Home રોશનીના મીનાર હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ

હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ

0

✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા

હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના સરદાર, અરબના નામાંકિત શ્રેષ્ઠ થોડા સજ્જન પુરુષોમાંથી એક હતા. તેઓ ખૂબ આતિથ્યશીલ અને દાતા માણસ હતા. મહેમાનોની ભરમારને કારણે તેમના ઘરમાં હંમેશા ખાવાના મોટા વાસણો ચૂલે ચઢેલા રહેતા અને તેમના ઘરના દરવાજા આવનારા મહેમાનોના સ્વાગત માટે હંમેશાં ખુલ્લા રહેતા. તેઓ ભૂખ્યાને ખાવાનું ખવડાવતા, ડરેલા લોકોને સહાનુભૂતિ આપતા અને આશ્રય માંગનારાઓને પોતાના શરણમાં લેતા. આ બધી ખૂબીઓ ઉપરાંત તેઓ અત્યંત બુદ્ધિમાન અને જબરદસ્ત લેખક, ખૂબ નાજુક વિચારો ધરાવતા સંવેદનશીલ કવિ અને કલમ તથા વકતવ્યની સુંદરતા અને કદરૂપતા તેમજ સ્વાસ્થ્ય અને બીમારીના તફાવતને સમજવામાં અસાધારણ સમજ ધરાવતા વિવેચક હતા.

હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. પોતાના કુળના પ્રદેશ તહામાને છોડીને મક્કા તરફ રવાના થયા. તે સમયે રસૂલુલ્લાહ ﷺ મક્કાના કુરૈશ વચ્ચે સત્ય અને અસત્યની જબરદસ્ત લડાઈ ચાલી રહી હતી. અને બંને પક્ષો પોતપોતાના જૂથ માટે સહાયકો અને સમર્થકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. રસૂલુલ્લાહ ﷺ હક અને ન્યાયના શસ્ત્રોથી લોકોને અલ્લાહની બંદગી તરફ આમંત્રિત કરી રહ્યા હતા અને કુરૈશના અસત્યવાદીઓ દરેક પ્રકારના ષડ્‌યંત્રોનો ઉપયોગ કરીને આ આમંત્રણનો વિરોધ કરી રહ્યા હતા અને લોકોને ઇસ્લામથી દૂર રાખવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા હતા.

મક્કા પહોંચીને હઝરત તુફૈલ રદિ.ને અનૂભુતિ થઈ કે તે કોઈ તૈયારી વગર આ યુદ્ધમાં સામેલ થઈ રહ્યા છે અને આ લડાઈમાં અજાણતાં ખેંચાઈ રહ્યા છે. તેઓ આ મુકામ પર કોઈ ખાસ હેતુથી આવ્યા ન હતા અને મુહમ્મદ ﷺ અને કુરૈશ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષની તેમને કોઈ અપેક્ષા પણ ન’હોતી. આ કારણે આ સંઘર્ષ સાથે જોડાયેલી તેમની અવિસ્મરણીય અને વિચિત્ર ઘટના સાંભળવા જેવી છે. હઝરત તુફૈલ રદિ. આ ઘટનાનું વર્ણન કરતાં કહે છેઃ “જ્યારે હું મક્કા પહોંચ્યો ત્યારે મને જોઈને કુરૈશના સરદાર મારી તરફ દોડી આવ્યા અને ખૂબ ઉષ્માપૂર્વક મારૂં સ્વાગત કર્યું અને મને ખૂબ માન-સન્માન આપ્યું. પછી તેમના મોટા મોટા સરદાર અને પ્રભાવશાળી લોકો મારી આસપાસ એકઠા થયા અને મને કહેવા લાગ્યાઃ તુફૈલ રદિ., તમે અમારા શહેરમાં આવ્યા છો અને આ વ્યક્તિ જે પોતાને નબી કહે છે, તેણે અમારો બધો મામલો બગાડી નાખ્યો છે. તેણે અમારી એકતા તોડી નાખી છે અને અમારા સમૂહને વિખેરી નાખ્યો છે. અમને આ વાતની ચિંતા છે કે ક્યાંક તમને અને તમારી આગેવાનીને પણ તે જ ખતરો ન પહોંચે જેનાથી અમે પીડાઈ રહ્યા છીએ. તેથી તમારા હિતમાં એ જ સારૂં છે કે તમે તે વ્યક્તિ સાથે કોઈ વાત ન કરો કે તેની કોઈ વાત ન સાંભળો. કારણ કે તેની વાતોમાં ખૂબ જાદુઈ શક્તિ છે. તેની વાણીમાં અદભૂત પ્રભાવ છે. તે આ વાતો દ્વારા પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને પતિ-પત્ની વચ્ચે જુદાઈ કરાવી દે છે.”

