અલ્લાહથી ડરતા રહો.” ૧પ (તિર્મિઝી)
સમજૂતી :
હુઝૂર ﷺના ઇર્શાદની પશ્ચાદ્ભૂમિ જણાવે છે કે આ એક બહુવચનનો શબ્દ છે જે ઘણાં કથનો અને ઉપદેશોને એકત્ર કરે છે. જે માણસે આને સમજીને અખત્યાર કરી લીધો તેના માટે ખૈર અને ભલાઈના તમામ માર્ગો વિશાળ થઈ જશે.
“જે કંઈ જાણો છો તેના વિશે અલ્લાહથી ડરતા રહો” માં ઘણી વાતો તરફ સંકેત જોવા મળે છે. આનાથી એક વાત તો આ જણાઈ કે જ્યાં સુધી અલ્લાહની બીક તથા ખ્યાલ ન હોય ત્યાં સુધી સુધારણા માટે માત્ર જ્ઞાન પૂરતું નથી. તે એટલા માટે કે જ્ઞાનની સાથે આ પણ જરૂરી છે કે માણસ પોતાના દિલમાં અલ્લાહનો તકવા અને ભય પેદા કરે. આ વસ્તુ જ્ઞાનનો મજબૂત પાયો પણ છે. પછી અમલના પ્રેરકબળમાં સૌથી મોટું પ્રેરક કે ચાલકબળ અલ્લાહની બીક છે. જ્યાં અલ્લાહની બીક ન જોવા મળતી હોય ત્યાં ભલેથી બાહ્ય રીતે જ્ઞાન તથા સમજદારીનો ગમે તેટલો ભંડાર જ કેમ મૌજૂદ ન હોય, આ સંતોષ નથી હોઈ શકતો કે માણસ પોતાના જીવનમાં જ્ઞાનનું ધ્યાન પણ રાખશે. નૈતિકતાના કેટલાક પુસ્તકોમાં આની સ્પષ્ટતા મળે છે કે નૈતિકતાના જ્ઞાનના અધ્યયનનો અર્થ આ કદાપિ નથી કે આનાથી માણસ ચોક્કસપણે ચરિત્રવાન પણ બની જશે. રસૂલુલ્લાહ ﷺના આ કથનથી આ પણ જણાયું કે મો’મિન (ઈમાનવાળા) માણસ પાસે જેટલું પણ જ્ઞાન છે, જો તે તેનો હક્ક આળખે છે અને તેને જીવનમાં પોતાનો માર્ગદર્શક બનાવે છે તો આ એ વાતનો પુરાવો છે કે જો આનું જ્ઞાન ઓર વધારે હોત તો તે એનું પણ પોતાના જીવનમાં ધ્યાન રાખતો. ખરો ભરોસો તેની આ જ ભાવના અને એખલાસનો છે. દરેક મો’મિન (ઈમાનવાળા) પાસે એટલું જ્ઞાન હોય છે જ કે જે નજાત-મુક્તિ માટે પૂરતું છે. શરત આ છે કે તે એ જ્ઞાનને પોતાની બે-અમલી (અકર્મણ્યતા) અને ઢીલથી વેડફી ન દે.
રઝીનની રિવાયતમાં “અને તેના પર અમલ કરો”ના શબ્દો પણ આવ્યા છે જેનાથી જણાયું કે અલ્લાહથી ડરવાનો તકાદો છે કે માણસ જે કંઈ જાણે છે તેના પર અમલ-કર્મ પણ કરે.
(૧૧) અનુવાદ :
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે અબુલ કાસિમ ﷺએ ફરમાવ્યું : “એ ઝાત (હસ્તી)ના સોગંદ જેના હાથમાં મારા પ્રાણ છે. જે કંઈ હું જાણું છું જાે તમે જાણતા તો રડતા વધુ અને હસતા ઓછા જ.” ૧૬
સમજૂતી :
માણસની સ્થિતિ દુનિયામાં એટલી વધારે નાજુક છે કે તેનું અને આગળ જે તબક્કાઓ આવવાના છે તેમનું જ્ઞાન તથા અહેસાસ જો પૂરી રીતે તેને થઈ જાય તો જીવનના સમયમાં તેની પાસે હસવા માટે ઓછો અને રડવા માટે વધુ સમય હશે. અલ્લાહની મહાનતા અને તેના જલાલનો ખયાલ ક્યારેય પણ તેને બે-પરવા થવા નહીં દે. હસી માણસને સામાન્ય રીતે બેપરવાઈની સ્થિતિમાં આવે છે.
એક હદીસમાં છે કે અર્શ (આકાશ)ના છાંયડામાં સ્થાન મેળવનારાઓમાં એ માણસ પણ હશે કે જેણે એકાંતની સ્થિતિમાં અલ્લાહને યાદ કર્યો. પછી તેની આંખો અશ્રુભીની થઈ ગઈ.” (બુખારી તથા મુસ્લિમ)