મુસ્લિમ પર્સનલ લૉ વિશે જાગૃતિ લાવવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનો અભિયાન :

0
11

“મો’મિન ફક્ત એહકામે ઇલાહી કા હૈ પાબંદ”

લે. શકીલ અહમદ

કોઈ પણ વિષયમાં સફળ થવા માટે બે વસ્તુ જરૂરી છે એક છે તે વિષયનું જ્ઞાન અને બીજું તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ. દાખલા તરીકે કાર બનાવવાનું જ્ઞાન એક વસ્તુ છે અને કાર ચલાવવાનો જ્ઞાન બીજી વસ્તુ. બંને એકબીજાના પૂરક છે, બલકે કેટલાક કિસ્સામાં કાર ચલાવવાનું જ્ઞાન કાર બનાવવાના જ્ઞાનથી વધારે મહત્વપૂર્ણ હોય છે. જીવનની કાર ચલાવવા માટે પણ બે વસ્તુઓ જરૂરી છે. માનવી જીવનને બાકી રાખવા માટે અલ્લાહે સંપૂર્ણ બ્રહ્માંડમાં સુંદર વ્યવસ્થાનું સર્જન કર્યું છે. આપણી આંખો સમક્ષ થતો સૂર્યોદય અને સૂર્ય અસ્ત, આ નદીઓ તળાવો, જંગલો અને પર્વતો વરસાદ અને હવા, વિભિન્ન પ્રકારના જીવ જંતુઓ વગેરે એટલા માટે છે કે પૃથ્વી ઉપર માનવી જીવન ટકી શકે. તેના માટે અલ્લાહે તેને બુધ્ધિ પ્રદાન કરી છે. નાત જાત, ધર્મ સંપ્રદાય, રંગ ભાષાના ભેદ વગર જે વ્યક્તિ કે સમુદાયે તેનો જેટલો ઉપયોગ કરશે તેટલી પ્રગતિ પામશે. પરંતુ માનવની એક બીજી જરૂર તેં છે તેની આધ્યાત્મિક પ્રગતિ. આ આધ્યાત્મિક વિકાસ માટેની વ્યવસ્થા અલ્લાહે પોતાની પાસે રાખી અને સમયાન્તરે પોતાના નબીઓ મોકલીને લોકોને સત્ય માર્ગ તરફ માર્ગ દર્શન કર્યું. આ વ્યવસ્થાની અંતિમ કડી રૂપે હઝરત મોહમ્મદ સ.અ.વ.ને મોકલવામાં આવ્યા. આપે કુરાનના માધ્યમથી લોકોનું માર્ગદર્શન કર્યું. પોતાના આદર્શ રૂપી જીવનથી હરામ અને હલાલ, સત્ય-અસત્ય, સાચું- ખોટું વિશે વિસ્તાર પૂર્વક સમજણ આપી. જે લોકો આ શિક્ષણ મુજબ પોતાના જીવનને શણગારશે તેવો દુનિયા અને આખીરતમાં સફળ થશે. જેઓ પોતાની મનમાની કરશે તેઓ નિષ્ફતા પામશે. આદમ અ.સ.થી નબી સ. અ. વ સુધી બધા નબીઓનું જે મૂળ શિક્ષણ હતું તેનું નામ ઇસ્લામ છે. આપણે સહુ જાણીએ છીએ કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દીન એ ઇસ્લામ છે. ઇસ્લામ માત્ર આસ્થા, નૈતિકતા, વર્તન વ્યવહાર અને અમુક ધાર્મિક રૂઢીઓ સુધી સીમિત નથી પરંતુ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. ‘ઈમાન’નો અર્થ હોય છે માનવું અને ‘મુસલમાન’નો અર્થ હોય છે આજ્ઞાકાર કે સમર્પણ કરનાર. એટલે વ્યક્તિ જ્યારે સનાતન વાસ્તવિકતાઓને એટલે કે તૌહિદ, રિસાલત અને આખિરતને માની લે તો તેનો તકાદો છે કે તે અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવેલ કાયદા અને કાનૂનનો સ્વીકાર કરે અને પોતાનાં જીવનમાં અમલ કરી આસ્થામાં સાચા હોવાની સાબિતી આપે. શરિયતના કાયદાઓ અને નીતિ નિયમો ઈમાનનો જ ભાગ છે. આ કાયદાઓના બે પ્રકાર છે. ફોજદારી કાયદાઓ અને દિવાની કાયદાઓ. દિવાની કાયદાઓનો એક નાનકડો ભાગ પર્સનલ લૉ છે જેનો સંબંધ પારિવારિક વ્યવસ્થા સાથે છે. જે વ્યક્તિની ખાનગી બાબત છે.