હઝરત તુફૈલ રદિ. પોતાની વાર્તાને આગળ વધારતાં કહે છેઃ

“ખુદાની કસમ! લોકો સતત મને તે વ્યક્તિની અજીબ-અજીબ વાતો સંભળાવતા હતા, અને તેના આશ્ચર્યજનક કારનામાઓથી મને મારી જાત અને મારા સમાજ વિશે ખૂબ ડર લાગવા માંડયો હતો. આટલું બધું થયા પછી મેં એવો ર્નિણય લીધો કે હું તે વ્યક્તિને ન તો મળીશ, ન તો તેની સાથે વાત કરીશ અને ન તો તેની કોઈ વાત સાંભળીશ. અને જ્યારે હું કા’બાના તવાફ કરવા અને તેમાં સ્થાપિત મૂતિર્ઓનું પૂજન કરવા માટે ગયો, જેનું અમે સન્માન કરતા હતા, ત્યારે મને આ ડર હતો કે કદાચ મુહમ્મદની કોઈ વાત મારા કાનમાં ન પડી જાય, માટે મેં મારા કાનમાં રૂ નાંખી દીધું હતું. મસ્જિદમાં પ્રવેશ કરતાં મેં મુહમ્મદને કા’બાની નજીક ઊભા રહીને નમાઝ અદા કરતા જોયા. તેમની ઇબાદતની રીતો અમારી રીતોથી અલગ હતી. તે દૃશ્ય મને ખૂબ ગમ્યું અને તેમની ઇબાદતની આ રીતને જોઈને હું ખુશીથી ઝૂમી ઊઠ્‌યો અને અનૈચ્છિક રીતે ધીમે ધીમે તેમની નજીક જતો રહ્યો. આટલું બધું થયા પછી હું તેમના બિલકુલ નજીક પહોંચી ગયો અને ખુદાએ ઇચ્છ્યું કે તેમના મુખમાંથી નીકળેલા કેટલાક શબ્દો મારા કાન સુધી પહોંચે. તેથી મેં તેમના મુખમાંથી એક ઉત્તમ વાણી સાંભળી અને મારા મનમાં કહ્યું: તુફૈલ ! તારી માતા તારા પાછળ શોક કરે!. તું એક સમજદાર અને દીર્ઘદૃષ્ટિશાળી કવિ છે, વાણીની સુંદરતા અને કદરૂપતા તારા પર છુપાયેલી નથી. આખરે આ વ્યક્તિની વાતો સાંભળવામાં તને શું અડચણ આવે છે ? જો તેની વાતો સારી હશે તો સ્વીકારી લેજે અને જો ખરાબ હશે તો તેને છોડી દેજે.”

