ન્યાયના ધ્વજવાહકો પર જુલમ અને અત્યાચારીઓ પર દયા

0
31

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી જે વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો નાગરિક અધિકારોના રક્ષણ માટે કામ કરે છે અથવા સરકારની ખોટી કામગીરી અને નીતિઓની ટીકા કરે છે, તેમને સરકારી જુલ્મ, બદલાનો અને ગેરકાયદેસર કાર્યવાહીનો સતત સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્રનું આ વર્તન ન માત્ર લોકશાહીની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે, પરંતુ નાગરિક સ્વતંત્રતાને ખતમ કરવાના ખતરનાક વલણને પ્રતિબિંબિત છે.

આજકાલ સરકારના અત્યાચારો સામે ઊભા થનારા કાર્યકર્તાઓને સામાન્ય રીતે દેશદ્રોહી અથવા આતંકવાદી હોવાના આરોપોનો સામનો કરવો પડે છે. થોડા દિવસો પહેલા અલ્ટ ન્યૂઝના મુહમ્મદ ઝુબેર વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તેમને દેશની અખંડિતતા માટે જોખમ ગણાવવામાં આવ્યા હતા. ઝુબેરે અલ્ટ ન્યૂઝ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં યતિ નરસિંહા નંદનું નફરત ફેલાવતું ભાષણ દર્શાવવામાં આવ્યું હતું. હમણાં જ એપીસીઆરના મહાસચિવ નદીમ ખાન વિરુદ્ધ માત્ર એટલા માટે એફઆઈઆર દાખલ કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે કે તેઓ ભીડ હિંસામાં માર્યા ગયેલા મુસ્લિમો વિશે વાત કરતા જોવા મળ્યા હતા. ન્યાય અપાવનારાઓ વિરુદ્ધ સરકારી કહેરનો આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે. આ પહેલાં ભીમા કોરે ગામ કેસમાં માનવ અધિકાર કાર્યકર્તાઓને આતંકવાદના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા, જેમાં સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, વરવરા રાવ અને અન્યનો સમાવેશ થાય છે. તેમના પર આરોપ હતો કે તેમણે સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું, જ્યારે આ બધા સામાજિક ન્યાય માટે કામ કરતા લોકો હતા. આ બધી ધરપકડો એવા આરોપો હેઠળ કરવામાં આવી હતી જેના પુરાવા અવિશ્વસનીય અને વિવાદાસ્પદ હતા. આ રીતે દેશમાં સામાજિક ન્યાય માટે કામ કરનારાઓને વારંવાર કાયદાના નામે હેરાન કરવામાં આવે છે.

2020માં દિલ્હીમાં થયેલા દંગાઓ બાદ, શાંતિ અને ન્યાય માટે કામ કરનારા લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. જામિયા મિલિયા ઇસ્લામિયા અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતાઓ, સફુરા ઝરગાર, ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ અને આસિફ ઇકબાલ તન્હા પર દંગો ભડકાવવાના આરોપો લગાવવામાં આવ્યા હતા, જ્યારે વાસ્તવિક ગુનેગારોને અવગણવામાં આવ્યા હતા. તેમાંના ઘણા લોકો આજે પણ કોઈ અદાલતી કાર્યવાહી વગર જેલમાં બંધ છે.

માત્ર વ્યક્તિઓ જ નહીં, પરંતુ નાગરિક અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓની કામગીરીને સતત સંકોચવામાં આવી રહી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને ગ્રીનપીસ જેવી સંસ્થાઓ પણ આનાથી અછૂતી રહી નથી. માનવ અધિકારોના મુદ્દે અવાજ ઉઠાવ્યા બાદ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને ભારતમાં નાણાકીય નિયમોના ઉલ્લંઘનના ખોટા આરોપો હેઠળ પોતાનું કાર્યાલય બંધ કરવાની ફરજ પડી હતી. એફસીઆરએનો દુરુપયોગ કરીને ઘણી એનજીઓને બંધ કરી દેવામાં આવી હતી અથવા તેમનું ફંડિંગ રોકી દેવામાં આવ્યું હતું.

સરકારના ભ્રષ્ટાચાર અને ખોટા કામોને લગતા સત્યને બહાર લાવનારા પત્રકારો પણ આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમને ધમકીઓ મળે છે, તેમની વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવે છે અને મીડિયા અને સોશિયલ મીડિયા પર તેમની વ્યક્તિત્વહનનની નિયમિત ઝુંબેશ ચલાવવામાં આવે છે.