મુસ્લિમ પર્સનલ લૉ કુર્આન અને શરિયત પર આધારિત કાયદાઓ નો ભાગ હોવાથી તેના ઉપર આચરણ કરવું દરેક મુસલમાનની ધાર્મિક અને નૈતિક જવાબદારી છે. કેમ કે અલ્લાહ તઆલા સુરઃ માયદામાં ફરમાવે છે કે જે લોકો  અલ્લાહના અવતરિત કરેલા કાનૂન મુજબ ન્યાય ન કરે તેઓ જ અત્યાચારી છે.(આયત ૪૫)

અલ્લાહ તઆલાએ જે કાયદાઓ આપ્યા છે તેમની હેસિયત ભલામણની નથી પરંતુ આદેશોની છે તેથી તેમના ઉપર અમલ કરવો જ રહ્યો. આપણા દેશ ભારતમાં પણ 1937માં શરિયા એક્ટ બનાવવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પછી પણ બંધારણે દરેક નાગરિકને તેના ધર્મ અને પર્સનલ લો ઉપર અમલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આજ સ્વતંત્રતા આપણા દેશને ધર્મ નિરપેક્ષ, શ્રેષ્ઠ, સુંદર અને સૌહાર્દપૂર્ણ બનાવે છે. કેટલાક સમયથી આ પર્સનલ લૉને બદલવા, બદનામ કરવા અને તેના સંબંધમાં શંકા કુશંકા પેદા કરવાનો આયોજનબદ્ધ કરવામાં આવી રહ્યાં છે. મુસ્લિમ સમાજ સામે આ એક મોટી સમસ્યા છે. પરંતુ બીજી બાજુ એ પણ નરી વાસ્તવિકતા છે કે મુસલમાનો પણ પોતાના પર્સનલ લાથી અજાણ છે. જેના કારણે તેમના સમાજમાં ઘણી બધી અજ્ઞાનતા પૂર્ણ અને બિન ઇસ્લામી રીતિ રિવાજો જોવા મળે છે. જે દેશબાંધવોમાં ગેર સમજો ઉત્પન્ન કરે છે. મુસ્લિમ સમાજને પણ નિકાહની ઈસ્લામી રીત બહુપત્નીત્વના કારણો અને હિકમત,  તલાક કેમ અને કઈ રીતે, શરઈ હલાલા અને નિંદાપત્ર હલાલાની રીત,  વારસાધીકાર અને વસિયતના મસાઈલ, હિબા (ગિફ્‌ટ આપવો), ઇદત દરમિયાન ખાધ ખોરાકી ની જવાબદારી વગેરે જાણવાની જરૂર છે. દુનિયામાં એક સામાન્ય નિયમ છે કે વ્યક્તિ કોઈ પણ કામ કરતા પહેલા તેને શીખે છે પરંતુ જીવનની બાબતમાં આવું દેખાતું નથી. પારિવારિક જીવન વિશે શીખ્યા વગર જ એ લગ્ન કરે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પારિવારિક કાયદાઓ એ કોઈ ઈસ્લામી સંસ્કૃતિ નથી પરંતુ ઇસ્લામી જીવનનો અભિન્ન અંગ છે આપણે તેનું જતન કરવું જ રહ્યું મુસ્લિમ પર્સનલ લો વિશે આપણને ત્રણ કામ કરવાની જરૂર છે. પ્રથમ, પર્સનલ લૉ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું અને આપણા આધીન જે લોકો છે  તેમનું પ્રશિક્ષણ આપવું. બીજું, મુસ્લિમ સમાજમાં ઘરે ઘરે અને લોકો વચ્ચે જઈ જાગૃતિ પેદા કરવી અને તેમની અંદર આ કાયદાઓ ઉપર અમલ કરવાની પ્રબળ ભાવના ઉત્પન કરવી. ત્રીજું, આપણે જે દેશમાં રહીએ છીએ તેની એક મોટી આબાદી આ કાયદાઓ વિશે ગેરસમજો ધરાવે છે. શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચી મુસ્લિમ પર્સનલ લાનો પરિચય કરાવવો, વિશેષ કરીને પ્રભાવશાળી લોકોને ટાર્ગેટ કરવા કે જેથી મોટા પાયે જાગૃતિ લાવી શકાય. અને ઇસ્લામ વિશે જોવા મળતી ભ્રમણાઓ દૂર થઈ શકે. આપણે જાણીએ છીએ કે ઈસ્લામી શિક્ષણ એ બિલકુલ માનવી પ્રકૃતિ મુજબ છે, તેથી પ્રાકૃતિક શિક્ષણ જ્યારે લોકો સુધી પહોંચશે તો તેને જોઈ સાંભળી તેમની આત્મા ગદગદ થઈ જશે. પ્રવર્તમાન તમામ સમયે જમાઅતે ઈસ્લામી હિન્દ ગુજરાત દ્વારા યોજવામાં આવેલ અભિયાન “મોમીન ફકત અહકામે ઈલાહી કા હૈ પાબંદ” (તા. ૧૩ જૂનથી ૨૨ જૂન ૨૦૨૫) પ્રશંસાને પાત્ર છે. મુસ્લિમ પર્સનલ લૉ વિશેનો આ જાગૃતિ અભિયાન માત્ર એક સંસ્થા કે સંગઠનનો નહીં પરંતુ સંપૂર્ણ મુસ્લિમ સમાજનો બનવો જોઈએ કે જેથી જન માનસમાં પરિવર્તન લાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here