હઝરત તુફૈલ રદિ.આગળની વાતને વધારતા કહે છેઃ

“આ વિચાર કરીને હું ત્યાં જ અટકી ગયો. જ્યારે રસૂલુલ્લાહ ﷺ નમાઝથી ફારિગ થઈને પોતાના ઘર તરફ વળ્યા ત્યારે હું પણ તેમની પાછળ પાછળ થઈ ગયો અને જ્યારે તેઓ ઘરમાં દાખલ થયા ત્યારે હું પણ તેમના પાછળ અંદર ચાલ્યો ગયો અને તેમને કહ્યું કે, હે મુહમ્મદ (ﷺ)! તમારી કોમના લોકોએ મને તમારાથી દૂર રાખવા માટે તમારા વિશે મારી સાથે ઘણી બધી એવી વાતો કરી છે. તેઓ સતત મને તમારા ધર્મથી ડરાવતા રહ્યા, ત્યાં સુધી કે મેં તમારી વાતો ન સાંભળવાનો પાક્કો ર્નિણય કરી લીધો અને મારા કાન રૂથી ઢાંકી લીધા, જેથી ક્યાંક તમારી કોઈ વાત મારા કાનમાં ન પડી જાય. પરંતુ આ અલ્લાહની મરજી હતી કે તેણે મને તમારી વાતો સંભળાવી અને તે મને ખૂબ પસંદ આવી. તમે તમારો ધર્મ મને બતાવો. તેથી રસૂલુલ્લાહ ﷺએ પોતાની દા’વત મારી સામે રજૂ કરી અને મને સૂરઃઇખલાસ અને સૂરઃ-ફલક વાંચીને સંભળાવી. ખુદાની કસમ! એ પહેલાં મેં આવી વાણી અને કલામથી વધારે સારો કોઈ કલામ ન’હોતો સાંભળ્યો અને ન તો તેમની વાતોથી વધારે સારી કોઈ વાત જાણી હતી. મેં એ સમયે મારો હાથ આગળ વધારી દીધો અને કલ્મએ શહાદત પઢીને ઇસ્લામના વર્તુળમાં  દાખલ થઈ ગયો.”

પછી હું ઘણા દિવસો સુધી મક્કામાં રહ્યો. આ દરમિયાન મેં ઇસ્લામની તાલીમ મેળવી અને જેટલું શક્ય હતું કુર્આન કંઠસ્થ કર્યું. પછી જ્યારે મેં મારા કબીલા તરફ પાછા ફરવાનો ઇરાદો કર્યો ત્યારે મેં રસૂલુલ્લાહ ﷺને અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ﷺ! હું મારા કબીલાનો સરદાર છું. ત્યાં મારી વાતો માનવામાં આવે છે, હવે હું પાછો જઈને તેમને ઇસ્લામની દા’વત આપવા માંગું છું. આપ અલ્લાહ તઆલા પાસે દુઆ કરો કે તે મને કોઈ એવી નિશાની આપે જે મારી દા’વત માટે મદદરૂપ થાય, તો રસૂલુલ્લાહ ﷺએ દુઆ કરીઃ “અલ્લાહ! તુફૈલને કોઈ નિશાની બક્ષી દે.” ત્યારબાદ હું મારી કોમ તરફ ચાલ્યો ગયો. જ્યારે હું તેમની વસ્તી નજીક એક ઊંચા સ્થળે પહોંચ્યો ત્યારે મારી બંને આંખો વચ્ચે એક દીવા જેવી ચમક દેખાઈ. આ જોઈને મેં પ્રાર્થના કરી કે, હે અલ્લાહ! આને ચહેરા સિવાય કોઈ બીજી જગ્યાએ સ્થાણાંતરિત કરો. મને ડર હતો કે લોકો આને જોઈને સમજશે કે આ કોઈ સજા છે જે મને મારા પૂર્વજોનો ધર્મ છોડવાના ગુનાહમાં મળી છે. પછી તે પ્રકાશ ત્યાંથી સ્થળાંતરિત થઈને મારી લાકડીના છેડા પર આવી ગયો. અને જ્યારે હું પર્વતની ઊંચાઈથી નીચે ઊતરી રહ્યો હતો ત્યારે મારી લાકડીના છેડા પર ચમકતો તે પ્રકાશ લોકોને એક લટકતી દીવા જેવો દેખાતો હતો. જ્યારે નીચે ઉતરીને મારી કોમમાં પહોંચ્યો ત્યારે મારા પિતાજી જે ખૂબ નબળા થઈ ગયા હતા, મારી પાસે આવ્યા. મેં તેમને કહ્યું કે, પિતાજી! હું તમારાથી દૂર છું, હવે તમારી સાથે મારો કોઈ સંબંધ નથી રહ્યો. હું તમારો નથી અને તમે મારા નથી.”

“બેટા! તું શું કહી રહ્યો છે?” પિતાજીએ કહ્યું.