આ બધા ઉદાહરણો દર્શાવે છે કે ભારતમાં નાગરિક અધિકારો માટે કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ અને સરકારની ખામીઓ બહાર લાવતા નિર્ભય પત્રકારો આજકાલ એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારના કાર્યો ન માત્ર તેમના કાર્યક્ષેત્રને સંકુચિત કરી રહ્યા છે પરંતુ તેનાથી દેશમાં આઝાદી પછીથી ચાલુ રહેલી લોકશાહી સ્વતંત્રતાઓ અને સંવિધાનિક મૂલ્યો પણ જોખમમાં છે.

ભારતમાં લોકશાહી વ્યવસ્થા હેઠળ ન્યાય, સામાજિક સમાનતા અને માનવ અધિકારોનું રક્ષણ ભારતીય સંવિધાનની મૂળભૂત બાબતોમાં સમાવિષ્ટ છે. પરંતુ આજે આ જ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ખાસ કરીને જ્યારે સરકાર હેઠળની સંસ્થાઓ, જેમાં પોલીસ પણ સામેલ છે, ન્યાયના પ્રતીકોને નિશાન બનાવે છે અને નફરત ફેલાવનારાઓ માટે નરમ રહે છે. કારણ કે દેશમાં સરકાર તરફથી એક તરફ ન્યાયના પ્રતીકો પર અત્યાચાર અને અન્યાયનો સિલસિલો ચાલુ છે તો બીજી તરફ નફરત અને ફૂટ ફેલાવનારાઓ માટે નરમાઈ અને કરુણાનો વ્યવહાર અપનાવવામાં આવે છે.

કેટલાક રાજકારણીઓ ખુલ્લેઆમ અલ્પસંખ્યકો વિરુદ્ધ ઉશ્કેરનારા નિવેદનો કરે છે પરંતુ સરકાર તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. “ગોલી મારો…” જેવા માનવતા વિરોધી નારા લગાવનારાઓને પણ હાથ નથી અડાતો. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય મંત્રીઓ ખુલ્લેઆમ મુસ્લિમો અને અન્ય અલ્પસંખ્યકો વિરુદ્ધ નિવેદનો કરતા રહે છે, પરંતુ તેમની વિરુદ્ધ ન તો કોઈ તપાસ થાય છે અને ન તો કોઈ કાનૂની કાર્યવાહી થાય છે. સરકારમાં સામેલ લોકો નિયમિતપણે એવા સમારોહોમાં ભાગ લે છે જ્યાં અલ્પસંખ્યકો વિરુદ્ધ નફરત ફેલાવનારા ભાષણો આપવામાં આવે છે. આમાં ખુલ્લેઆમ મુસ્લિમો વિરુદ્ધ હત્યા કરવાની અપીલ કરવામાં આવેછે, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી કરતી નથી. ગૌરક્ષાના નામે હત્યા કરનારાઓને ઘણી વખત ન માત્ર છોડી દેવામાં આવ્યા પરંતુ તેમને હીરો તરીકે રજૂ કરવામાં આવ્યા, તેમને સરકારી પ્રતિનિધિઓનું પણ સમર્થન મળ્યું.

નફરત ફેલાવનારાઓને સરકારનું સમર્થન અને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવી એ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે. આનો ઉદ્દેશ છે ફિરકાવાદી વિભાજન દ્વારા સત્તા મજબૂત કરવી. આ સ્થિતિ ભારતના લોકશાહી તંત્ર અને સામાજિક સુમેળ માટે ખતરનાક છે. આ ભેદભાવ માત્ર એક ચોક્કસ જૂથ સામે નહીં, પરંતુ દેશના લોકશાહી ઢાંચા અને સંવિધાનિક મૂલ્યો સામે પણ છે. આનાથી કાયદાનું શાસન નબળું પડે છે અને લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. માનવ અધિકારોના આ ઉલ્લંઘનને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, જે દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને તેની પ્રગતિમાં અવરોધરૂપ છે. જનતાએ આ નફરત ફેલાવતી રાજનીતિને સમજવી જોઈએ અને સમુદાયો વચ્ચે સદભાવના વધારવા માટે એક થવું જોઈએ. આમ કરવાથી આપણે ભારતના લોકશાહી મૂલ્યો અને સામાજિક એકતાનું રક્ષણ કરી શકીશું. આપણા દેશની વર્તમાન સ્થિતિ એવી માંગ કરે છે કે દરેક નાગરિક સંવિધાનનું રક્ષણ કરે અને ન્યાય સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરે. સરકાર દ્વારા ન્યાયપ્રિય લોકોને દબાવવા અને નફરત ફેલાવનારાઓને સુરક્ષા આપવી એ માત્ર રાજકીય લાભ માટે છે, જે લાંબા ગાળે સમાજ અને સરકાર બંને માટે હાનિકારક છે. આ સ્થિતિ બદલવા માટે જનતાએ એક થઈને રણનીતિ સાથે આગળ વધવું જોઈએ જેથી આપણો દેશ એક સાચો લોકશાહી દેશ બની રહે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here