“હું મુસ્લિમ બની ગયો છું અને મેં મુહમ્મદ ﷺના દીનનું પાલન કરવાનું નક્કી કર્યું છે.” મેં જવાબ આપ્યો.

“બેટા, તેં જે દીન અપનાવ્યો છે તે હું પણ અપનાવું છું.” તેમણે કહ્યું.

“તો પહેલાં તમે જઈને ગુસ્લ કરી લો અને પોતાના કપડાં પાક કરીને આવો, જેથી હું તમને એ દીન શીખવી શકું જે મેં અપનાવ્યો છે.”  મેં કહ્યું:

પછી તે ઊઠ્‌યા, સ્નાન કર્યું અને પોતાના કપડાં પાક કરીને મારી પાસે આવ્યા. મેં તેમની સામે ઇસ્લામની દા’વત રજૂ કરી અને તેમણે ખૂબ ખુશીથી તેનો સ્વીકાર કરી લીધો.

પછી મારી પત્ની મારી પાસે આવી. “મેં તેને કહ્યું કે મારાથી દૂર રહે. હવે મારો અને તારો કોઈ સંબંધ નથી.”

“મારા માતા-પિતા તમારા પર ફિદા થાય, આવું કેમ?” તેણે આશ્ચર્યચક્તિ થઈને પૂછ્યું.

મેં કહ્યું કે, “દીને ઇસ્લામે તારા અને મારા વચ્ચે એક વિશાળ ખાડી ઊભી કરી દીધી છે. મેં ઇસ્લામ સ્વીકારી લીધો છે અને દીને ઇસ્લામનું પાલન કરૂં છું.”

તેણે કહ્યું કે, “જે દીન તમારો છે એ જ મારો પણ છે.”

મેં તેને કહ્યું કે “જા, જઈને ઝુશરાના કૂવામાં સ્નાન કરીને પાક થઈ જા. (ઝુશરા દૌસ કૂળના બુતનું નામ હતું, જેની પાસે એ કૂવો હતો જે પહાડની ઊંચાઈથી નીચે પડતો હતો.) તેણે કહ્યું કે મારા માતા-પિતા તમારા પર કુરબાન થાય. શું તમને ઝુશરા તરફથી બાળકોને કોઈ નુકસાન થવાનો ડર લાગે છે કે મને એ કૂવામાં સ્નાન કરવા માટે મોકલો છો? મેં કહ્યું કે તમારો અને ઝુશરાનો નાશ થાય, હું તમને કહું છું કે લોકોની નજરથી દૂર જઈને ત્યાં ગુસ્લ કરી લો. હું તમને એ વાતની ખાતરી આપું છું કે એ ર્નિજીવ પથ્થર આપણને કંઈ નુકસાન કરી શકશે નહીં.”

ત્યારબાદ તે ગઈ, સ્નાન કર્યું અને પછી મારી પાસે આવી ત્યારે મેં તેની સામે ઇસ્લામનું આમંત્રણ આપ્યું જેને તેણે કોઈ ચિંતા કર્યા વિના સ્વીકાર્યું. પછી મેં મારી કોમના લોકોને ઇસ્લામનું આમંત્રણ આપ્યું, પરંતુ અબૂ હુરૈરહ સિવાય બધાએ તેને સ્વીકારવામાં ઘણો સમય લીધો.

હઝરત તુફૈલ આ રસપ્રદ વાર્તાને નવા વળાંક પર લાવે છે.

“પછી હું અબૂ હુરૈરહ રદિ. સાથે મક્કા આવ્યો. જ્યારે રસૂલુલ્લાહ ﷺની ખિદમતમાં હાજર થયો તો આપ ﷺએ પૂછ્યું, “તુફૈલ, તારી પાછળ તારી કોમનો શું હાલ છે?” મેં કહ્યું, “તેમના દિલ પર એવો અંધકાર છવાયેલો છે કે જે હકને જોવામાં અવરોધ બને છે. તેઓ કુફ્રમાં ડૂબેલા છે. તેમના પર બગાવત અને નાફરમાની છવાયેલી છે.” આ સાંભળીને રસૂલુલ્લાહ ﷺ ઊભા થયા. પછી આપે વૂઝુ કર્યું અને બંને હાથ આકાશ તરફ ઉઠાવ્યા.

હઝરત અબૂ હુરૈરહ રદિ. કહે છે કે, “હું આપ ﷺને આ હાલતમાં જોઈને ખૂબ ચિંતિત થઈ ગયો હતો કે કદાચ તેઓ મારા કુળના લોકો માટે કોઈ ખરાબ દુઆ કરી બેસે અને તેઓ નાશ પામે. આથી મેં અજાણપણે કહી દીધું કે, ‘આહ! મારી કોમ!’ પરંતુ રસૂલુલ્લાહ ﷺએ બદ્‌દુઆ કરવાને બદલે કહેતા હતા કેઃ

અલ્લાહુમ્માહદિ દૌસન… અલ્લાહુમ્માહદિ દૌસન… અલ્લાહુમ્માહદિ દૌસન “અલ્લાહ! દૌસ કોમને હિદાયત આપ. અલ્લાહ! દૌસ કોમને હિદાયત આપે. અલ્લાહ! દૌસ કોમને હિદાયત આપ.” પછી આપ ﷺ તુફૈલ રદિ. તરફ વળીને ફરમાવ્યું કે, “તારી કોમમાં જા અને તેમની સાથે નરમીથી વર્તો અને તેમને ઇસ્લામ તરફ દા’વત આપ.”

ત્યારબાદ હું સતત દૌસ કબીલાના વિસ્તારમાં રહીને તેમને ઇસ્લામ તરફ દા’વત આપતો રહ્યો. જ્યાં સુધી કે રસૂલુલ્લાહ ﷺ મક્કાથી હિજરત કરીને મદીના મુનવ્વરા તશરીફ લઈ આવ્યા. અને એક પછી એક બદ્ર, ઉહુદ અને ખંદકના યુદ્ધો થઈ ગયા. અને જ્યારે હું આપ ﷺની સેવામાં હાજર થયો ત્યારે મારી સાથે દૌસ કબીલાના ઘણા પરિવારો હતા જેઓ ઇસ્લામ સ્વીકારી ચૂક્યા હતા અને તેઓ ઇસ્લામી શિક્ષણોથી શણગારાયેલા હતા. રસૂલુલ્લાહ ﷺ અમારાથી મળીને ખૂબ ખુશ થયા અને મુસ્લિમો સાથે ખૈબરના માલે-ગનીમતમાંથી અમને પણ હિસ્સો આપ્યો. અમે અર્જ કર્યું કે, હે અલ્લાહના રસૂલ ﷺ! આપ ફરમાવો કે અમને દરેક યુદ્ધમાં આપના લશ્કરના જમણા પક્ષે નિયુક્ત કરો અને અમારૂં એક વિશિષ્ટ નિશાન નક્કી કરો.”

હઝરત તુફૈલ રદિ. પોતાની વાર્તાના અંતિમ ભાગનું વર્ણન કરતાં કહે છે કેઃ

“ત્યારબાદ હું સતત રસૂલે કરીમ ﷺ સાથે રહ્યો, જ્યાં સુધી અલ્લાહ તઆલાએ આપને મક્કા પર વિજય અપાવ્યો. મક્કાના વિજય બાદ મેં નબી ﷺની બારગાહમાં અરજ કરી કે, હે અલ્લાહના રસૂલ ﷺ! મને ઉમર બિન હમ્માના બુત, ઝુલ્કફલને બાળવાની મુહિમ પર મોકલો. રસૂલુલ્લાહ ﷺએ મને આની પરવાનગી આપી. હું મારા કબીલાની  એક ટૂકડી લઈને રવાના થયો. જ્યારે હું તેની પાસે પહોંચ્યો અને તેને આગ લગાડવા માંગતો હતો ત્યારે ઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મારી આસપાસ એકઠા થઈ ગયા. તેઓ આ વાતની રાહ જોઈ રહ્યા હતા કે જો મેં ઝુલ્કફલને કોઈ નુકસાન પહોંચાડ્‌યું તો આકાશમાંથી વીજળી પડશે અને મને મારી નાખશે, પરંતુ હું તેના પૂજારીઓની સામે જ તેની તરફ વધ્યો અને આ કહેતાં તેને આગ લગાડી દીધીઃ

“હે હાથ ધરનાર! હું તારા ઉપાસકોમાંથી નથી. મારો જન્મ તારા જન્મ કરતાં ઉચ્ચ છે. મેં તારા હૃદયમાં આગ લગાડી છે.” અને આ મૂતિર્ આગમાં બળીને ખાખ થઈ ગઈ. તેની સાથે દૌસ કોમના ર્શિકના બાકી રહેલા તમામ અવશેષો પણ બળીને ખાખ થઈ ગયા. અને સમગ્ર કબીલો ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવા તૈયાર થઈ ગયો.”

હઝરત તુફૈલ રદિ. ત્યારબાદ હંમેશાં રસૂલુલ્લાહ ﷺ સાથે રહ્યા, જ્યાં સુધી કે આપ ﷺ વફાત ન પામી ગયા. અને જ્યારે તેમના સાથી હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. ખલીફા બન્યા, ત્યારે હઝરત તુફૈલ રદિ.એ પોતાને, પોતાની તલવારને અને પોતાના છોકરાને ખલીફાના આજ્ઞાપાલન કરવા માટે સમપિર્ત કરી દીધા. અને જ્યારે મુર્તદ્દો અને નુબુવ્વતનો જૂઠો દાવો કરનારાઓ સાથે યુદ્ધોનો સિલસિલો શરૂ થયો, ત્યારે હઝરત તુફૈલ રદિ.એ મુસૈલમા કઝ્‌ઝાબ સાથેના યુદ્ધ માટે જનારી ફૌજના અગ્રદૂતમાં સામેલ થઈ ગયા. યમામા જતાં રસ્તામાં તેમણે એક સ્વપ્ન જોયું. તેમણે પોતાના સાથીઓને કહ્યું કે મેં એક સ્વપ્ન જોયું છે, તમે તેનું અર્થઘટન જણાવો. સાથીઓએ સ્વપ્નની વિગતો પૂછી. તેમણે કહ્યું કે મેં જોયું કે મારૂં માથું મુંડાઈ ગયું છે, મારા મોંમાંથી એક પક્ષી નીકળ્યું, એક સ્ત્રીએ મને પોતાના પેટમાં દાખલ કરી લીધો અને એમ કે મારો પુત્ર અમ્રુ ઝડપથી મારા પાછળ આવી રહ્યો છે, પરંતુ મારા અને તેના વચ્ચે એક અવરોધ ઊભો થઈ ગયો અને તે મારા સાથે તેમાં દાખલ થવાથી રહી ગયો.”

સાથીઓએ કહ્યું: “આપનું આ સપનું ખૂબ સારૂં છે.” હઝરત તુફૈલ રદિ.એ કહ્યું કે મેં મારા પોતાની રીતે આ સપનાનું આવું અર્થઘટન કર્યું છે.

“મારૂં માથું મૂંડાવાનો અર્થ એ છે કે મારૂં માથું કાપવામાં આવશે, અને મોંમાંથી જે પક્ષી નીકળ્યું તેનો અર્થ મારી રૂહ છે, અને જે સ્ત્રીએ મને પોતાના પેટમાં રાખ્યો, એટલે કે મારી માતા, તેનો અર્થ મારી કબર છે, જેમાં હું દફનાવવામાં આવીશ, મને આશા છે કે મને શહાદત મળશે, અને મારા પુત્ર મારો પીછો કરી રહ્યો છે એનો અર્થ એ છે કે તે પણ શહાદત મેળવવા માટે મારી સાથે આવશે, પરંતુ તેને થોડા દિવસો પછી શહાદત મળશે.”

યમામાના યુદ્ધમાં આ મહાન સહાબી હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ.એ અદ્‌ભૂત શૌર્ય પ્રદશિર્ત કર્યું. તેઓ ઘાયલ થઈને પડી ગયા અને ઘાવની તીવ્રતા સહન ન કરી શકીને શહાદતનો દરજ્જો પ્રાપ્ત કર્યો. પરંતુ તેમના પુત્ર અમરુ બિન તુફૈલ યુદ્ધમાં સતત લડતા રહ્યા. ઘાથી થાકીને તેમનો જમણો હાથ કપાઈ ગયો, અને તેઓ પોતાના પિતા અને કપાયેલા હાથને યમામાની ધરતી પર છોડીને મદીના પાછા ફર્યા.

હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.ના ખિલાફતકાળ દરમિયાન એકવાર હઝરત અમ્રુ બિન તુફૈલ તેમની ખિદમતમાં હાજર થયા. તે જ સમયે હઝરત ઉમર રદિ.માટે ખાણું લાવવામાં આવ્યું. ત્યાં કેટલાક અન્ય લોકો પણ તેમની પાસે બેઠા હતા, તેમણે બધાને ખાવા માટે બોલાવ્યા, પરંતુ હઝરત અમ્રુ બિન તુફૈલ ખાવામાં સામેલ ન થયા, તેઓ કિનારે હટી ગયા હતા. હઝરત ઉમર રદિ.એ તેમને પૂછ્યું કે શું વાત છે? તમે ખાવામાં સામેલ કેમ ન થયા? કદાચ તમે તમારા કપાયેલા હાથ પર પસ્તાવો અનુભવી રહ્યા છો, અને ખાવામાં સામેલ થવાથી ડરી રહ્યા છો. તેમણે કહ્યું, જી હા, અમીરુલ મુમિનીન! આ સાંભળીને હઝરત ઉમર રદિ.એ કહ્યું કે ખુદાની કસમ ! જ્યાં સુધી તમે તમારો કપાયેલો હાથ આ ખાવામાં નહી  નાખો ત્યાં સુધી હું આને ચાખીશ નહીં. ખુદાની કસમ! અહીં તમારા સિવાય કોઈ એવું નથી કે જેનું કોઈ અંગ જન્નતમાં પ્રવેશે.

હઝરત અમ્રુ બિન તુફૈલ જ્યારથી પોતાના પિતાથી અલગ થયા હતા ત્યારથી એક સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા. જ્યારે યરમૂકનું યુદ્ધ થયું ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહથી તેમાં જોડાયા અને ખૂબ જ બહાદુરીથી લડ્‌યા. અંતે તેઓ શહાદતના મુકામને પ્રાપ્ત થયા, જેની ઇચ્છા તેમના પિતાએ તેમના હૃદયમાં ઉત્પન્ન કરી હતી. અલ્લાહ તઆલા હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ.પર રહમ ફરમાવે. તેમનો મરતબો એ છે કે તેઓ શહીદ છે અને એક શહીદના પિતા છે. 

______________________

મિસરના પ્રખ્યાત વિદ્વાન અને જાણીતા લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનું પુસ્તક *"صور من حياة الصحابة"* સાહિત્ય જગતમાં એક અનોખું અને અગ્રણી સ્થાન ધરાવે છે. આ પુસ્તકમાં લેખકે 58 સહાબા રદી.ના જીવનના વિવિધ પાસાઓ અને તેમના અનુપમ કારનામાઓ એવી રીતે રજૂ કર્યા છે કે સહાબા કિરામનો યુગ અને ઇસ્લામી ઇતિહાસનો એક મોટો ભાગ આપણી સામે આવી જાય છે. આ 58 સહાબા હજારો મહાન વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે તેમના સમયમાં રસૂલુલ્લાહ ﷺની દાવત પર ઇમાન લાવ્યા હતા, જે રસૂલુલ્લાહ ﷺની મદદ અને સમર્થન માટે ઊભા થયા હતા અને જેમણે પોતાનું જીવન અલ્લાહના કલમાને બુલંદ કરવા અને દીને ઇસ્લામને સ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું હતું. આ 58 સહાબાની સીરતમાં આપણે બધા સહાબા કિરામની ઇમાની શક્તિ, જાંબાજી, સબર, બહાદુરી અને અલ્લાહ અને રસૂલ ﷺ પ્રત્યેના તેમના પ્રેમની સુંદર અને મનમોહક તસવીરો જોઈ શકીએ છીએ.

______________________

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version